શું જુગાર રમવો પાપ છે?
શાસ્ત્રમાંથી જવાબ
જુગાર રમવો કે નહિ એ વિશે બાઇબલમાં વધારે માહિતી આપી નથી. પણ, બાઇબલમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે જુગાર રમવો ઈશ્વરની નજરમાં પાપ છે.—એફેસીઓ ૫:૧૭. a
લોકો લોભના લીધે જુગાર રમે છે. ઈશ્વર લોભને નફરત કરે છે. (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦; એફેસીઓ ૫:૩, ૫) જુગાર રમતા લોકો બીજાઓને નુકસાન પહોંચાડીને પૈસા કમાય છે. પણ બાઇબલ જણાવે છે કે બીજાઓની વસ્તુઓનો લોભ કરવો ખોટું છે.—નિર્ગમન ૨૦:૧૭; રોમનો ૭:૭; ૧૩:૯, ૧૦.
થોડા પૈસા માટે પણ જુગાર રમવાથી દિલમાં લાલચ પેદા થઈ શકે છે. પછીથી એનાં બહુ ખરાબ પરિણામો ભોગવવાં પડે છે.—૧ તિમોથી ૬:૯, ૧૦.
જુગાર રમતા લોકો મોટાભાગે અંધશ્રદ્ધા કે નસીબ પર ભરોસો કરે છે. પણ ઈશ્વરની નજરમાં એમાં માનવું એ એક રીતે મૂર્તિપૂજા છે. એ ઈશ્વરની ભક્તિનાં ધોરણોની વિરુદ્ધમાં છે.—યશાયા ૬૫:૧૧.
બાઇબલમાં નથી જણાવ્યું કે કંઈ પણ કામ કર્યા વગર બધું મેળવી લઈએ. પણ એ આપણને સખત મહેનત કરવાની સલાહ આપે છે. (સભાશિક્ષક ૨:૨૪; એફેસીઓ ૪:૨૮) જેઓ બાઇબલની સલાહ પાળે છે, તેઓ “પોતે કમાઈને ખાય” છે.—૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦, ૧૨.
જુગાર રમવાથી હરીફાઈની ખરાબ ભાવના પેદા થઈ શકે છે. બાઇબલમાં જણાવ્યું છે કે હરીફાઈ કરવી નહિ.—ગલાતીઓ ૫:૨૬.
a બાઇબલમાં જુગાર રમવા વિશે ફક્ત એક જ અહેવાલ જોવા મળે છે. એ અહેવાલમાં રોમન સૈનિકોએ ઈસુના કપડાં વહેંચી લેવા માટે “સિક્કા ઉછાળ્યા” હતા.—માથ્થી ૨૭:૩૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન; યોહાન ૧૯:૨૩, ૨૪.