ટૅટુ વિશે બાઇબલ શું કહે છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં ફક્ત એક જ વાર છૂંદણાં અથવા ટૅટુનો ઉલ્લેખ થયો છે, લેવીય ૧૯:૨૮માં. ત્યાં લખ્યું છે: “તમે તમારાં શરીર પર છૂંદણાં ન પડાવો.” એ આજ્ઞા ઈશ્વરે પોતાના ઇઝરાયેલી લોકોને આપી હતી. એ આજ્ઞાથી ઇઝરાયેલીઓને પોતાની આસપાસની પ્રજાઓથી અલગ રહેવા મદદ મળી. કેમ કે એ પ્રજાઓ તેઓના દેવોના નામનાં અથવા નિશાનીઓનાં છૂંદણાં કે ટૅટુ કરાવતી હતી. (પુનર્નિયમ ૧૪:૨) ભલે આજે ઈશ્વરભક્તો મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા નથી, પણ એમાં આપેલા સિદ્ધાંતોથી ઈશ્વરના વિચારો જાણવા મળે છે.
શું ઈશ્વરભક્તોએ ટૅટુ કરાવવું જોઈએ?
એ સવાલનો જવાબ જાણવા આ કલમો તમને મદદ કરશે:
‘સ્ત્રીઓ મર્યાદા રાખીને પોતાને શણગારે.’ (૧ તિમોથી ૨:૯) એ સિદ્ધાંત સ્ત્રીઓ અને પુરુષો બંનેને લાગુ પાડે છે. આપણો દેખાવ એવો ન હોવો જોઈએ કે બીજાઓની લાગણીઓ દુભાય અથવા તેઓનું ધ્યાન આપણા તરફ ખેંચાય.
અમુક લોકો એ બતાવવા ટૅટુ કરાવે છે કે તેઓ કોઈ ખાસ સમૂહનો ભાગ છે. બીજા અમુક લોકો ટૅટુથી એ સાબિત કરવા માંગે છે કે તેઓના શરીર પર તેઓનો હક છે, તેઓ પોતાના શરીર સાથે ચાહે એ કરી શકે છે. પણ બાઇબલમાં ઈશ્વરભક્તોને કહેવામાં આવ્યું છે: “પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો. તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.” (રોમનો ૧૨:૧) તમારી “સમજશક્તિનો” ઉપયોગ કરીને પારખો કે તમારે કેમ ટૅટુ કરાવવું છે. શું ટૅટુ કરાવવાનું કારણ એ છે કે તમે કોઈ ખાસ સમૂહનો ભાગ ગણાવવા માંગો છો કે પછી ફક્ત ફેશન માટે એમ કરાવવું છે? જો એમ હોય, તો યાદ રાખજો કે સમય જતાં તમારા વિચારો બદલાઈ શકે છે, પણ ટૅટુને ભૂંસાવી નહિ શકો, કેમ કે એ હંમેશ માટે રહે છે. એટલે તમારા ઇરાદાઓને પારખો, જેથી સારો નિર્ણય લઈ શકો.—નીતિવચનો ૪:૭.
“મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે, પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.” (નીતિવચનો ૨૧:૫) ઘણા લોકો ટૅટુ કરાવવાનો નિર્ણય ઉતાવળે લે છે, પણ પછી એની અસર નોકરી પર અને બીજાઓ સાથેના સંબંધ પર થાય છે. એટલું જ નહિ, ટૅટુ કઢાવવા ઘણા પૈસા ખર્ચવા પડે છે અને દર્દ પણ સહેવું પડે છે. ટૅટુ કઢાવવાનું કામ જે હદે મોટો વેપાર બની ગયો છે એનાથી અને અમુક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ટૅટુ કરાવનારા ઘણાને પછીથી પસ્તાવો થાય છે અને વિચારે છે, ‘કાશ, મેં ટૅટુ કરાવ્યું જ ન હોત!’