શું એક ઈશ્વરભક્ત સારવાર લઈ શકે?
શાસ્ત્રમાંથી જવાબ
હા. ઈસુએ કહ્યું હતું કે “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.” એ બતાવે છે કે તેમના શિષ્યો સારવાર લઈ શકે છે. (માથ્થી ૯:૧૨) ખરું કે, બાઇબલ સારવારને લગતું પુસ્તક નથી, પણ ઈશ્વરને ખુશ કરવા માંગતા લોકો માટે એમાં અમુક સિદ્ધાંતો આપ્યા છે.
પોતાને પૂછો
૧. મને જે સારવાર મળવાની છે, એના વિશે શું હું બધું જ જાણું છું? બાઇબલમાં સલાહ આપી છે કે “દરેક શબ્દ ખરો માની” લેવાને બદલે ભરોસાપાત્ર માહિતી શોધવી જોઈએ.—નીતિવચનો ૧૪:૧૫.
૨. શું મારે બીજા અમુક ડૉક્ટરોની પણ સલાહ લેવી જોઈએ? ‘ઘણા સલાહકારોની’ સલાહથી ફાયદો થાય છે, ખાસ કરીને ગંભીર બીમારી હોય ત્યારે.—નીતિવચનો ૧૫:૨૨.
૩. શું આ સારવારમાં કોઈ એવી વસ્તુનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી ‘લોહીથી દૂર રહેવાનો’ બાઇબલ સિદ્ધાંત તૂટતો હોય?—પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૦.
૪. શું મારા રોગના નિદાન કે સારવારમાં મેલીવિદ્યાનો ઉપયોગ કરવામાં આવશે? બાઇબલમાં જણાવ્યું છે કે “મેલીવિદ્યા” જેવાં કામોથી દૂર રહેવું જોઈએ. (ગલાતીઓ ૫:૧૯-૨૧) મેલીવિદ્યાનો ઉપયોગ થયો છે કે નહિ, એ જાણવા નીચેના સવાલો પર વિચાર કરો:
શું સારવાર કરનાર વ્યક્તિ મેલીવિદ્યા કરે છે?
શું તમારી સારવાર કરનાર વ્યક્તિ એવું માને છે કે તમે ભગવાનને નારાજ કર્યા છે અથવા તમારા દુશ્મનોએ જંતરમંતર કર્યું છે, એટલે તમે બીમાર છો?
દવા બનાવતી વખતે કે એનો ઉપયોગ કરતી વખતે, શું બલિદાન ચઢાવવામાં આવ્યા છે, મંત્રો બોલવામાં આવ્યા છે અથવા મેલીવિદ્યા સાથે જોડાયેલી બીજી કોઈ વિધિઓ કે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
૫. શું હું મારી તંદુરસ્તીની વધારે પડતી ચિંતા કરું છું? બાઇબલમાં સલાહ આપી છે: “તમે વાજબી છો, એની બધાને જાણ થવા દો.” (ફિલિપીઓ ૪:૫) વાજબી બનીશું તો “જે વધારે મહત્ત્વનું છે,” એના પર ધ્યાન આપી શકીશું. જેમ કે, ઈશ્વરની ભક્તિનાં કામોમાં વધારે સમય આપીશું.—ફિલિપીઓ ૧:૧૦; માથ્થી ૫:૩.