યુવાનો પૂછે છે
મને કેવાં કપડાં ગમે છે?
તમે કેવાં કપડાં પહેરો છો, એ વિશે તમારે કેમ ધ્યાન આપવું જોઈએ? કેમ કે કપડાં તમારા વિશે ઘણું બધું કહી જાય છે. તમારાં કપડાં જોઈને લોકોના મનમાં કેવો વિચાર આવે છે?
ફેશન વિશે ત્રણ મોટી ભૂલ અને એને કઈ રીતે ટાળી શકીએ?
ભૂલ #૧: જાહેરાતો જોઈને કપડાં પહેરવાં.
૧૯ વર્ષની ટેરેસા કહે છે: “મેં અમુક પ્રકારનાં કપડાંની એટલી બધી જાહેરાતો જોઈ છે કે હવે મને એવાં જ કપડાં ગમે છે. જ્યારે તમે લોકોને અમુક પ્રકારનાં કપડાં પહેરતા જુઓ છો, ત્યારે તમને પણ એવાં કપડાં પહેરવાનું મન થાય છે.”
એવું નથી કે ફક્ત છોકરીઓને જ જાહેરાતોની અસર થાય છે, છોકરાઓને પણ થાય છે. એક અંગ્રેજી પુસ્તક કહે છે: “છોકરીઓની જેમ છોકરાઓ પણ ફેશનની જાળમાં સહેલાઈથી ફસાઈ જાય છે. જાહેરાત બનાવનારાઓ નાનાં નાનાં બાળકોને પણ નથી છોડતા.”
આવું કંઈક કરો: બાઇબલમાં લખ્યું છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.” (નીતિવચનો ૧૪:૧૫) એ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને એ પારખતા શીખો કે જાહેરાતવાળાઓ હકીકતમાં શું વેચવા માંગે છે. દાખલા તરીકે, જો કોઈ જાહેરાત બતાવતી હોય કે આ કપડાં પહેરવાથી તમે “હોટ” અથવા “સેક્સી” દેખાશો, તો પોતાને આ સવાલો પૂછો:
‘એવી ફેશન અપનાવવાથી કોને ફાયદો થશે?’
‘જો હું એવાં કપડાં પહેરીશ, તો લોકો મને કેવી વ્યક્તિ ગણશે?’
‘શું હું લોકોના મનમાં એવી જ છાપ પાડવા માંગું છું?’
ફેશન ટિપ્સ: એક અઠવાડિયા માટે જ્યારે પણ તમે કપડાંની જાહેરાત જુઓ, ત્યારે પોતાને આ સવાલો પૂછો: તેઓ કેવા સંસ્કાર શીખવવા માંગે છે? શું તેઓ તમારા મનમાં એવું ઠસાવવા માંગે છે કે તમારે આ જ સ્ટાઇલનાં કપડાં પહેરવાં જોઈએ? ૧૮ વર્ષની કરેન કહે છે: “દરેક વખતે સૌથી સારા દેખાવાનું, સૌથી સારાં કપડાં પહેરવાનું અને ફિગરનો દેખાડો કરવાનું દબાણ હોય છે. જાહેરાતવાળાઓ જાણે છે કે યુવાનો આવું જ અનુભવતા હોય છે, એટલે તેઓ યુવાનોની લાગણીઓનો ફાયદો ઉઠાવતા હોય છે.”
ભૂલ #૨: બધા જેવા દેખાવા અમુક પ્રકારનાં કપડાં પહેરવાં.
૧૪ વર્ષનો મેન્યુલ કહે છે: “જ્યારે કોઈ નવી ફેશન આવે છે, ત્યારે બધા એને અપનાવી લે છે. જો કોઈ ન અપનાવે, તો લોકો તેની વાતો કરવા લાગે છે.” ૧૯ વર્ષની ઍનાને પણ એવું જ લાગે છે. તે કહે છે: “લોકો ફેશનને લીધે નહિ, પણ ટોળામાં ભળી જવા અમુક સ્ટાઇલનાં કપડાં પહેરે છે.”
આવું કંઈક કરો: બાઇબલમાં લખ્યું છે: “આ દુનિયાનું અનુકરણ કરવાનું બંધ કરો.” (રોમનો ૧૨:૨, ફૂટનોટ) એમ કરવાની એક રીત એ છે કે તમારાં કપડાં પર નજર કરો અને આ સવાલોનો વિચાર કરો:
‘હું કેમ આવાં કપડાં પહેરું છું?’
‘કોઈ જાણીતા ડિઝાઈનર કે બ્રાન્ડનાં કપડાં હોવાં જરૂરી છે?’
‘શું હું મારાં કપડાંથી લોકોને પ્રભાવિત કરવા માંગું છું?’
ફેશન ટિપ્સ: એવું ન વિચારો કે ફક્ત બે જ ઓપ્શન છે: એક, લેટેસ્ટ ફેશનનાં કપડાં (જે આજકાલ બધા પહેરે છે) અથવા બે, જૂની સ્ટાઇલનાં કપડાં (જે કોઈ નથી પહેરતું). આ ત્રીજા ઓપ્શનનો પણ વિચાર કરો: એવાં કપડાં પહેરો જે તમારા માટે આરામદાયક હોય અને તમને સંકોચ થતો ન હોય, પછી ભલેને એ જૂની સ્ટાઇલનાં હોય. જો તમે સહજ મહેસૂસ કરતા હો, તો લોકો શું કહેશે એની ચિંતા ન કરો.
ભૂલ #૩: એવું વિચારવું કે જેટલાં સેક્સી કપડાં પહેરીશું, એટલા સારા દેખાઈશું.
૧૮ વર્ષની જેનિફર કહે છે: “સાચું કહું, અમુક વાર મન થાય છે કે એકદમ ટાઇટ, ટૂંકાં કે અંગપ્રદર્શન કરતા કપડાં પહેરું.”
આવું કંઈક કરો: ‘તમારો શણગાર બહારનો ન હોય, પણ તમારો શણગાર અંદરનો હોય.’ (૧ પિતર ૩:૩, ૪) એ સલાહને ધ્યાનમાં રાખીને વિચારો કે તમારા માટે શું મહત્ત્વનું છે, સારા દેખાવું કે સારી વ્યક્તિ બનવું.
ફેશન ટિપ્સ: તમારો સૌથી સારો શણગાર મર્યાદા છે. ખરું કે, એ શબ્દ આજે બહુ સાંભળવા નથી મળતો. પણ જરા આનો વિચાર કરો:
શું તમે કદી કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરી છે, જે બહુ બોલતી હોય અને ફક્ત પોતાના વિશે બોલ્યા કરતી હોય? તે કદાચ લોકોને પોતાના તરફ ખેંચવા માંગે છે, પણ હકીકતમાં તેને ખ્યાલ નથી હોતો કે લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે.
જ્યારે તમે મર્યાદામાં રહીને શોભતાં કપડાં નથી પહેરતાં, ત્યારે તમે એ વ્યક્તિ જેવા બનો છો. તમારાં કપડાં જાણે તમારા વતી કહેતાં હોય, ‘મને જુઓ, મને જુઓ!’ એનાથી લોકોને લાગી શકે કે તમને તમારા દેખાવની ખૂબ ચિંતા છે અને તમે ફક્ત પોતાનો જ વિચાર કરો છો. બીજાઓને એવું પણ લાગી શકે કે તેઓનું ધ્યાન ખેંચવા તમે કંઈ પણ કરશો. એનાથી તો ખોટી નિયતવાળા લોકોનું ધ્યાન પણ તમારા તરફ જશે.
જો તમે ચાહતા હો કે એવા લોકોનું ધ્યાન તમારા તરફ ન ખેંચાય, તો મર્યાદામાં રહીને કપડાં પહેરો. ૧૮ વર્ષની મોનિકા કહે છે: “મર્યાદાનો અર્થ એ નથી કે તમે દાદીમા જેવાં કપડાં પહેરો. પણ એનો અર્થ એવો થાય કે તમારાં કપડાંથી બતાવી આપો છો કે તમે બીજાઓને માન આપો છો અને ચાહો છો કે તેઓ પણ તમને માન આપે.”