યુવાનો પૂછે છે
જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું
દોષની લાગણીઓનો સામનો કરવો
જાતીય અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિઓ પોતાની સાથે જે કંઈ બન્યું એ વિશે શરમ અનુભવતા હોય છે. એટલું જ નહિ, એ માટે પોતાને જ જવાબદાર ગણતા હોય છે. ૧૯ વર્ષની કૅરનનો વિચાર કરો. તે ૬ વર્ષની હતી ત્યારથી લઈને ૧૩ વર્ષની થઈ ત્યાં સુધી જાતીય અત્યાચારનો ભોગ બનતી રહી. તે કહે છે, ‘મને હંમેશાં એવું લાગે છે કે દોષ મારો છે. એ લાગણીનો સામનો કરવો ખૂબ અઘરું છે. મને થાય છે કે “મેં કેમ આટલા લાંબા સમય સુધી એ ચાલવા દીધું?”’
જો તમને પણ એવું લાગતું હોય, તો નીચે જણાવેલી બાબતો પર વિચાર કરો:
બાળકો શારીરિક કે માનસિક રીતે સેક્સ માટે તૈયાર હોતા નથી. તેઓને તો સેક્સનો અર્થ પણ ખબર હોતો નથી. એટલે એમ ન કહી શકાય કે તેઓએ ખુશીથી એ બાબતોની પરવાનગી આપી. આમ, બાળકોના જાતીય શોષણ માટે બાળકોને દોષ ન આપી શકાય.
બાળકો સહેલાઈથી મોટી વ્યક્તિઓ પર ભરોસો મૂકે છે. તેઓ ગંદા લોકોની ચાલાકીઓથી પણ અજાણ હોય છે. એટલે, તેઓ સહેલાઈથી મોટા લોકોનો શિકાર બની જાય છે. ધ રાઈટ ટુ ઇનોસન્સ નામનું પુસ્તક કહે છે, ‘બાળકો સાથે જાતીય અત્યાચાર કરનારાઓ “બહુ જ ચાલાક” હોય છે. ભોળાં બાળકો તેઓની કુયુક્તિઓ સામે કંઈ કરી શકતા નથી.’
જ્યારે કોઈ બાળક સાથે બળજબરી કરવામાં આવે, ત્યારે કદાચ એ સમયે તેની જાતીય ઇચ્છાઓ જાગી શકે. જો તમારી સાથે એવું થયું હોય તો, ખાતરી રાખો કે એમાં તમારો કોઈ દોષ નથી. હકીકતમાં આપણા શરીરને એ રીતે બનાવવામાં આવ્યું છે કે જો આપણાં અંગોને ખાસ રીતે પંપાળવામાં આવે, તો જાતીય ઇચ્છા આપોઆપ જાગી ઊઠે છે. પણ એનો અર્થ એમ નથી કે તમે એવા વર્તન માટે સહમત હતા અથવા એના માટે તમને દોષી ગણવામાં આવે.
સૂચન: જે ઉંમરે તમારું જાતીય શોષણ થયું હતું, એ ઉંમરના કોઈ બાળકને તમે જાણતા હો તો, એ બાળકનો વિચાર કરો, પોતાને પૂછો, “જો આ નાદાન બાળક સાથે કોઈ બળજબરી કરે, તો શું તેને દોષી ગણી શકાય?”
કૅરને એવું જ કર્યું. એ સમયે તે ત્રણ બાળકોની દેખરેખ રાખવાનું કામ કરતી હતી. એમાંથી એક બાળક લગભગ ૬ વર્ષનું હતું. એ જ વયે તો કૅરનનું જાતીય શોષણ થવાનું શરૂ થયું હતું. કૅરન કહે છે, ‘હવે મને અહેસાસ થાય છે કે આ ઉંમરે બાળકો કેટલાં લાચાર હોય છે. હું પણ એ ઉંમરે કેટલી લાચાર હતી.’
હકીકત: તમે નહિ, પણ તમારી સાથે બળજબરી કરનાર વ્યક્તિ જ જવાબદાર છે! બાઇબલ કહે છે: “ભૂંડાની ભૂંડાઈ તેને શિર રહેશે.”—હઝકીએલ ૧૮:૨૦.
કોઈ વિશ્વાસુ વ્યક્તિ આગળ પોતાનું દિલ ઠાલવો
પોતાની સાથે થયેલા અત્યાચાર વિશે વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવાથી રાહત મળી શકે છે. એનાથી તમારું મન હળવું થશે. બાઇબલ કહે છે: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭.
જે કંઈ બન્યું એ વિશે બીજાઓ સાથે વાત ન કરવામાં જ ભલાઈ છે, એવું માનવું સ્વાભાવિક છે. તમને વધારે દુઃખ ન પહોંચે એ માટે તમે કદાચ ચૂપ રહેવાનું પસંદ કરો. કદાચ તમે પોતાના ફરતે એવી દીવાલ ઊભી કરી દો, જેથી તમારું રક્ષણ થાય. પણ જરા વિચારો, જે દીવાલ તમે પોતાના રક્ષણ માટે ઊભી કરી છે, એ જ દીવાલ બીજાઓ માટે નડતર બની શકે અને તેઓ માટે તમને મદદ કરવી અઘરું બની શકે.
જેનેટ નામની એક યુવાન છોકરીનો વિચાર કરો. જ્યારે તેણે પોતાની સાથે થયેલા જાતીય અત્યાચાર વિશે પોતાની મમ્મીને જણાવ્યું, ત્યારે તેને ઘણી રાહત મળી. તે કહે છે, ‘મારું જાતીય શોષણ થયું ત્યારે હું બહુ નાની હતી. અને આવો અત્યાચાર એવી વ્યક્તિએ કર્યો, જેને હું ઓળખતી હતી, જેના પર હું ભરોસો કરતી હતી. મેં ઘણાં વર્ષો સુધી કોઈને કંઈ કહ્યું નહિ. પણ એક દિવસે જ્યારે મેં મારી મમ્મીને બધું જણાવી દીધું, ત્યારે જાણે મારા દિલ પરથી મોટો ભાર ઊતરી ગયો.’
પોતાના અનુભવથી હવે જેનેટ સમજી શકે છે કે શા માટે કેટલાક લોકો બીજાઓ સાથે વાત કરતા અચકાય છે. તે કહે છે, “તમે સહેલાઈથી કોઈને આ વિશે વાત ન કરી શકો. પણ મારા કિસ્સામાં, આ પીડા સહેવી મારા માટે ખૂબ જ અઘરી હતી. મારા માટે એ જ સારું હતું કે હું જેમ બને તેમ જલદી જ પગલાં લઉં.”
‘સાજા થવાનો સમય’
બની શકે કે જાતીય અત્યાચારના લીધે તમારા મનમાં પોતાના જ વિશે અમુક ખોટી માન્યતાઓ ઘર કરી જાય. જેમ કે, તમારું દિલ એટલી હદે ભાંગી ગયું છે કે એ ફરી કદી સાજું નહિ થાય, તમે સાવ નકામા છો અને ફક્ત બીજાઓની વાસના સંતોષવાનું સાધન છો. પણ એવાં જૂઠાણાંમાંથી બહાર નીકળો, કેમ કે આ ‘સાજા થવાનો સમય’ છે. (સભાશિક્ષક ૩:૩) કઈ બાબતો તમને સાજા થવા મદદ કરી શકે?
બાઇબલનો અભ્યાસ. બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. એ વિચારો ખૂબ જ “શક્તિશાળી” છે. એ દરેક પ્રકારની ઊંડી બાબતોને દૂર કરી શકે છે. હા, તમે પોતાના વિશેની ખોટી માન્યતાઓનાં જે મૂળ મનમાં નાખ્યાં છે, એને પણ જડમૂળથી ઉખેડી નાખી શકે છે. (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫) દાખલા તરીકે, અહીં આપવામાં આવેલી કલમો વાંચો અને એના પર મનન કરો: યશાયા ૪૧:૧૦; યિર્મેયા ૩૧:૩; માલાખી ૩:૧૬, ૧૭; લુક ૧૨:૬, ૭; ૧ યોહાન ૩:૧૯, ૨૦.
પ્રાર્થના. જ્યારે તમારું દિલ ડંખે, તમને લાગે કે તમે નકામા છો અને જે થયું એમાં તમારો દોષ છે, ત્યારે ‘તમારો બોજો યહોવા પર નાખો, એટલે તે તમને નિભાવી રાખશે.’ (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) ક્યારેય ન વિચારો કે તમે એકલા છો!
મંડળના વડીલો. આ ભાઈઓને ‘વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવા’ બનવાની તાલીમ આપવામાં આવી છે. (યશાયા ૩૨:૨) તેઓ તમારી મદદ કરી શકે છે, જેથી તમે પોતાના વિશે યોગ્ય વલણ રાખો, સારું વિચારો અને જીવનમાં આગળ વધી શકો.
સારી સંગતિ. એવાં ભાઈ-બહેનો પર ધ્યાન આપો, જેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલે છે. તેઓ એકબીજા સાથે કઈ રીતે વર્તે છે એ જુઓ. સમય જતાં, તમને અહેસાસ થશે કે બધા જ લોકો પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરતા નથી અથવા તેઓ જેઓને પ્રેમ કરે છે તેઓની સાથે ખોટી રીતે વર્તતા નથી.
તાન્યા નામની એક યુવાન બહેનને એવો જ અનુભવ થયો. તે નાની હતી ત્યારે, ઘણા માણસોએ તેને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી. તે કહે છે, “હું જે માણસોને સારી રીતે જાણતી હતી, તેઓએ જ મને પીડા આપી.” પણ સમય જતાં, તાન્યાને અહેસાસ થયો કે એવા પણ માણસો છે જેઓ બીજાઓને સાચો પ્રેમ બતાવે છે. એની તેને કઈ રીતે ખબર પડી?
તેણે એક યુગલ સાથે સંગતિ રાખવાનું શરૂ કર્યું, જે બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલતું હતું. તેઓની મિત્રતાને લીધે તે પોતાના વિચારોમાં ફેરફાર કરી શકી. તે કહે છે, ‘એ ભાઈ જે રીતે પોતાની પત્ની સાથે વર્તતા, એનાથી હું જોઈ શકી કે બધા જ પુરુષો જુલમી હોતા નથી. ઈશ્વર ચાહે કે પતિ પોતાની પત્નીની કાળજી રાખે અને તેનું રક્ષણ કરે. તે ભાઈ એવું જ કરતા હતા.’ a—એફેસીઓ ૫:૨૮, ૨૯.
a જો તમે ડિપ્રેશનનો શિકાર બનો, તમને ભૂખ ન લાગે, તમે પોતાને નુકસાન પહોંચાડો, નશો કરો, તમને ઊંઘ ન આવે કે આત્મહત્યા કરવાનો વિચાર આવે, તો સારું રહેશે કે તમે કોઈ ડૉક્ટરની મદદ લો.