યુવાનો પૂછે છે
કંટાળો આવે ત્યારે શું કરું?
વરસાદના કારણે ઘરમાંથી બહાર જઈ ન શકાય કે કરવા માટે કંઈ ન હોય તો અમુક લોકો કંટાળી જાય છે. તેઓ માટે એ સૌથી ખરાબ સમય હોય છે. રોબર્ટ કહે છે, “એવા સમયે હું ખાલી બેસી રહું છું. મને ખબર નથી પડતી કે હું શું કરું.”
શું તમને પણ કોઈવાર એવું લાગે છે? જો તમારો જવાબ હા હોય તો આ લેખ તમને મદદ કરશે.
તમારે શું જાણવું જોઈએ?
ફોન કે ટેબ્લેટ કદાચ સમસ્યા દૂર ન કરી શકે
સમય પસાર કરવાની એક રીત છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો. પણ જો તમે આખો વખત ઇન્ટરનેટ જ વાપર્યા કરશો તો તમે કશું નવું કરવાનું વિચારી નહિ શકો. એમ કરવાથી તો તમે થોડા સમયમાં કંટાળી જશો. ૨૧ વર્ષનો જેરેમી કહે છે, “તમને લાગશે કે તમે કંઈ વિચાર્યા વગર બસ એક સ્ક્રીન તાકી રહ્યા છો.”
એલીનાને પણ એવું લાગે છે. તે કહે છે, “ફોન કે ટેબ્લેટ વાપરવાની પણ અમુક હદ હોય. જો એના પર જ લાગેલા રહીશું તો આપણી આસપાસ શું થઈ રહ્યું છે એનું ભાન નહિ રહે. એટલે ફોન કે ટેબ્લેટ બંધ કર્યા પછી તો આપણને વધારે કંટાળો આવશે.”
સારું વલણ રાખીએ
કંટાળાથી બચવા ઘણું બધું કરવાની જરૂર નથી. જરૂરી એ છે કે તમે કોઈ પણ કામ મન લગાવીને કરો. દાખલા તરીકે, કેરેન પોતાના સ્કૂલના દિવસો યાદ કરતા કહે છે, “સ્કૂલમાં મારી પાસે ઘણું બધું કામ રહેતું, તોપણ મને કંટાળો આવતો. કેમ કે કોઈ કામમાં મારું મન જ ન‘તું લાગતું. જો તમે કંટાળાથી બચવા માંગતા હો તો દરેક કામ મન લગાવીને કરો.”
શું તમે જાણો છો? નવરાશનો સમય “બેકાર” બેસી રહેવા માટે નથી. નવરાશનો સમય ઉપજાઉ જમીન જેવો છે, જેમાં કંઈક નવું ઉગી શકે છે. તમે સમયનો સારો ઉપયોગ કરીને કશું નવું શીખી શકો છો.
તમે શું કરી શકો?
કંઈક નવું કરો. નવા દોસ્તો બનાવો. કંઈક નવું શીખો. નવી જાણકારી મેળવો. જેઓને અલગ અલગ બાબતો કરવી ગમતી હોય તેઓ એકલા હશે ત્યારે કંટાળશે નહિ કે બીજાઓ સાથે હશે ત્યારે પણ કંટાળાજનક બનશે નહિ.
બાઇબલ ધોરણ: “જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર.”—સભાશિક્ષક ૯:૧૦.
“મેં હાલમાં જ મેન્ડરીન ચાઇનીઝ ભાષા શીખવાનું શરૂ કર્યું છે. દરરોજ એની પ્રેક્ટિસ કરવાથી મને થયું કે આવી બાબતો શીખવામાં મોડું ન‘તું કરવું જોઈતું. મને આ ભાષા શીખવામાં બહુ મજા આવે છે. મારું મન એમાં જ પરોવેલું રહે છે અને હું સમયનો સારો ઉપયોગ કરી શકું છું.”—મેલિન્ડા.
કોઈ કામ કરતા પહેલાં એનું કારણ વિચારો. જ્યારે તમે વિચારશો કે કોઈ કામ તમે કેમ કરો છો અને એ કરવાથી શું ફાયદો થશે ત્યારે એ કામ કરવાની મજા આવશે. અરે, સ્કૂલનું હોમવર્ક કરવામાં પણ તમને કંટાળો નહિ આવે.
બાઇબલ ધોરણ: “પોતાની મહેનતનો આનંદ માણવો એ સિવાય માણસ માટે બીજું કંઈ સારું નથી.”—સભાશિક્ષક ૨:૨૪.
“મેં આખું વર્ષ કંઈ વાંચ્યું નો‘તું એટલે એક્ઝામ પહેલા હું દરરોજ ૮ કલાક વાંચતી. એટલું વાંચવા છતાંય હું કંટાળતી નો‘તી. કારણ કે મેં એક્ઝામમાં પાસ થવાનું નક્કી કર્યું હતું. એટલે હું મહેનત કરવા માંગતી‘તી.”—હૈના.
જે બદલવું તમારા હાથમાં ન હોય એનો વિચાર ન કરો. અમુક કામ કરવા ગમે, પણ એ કામની અમુક બાબતો કરવી ન ગમે. એ સમયે ઉદાસ ન થઈએ. કદાચ તમે દોસ્તો સાથે મળીને કોઈ પ્લાન કર્યો હોય પણ છેલ્લી ઘડીએ તેઓ પ્લાન કેન્સલ કરે. હવે તમારી પાસે કરવા માટે કંઈ નથી. એવામાં નિરાશ ન થશો પણ ખુશ રહો.”
બાઇબલ ધોરણ: “ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.”—નીતિવચનો ૧૫:૧૫.
“મારી બહેનપણીએ કહ્યું કે એકલતાની પળો માણવાનું મારે શીખવું જોઈએ. તેણે કહ્યું કે આપણે બીજાઓ સાથે જ નહિ, પોતાની સાથે પણ સમય વિતાવવો જોઈએ. દરેકે એ શીખવું જોઈએ, કારણ કે જીવનમાં એ બહુ કામ આવે છે.”—આઇવી.