શું તમે જાણો છો?
શું બાઇબલના અહેવાલને પુરાતત્ત્વશાસ્ત્ર ટેકો આપે છે?
બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યુ નામના મૅગેઝિનના એક લેખમાં જણાવ્યું હતું: પુરાતત્ત્વશાસ્ત્રીઓને ખોદકામ કરતી વખતે અમુક વસ્તુઓ મળી છે. એના આધારે હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જણાવેલી “ઓછામાં ઓછી ૫૦” વ્યક્તિઓના અસ્તિત્વની સાબિતી મળી છે. એ શોધખોળમાં યહુદા અને ઇસ્રાએલના ૧૪ રાજાઓનાં નામ મળી આવ્યાં છે. એમાં દાઊદ અને હિઝકીયા જેવા જાણીતા રાજાઓનાં નામ તેમજ મનાહેમ અને પેકાહ જેવા ઓછા જાણીતા રાજાઓનાં પણ નામ છે. એ યાદીમાં ઇજિપ્તના પાંચ રાજાઓ ઉપરાંત આશ્શૂર, બાબેલોન, મોઆબ, ઈરાન અને અરામના (સીરિયા) ૧૯ રાજાઓનાં નામ પણ છે. એ યાદીમાં રાજાઓનાં જ નહિ પણ, પ્રમુખ યાજકો, સાદુકીઓ અને બીજા અમલદારોનાં નામ પણ છે, જેઓનો ઉલ્લેખ બાઇબલમાં થયો છે.
એ જ લેખમાં જણાવ્યું છે: એ બધા લોકોની ઓળખ માટે ‘ખાસ્સા એવા નિષ્ણાતો એકમત છે.’ ખરું કે, ગ્રીક શાસ્ત્રવચનોમાં જણાવેલી ઘણી વ્યક્તિઓની સાબિતી પુરાતત્ત્વશાસ્ત્રીઓએ આપી છે. જેમ કે, હેરોદ, પોંતિયસ પીલાત, તીબેરિયસ કાઈસાર, કાયાફા અને સર્જીઅસ પાઊલ.
બાઇબલમાં જણાવેલા વિસ્તારોમાંથી સિંહો ક્યારે લુપ્ત થઈ ગયા?
બાઇબલમાં આશરે ૧૫૦ વખત સિંહનો ઉલ્લેખ થયો છે. એ બતાવે છે કે બાઇબલ લેખકો સિંહથી જાણીતા હતા. જોકે, આજે ત્યાં સિંહો જોવા મળતા નથી. ખરું કે, બાઇબલ લેખકોએ મોટા ભાગે સિંહનો ઉલ્લેખ કંઈક દર્શાવવા કર્યો હતો. તોપણ, કેટલીક વાર વ્યક્તિઓએ ખરેખર સિંહનો સામનો કર્યો હતો. દાખલા તરીકે, શામશૂન, દાઊદ અને બનાયાહે સિંહોને મારી નાખ્યા હતા. (ન્યાયાધીશો ૧૪:
પ્રાચીન સમયમાં, એશિયા માઈનોર, ગ્રીસ, પેલેસ્તાઈન, સીરિયા, મેસોપોટેમિયા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સિંહો જોવા મળતા હતા. ત્યાંના લોકો એનાથી ડરતા હોવાથી એને મહત્ત્વ આપતા. તેઓની કલાકૃતિઓમાં એના ચિત્રો જોવાં મળતાં. પ્રાચીન બાબેલોનના મુખ્ય માર્ગની દીવાલ પર રંગીન ઈંટો દ્વારા બનાવેલી સિંહની અદ્ભૂત આકૃતિ જોવા મળે છે.
૧૨મી સદીના અંત ભાગમાં ધર્મઝનૂની લોકોએ પેલેસ્તાઈનમાં સતત સિંહનો શિકાર કર્યો હોય એવા ઉલ્લેખ જોવા મળે છે. આશરે ૧૩૦૦ની સાલમાં એ વિસ્તારમાંથી સિંહો લુપ્ત થઈ ગયા હોય એવું લાગે છે. જોકે, મેસોપોટેમિયા અને સીરિયાના વિસ્તારોમાં ૧૯મી સદી સુધી તેમજ ઈરાન અને ઇરાકમાં ૨૦મી સદીની શરૂઆત સુધી સિંહો જોવા મળ્યા હતા. (w૧૫-E ૦૫/૦૧)