બાઇબલ જીવન સુધારે છે
હું બંદૂક વગર ક્યાંય ન જતો
-
જન્મ: ૧૯૫૮
-
દેશ: ઇટાલી
-
પહેલાં કેવા હતા: ખતરનાક ટોળકીના સભ્ય
મારો ભૂતકાળ:
મારો જન્મ અને ઉછેર રોમના એક શહેરમાં થયો હતો. અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકો ગરીબ હોવાથી જીવન જીવવું ઘણું અઘરું હતું. હું મારી અસલ માતાને ઓળખતો ન હતો. પિતા સાથે પણ મારું બહુ બનતું નહિ. આસપાસના લોકો ખૂબ ખરાબ હોવાથી એવા વાતાવરણમાં કઈ રીતે ટકી રહેવું એ હું શીખ્યો.
દસ વર્ષની ઉંમરે હું ચોરી કરવા લાગ્યો. ૧૨ વર્ષની ઉંમરે પહેલી વાર ઘર છોડીને ભાગી ગયો. મારા પિતા મને ઘણી વાર પોલીસ સ્ટેશનથી છોડાવતા અને ઘરે લઈ જતા. મારો સ્વભાવ હિંસક હોવાથી મને લોકો પર બહુ ગુસ્સો આવતો અને તેઓ સાથે હું કાયમ ઝઘડતો. ૧૪ વર્ષની ઉંમરે મેં કાયમ માટે ઘર છોડી દીધું. મેં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું અને ફૂટપાથ પર રહેવા લાગ્યો. સૂવા માટે કોઈ જગ્યા મળતી ન હોવાથી હું લોકોની કારના દરવાજા તોડીને એમાં સૂઈ રહેતો અને વહેલી સવારે નીકળી જતો. પછી, નહાવા માટે ફુવારો શોધતો.
ચોરી કરવી મારા માટે રમત વાત હતી. પાકીટ મારવું, રાત્રે ઍપાર્ટમેન્ટ કે બંગલાઓમાં ચોરી કરવી મારા માટે રોજનું હતું. એવું કરવામાં હું નામચીન હતો. એટલે, ગુંડાઓની એક ટોળકીએ તેઓ સાથે જોડાવા મને આમંત્રણ આપ્યું. પછી તેઓ સાથે હું બૅન્કો લૂંટવા લાગ્યો. મારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે ટોળકીમાં મારું માન વધ્યું. હું બંદૂક વગર ક્યાંય ન જતો. અરે, સૂતી વખતે પણ મારા તકિયા નીચે એ રાખતો. મારામારી, ચોરી, ડ્રગ્સ લેવા, ગાળો બોલવી અને અશ્લીલ કામો મારા જીવનનો ભાગ બની ગયા હતા. પોલીસ હંમેશાં મારો પીછો કરતી. ઘણી વાર હું જેલમાં જતો અને છૂટતો. આવું તો ઘણાં વર્ષો સુધી બન્યું.
બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
એક વાર જેલમાંથી છૂટીને હું મારા માસીને મળવા ગયો. ત્યારે ખબર પડી કે માસી અને તેમનાં દીકરા-દીકરી યહોવાના સાક્ષી બન્યાં છે. તેમણે મને સભામાં આવવા આમંત્રણ આપ્યું. ફક્ત જિજ્ઞાસાને લીધે મેં ત્યાં જવાનું નક્કી કર્યું. રાજ્યગૃહમાં દરવાજા પાસેની ખુરશીમાં બેસવાનું મેં પસંદ કર્યું, જેથી આવતા જતા લોકો પર નજર રાખી શકું. જોકે, ત્યારે પણ બંદૂક મારી પાસે હતી.
એ સભાથી મારું જીવન બદલાઈ ગયું. હું જાણે બીજી જ દુનિયામાં આવી ગયો હોઉં, એવું લાગ્યું. બધા મને પ્રેમથી મળતા. તેઓના ચહેરા પર ખુશી વર્તાતી હતી. તેઓનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહિ શકું. તેઓની અને મારી દુનિયામાં આભ જમીનનો ફેર હતો!
પછી, યહોવાના સાક્ષીઓ પાસેથી હું બાઇબલમાંથી શીખવા લાગ્યો. હું શીખતો ગયો, તેમ લાગ્યું કે મારે સુધારો કરવાની જરૂર છે. મેં નીતિવચનો ૧૩:૨૦ની સલાહ લાગુ પાડી, જે કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” મને સમજાયું કે મારે એ ટોળકી છોડવી જોઈએ. જોકે, મારા માટે એ સહેલું ન હતું. પણ, યહોવાની મદદથી એ શક્ય બન્યું.
જીવનમાં પહેલી વાર મેં સુધારો કરવાનું શરૂ કર્યું
જીવનમાં મેં ઘણા ફેરફારો કર્યા. ધૂમ્રપાન અને ડ્રગ્સ છોડવાં મારે ઘણી મહેનત કરવી પડી. મેં લાંબા વાળ કપાવી નાખ્યાં, કાનની બુટ્ટી કાઢી નાખી અને ગાળો બોલવાનું બંધ કર્યું. જીવનમાં પહેલી વાર મેં સુધારો કરવાનું શરૂ કર્યું.
મને વાંચવા-લખવાનું ક્યારેય ન ગમતું. તેથી, બાઇબલનો અભ્યાસ કરવો મારા માટે ઘણું અઘરું હતું, પણ એમ કરવા મેં ઘણી મહેનત કરી. ધીમે ધીમે યહોવા માટે મારો પ્રેમ વધવા લાગ્યો. તોપણ, મારું અંતઃકરણ ડંખતું. કોઈ વાર મને થતું કે હું નકામો છું અને મારા ખરાબ કામોને લીધે યહોવા ક્યારેય માફ નહિ કરે. એ સમયે હું બાઇબલમાંથી ઈશ્વરભક્ત દાઊદ રાજાનો અહેવાલ વાંચતો. દાઊદે ગંભીર પાપ કર્યા હોવા છતાં યહોવાએ તેમને માફ કર્યાં હતા. એ વાંચીને મને ઘણો દિલાસો મળ્યો.—૨ શમૂએલ ૧૧:૧–૧૨:૧૩.
બીજું કે, બાઇબલમાંથી જે શીખ્યો એ ઘરેઘરે જઈને લોકોને પ્રચાર કરવો મારા માટે બહું જ અઘરું હતું. (માથ્થી ૨૮:૧૯, ૨૦) મને હંમેશાં ડર રહેતો કે મેં હેરાન કર્યા છે તેઓને પ્રચારકામમાં મળીશ તો શું થશે! સમય જતાં, એ ડર પર હું જીત મેળવી શક્યો. ઉદારતાથી માફ કરનાર ઈશ્વર વિશે બીજાઓને શીખવવામાં મને હવે ઘણો સંતોષ મળે છે.
મને કઈ રીતે ફાયદો થયો:
યહોવા વિશે શીખવાથી મારું બચી ગયું. મારા મોટા ભાગના જૂના સાથીઓ મરણ પામ્યા છે અથવા જેલમાં છે. જ્યારે કે, હું મારા જીવનથી ખુશ છું અને સુંદર ભાવિની આશા રાખું છું. બાઇબલના શિક્ષણથી હું નમ્ર બનવાનું, આજ્ઞા પાળવાનું અને ગુસ્સા પર કાબૂ રાખવાનું શીખ્યો છું. એટલે મારા પડોશીઓ સાથે હવે સારો સંબંધ જાળવી શકું છું. મેં કાર્મેન સાથે લગ્ન કર્યા અને તેની સાથે હું ઘણો ખુશ છું. બીજાઓને બાઇબલમાંથી શીખવવામાં અમને બંનેને ઘણો આનંદ મળે છે.
હવે હું પ્રમાણિકતાથી કામ કરું છું. મને ઘણી વાર બૅંકમાં જવાનું થાય છે, લૂંટવા નહિ પણ સફાઈ કામ કરવા. (w14-E 07/01)