બાઇબલ સવાલોના જવાબ
ઈશ્વર વિશે આપણે શું શીખી શકીએ?
ઈશ્વર અદૃશ્ય છે, તે આપણી જેમ હાડ-માંસના બનેલા નથી. તેમણે આકાશ, પૃથ્વી અને સઘળી ચીજ વસ્તુઓ બનાવી છે. ઈશ્વરને કોઈએ બનાવ્યા નથી, તેમની કોઈ શરૂઆત નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૨) ઈશ્વર ચાહે છે કે લોકો તેમને શોધે અને તેમના વિશે સત્ય જાણે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૨૭ વાંચો.
આપણે ઈશ્વરનું નામ જાણી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓનો વિચાર કરીને પણ તેમના ગુણો પારખી શકીએ છીએ. (રોમનો ૧:૨૦) પણ, ઈશ્વરને ઓળખવા આપણે તેમના વચન, બાઇબલનો અભ્યાસ કરવાની જરૂર છે. એનાથી આપણે ઈશ્વરના સ્વભાવ વિશે જાણી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૦૩:૭-૧૦ વાંચો.
અન્યાય વિશે ઈશ્વરને કેવું લાગે છે?
આપણા સર્જનહાર યહોવા અન્યાયને ધિક્કારે છે. (પુનર્નિયમ ૨૫:૧૬) તેમણે માણસોને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. એટલે જ, મોટા ભાગના લોકો પણ અન્યાયને નફરત કરે છે. આપણી આજુબાજુ જોવા મળતા અન્યાય માટે ઈશ્વર જવાબદાર નથી. ઈશ્વરે માણસોને પસંદગી કરવાનો હક્ક આપ્યો છે. પરંતુ, દુઃખની વાત છે કે ઘણા લોકો એ હક્કનો દુરુપયોગ કરે છે અને અન્યાય આચરે છે. એનાથી યહોવાને ખૂબ દુઃખ થાય છે.—ઉત્પત્તિ ૬:૫, ૬; પુનર્નિયમ ૩૨:૪, ૫ વાંચો.
યહોવા ન્યાયને ચાહે છે અને તે કાયમ માટે અન્યાય નહિ ચાલવા દે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૮, ૨૯) બાઇબલ વચન આપે છે કે, ઈશ્વર જલદી જ અન્યાયનો અંત લાવશે.—૨ પીતર ૩:૭-૯, ૧૩ વાંચો. (w14-E 01/01)
બાઇબલ વચન આપે છે કે, ઈશ્વર જલદી જ બધાને ન્યાય આપશે