સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૨: મરણ પછી મારું શું થશે?

સવાલ ૨: મરણ પછી મારું શું થશે?

રોમન જ્યારે નાના હતા ત્યારે તેમનો ખાસ મિત્ર કાર ઍક્સિડન્ટમાં ગુજરી ગયો. તે જણાવે છે: ‘મિત્રના મરણની મારા પર ઊંડી અસર થઈ. એ ઍક્સિડન્ટનાં વર્ષો પછી પણ હું વિચાર્યા કરતો કે મરણ પછી આપણું શું થાય છે?’

આવો સવાલ થાય એ કેમ સ્વાભાવિક છે?

ઘણાને મરણ સ્વીકારવું અઘરું લાગે છે. આપણે ભલે ગમે એ ઉંમરના હોઈએ, પણ મરવું પસંદ નથી. મરણ પછી શું થાય છે એનાથી ઘણાને બીક લાગે છે.

અમુક કેવા જવાબ આપશે?

ઘણા માને છે કે મરણ પછી વ્યક્તિમાં એવું કંઈક હોય છે, જે જીવે છે. તેઓ માને છે કે સારા લોકોને સ્વર્ગમાં જીવન મળશે, પણ ખરાબ કામ કરનારને કાયમ માટેની સજા મળશે. બીજા અમુક માને છે કે મરણ પછી વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે અને સમય જતા તે સાવ ભૂલાઈ જાય છે.

એ જવાબ શું બતાવે છે?

પહેલો જવાબ એમ બતાવે છે કે મરણ પછી વ્યક્તિમાં કંઈક બાકી રહે છે. બીજો જવાબ બતાવે છે કે જીવનનો કોઈ હેતુ નથી. જેઓ માને છે કે જીવનનો કોઈ હેતુ નથી, તેઓ આવું વલણ રાખતા હોય છે: ‘ખાઓ તથા પીઓ, કેમ કે કાલે મરવાના છીએ.’—૧ કોરીંથી ૧૫:૩૨.

બાઇબલ શું શીખવે છે?

બાઇબલ એમ શીખવતું નથી કે મરણ પછી વ્યક્તિમાં કંઈ બચે છે. ઈશ્વરે રાજા સુલેમાનને લખવા પ્રેરણા આપી: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) ગુજરી ગયેલી વ્યક્તિ “કંઈ જાણતી નથી,” એટલે કે તે કંઈ જ અનુભવી શકતી નથી કે આસપાસ શું થઈ રહ્યું છે. તેઓ કંઈ જ કરી શકતા નથી. ગુજરી ગયેલા લોકો કોઈને મદદ કે નુકસાન કરી શકતા નથી.

લોકોની માન્યતા ભલે ગેમ એ હોય, પણ ઈશ્વરનો કદી એવો હેતુ ન હતો કે મનુષ્યો મરણ પામે. તેમણે પ્રથમ પુરુષ આદમને પૃથ્વી પર હંમેશ માટે રહેવા બનાવ્યો હતો. ઈશ્વરે આદમને જણાવ્યું હતું કે આજ્ઞા નહિ માનવાનું પરિણામ મરણ હશે. આ એક જ વખતે ઈશ્વરે મરણનો ઉલ્લેખ કર્યો હતો. ઈશ્વરે આદમને એક ઝાડનું ફળ ખાવાની મનાઈ કરી હતી. તેમ જ, ચેતવણી આપી હતી કે જો એ ખાશે તો “મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૭) જો આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા માની હોત, તો તેઓ અને તેમનાં દ્વારા આવેલાં બધાં મનુષ્યો પૃથ્વી પર હંમેશ માટે જીવી શક્યા હોત.

આદમે ઈશ્વરની ચેતવણીની અવગણના કરી. તેણે ઈશ્વરની આજ્ઞા તોડી, એ પાપ હતું એટલે તે મરણ પામ્યો. (રોમનો ૬:૨૩) મરણ પછી આદમ સાવ ખતમ થઈ ગયો, તેનામાંથી કંઈ બચ્યું નહિ. ઈશ્વરે આદમને કહ્યું: “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) સર્વ મનુષ્ય આદમમાંથી આવતા હોવાથી, બધાને તેની પાસેથી વારસામાં પાપ અને મરણ મળ્યું છે.—રોમનો ૫:૧૨.

આદમે ઈશ્વરની આજ્ઞા ન માની તોપણ, ઈશ્વર પોતાના હેતુ પ્રમાણે પૃથ્વીને તેના વંશજોથી ભરી દેશે, જેઓમાં પાપ કે મરણની અસર નહિ હોય. (ઉત્પત્તિ ૧:૨૮; યશાયા ૫૫:૧૧) જેઓ ગુજરી ગયા છે તેઓને યહોવા ઈશ્વર જલદી જીવતા કરશે. એ સમય વિશે જણાવતા ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘ન્યાયીઓ તથા અન્યાયીઓને સજીવન કરવામાં આવશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

આ લેખની શરૂઆતમાં જણાવેલા રોમને બાઇબલનો અભ્યાસ કર્યો. એમાંથી તે મરણ અને યહોવા ઈશ્વર વિશે શીખ્યા. તેમને જે જાણવા મળ્યું એની તેમના પર ઊંડી અસર થઈ. (w12-E 11/01)