સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈબ્રાહીમ નમ્ર હતા

ઈબ્રાહીમ નમ્ર હતા

ઈબ્રાહીમ નમ્ર હતા

સખત તાપથી બચવા ઈબ્રાહીમ તંબૂમાં બેસીને આરામ લઈ રહ્યા છે. એવામાં તેમને દૂરથી ત્રણ વ્યક્તિઓ આવતા દેખાય છે. * અચકાયા વગર તે અજાણ્યાઓને મળવા દોડે છે. તેઓને આગ્રહ કરે છે કે પોતાને ત્યાં આવીને થોડો આરામ અને નાસતો-પાણી કરે. તે શરૂઆતમાં તેઓને “થોડી રોટલી” પીરસે છે. પછી મિજબાની માટે તાજી રોટલી, માખણ, દૂધ અને કુમળા વાછરડાંનું માંસ તૈયાર કરે છે. ઈબ્રાહીમે અજાણ્યાઓને જબરજસ્ત મિજબાની આપી. એ પણ નમ્રભાવથી. એના વિષે વધારે આપણે આગળ જોઈશું.—ઉત્પત્તિ ૧૮:૧-૮.

નમ્રતા શાને કહેવાય? અભિમાન કે અહમ જેવું કંઈ ન હોય એને નમ્રતા કહેવાય. નમ્ર વ્યક્તિ સ્વીકારે છે કે બધા જ તેના કરાતાં કોઈને કોઈ રીતે ચઢિયાતા છે. (ફિલિપી ૨:૩) તે બીજાઓના સૂચનો સ્વીકારવા તૈયાર હોય છે. બીજાની સેવામાં ઊતરતું કામ કરવા પણ રાજી હોય છે.

ઈબ્રાહીમે કઈ રીતે નમ્રતા બતાવી? તેમણે રાજીખુશીથી બીજાઓની સેવા કરી હતી. આગળ જોયું તેમ ઈબ્રાહીમે દૂરથી ત્રણ અજાણ્યાઓને જોઈને, તેઓને મહેમાનગીરી બતાવવા તરત જ ગોઠવણ કરવા લાગ્યા. તેમની પત્ની સારાહે પણ ફટાફટ રસોઈ બનાવવાનું શરૂ કર્યું. મોટા ભાગે કોણે બધું કામ કર્યું એની નોંધ લો: ઈબ્રાહીમ દોડીને મહેમાનોને મળવા ગયા. તેઓને નાસતો-પાણી આપ્યા, રાંધવા માટે દોડીને ઢોરમાંથી કુમળું વાછરડું પસંદ કરીને કાપ્યું. મહેમાનોને ખાવાનું પીરસ્યું. તેમણે પોતાના દાસોને એ બધું કામ સોંપવાને બદલે ખુદ નમ્રભાવે કર્યું. તેમણે એમ ન વિચાર્યું કે આવા કામ મારાથી ન થાય.

ઈબ્રાહીમે પોતાના હાથ નીચેની વ્યક્તિનું પણ નમ્રભાવે સાંભળ્યું. તેમણે સારાહ સાથે જે વાતચીત કરી હતી, એમાંની અમુક જ બાઇબલમાં લખવામાં આવી છે. બે વાર જોવા મળે છે કે ઈબ્રાહીમે સારાહની વાત માની હતી. (ઉત્પત્તિ ૧૬:૨; ૨૧:૮-૧૪) જોકે, એક વખતે તો સારાહની વાત માનવી ‘ઈબ્રાહીમ માટે બહુ અઘરી’ હતી. પણ જ્યારે યહોવાહે તેમને સારાહનું સાંભળવા કહ્યું, ત્યારે નમ્રભાવે તેમણે એમ કર્યું.

એમાંથી આપણે શું શીખી શકીએ? આપણે નમ્ર હોઈશું તો રાજીખુશીથી બીજાની સેવા કરીશું. બીજાના ભલા માટે થઈ શકે એ બધું જ કરવાનો આનંદ માણીશું.

કોઈના સલાહ-સૂચનો સાંભળીને પણ આપણે નમ્રતા બતાવી શકીએ છીએ. કોઈ સારી સલાહ આપે તો એની અવગણના ન કરીએ, પણ તેઓનું સાંભળીએ. (નીતિવચનો ૧૫:૨૨) જો આપણી પાસે ભારે જવાબદારી હોય, તો રાજીખુશીથી બીજાનું સાંભળવાથી લાભ થશે. જૉન ભાઈ અમુક વિભાગના ઉપરી છે. તે કહે છે: “મને જોવા મળ્યું છે કે સારા ઉપરી એવું વાતાવરણ રાખે છે, જેથી બધા જ દિલ ખોલીને વાત કરી શકે. કોઈક વાર એવું બને કે તમારા હાથ નીચેની વ્યક્તિ અમુક કામ તમારા કરતાં વધારે સારી રીતે જાણે છે. તેની પાસેથી શીખવું નમ્રતા માગી લે છે. એવો કોઈ ઉપરી નથી જેને બધું જ કામ આવડતું હોય.”

ઈબ્રાહીમની જેમ આપણે પણ બીજાઓનું સાંભળીશું અને બીજાની સેવા કરવા મામૂલી કામ કરીશું તો યહોવાની કૃપા મળશે. કારણ કે “ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.”—૧ પીતર ૫:૫. (w12-E 01/01)

[ફુટનોટ]

^ જોકે, ઈબ્રાહીમ જાણતા ન હતા કે એ મહેમાનો તો ઈશ્વર પાસેથી સંદેશો લાવેલા સ્વર્ગદૂતો હતા.—હિબ્રૂ ૧૩:૨.