સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાંથી શીખો

ઈસુ ખ્રિસ્ત કોણ છે?

ઈસુ ખ્રિસ્ત કોણ છે?

આ લેખમાં જે સવાલો છે એ કદાચ તમને પણ થયા હશે. એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાહના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. ઈસુ ખ્રિસ્ત કોણ છે?

ઈસુ બીજા મનુષ્ય કરતાં એકદમ અલગ હતા. કઈ રીતે? તે પૃથ્વી પર મનુષ્ય તરીકે આવ્યા એ પહેલાં સ્વર્ગમાં રહેતાં હતાં. (યોહાન ૮:૨૩) તેમને ઈશ્વરે સૌથી પહેલા બનાવ્યા હતા. પછી તેમણે ઈશ્વરને વિશ્વની બધી જ વસ્તુઓ બનાવવા મદદ કરી. યહોવાહે એકલે હાથે ઈસુને ઉત્પન્‍ન કર્યા હતા, એટલે તેમને “એકાકીજનિત” દીકરા કહેવામાં આવે છે. તે ઈશ્વર વતી સંદેશો આપે છે, એટલે “શબ્દ” તરીકે પણ ઓળખાય છે.—યોહાન ૧:૧-૩, ૧૪; કોલોસી ૧:૧૫, ૧૬ વાંચો.

૨. ઈસુ ધરતી પર શા માટે આવ્યા?

ઈશ્વરે પોતાના પુત્રને પૃથ્વી પર મોકલવા એક ગોઠવણ કરી. તેમણે ઈસુનું જીવન કુંવારી મરિયમના ગર્ભમાં મૂક્યું. આમ ઈસુને કોઈ માનવીય પિતા ન હતા. (લુક ૧:૩૦-૩૫) ઈસુ પૃથ્વી પર ત્રણ કારણોને લીધે આવ્યાં હતાં. (૧) આપણને ઈશ્વર વિષેનું સત્ય શીખવવા. (૨) ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કેવી રીતે જીવવું એનું ઉદાહરણ બેસાડવા. (૩) આપણને પાપમાંથી છોડાવવા ‘પોતાનું જીવન આપવા.’—માત્થી ૨૦:૨૮; યોહાન ૧૮:૩૭ વાંચો.

૩. મનુષ્યને પાપમાંથી છોડાવવા કેમ કિંમત ચૂકવવાની જરૂર પડી?

ઈશ્વરની ઇચ્છા એવી ન હતી કે માણસ ઘરડો થાય અને મરી જાય. આપણે એ શાના આધારે કહી શકીએ? ઈશ્વરે પ્રથમ મનુષ્ય આદમને જણાવ્યું હતું કે જો તે આજ્ઞા નહિ પાળે તો મરણ પામશે. આજ્ઞા નહિ પાળવાને બાઇબલ પાપ કહે છે. જો આદમે પાપ કર્યું ન હોત તો કદી મર્યો ન હોત. ખરું કે આદમ ઘણું લાંબું જીવ્યો, પણ જે દિવસે તેણે ઈશ્વરની આજ્ઞા તોડી એ જ દિવસથી તે મરણ તરફ જવા લાગ્યો. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૫:૫) આદમે પોતાના વંશજોને વારસામાં પાપ આપ્યું, જેના કારણે મરણ આવ્યું. આ રીતે આખી મનુષ્ય જાતિમાં મરણનો “પ્રસાર” થયો. એટલે આપણને પાપ અને મરણના બંધનમાંથી છોડાવવા મોટી કિંમત ચૂકવવાની જરૂર પડી. આ એના જેવું છે જાણે કોઈના કબજામાંથી વ્યક્તિને છોડાવવા પૂરેપૂરી કિંમત ચૂકવવી પડે.—રૂમી ૫:૧૨; ૬:૨૩ વાંચો.

૪. શા માટે ઈસુને પોતાનો જીવ આપવો પડ્યો?

કોઈ પણ માણસ બીજાના પાપની કિંમત ચૂકવી શકતો નથી. આપણે મરણ પામીએ છીએ ત્યારે ફક્ત પોતાના જ પાપની કિંમત ચૂકવીએ છીએ. તો પછી સવાલ થાય કે આપણને પાપ અને મરણમાંથી છોડાવવા કોણ કિંમત ચૂકવી શકે?—ગીતશાસ્ત્ર ૪૯:૭ વાંચો.

જોકે ઈસુના કોઈ માનવ પિતા ન હતા, એટલે તેમનામાં કોઈ પાપ ન હતું. તેથી તે પોતાના પાપને લીધે નહિ, પણ બીજાઓના પાપ માટે મરણ પામ્યા. ઈશ્વરે પોતાના દીકરાની કુરબાની આપીને મનુષ્યો માટે અપાર પ્રેમ બતાવ્યો. ઈસુએ પણ પિતાની આજ્ઞા પાળી અને આપણા પાપોને માટે જીવ આપી દીધો. આ રીતે બતાવ્યું કે તે પણ આપણને ખૂબ ચાહે છે.—યોહાન ૩:૧૬; રૂમી ૫:૧૮, ૧૯ વાંચો.

૫. ઈસુ હમણાં શું કરી રહ્યા છે?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે બીમારોને સાજા કર્યા, ગુજરી ગયેલાઓને સજીવન કર્યા. મનુષ્યને પાપ અને મરણમાંથી છોડાવવા પોતાનો જીવ આપી દીધો. આમ કરીને ઈસુએ બતાવી આપ્યું કે તે ભાવિમાં સર્વ વિશ્વાસુ લોકો માટે શું કરશે. (લુક ૧૮:૩૫-૪૨; યોહાન ૫:૨૮, ૨૯) ઈસુ મનુષ્ય તરીકે મરણ પામ્યા એ પછી ઈશ્વરે તેમને સ્વર્ગમાં સજીવન કર્યા. (૧ પીતર ૩:૧૮) સ્વર્ગમાં ગયા પછી ઈસુ, ઈશ્વર યહોવાહને જમણે હાથે હતા. જ્યાં સુધી તેમને ધરતી પર રાજ કરવાનો અધિકાર ના મળે, ત્યાં સુધી તેમણે રાહ જોવાની હતી. (હેબ્રી ૧૦:૧૨, ૧૩) હાલમાં તે સ્વર્ગમાં રાજા છે. એ રાજ્ય વિષેની ખુશખબર તેમના શિષ્યો આખી ધરતી પર ફેલાવી રહ્યા છે.—દાનીયેલ ૭:૧૩, ૧૪; માત્થી ૨૪:૧૪ વાંચો.

જલદી જ ઈસુ, રાજા તરીકે આ દુનિયા પરથી દુષ્ટતા અને દુષ્ટ લોકોને જડ-મૂળથી કાઢી નાખશે. જેઓ ઈસુમાં વિશ્વાસ મૂકે છે અને તેમની આજ્ઞા પાળે છે, એવા કરોડો લોકો સુંદર ધરતી પર જીવવાનો આનંદ માણશે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧ વાંચો. (w11-E 03/01)