સાદી અંગ્રેજીમાં આવનાર અંક કેવો હશે?
સાદી અંગ્રેજીમાં આવનાર અંક કેવો હશે?
અમને જણાવતા ખુશી થાય છે કે જુલાઈ ૧૫ના વોચટાવરથી સાદી ભાષામાં પણ આ મૅગેઝિન બહાર પાડવામાં આવશે. એક વરસ સુધી જોવા માટે આ અંક દર મહિને બહાર પાડવામાં આવશે. એમાં ખાસ કરીને અભ્યાસ લેખો હશે અને જો જગ્યા હશે તો બીજા લેખો હશે. અમને આશા છે કે આના દ્વારા ઘણા ભાઈ-બહેનોની ભક્તિ માટેની ભૂખ સંતોષાશે.
ફિજી, ઘાના, કેન્યા, લાઇબીરિયા, નાઇજીરિયા, પાપુઆ ન્યૂ ગિની અને સોલોમન ટાપુઓ જેવી જગ્યાઓમાં આપણા ભાઈઓ સામાન્ય રીતે અંગ્રેજી બોલે છે. ખરું કે ભાઈઓ ત્યાંની સ્થાનિક ભાષા બોલતા હશે, પણ મિટિંગ-પ્રચારમાં મોટે ભાગે અંગ્રેજી વાપરે છે. પણ આપણા સાહિત્યમાં આવતી અંગ્રેજી કરતાં તેઓની ભાષા ઘણી સાદી છે. અમુક એવા ભાઈ-બહેનો છે જેઓને બીજા દેશોમાં જવું પડ્યું છે, જ્યાં તેઓને અંગ્રેજીમાં વાતચીત કરવી પડે છે. તેઓનું પણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન સીમિત છે. પોતાની ભાષામાં મિટિંગ થતી નથી, એટલે તેઓને અંગ્રેજી મંડળમાં જવું પડે છે.
દર અઠવાડિયે ચોકીબુરજમાંથી જે લેખનો અભ્યાસ કરીએ છીએ એ દરેક માટે ખૂબ જ મહત્ત્વનો છે. એના દ્વારા આપણને યહોવાહની ભક્તિ કરવા સમયસર અને પૂરતા પ્રમાણમાં માહિતી મળતી રહે છે. આ માહિતીનો ભાઈઓ પૂરેપૂરો લાભ ઉઠાવી શકે એટલે સાદી ભાષાનો અંગ્રેજી અંક બહાર પાડવામાં આવનાર છે. એનું વ્યાકરણ અને વાક્યો પણ સહેલા છે. એનું પહેલું પાન સામાન્ય અંક કરતાં અલગ દેખાતું હશે. એના ગૌણ મથાળા, ફકરાઓ, છેલ્લે આપેલા સવાલો અને ચિત્રો મુખ્ય અંકની જેમ જ હશે. જેથી ભાઈઓ ચોકીબુરજ અભ્યાસમાં ફાવે એ અંકનો ઉપયોગ કરી શકે. બંને અંકોની ભાષામાં શું ફરક છે એ માટે તમે નીચેનું ચિત્ર જોઈ શકો. એમાં પહેલા અભ્યાસ લેખનો બીજો ફકરો આપવામાં આવ્યો છે.
અમને આશા છે કે આ નવી ગોઠવણથી ઘણાની પ્રાર્થનાનો જવાબ મળશે. તેઓએ યહોવાહને અરજ કરી છે, “તારી આજ્ઞાઓ શીખવાને માટે મને સમજણ આપ.” (ગીત. ૧૧૯:૭૩) અમને પૂરી ખાતરી છે કે અંગ્રેજી ઓછું આવડે છે તેઓને અને અંગ્રેજી બોલતા બાળકોને આનાથી ઘણી મદદ મળશે. તેઓ દર અઠવાડિયાના અભ્યાસ માટે વધારે સારી રીતે તૈયારી કરી શકશે. અમે યહોવાહનો ઘણો આભાર માનીએ છીએ કે ‘બંધુમંડળ પરના પ્રેમને’ લીધે તે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”નો ઉપયોગ કરે છે. તેઓના દ્વારા અઢળક પ્રમાણમાં સત્યનું જ્ઞાન પીરસે છે.—૧ પીત. ૨:૧૭; માથ. ૨૪:૪૫.
યહોવાહના સાક્ષીઓનું નિયામક જૂથ
(w11-E 07/15)