ખુશખબર શું છે?
ખુશખબર શું છે?
“આ સુવાર્તા . . . ”—માત્થી ૨૪:૧૪.
બધા જ ખ્રિસ્તીઓએ ‘રાજ્યની સુવાર્તા’ વિષે પ્રચાર કરવો જોઈએ. તેઓએ લોકોને સમજાવવું જોઈએ કે એ રાજ્ય એક સરકાર છે, જે ન્યાયથી ભાવિમાં રાજ કરશે. જોકે બાઇબલમાં “સુવાર્તા” શબ્દ બીજી રીતે પણ વપરાય છે. દાખલા તરીકે “તારણની સુવાર્તા” (એફેસી ૧:૧૩); ‘ઈશ્વરની સુવાર્તા’ (રૂમી ૧૫:૧૫) અને ‘ઈસુ ખ્રિસ્તની સુવાર્તા.’—માર્ક ૧:૧.
તો પછી સુવાર્તા કે ખુશખબર શું છે? એ સત્ય વચનો છે, જે ઈસુએ શીખવ્યા હતા. તેમ જ એ વિગતો છે જે તેમના શિષ્યોએ બાઇબલમાં લખી હતી. સ્વર્ગમાં જતાં પહેલાં ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ, દીકરા તથા ઈશ્વરની શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) આ બતાવે છે કે ખ્રિસ્તીઓએ ઈશ્વરના રાજ્ય વિષે ફક્ત પ્રચાર જ નહિ, શિષ્યો પણ બનાવવા જોઈએ.
આ આજ્ઞા પાળવા ચર્ચના લોકો શું કરી રહ્યા છે? તેઓમાંના ઘણા જો સમજતા જ ના હોય કે ઈશ્વરનું રાજ્ય શું છે, તો બીજાઓને કેવી રીતે સમજાવી શકે! એટલે તેઓ ખુશખબરનો પ્રચાર કરવાને બદલે લોકોને સાંભળવા ગમે એવા ભાષણો આપે છે. એમાં તેઓ ઈસુમાં વિશ્વાસ રાખવા અને પાપોની માફી મેળવવા વિષે જ જણાવે છે. ઘણી વખત તેઓ સમાજ સેવા કરીને લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા ઉત્તેજન આપે છે. જેમ કે, સ્કૂલો અને હૉસ્પિટલો બાંધવી, ગરીબો માટે ઘરો બાંધવા વગેરે વગેરે. ખરું કે એવા પ્રયત્નોથી ચર્ચમાં જનારની સંખ્યા વધી છે. પણ એ સભ્યો ખરા અર્થમાં ખ્રિસ્તી બન્યા નથી, કેમ કે તેઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવવા પ્રયત્ન કરતા નથી.
એક ફિલસૂફે લખ્યું: ‘સુવાર્તા વિષે ઈસુની આજ્ઞા એકદમ સ્પષ્ટ હતી. મોટાભાગના ચર્ચના પાદરીઓ અને આગેવાનોને એ વિષે ખબર છે. તેઓ જાણે છે કે શિષ્યો બનાવવા જોઈએ અને ઈસુએ જે આજ્ઞા આપી એ પાળવા લોકોને મદદ કરવી જોઈએ. જોકે ચર્ચના સભ્યો તરીકે અમે એમ કરતા નથી, કે એમ કરવા પ્રયત્ન કરતા નથી. અરે, અમને ખબર નથી કે કઈ રીતે એ કરવું જોઈએ.’
અમેરિકામાં યુ.એસ. કૅથલિક મૅગેઝિને એક સર્વે વિષે જણાવ્યું હતું. એમાં ૯૫ ટકા કૅથલિક લોકોએ કબૂલ્યું કે ખ્રિસ્તીઓએ પ્રચાર કરવો જોઈએ. તેમ છતાં તેઓમાંના મોટાભાગના લોકો એવું ધારે છે કે પ્રચાર કરવાની સૌથી સારી રીત એ છે કે સારો દાખલો બેસાડવો. સર્વેમાં એક સ્ત્રીએ કહ્યું: ‘સુવાર્તા વિષેનો પ્રચાર શબ્દથી નહિ, આપણા દાખલાથી જાહેર થવો જોઈએ.’ મૅગેઝિને એ પણ જણાવ્યું કે ઘણા લોકો પોતાની માન્યતા વિષે કહેતા અચકાય છે. એનું કારણ એ છે કે ‘ચર્ચમાં થતાં સેક્સ કૌભાંડને લીધે ચર્ચોનું નામ બદનામ થયું છે. વળી, ચર્ચના શિક્ષણમાં વાદવિવાદ ચાલે છે.’
એક બિશપ દુઃખ વ્યક્ત કરતા કહે છે, અમારા મેથોડિસ્ટ ચર્ચોમાં ભાગલા પડી ગયા છે. લોકો મૂંઝાઈ ગયા છે કે શું કરવું. એટલે રાજ્ય વિષે પ્રચાર કરવાની કોઈનામાં હિંમત નથી. તેઓ મનફાવે એમ જીવે છે. બિશપ અફસોસથી કહે છે: ‘આ કામ કોણ કરશે?’
એ બિશપ પાસે જવાબ નથી. પણ હવે પછીના લેખમાં તમને એનો જવાબ મળશે. (w11-E 03/01)
[પાન ૬ પર બ્લર્બ]
ખુશખબરમાં ઈશ્વરના રાજ્ય વિષે સમજણ અને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકવાથી તારણ મળે છે, એવી બે બાબતો સમાયેલી છે