ખુશખબર કોણ ફેલાવે છે?
ખુશખબર કોણ ફેલાવે છે?
“ . . . આખા જગતમાં પ્રગટ કરાશે.”—માત્થી ૨૪:૧૪.
આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ રાજ્ય વિષે ખુશખબર ફેલાવે છે. તેઓ કેવી અનેક રીતો દ્વારા એમ કરે છે, ચાલો એ જોઈએ.
વાતચીત દ્વારા. ઈસુ અને તેમના શિષ્યોની જેમ યહોવાહના સાક્ષીઓ લોકોને મળીને સંદેશો જણાવે છે. (લુક ૮:૧; ૧૦:૧) તેઓ એવી આશા રાખતા નથી કે લોકો તેઓ પાસે આવે. એટલા માટે ૭૦ લાખ કરતાં વધારે સાક્ષીઓ ખુશખબર જાહેર કરવા સામે ચાલીને લોકો પાસે જાય છે. તેઓ ઘરેઘરે જઈને, રસ્તાઓ પર, ફોનથી તેમજ અનેક રીતે પ્રચાર કરે છે. ગયા વર્ષે તેઓએ ૧.૫ અબજ કરતાં વધારે કલાકો ખુશખબર ફેલાવવામાં ગાળ્યા.
તેઓ લોકોને ઈશ્વરના રાજ્ય વિષે અને ‘ઈસુએ જે જે આજ્ઞા કરી’ એ વિષે પણ શીખવે છે. (માત્થી ૨૮:૨૦) નિયમિત રીતે તેઓ ૮૦ લાખથી વધારે લોકોને બાઇબલમાંથી શીખવે છે.
યહોવાહના સાક્ષીઓ ૨૩૬ દેશોમાં સંદેશો ફેલાવે છે. તેઓ દરેક નાત-જાતના લોકો સાથે વાત કરે છે. ભલે લોકો શહેરોમાં રહેતા હોય, ઍમેઝોન કે સાઇબીરિયાના જંગલોમાં કે આફ્રિકાના રણમાં કે પછી હિમાલયના પહાડોમાં રહેતા હોય. આ કામ માટે તેઓને પગાર મળતો નથી. તેઓ પોતાના પૈસા અને સમય ખર્ચીને આ કામ કરે છે. ઈશ્વર માટે અને લોકો માટેના પ્રેમના લીધે એ કરે છે. તેઓ સાહિત્ય દ્વારા પણ ખુશખબર ફેલાવે છે.
સાહિત્ય દ્વારા. આ મૅગેઝિનનું પૂરું નામ ચોકીબુરજ—યહોવાહના રાજ્યને જાહેર કરે છે. આ મૅગેઝિન ૧૮૫ ભાષામાં છપાય છે. દરેક અંકની લગભગ ૪ કરોડ ર લાખથી વધારે કૉપી વહેંચવામાં આવે છે. એની સાથે સજાગ બનો! નામનું બીજું મૅગેઝિન પણ રાજ્ય વિષે જાહેર કરે છે, જે ૮૩ ભાષામાં છપાય છે. દરેક અંકની લગભગ ૪ કરોડ કૉપી વહેંચવામાં આવે છે.
આશરે ૫૪૦ ભાષામાં પુસ્તકો, બ્રોશર, પત્રિકા, સીડી, એમપી-૩ અને ડીવીડી દ્વારા પણ બાઇબલ વિષે સમજણ આપવામાં આવે છે. સાક્ષીઓએ છેલ્લા દસ વર્ષમાં આશરે ૨૦ અબજ આવા સાહિત્ય બહાર પાડીને લોકોને આપ્યા છે. એનો અર્થ એ થાય કે પૃથ્વી પરની દરેક વ્યક્તિને સરેરાશ ત્રણ સાહિત્ય મળે.
યહોવાહના સાક્ષીઓએ અનેક ભાષામાં બાઇબલ છાપ્યા છે, કે છાપવાની માંગણી કરી છે. તેઓ ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલને છાપવાનું, એનું ભાષાંતર કરવાનું અને વહેંચવાનું કામ કરે છે. એ બાઇબલ કે એના અમુક ભાગો હવે ૯૬ ભાષામાં મળે છે. ૧૬.૬ કરોડ કરતાં વધારે કૉપી લોકોને આપવામાં આવી છે. તેઓ ધાર્મિક સભા દ્વારા પણ ખુશખબર ફેલાવે છે.
ધાર્મિક સભા દ્વારા. યહોવાહના સાક્ષીઓ ભક્તિ માટે કિંગ્ડમ હૉલમાં મળે છે. એમાં દર અઠવાડિયે સભાઓ
રાખવામાં આવે છે. ત્યાં બાઇબલ વિષયો પર શિક્ષણ અને ભાષણો આપવામાં આવે છે. ચોકીબુરજ મૅગેઝિન અને બીજા સાહિત્ય દ્વારા બાઇબલ વિષે ઊંડી સમજણ આપવામાં આવે છે. સભાઓમાં સાક્ષીઓ વધારે સારી રીતે ખુશખબર ફેલાવતા શીખે છે.દુનિયા ફરતે ૧,૦૭,૦૦૦ મંડળોમાં યહોવાહના સાક્ષીઓ એકસરખું શિક્ષણ મેળવે છે. એટલે તેઓમાં એકતા છે. તેઓની ધાર્મિક સભામાં કોઈ પણ જઈ શકે છે. એમાં કોઈ પૈસા ઉઘરાવવામાં આવતા નથી. તેઓ જે શીખવે છે એ પહેલાં પોતાના જીવનમાં લાગુ પાડવા કોશિશ કરે છે. તેઓ પોતાના દાખલા દ્વારા પણ ખુશખબર ફેલાવે છે.
પોતાના દાખલા દ્વારા. યહોવાહના સાક્ષીઓ સારો દાખલો બેસાડવા બનતું બધું કરે છે. આપણે બધા જ ઇચ્છીએ છીએ કે લોકો આપણી સાથે સારી રીતે વર્તે, એટલે યહોવાહના સાક્ષીઓ બીજાઓ સાથે સારી રીતે વર્તવાની પહેલ કરે છે. (માત્થી ૭:૧૨) ખરું કે સાક્ષીઓથી પણ ભૂલો થાય છે, તેમ છતાં તેઓ લોકો સાથે પ્રેમથી વર્તવાનો પ્રયત્ન કરે છે. એ પ્રેમ બતાવવા તેઓ ખુશખબર જણાવે છે, અને શક્ય હોય ત્યારે લોકોને મદદ કરે છે.
ખુશખબર ફેલાવીને તેઓ લોકોનો ધર્મ બદલાવવા કોશિશ કરતા નથી. તેઓ બસ ઈશ્વરે આપેલું કામ કરવા ચાહે છે. ઈશ્વર યહોવાહ કહે ત્યારે એ કામ પૂરું થશે. પછી ઈસુએ કહ્યું તેમ અંત આવશે. અંત આવશે ત્યારે પૃથ્વી અને લોકોનું શું થશે? (w11-E 03/01)
[પાન ૭ પર ચિત્ર]
દુનિયા ફરતે યહોવાહના સાક્ષીઓ રાજ્ય વિષે ખુશખબર ફેલાવે છે