અંત આવે તેમ યહોવાહમાં વધારે ભરોસો રાખો
અંત આવે તેમ યહોવાહમાં વધારે ભરોસો રાખો
“યહોવાહ પર સદા ભરોસો રાખો.”—યશા. ૨૬:૪.
૧. યહોવાહના ભક્તોમાં અને દુનિયાના લોકોમાં શું ફરક છે?
આજે કરોડો લોકોને ખબર નથી કે કોનામાં ભરોસો મૂકવો. એનું કારણ એ હોઈ શકે કે તેઓને કોઈ ખરાબ અનુભવ થયા હોય કે લોકો તરફથી અનેક વાર નિરાશા મળી હોય. પણ યહોવાહના ભક્તો તેઓથી સાવ અલગ છે. તેઓ પાસે ઈશ્વરનું જ્ઞાન છે. એટલે તેઓ જાણે છે કે દુનિયા પર કે એના “રાજાઓ” પર ભરોસો મૂકવો ન જોઈએ. (ગીત. ૧૪૬:૩) તેઓ પોતાનું જીવન અને ભાવિ યહોવાહના હાથમાં સોંપે છે. તેઓને ખાતરી છે કે યહોવાહ તેઓને ખૂબ પ્રેમ કરે છે, અને આપેલું વચન જરૂર પૂરું કરે છે.—રૂમી ૩:૪; ૮:૩૮, ૩૯.
૨. ઈશ્વરમાં ભરોસો મૂકવા વિષે યહોશુઆએ શું કહ્યું?
૨ યહોશુઆએ ઈશ્વર પર પૂરો ભરોસો મૂકીને આપણા માટે સારો દાખલો બેસાડ્યો. તે બહુ વૃદ્ધ હતા ત્યારે ઈસ્રાએલીઓને કહ્યું: ‘તમારાં હૃદયમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ સફળ થયાં છે.’—યહો. ૨૩:૧૪.
૩. ઈશ્વરનું નામ તેમના વિષે શું પ્રગટ કરે છે?
૩ યહોવાહ પોતાના ભક્તોના પ્રેમને લીધે આપેલાં વચનો પૂરાં કરે છે. ખાસ તો તે પોતાનું નામ રોશન કરવા વચનો પૂરાં કરે છે. (નિર્ગ. ૩:૧૪; ૧ શમૂ. ૧૨:૨૨) આ પવિત્ર નામ વિષે એક બાઇબલની પ્રસ્તાવનામાં જે. બી. રોધરહામે કહ્યું હતું કે ‘આ નામ ઈશ્વરના સદ્ગુણો વિષે બતાવે છે. તેમનું નામ એક વચન જેવું છે. એ નામ સાબિત કરે છે કે ઈશ્વર કોઈ પણ સંજોગમાં, કોઈ પણ મુશ્કેલીમાં, જરૂર પડે તેમ પગલાં લે છે. આ નામ મુજબ ઈશ્વર હંમેશાં તેમના વચનો નિભાવે છે.’—ધી એમ્ફેસાઈઝ્ડ બાઇબલ.
૪. (ક) યશાયાહ ૨૬:૪ આપણને શું કરવા કહે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ આપણે આ સવાલો પર વિચાર કરી શકીએ: ‘શું હું યહોવાહને સારી રીતે ઓળખું છું, જેથી તેમનામાં પૂરો ભરોસો મૂકી શકું? શું હું ભાવિની ચિંતા કર્યા કરું છું કે પછી ઈશ્વર બધું સંભાળી લેશે એવો ભરોસો રાખું છું?’ યશાયાહ ૨૬:૪ કહે છે: ‘યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમ કે તે સનાતન ખડક છે.’ ખરું કે ઈશ્વર પહેલાંની જેમ આજે તેમના ભક્તોને મદદ કરવા ચમત્કાર કરતા નથી. તો પણ યહોવાહ “સનાતન ખડક” છે, એટલે તેમનામાં “સદા” ભરોસો મૂકી શકીએ છીએ. આજે યહોવાહ આપણને કઈ રીતે મદદ કરે છે? ચાલો એની ત્રણ રીતો જોઈએ: (૧) જ્યારે કોઈ લાલચનો સામનો કરવા મદદ માગીએ ત્યાર તે જરૂર મદદ આપે છે. (૨) જ્યારે આપણા પર પરીક્ષણ કે દુઃખો આવે ત્યારે તે સહારો આપે છે. (૩) જ્યારે આપણે ચિંતામાં હોઈએ ત્યારે હિંમત આપે છે. આ ત્રણ રીતોની ચર્ચા કરીએ ત્યારે વિચારજો કે કઈ રીતે તમારો ભરોસો યહોવાહમાં મક્કમ કરી શકો.
કોઈ લાલચ આવે ત્યારે
૫. યહોવાહમાં પૂરો ભરોસો મૂકવાનો અર્થ શું થાય?
૫ યહોવાહે આપેલા વચનો પર ભરોસો મૂકવો સહેલું છે. જેમ કે સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવું, મૂએલાને ફરી જોવા વગેરે. પણ શું તમે યહોવાહમાં એવો જ ભરોસો બતાવો છો જ્યારે તેમના નીતિ-નિયમો પાળવાની વાત આવે? આપણે દિલથી માનવું જોઈએ કે તેમના માર્ગો અને ધોરણો આપણા ભલા માટે છે. એ પ્રમાણે જીવવાથી આપણને ઘણા આશીર્વાદો મળશે. રાજા સુલેમાને કહ્યું: ‘તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમનું માર્ગદર્શન સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.’ (નીતિ. ૩:૫, ૬) અહીં “માર્ગો” અને “રસ્તાઓ” બતાવે છે કે આપણે જીવનની હરેક પળમાં યહોવાહમાં ભરોસો મૂકીએ. પણ જ્યારે કોઈ લાલચ આવે ત્યારે યહોવાહમાં કઈ રીતે ભરોસો બતાવી શકીએ?
૬. ખોટી બાબતોથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ?
૬ ખોટી બાબતોથી દૂર રહેવા આપણે પોતાના વિચારો સુધારવા જોઈએ. (રૂમી ૮:૫; એફેસી ૨:૩ વાંચો.) એ માટે આ પાંચ બાબતો પર વિચાર કરો: (૧) ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગો. (માથ. ૬:૯, ૧૩) (૨) બાઇબલમાં આપેલા એવા અનુભવો પર વિચાર કરો, જેમાં અમુકે યહોવાહનું સાંભળ્યું અને અમુકે ન સાંભળ્યું. એમ કરવાથી શું પરિણામ આવ્યું એના પર મનન કરો. * (૧ કોરીં. ૧૦:૮-૧૧) (૩) પાપ કરવાથી તમને અને તમારા પ્રિયજનોને કેટલું દુઃખ થશે એનો વિચાર કરો. (૪) વિચાર કરો કે આપણે પાપમાં ફસાઈએ ત્યારે યહોવાહને કેવું લાગશે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧ વાંચો.) (૫) વિચારો કે એકાંતમાં કે જાહેરમાં આપણે ખોટી બાબતનો નકાર કરીએ ત્યારે યહોવાહને કેટલી ખુશી મળતી હશે. (ગીત. ૧૫:૧, ૨; નીતિ. ૨૭:૧૧) આ પાંચ બાબતો પ્રમાણે કરવાથી આપણે યહોવાહમાં ભરોસો બતાવી શકીએ છીએ.
પરીક્ષણ કે દુઃખો આવે ત્યારે
૭. યિર્મેયાહે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો? અમુક વાર તેમને કેવું લાગ્યું?
૭ ઘણા ભાઈ-બહેનો એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં તેમની ધીરજની કસોટી થાય છે. યિર્મેયાહે પણ એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તે એવા સમયમાં જીવતા હતા જ્યારે તેમણે યહુદાહના નાશ વિષે યહોવાહનો ન્યાયચુકાદો જણાવવાનો હતો. એ બહુ કટોકટીનો સમય હતો. દરરોજ તેમના વિશ્વાસની કસોટી થતી હતી. તેમના સહાયક બારૂખ પણ નિરાશ થઈને ફરિયાદ કરવા લાગ્યા. (યિર્મે. ૪૫:૨, ૩) શું યિર્મેયાહ પણ નિરાશ થઈ ગયા? હા, અમુક વાર તેમને લાગ્યું: “જે દિવસે હું જન્મ્યો, તે શાપિત થાઓ.” “કષ્ટ તથા દુઃખ ભોગવવા તથા લજ્જિત રહીને મારા દિવસો પૂરા કરવા માટે હું ગર્ભસ્થાનમાંથી કેમ બહાર આવ્યો?”—યિર્મે. ૨૦:૧૪, ૧૫, ૧૮.
૮, ૯. યિર્મેયાહ ૧૭:૭, ૮ અને ગીતશાસ્ત્ર ૧:૧-૩ પ્રમાણે સારા ફળ આપતા રહેવા શું કરવું જોઈએ?
૮ જોકે યિર્મેયાહ નિરાશ થઈને હારી ગયા નહિ. યહોવાહમાં તેમણે અડગ ભરોસો રાખ્યો. એટલે તેમણે યહોવાહના વચનો પૂરાં થતાં જોયા, જે યિર્મેયાહ ૧૭:૭, ૮માં નોંધેલા છે: “જે પુરુષ યહોવાહ પર શ્રદ્ધા રાખે છે, ને જેનો આધાર યહોવાહ છે તે આશીર્વાદિત છે. તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાનાં મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહિ, પણ તેનાં પાંદડાં લીલાં રહેશે; અને સુકવણાંના વર્ષમાં તે ચિંતાતુર થશે નહિ, ને તે ફળ આપ્યા વિના રહેશે નહિ.”
૯ “પાણીની પાસે રોપેલા” ઝાડ સારું ફળ આપે છે, એવી જ રીતે યિર્મેયાહ પણ ‘ફળ આપ્યા વિના રહ્યા નહિ.’ તેમની આજુબાજુ ઘણા દુષ્ટ લોકો રહેતા હતા, પણ તે કદી તેઓની અસરમાં આવી ગયા નહિ. તે હંમેશાં જીવન ટકાવી રાખનાર ‘પાણીના’ ઝરા યહોવાહને વળગી રહ્યા. યહોવાહ જે પણ કહેતા તે પૂરા દિલથી કરતા. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો; યિર્મે. ૨૦:૯) તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો. જ્યાં સંદેશો જણાવવો મુશ્કેલ છે, એવા વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનો યિર્મેયાહ પાસેથી ઘણું ઉત્તેજન મેળવી શકે. જો તમે પણ યિર્મેયાહ જેવા સંજોગોમાં હોવ, તો યહોવાહ પર પૂરો ભરોસો રાખવાનું ચાલુ રાખો. તે ‘તેમનું નામ કબૂલ કરવા’ શક્તિ આપશે.—હેબ્રી ૧૩:૧૫.
૧૦. યહોવાહે આપણને કેવી મદદ પૂરી પાડી છે? આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?
૧૦ આ છેલ્લા દિવસોમાં મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાહે આપણને ઘણી મદદ પૂરી પાડી છે. જેમ કે, તેમણે આપણને બાઇબલ આપ્યું છે, જેનું ઘણી બધી ભાષામાં બરાબર રીતે ભાષાંતર થઈ રહ્યું છે. વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર ઘણા પ્રમાણમાં સાહિત્ય પૂરું પાડી રહ્યા છે. ઉપરાંત યહોવાહ સભાઓ અને સંમેલનોમાં ભાઈ-બહેનો દ્વારા ઉત્તેજન પૂરું પાડે છે. શું હું યહોવાહે પૂરી પાડેલી આ બધી ગોઠવણોનો પૂરો લાભ ઉઠાવું છું? જેઓ એમ કરે છે તેઓ ‘હૃદયથી હર્ષનાદ’ કરે છે. પણ જેઓ ઈશ્વરનું સાંભળતા નથી તેઓ ‘હૃદયના ખેદને લીધે શોક કરે છે, ને જીવના સંતાપને લીધે વિલાપ’ કરે છે.—યશા. ૬૫:૧૩, ૧૪.
ચિંતામાં હોઈએ ત્યારે
૧૧, ૧૨. આ મુશ્કેલ સમયમાં આપણે શું કરવું જોઈએ?
૧૧ બાઇબલમાં જણાવ્યું હતું તેમ હાલમાં મનુષ્ય પર વધારે ને વધારે મુશ્કેલીઓ આવે છે. (માથ. ૨૪:૬-૮; પ્રકટી. ૧૨:૧૨) વિચારો કે જ્યારે પૂર આવે ત્યારે લોકો શું કરે છે? આશરો શોધવા તેઓ ઊંચા ઘરોના ધાબા પર ચઢી જાય છે. એવી જ રીતે, દુનિયામાં મુસીબતો આવે ત્યારે લોકો આશરો શોધે છે. તેઓ મોટી મોટી કંપનીઓ પર, સરકારોમાં, ધાર્મિક સંસ્થાઓ કે પછી વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં આશરો શોધે છે. પણ આમાંથી કોઈ તેઓને આશરો આપી શકશે નહિ. (યિર્મે. ૧૭:૫, ૬) જ્યારે કે યહોવાહના ભક્તો “સનાતન ખડક” યહોવાહમાં આશરો મેળવે છે. (યશા. ૨૬:૪) એક ઈશ્વરભક્તે લખ્યું: “[યહોવાહ] મારો ખડક તથા મારૂં તારણ છે; તે મારો ગઢ છે.” (ગીતશાસ્ત્ર ૬૨:૬-૯ વાંચો.) આપણે કઈ રીતે યહોવાહમાં આશરો મેળવી શકીએ?
૧૨ આપણે જ્યારે બાઇબલના ધોરણો પ્રમાણે જીવીએ છીએ ત્યારે યહોવાહમાં આશરો મેળવીએ છીએ. (ગીત. ૭૩:૨૩, ૨૪) જોકે દુન્યવી લોકોના વિચારો સાવ અલગ છે. તેઓ કહેતા હોય છે: ‘કાલ કોણે જોઈ છે, આજે જ મજા કરી લો.’ ‘કૅરિયર બનાવો.’ ‘ઢગલો પૈસા કમાવો.’ ‘જે ગમે તે બધું જ ખરીદી લો.’ ‘દુનિયા ફરી લો.’ જ્યારે કે ઈશ્વર કહે છે: “આ જગતનો વહેવાર કરનારા તેઓ જગતના વહેવારમાં તલ્લીન થઈ ગએલા જેવા ન થાય; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.” (૧ કોરીં. ૭:૩૧) ઈસુ પણ આપણને ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા ઉત્તેજન આપે છે. તે કહે છે કે “આકાશમાં દ્રવ્ય” ભેગું કરો જ્યાં તે પૂરી રીતે સલામત રહે છે.—માથ. ૬:૧૯, ૨૦.
૧૩. ૧ યોહાન ૨:૧૫-૧૭ પ્રમાણે આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૩ જે રીતે હું ‘જગત અથવા જગતમાંનાં વાનાં’ વિષે વિચારું છું, શું એ બતાવે છે કે મને ઈશ્વરમાં ભરોસો છે? (૧ યોહા. ૨:૧૫-૧૭) શું હું દુન્યવી બાબતોને વધારે મહત્ત્વ આપું છું?, કે પછી ઈશ્વરનું જ્ઞાન અને તેમની સેવામાં મળતા લહાવાઓને વધારે કીમતી ગણું છું? (ફિલિ. ૩:૮) શું હું “આંખ નિર્મળ” રાખવા એટલે કે સાદુ જીવન જીવવા પ્રયત્ન કરું છું? (માથ. ૬:૨૨) આનો અર્થ એ નથી કે તમે બેદરકાર બનો અને કુટુંબની સંભાળ ન રાખો. (૧ તીમો. ૫:૮) ઈશ્વર એવું ચાહે છે કે શેતાનની દુનિયાને બદલે તેમનામાં પૂરો ભરોસો રાખો.—હેબ્રી ૧૩:૫.
૧૪-૧૬. સાદુ જીવન જીવવાથી અને રાજ્યને જીવનમાં પ્રથમ રાખવાથી અમુકને કેવા લાભ થયા છે?
૧૪ ચાલો આપણે હવે રીચર્ડ અને રૂથનો અનુભવ જોઈએ. તેઓને ત્રણ નાના બાળકો છે. રીચર્ડ કહે છે ‘અમે ખાધે-પીધે સુખી હતા. મને હંમેશાં લાગતું કે હું યહોવાહ માટે વધારે કરી શકું છું. આ વિષે મેં અને રૂથે ઘણો વિચાર કરીને પ્રાર્થના કરી. પછી અમે નક્કી કર્યું કે હું મારા કામના દિવસો ઓછા કરી દઈશ. આખા દેશમાં મંદી ચાલી રહી હતી છતાં, મેં બૉસને કહ્યું કે હું અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરીશ. બૉસે મારી અરજી સ્વીકારી, અને એક મહિનાની અંદર મેં એ પ્રમાણે કામ શરૂ કરી દીધું.’ એ ફેરફારથી રીચર્ડને કેવું લાગે છે?
૧૫ તે કહે છે કે ‘ભલે મને પહેલાં કરતાં વીસ ટકા ઓછો પગાર મળે છે, પણ કુટુંબ સાથે સમય ગાળવા વરસમાં બીજા પચાસ દિવસ મળે છે. એ સમયમાં હું બાળકો પર વધારે ધ્યાન આપી શકું છું. પ્રચારમાં પહેલાં કરતાં બમણા કલાકો કરી શકું છું. બાઇબલ અભ્યાસ ત્રણ ઘણા થયા છે. મંડળમાં પણ હું વધારે જવાબદારી નિભાવી શકું છું. હું અમુક દિવસે ઘરે રહેતો હોવાથી બાળકોની સંભાળ રાખી શકું છું. એનાથી રૂથ સમયે સમયે ઓગ્ઝિલરી પાયોનિયરીંગ કરી શકે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હું આ પ્રમાણે કરતો રહીશ.’
૧૬ હવે રોય અને પેટિનાનો વિચાર કરો. બાળકો થયા એટલે તેઓએ પાયોનિયરીંગ છોડવું પડ્યું. તેઓનો દીકરો મોટો થઈને બીજે રહે છે, જ્યારે કે દીકરી હજી તેઓની સાથે જ રહે છે. તેઓએ નોકરીના કલાકો ઓછા કર્યા, જેથી ફરીથી પાયોનિયરીંગ કરી શકે. રોય કહે છે, ‘હું અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરું છું અને પેટિના બે દિવસ. અમે મોટું ઘર છોડીને ફ્લૅટમાં રહેવા ગયા. ફ્લૅટ નાનો હોવાથી એની સંભાળ રાખવી વધારે સહેલું છે. અમારી પહેલેથી જ ઇચ્છા હતી કે બાળકો મોટા થઈ જાય ત્યારે ફરીથી પાયોનિયરીંગ શરૂ કરીશું. એ અમારી દિલની ઇચ્છા અમે હવે પૂરી કરી શક્યા છીએ. અમને જે આશીર્વાદો મળ્યા છે, એ ઘણા પૈસા મેળવીને પણ ન મળી શકે.’
‘ઈશ્વરની શાંતિ’ મનની સંભાળ રાખે છે
૧૭. કાલની ચિંતાથી દૂર રહેવા બાઇબલમાંથી તમને કેવો દિલાસો મળ્યો છે?
૧૭ કોઈ જાણતું નથી કે કાલે શું થશે, કેમ કે ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) જેઓ યહોવાહ વિષે જાણતા નથી તેઓ કાલની ચિંતામાં ડૂબેલા રહે છે. પણ આપણને યહોવાહમાં ભરોસો હોવાથી ચિંતામાં ડૂબી જતાં નથી. (માથ. ૬:૩૪) પાઊલે લખ્યું ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’—ફિલિ. ૪:૬, ૭.
૧૮, ૧૯. યહોવાહ આપણને કઈ રીતે દિલાસો આપે છે? અનુભવથી સમજાવો.
૧૮ ઘણા ભાઈ-બહેનોએ મુશ્કેલ સંજોગોમાં યહોવાહ તરફથી મળતી મનની શાંતિનો અનુભવ કર્યો છે. એક બહેન કહે છે, ‘એક ડૉક્ટર વારંવાર મને લોહી લેવા દબાણ કરતા. તે મને જ્યારે પણ મળતા ત્યારે મહેણાં મારતા કે “આ તે કેવું, કે લોહી નહિ લેવાનું.” અનેક વાર હું યહોવાહને મનમાં પ્રાર્થના કરતી અને મને મનની શાંતિ મળતી. હું ખડકની જેમ અડગ રહી. હું ઘણી કમજોર હતી અને મારું લોહી બહુ જ ઓછું હતું, તેમ છતાં હું મારા નિર્ણય વિષે બાઇબલમાંથી સાફ જણાવી શકી.’
૧૯ યહોવાહ ઘણી રીતે મદદ પૂરી પાડે છે. જેમ કે, કોઈ ભાઈ કે બહેન દ્વારા ઉત્તેજન આપે. અથવા સાહિત્યમાં આવતી માહિતી દ્વારા દિલાસો અને હિંમત આપે. તમે કદાચ ભાઈ-બહેનોને આમ કહેતા સાંભળ્યા હશે કે ‘આ લેખ મારા માટે જ લખાયો છે!’ ભલે ગમે તેવા સંજોગો હોય, જો આપણે યહોવાહમાં પૂરો ભરોસો રાખીશું તો તે ચોક્કસ આપણા પર પ્રેમ વરસાવશે. તેમની નજરે આપણે જાણે “ઘેટાં” જેવા છીએ, એટલે તે જરૂર આપણી સંભાળ રાખશે. તે આપણને એટલા કીમતી ગણે છે કે તેમના નામથી ઓળખાવા દે છે.—ગીત. ૧૦૦:૩; યોહા. ૧૦:૧૬; પ્રે.કૃ. ૧૫:૧૪, ૧૭.
૨૦. શેતાનનાં જગતનો અંત આવે ત્યારે શા માટે યહોવાહના ભક્તો સલામતીમાં રહેશે?
૨૦ ‘યહોવાહના કોપનો દિવસ’ જલદી જ આવી રહ્યો છે. શેતાનનાં જગતમાં લોકો જે પણ બાબતો પર ભરોસો મૂકે છે એ બધું જ નાશ પામવાનું છે. સોના, ચાંદી કે બીજી કીમતી વસ્તુઓ કોઈ પણ રીતે સલામતી આપી શકશે નહિ. (સફા. ૧:૧૮; નીતિ. ૧૧:૪) ફક્ત યહોવાહ જે “સનાતન ખડક છે” તે જ આશરો આપી શકશે. (યશા. ૨૬:૪) ચાલો આપણે યહોવાહની દરેક આજ્ઞાઓ પાળીને તેમનામાં પૂરો ભરોસો બતાવીએ. ભલે લોકો વિરોધ કરે તોપણ સંદેશો જણાવતા રહીએ. આપણી સર્વ ચિંતાઓ યહોવાહ પર નાખીએ. આપણે આમ કરીશું તો ‘સલામત રહીશું, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહીશું.’—નીતિ. ૧:૩૩. (w11-E 03/15)
[ફુટનોટ]
^ “કીપ યોરસેલ્ફ ઇન ગોડ્સ લવ” પુસ્તકના પાન ૧૦૨-૧૦૬ જુઓ.
તમે કેવો જવાબ આપશો?
• લાલચનો સામનો કરતા હોઈએ ત્યારે કઈ રીતે યહોવાહ પર ભરોસો મૂકી શકીએ?
• પરીક્ષણ કે દુઃખો આવે ત્યારે કઈ રીતે યહોવાહ પર ભરોસો મૂકી શકીએ?
• ચિંતામાં હોઈએ ત્યારે કઈ રીતે યહોવાહ પર ભરોસો મૂકી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૯ પર ચિત્ર]
યહોવાહના નીતિ-નિયમો પ્રમાણે જીવવાથી આશીર્વાદો મળે છે
[પાન ૨૧ પર ચિત્ર]
‘યહોવાહ સનાતન ખડક છે’