સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની દોરવણીથી ચાલતા રાજાનું માનીને આશીર્વાદ પામીએ

યહોવાહની દોરવણીથી ચાલતા રાજાનું માનીને આશીર્વાદ પામીએ

યહોવાહની દોરવણીથી ચાલતા રાજાનું માનીને આશીર્વાદ પામીએ

‘યહોવાહની શક્તિ તેના પર રહેશે.’—યશા. ૧૧:૨.

૧. દુનિયામાં ચાલી રહેલી મુશ્કેલી વિષે અમુકે શું કહ્યું?

 જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે ૨૦૦૬માં સવાલ ઉઠાવ્યો કે ‘દુનિયાના રાજકારણમાં, સમાજમાં અને પર્યાવરણમાં જે મુશ્કેલીઓ ઊભી થઈ છે એ જોતાં માણસજાત કેવી રીતે બીજા સો વર્ષ કાઢી શકશે?’ ન્યૂ સ્ટેટ્‌સમેન મૅગેઝિન એક લેખમાં આમ જણાવે છે: ‘આપણે ના તો ગરીબી દૂર કરી શક્યા કે ના તો દુનિયામાં શાંતિ લાવી શક્યા. પણ એનાથી સાવ ઉલટું જ કર્યું છે. આપણે કોઈ પ્રયત્ન જ નથી કર્યા એવું પણ નથી. આપણે બધું જ અજમાવ્યું છે. સામ્યવાદથી લઈને મૂડીવાદ; યુદ્ધ ન થાય તે માટે લીગ ઓફ નેશન્સથી લઈને અણુશસ્ત્રોનો સહારો લીધો. એવું માનીએ છીએ કે આપણને યુદ્ધો અટકાવતા આવડે છે. એમ કરવા આપણે અનેક યુદ્ધો પણ લડ્યા.’

૨. યહોવાહ કઈ રીતે બતાવશે કે તેમને જ ધરતી પર રાજ કરવાનો હક્ક છે?

યહોવાહના સાક્ષીઓ આવું સાંભળે છે ત્યારે એનાથી જરાય નવાઈ પામતા નથી. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે મનુષ્યને એવી રીતે નથી બનાવ્યો કે બીજા પર રાજ કરે. (યિર્મે. ૧૦:૨૩) યહોવાહ એકલા જ આ વિશ્વના માલિક છે. આપણા માટે ધોરણો નક્કી કરવાનો ફક્ત તેમને જ હક્ક છે. તે જ આપણને જીવનનો ખરો માર્ગ બતાવી શકે અને એના પર ચાલવા માર્ગદર્શન આપી શકે છે. સર્વ સરકારો નિષ્ફળ ગઈ હોવાથી ઈશ્વર જલદી તેઓનો નાશ કરીને પોતાની સરકાર લાવશે. ત્યારે યહોવાહ એવા લોકોનો પણ નાશ કરશે જેઓ “આ જગતના દેવ” શેતાનના માર્ગે ચાલે છે, પાપના ગુલામ બન્યા છે અને યહોવાહને વિશ્વના માલિક તરીકે સ્વીકારતા નથી.—૨ કોરીં. ૪:૪.

૩. મસીહ વિષે યહોવાહે પહેલેથી શું જણાવ્યું હતું?

યહોવાહ જલદી જ મસીહી રાજ્ય દ્વારા આ દુનિયામાં સુખ-શાંતિ લાવશે. અને તે મનુષ્યો પર પ્રેમથી રાજ કરશે. (દાની. ૭:૧૩, ૧૪) યહોવાહની દોરવણીથી મસીહી રાજા વિષે યશાયાહે ભાખ્યું: ‘યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે. યહોવાહની શક્તિ, સુબુદ્ધિ, સમજશક્તિ, વિવેકબુદ્ધિ, પરાક્રમ, જ્ઞાન અને તેમનો ભય તેના પર રહેશે.’ (યશા. ૧૧:૧, ૨) યહોવાહની શક્તિએ ‘યિશાઈના ઠૂંઠામાંથી ફણગાને’ એટલે કે ઈસુને મનુષ્યો પર રાજ કરવા કઈ ખાસ રીતોએ તૈયાર કર્યા? તેમનું રાજ્ય મનુષ્ય પર કેવા આશીર્વાદો વરસાવશે? એ પામવા આપણે શું કરવું જોઈએ?

ઈસુને રાજ કરવા યહોવાહે તૈયાર કર્યા

૪-૬. કેવું જ્ઞાન ઈસુને શાણા અને દયાળુ રાજા, પ્રમુખ યાજક અને ન્યાયાધીશ તરીકેની જવાબદારી ઉપાડવા મદદ કરશે?

યહોવાહ ઇચ્છે છે કે મનુષ્યો પાપથી મુક્ત થાય અને સંપૂર્ણ બને. એટલે જ તેમણે ઈસુને મસીહ રાજા બનાવ્યા છે. એ માટે તેમણે ઈસુને પોતાની શક્તિ પૂરી પાડી, જેથી તે આ જવાબદારી ઉપાડી શકે. યહોવાહ ઇચ્છે છે કે ઈસુ શાણા અને દયાળુ રાજા, પ્રમુખ યાજક અને ન્યાયાધીશ તરીકે લોકોને માર્ગદર્શન આપે. એટલે જ ઈસુને પસંદ કરીને તેમણે પોતાની શક્તિથી મદદ પૂરી પાડી જેથી તે આ સૌથી મહત્ત્વની જવાબદારી ઉઠાવવા તૈયાર થઈ શકે. ચાલો આપણે અમુક કારણો જોઈએ કે ઈસુ એ જવાબદારી પૂરી રીતે ઉપાડવા કઈ રીતે યોગ્ય છે.

યહોવાહને ઈસુ સૌથી રીતે ઓળખે છે. તે યહોવાહના પ્રથમજનિત દીકરા છે. તેમણે યહોવાહ સાથે લાખો-અબજો વર્ષો પસાર કર્યા છે. એ દરમિયાન પિતા યહોવાહને ઈસુ સારી રીતે ઓળખતા થયા હશે. એટલે જ બાઇબલ તેમને ‘અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા’ તરીકે ઓળખાવે છે. (કોલો. ૧:૧૫) ઈસુએ પણ કહ્યું હતું, “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.”—યોહા. ૧૪:૯.

યહોવાહ પછી ઈસુને સૃષ્ટિ અને મનુષ્યનું સૌથી વધારે જ્ઞાન છે. ઈસુ વિષે કોલોસી ૧:૧૬, ૧૭ જણાવે છે: ‘તેનાથી બધાં ઉત્પન્‍ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદૃશ્ય છે, તે સર્વ કરતાં આદિ છે, અને તેનાથી સર્વ ઉત્પન્‍ન થયાં.’ જરા વિચાર કરો! ઈસુએ “કુશળ કારીગર તરીકે” વિશ્વનું સર્જન કરવામાં યહોવાહને સાથ આપ્યો હતો. એટલે તે આખા વિશ્વની રજેરજ જાણે છે. એટલું જ નહિ પણ તે મનુષ્યના મગજને પણ પૂરી રીતે સમજે છે. સાચે જ ઈસુ પાસે અજોડ જ્ઞાન છે!—નીતિ. ૮:૧૨, ૨૨, ૩૦, ૩૧.

૭, ૮. યહોવાહે પોતાની શક્તિથી ઈસુને સેવાકાર્યમાં કેવી રીતે મદદ કરી?

યહોવાહે પોતાની શક્તિથી ઈસુને અભિષિક્ત કર્યા હતા. ઈસુએ કહ્યું: ‘પ્રભુ યહોવાહની શક્તિ મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દૃષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થએલાઓને છોડાવવા, તથા પ્રભુ યહોવાહનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેણે મને મોકલ્યો છે.’ (લુક ૪:૧૮, ૧૯) ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે યહોવાહની શક્તિથી ભરપૂર થયા. ત્યારે સ્વર્ગના જીવન વિષે એ શક્તિએ તેમને યાદ અપાવ્યું. વધુમાં, ઈશ્વરે તેમને પૃથ્વી પર મસીહ તરીકે કયું કામ પૂરું કરવા મોકલ્યા છે એ પણ યાદ કરાવ્યું.—યશાયાહ ૪૨:૧; લુક ૩:૨૧, ૨૨; યોહાન ૧૨:૫૦ વાંચો.

ઈસુ તો તન-મનથી સંપૂર્ણ અને ઈશ્વરની શક્તિથી ભરપૂર હતા. કોઈ મનુષ્ય તેમની તોલે આવી જ ન શકે. તે સાચે જ અજોડ શિક્ષક છે. ઘણા લોકો ‘તેમના ઉપદેશથી અચરત થયા હતા.’ (માથ. ૭:૨૮) તે મનુષ્યની સર્વ મુશ્કેલીઓનું મૂળ કારણ જાણતા હતા. જેમ કે પાપ, માંદગી-મરણ અને ઈશ્વરના જ્ઞાનની ઉણપ. તે એને દૂર કરી શકે છે. તે લોકોના હૃદયના વિચારો પારખી શકતા હતા અને એ ધ્યાનમાં રાખીને તેઓ સાથે વર્તતા હતા.—માથ. ૯:૪; યોહા. ૧:૪૭.

૯. તમે શાના પરથી કહી શકો કે ઈસુ સારા રાજા છે?

ઈસુ મનુષ્ય તરીકે જીવ્યા. મનુષ્ય સાથે રહ્યા હોવાથી ઈસુ તેઓના દુઃખ દર્દ સમજી શક્યા. એનાથી તેમને સારા રાજા બનવા માટે ખૂબ જ મદદ મળી. પ્રેરિત પાઊલે લખ્યું: ‘ઈસુને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવાનું હતું. જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય. કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન કર્યાં. તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન છે.’ (હેબ્રી ૨:૧૭, ૧૮) ઈસુએ પોતે “પરીક્ષણ” સહન કર્યું હતું. એટલે જ્યારે લોકો પર પરીક્ષણ આવે છે ત્યારે તેમને તેઓ પર ખૂબ જ દયા આવે છે. તેમના સેવાકાર્યમાં પણ એ દયા સાફ સાફ દેખાઈ આવતી હતી. સમાજથી દબાયેલા, બીમાર અને અપંગ લોકો, અરે બાળકો પણ ઈસુ પાસે દોડી જતા. (માર્ક ૫:૨૨-૨૪, ૩૮-૪૨; ૧૦:૧૪-૧૬) નમ્ર લોકો ઈશ્વરને ઓળખવા ઈસુ પાસે આવતા. જ્યારે કે અભિમાની લોકોને ‘ઈશ્વર પર પ્રીતિ’ ન હોવાથી તેઓ ઈસુને નકારતા અને ધિક્કારતા. તેમ જ તેમનો સખત વિરોધ કરતા.—યોહા. ૫:૪૦-૪૨; ૧૧:૪૭-૫૩.

૧૦. ઈસુને આપણા માટે પ્રેમ છે એ કઈ રીતે સાબિત કર્યું?

૧૦ ઈસુએ આપણા માટે પોતાનું જીવન આપી દીધું. એ જ સાબિત કરે છે કે બીજું કોઈ ઈસુથી સારા રાજા બની જ ન શકે. (ગીતશાસ્ત્ર ૪૦:૬-૧૦ વાંચો.) ઈસુએ કહ્યું કે “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહા. ૧૫:૧૩) ઈસુ આ દુનિયાના અધિકારીઓ જેવા નથી જેઓ પ્રજાના પૈસે જલસા કરે છે. ઈસુએ તો મનુષ્યો માટે પોતાનું જીવન આપી દીધું.—માથ. ૨૦:૨૮.

ઈસુની કુરબાનીથી આવતા આશીર્વાદો

૧૧. દુઃખ તકલીફમાંથી ઈસુ જ આપણને છોડાવી શકશે એવો કેમ ભરોસો છે?

૧૧ ઈસુ પ્રમુખ યાજક તરીકે આગેવાની લઈ રહ્યા છે, જેથી તેમની કુરબાનીથી આપણને લાભ થાય. ઈસુએ સેવાકાર્યથી ઝલક આપી કે મનુષ્યને દુઃખ તકલીફમાંથી છોડાવવા તે હજાર વર્ષના રાજમાં શું કરશે. જો આપણે તેમનું માનીશું તો એ આશીર્વાદ જરૂર અનુભવીશું. તેમણે બીમાર અને અપંગ લોકોને સાજા કર્યા. ગુજરી ગયેલાને સજીવન કર્યા અને ઘણા લોકોને જમાડ્યા. અરે, તોફાની પવન અને સમુદ્રને પણ શાંત પાડ્યા. (માથ. ૮:૨૬; ૧૪:૧૪-૨૧; લુક ૭:૧૪, ૧૫) તેમણે કંઈ લોકોના વખાણ મેળવવા પોતાની સત્તા અને શક્તિનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે તો લોકો માટે પ્રેમ અને દયા હોવાથી એમ કર્યું હતું. એક કોઢિયાએ સાજા થવા ઈસુને વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું: “મારી ઇચ્છા છે” તું સાજો થા. (માર્ક ૧:૪૦, ૪૧) ઈસુ હજાર વર્ષના રાજમાં આખી ધરતી પર એવો જ પ્રેમ અને દયા બતાવશે.

૧૨. યશાયાહ ૧૧:૯ના શબ્દો કઈ રીતે પૂરા થશે?

૧૨ ઈસુએ લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈશ્વર વિષે લોકોને શીખવવાનું શરૂ કર્યું હતું. આજે પણ ઈસુ અને તેમની સાથે રાજ કરનારા એ કામને દોરી રહ્યા છે અને ભાવિમાં પણ દોરતા રહેશે. પછી યશાયાહ ૧૧:૯માંના આ શબ્દો પૂરા થશે: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” ત્યારે ઈશ્વર શીખવશે કે આ ધરતી અને એના દરેક પ્રાણીઓની કાળજી કેવી રીતે રાખવી. યહોવાહે શરૂઆતમાં આદમને એવું શીખવ્યું હતું. હજાર વર્ષના અંતે ઉત્પત્તિ ૧:૨૮માંનો યહોવાહનો મૂળ હેતુ પૂરો થશે. ત્યારે બધાને ઈસુની કુરબાનીનો પૂરો લાભ થઈ ચૂક્યો હશે.

ઈસુ આપણા ન્યાયાધીશ

૧૩. ઈસુને ન્યાયીપણું સૌથી વહાલું છે એ તેમણે કઈ રીતે બતાવી આપ્યું?

૧૩ યહોવાહે ‘જીવતાઓનો અને મૂએલાઓનો ન્યાય’ કરવાનું કામ ઈસુને સોંપ્યું છે. (પ્રે.કૃ. ૧૦:૪૨) ઈસુના મને ન્યાયીપણું અને વિશ્વાસુપણું જાણે કમરપટો છે. તે કદી ભ્રષ્ટ નહિ થાય એ જાણીને આપણાં હૈયાને કેટલી ઠંડક મળે છે! (યશા. ૧૧:૫) જેઓ લોભી, ઢોંગી અને ક્રૂર હતા તેઓને ઈસુ ધિક્કારતા. (માથ. ૨૩:૧-૮, ૨૫-૨૮; માર્ક ૩:૫) ઈસુએ એ પણ બતાવી આપ્યું કે લોકોના દેખાવથી તે છેતરાતા નથી. કેમ કે ‘માણસમાં શું છે એ તે જાણે છે.’—યોહા. ૨:૨૫.

૧૪. ઈસુ આજે કઈ રીતે ન્યાયીપણા માટેનો પોતાનો પ્રેમ બતાવે છે? અને આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૪ ઈસુ આજે પણ આખી દુનિયા પર થતા પ્રચાર અને શીખવવાના કામ પર દેખરેખ રાખે છે. એનાથી તે બતાવે છે કે ન્યાયીપણા માટે તેમને કેટલો પ્રેમ છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે એ કામ પૂરું થતાં કોઈ વ્યક્તિ, સરકાર કે દુષ્ટ દૂતો અટકાવી શકે એમ નથી. એટલે આપણને પૂરી ખાતરી છે કે આર્માગેદન પૂરું થશે ત્યારે ઈશ્વરનું ન્યાયીપણું ચારેય બાજુ ફેલાયેલું હશે. (યશાયાહ ૧૧:૪; માત્થી ૧૬:૨૭ વાંચો.) આ સવાલોનો વિચાર કરીએ: ‘પ્રચારમાં શું હું લોકો સાથે ઈસુ જેવું વલણ રાખું છું? ભલે મારી તબિયત કે સંજોગો સારા ન હોય, તોય શું હું યહોવાહ માટે મારાથી બનતું બધું કરું છું?’

૧૫. શું ધ્યાનમાં રાખવાથી આપણને ઈશ્વર માટે બનતું બધું કરવા મદદ મળશે?

૧૫ જો આપણે પ્રચાર કામને ઈશ્વરનું કામ ગણીશું તો એ પૂરા તન-મનથી કરવા મદદ મળશે. આખરે તો ઈશ્વરે જ આપણને એ કામ સોંપ્યું છે. એ કરનારને તે પોતાના દીકરા ઈસુ દ્વારા માર્ગદર્શન અને પવિત્ર શક્તિ આપે છે. યહોવાહ અને તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલતા ઈસુ સાથે કામ કરવાના લહાવાની શું તમે કદર કરો છો? આજે ૨૩૬ દેશોમાં સિત્તેર લાખથી પણ વધારે લોકો ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. તેઓમાંના મોટા ભાગના દુનિયાની નજરે ‘અભણ તથા અજ્ઞાની’ છે. (પ્રે.કૃ. ૪:૧૩) એ કામ કરવા આટલા બધા લોકોને યહોવાહ સિવાય બીજું કોણ પ્રેરણા આપી શકે?

ઈસુનું માનીએ, આશીર્વાદ પામીએ

૧૬. ઉત્પત્તિ ૨૨:૧૮ ઈશ્વરના આશીર્વાદો વિષે શું બતાવે છે?

૧૬ યહોવાહે ઈબ્રાહીમને કહ્યું: ‘તારા વંશ દ્વારા પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.’ (ઉત. ૨૨:૧૮) એનો અર્થ થાય કે આપણે ઈશ્વરના કામને એક લહાવો ગણીશું તો મસીહી રાજ્યમાં ઘણા આશીર્વાદો પામીશું. આજે ઘણા એ આશીર્વાદો ધ્યાનમાં રાખીને ઈશ્વરની સેવા કરવામાં મંડ્યા રહે છે.

૧૭, ૧૮. યહોવાહે પુનર્નિયમ ૨૮:૨માં કયું વચન આપ્યું છે અને એનો શું અર્થ થાય?

૧૭ યહોવાહે એક વાર ઈબ્રાહીમના વંશ ઈસ્રાએલી પ્રજાને કહ્યું હતું: ‘જો તું યહોવાહ તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ નિયમ કરારમાં જણાવેલા આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે.’ (પુન. ૨૮:૨) આજે યહોવાહના ભક્તોને પણ એ લાગુ પડે છે. જો તમે યહોવાહના આશીર્વાદો મેળવવા ઇચ્છતા હોવ તો તેમની ‘વાણી સાંભળતા’ રહો. ‘તો આ સર્વ આશીર્વાદ તમારા પર આવશે.’ પણ સવાલ થાય કે ‘સાંભળવાʼનો શું અર્થ થાય?

૧૮ એનો અર્થ થાય કે ઈશ્વરે બાઇબલમાં જે કહેલું છે એને દિલમાં ઉતારીએ. અને તે જે માર્ગદર્શન આપે છે એ પ્રમાણે જીવીએ. (માથ. ૨૪:૪૫) બીજા શબ્દોમાં કહીએ તો યહોવાહ અને તેમના દીકરા ઈસુનું કહેવું માનીએ. ઈસુએ કહ્યું: “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.” (માથ. ૭:૨૧) યહોવાહનું કહેવું માનવાનો અર્થ શું થાય? એ જ કે મંડળની દેખભાળ રાખવા તેમણે ‘પુરુષોમાં દાન’ એટલે કે વડીલો આપ્યા છે, તેઓનું રાજીખુશીથી સાંભળીએ.—એફે. ૪:૮, NW.

૧૯. યહોવાહના આશીર્વાદો પામવા શું કરવું જોઈએ?

૧૯ એ વડીલોમાં ગવર્નિંગ બૉડીનો સમાવેશ થાય છે. કેમ કે તેઓ યહોવાહના મંડળના પ્રતિનિધિ છે. (પ્રે.કૃ. ૧૫:૨,) ઈસુના એ ભાઈઓ સાથે આપણે જે રીતે વર્તીએ એના આધારે મહાન વિપત્તિમાં આપણો ન્યાય કરવામાં આવશે. (માથ. ૨૫:૩૪-૪૦) તો ચાલો યહોવાહના આશીર્વાદો પામવા આપણે તન-મન-ધનથી અભિષિક્ત જનોને સાથ આપીએ.

૨૦. (ક) વડીલોની કઈ મુખ્ય જવાબદારી છે? (ખ) આપણે તેઓની કદર કરવા શું કરવું જોઈએ?

૨૦ એ વડીલોમાં બીજા કોનો સમાવેશ થાય છે? બ્રાન્ચ કમિટીના સભ્યો, સરકીટ, ડિસ્ટ્રીક્ટ ઑવરસીયરો અને સર્વ મંડળના વડીલો. તેઓ બધા યહોવાહની શક્તિની મદદ દ્વારા એ જવાબદારી ઉપાડવા પસંદ કરવામાં આવ્યા છે. (પ્રે.કૃ. ૨૦:૨૮) તેઓની મુખ્ય જવાબદારી છે કે યહોવાહના ભક્તોને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરવી. જેથી ‘આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેમના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમાં પરિપક્વ થઈએ, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.’ (એફે. ૪:૧૩) ખરું કે વડીલો સંપૂર્ણ નથી. પણ તેઓ પાસેથી આવતા માર્ગદર્શનની કદર કરીશું તો આપણે આશીર્વાદો પામીશું.—હેબ્રી ૧૩:૭, ૧૭.

૨૧. ઈસુનું માનવું આપણી માટે કેમ તાકીદનું છે?

૨૧ બહુ જલદી શેતાની આ દુષ્ટ દુનિયાનો નાશ લાવવા ઈસુ પગલાં લેશે. ત્યારે આપણું જીવન ઈસુના ઇન્સાફ પર આધારિત હશે. કેમ કે યહોવાહે ઈસુને “જીવનના પાણીના ઝરાઓ” પાસે ‘મોટી સભાને’ દોરી જવાની જવાબદારી સોંપી છે. (પ્રકટી. ૭:૯, ૧૬, ૧૭) તો ચાલો હવે યહોવાહના મનપસંદ રાજા ઈસુને રાજીખુશીથી પૂરેપૂરો સાથ આપીએ. (w10-E 12/15)

આ કલમોમાંથી આપણે શું શીખ્યા?

યશાયાહ ૧૧:૧-૫

માર્ક ૧:૪૦, ૪૧

પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨

ઉત્પત્તિ ૨૨:૧૮

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્ર]

યાઐરસની દીકરી પર ઈસુને દયા આવી હોવાથી તેને સજીવન કરી

[પાન ૨૬ પર ચિત્ર]

આજે પૃથ્વી પર થઈ રહેલા મહાન પ્રચાર કાર્યની ઈસુ દેખરેખ રાખે છે