આપણી વાણી હંમેશા “માયાળુ” રાખીએ
આપણી વાણી હંમેશા “માયાળુ” રાખીએ
“તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે; તેની જીભનો નિયમ માયાળુપણું છે.”—નીતિ. ૩૧:૨૬.
૧, ૨. (ક) યહોવાહના ભક્તોને કયો ગુણ કેળવવાનું ઉત્તેજન આપવામાં આવે છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
બાઇબલ જમાનામાં રાજા લમૂએલને તેની માએ શિખામણ આપતા જણાવ્યું હતું કે સારી પત્નીમાં કેવા ગુણો હોવા જોઈએ. સારી પત્ની વિષે તેણે કહ્યું: “તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે; તેની જીભનો નિયમ માયાળુપણું છે.” (નીતિ. ૩૧:૧, ૧૦, ૨૬) યહોવાહને ભજવા ચાહતી દરેક સ્ત્રીની વાણી માયાળુ હોવી જોઈએ. આ સલાહ સ્ત્રીઓને જ નહિ, પણ યહોવાહને ભજવા ચાહતા સર્વને લાગુ પડે છે. (નીતિવચનો ૧૯:૨૨ વાંચો.) યહોવાહના સર્વ ભક્તોની વાણીથી દેખાઈ આવવું જોઈએ કે તેઓ માયાળુ છે.
૨ બાઇબલ કયા અર્થમાં માયાળુ બનવા ઉત્તેજન આપે છે? આપણી વાણી હંમેશાં માયાળુ અને પ્રેમાળ હોય એ માટે શું મદદ કરશે? એની કુટુંબ સાથે અને મંડળના ભાઈ-બહેનો સાથેની આપણી વાતચીત પર કેવી અસર પડશે?
અતૂટ પ્રેમથી દોરાઈને માયાળુ બનીએ
૩, ૪. (ક) મૂળ હિબ્રૂ શબ્દ પ્રમાણે માયાળુપણું એટલે શું? (ખ) સામાન્ય રીતે માયાળુ બનવું અને આ લેખમાં ઉત્તેજન આપ્યું છે એ અર્થમાં માયાળુ બનવામાં શું ફરક છે?
૩ મૂળ હિબ્રૂ શબ્દ કીસેધનું ગુજરાતી બાઇબલમાં “માયાળુપણું,” “કૃપા,” “દયા” વગેરે ભાષાંતર થયું છે. પરંતુ આ શબ્દોમાં મૂળ શબ્દનો પૂરો અર્થ આવતો નથી. આ એવો ગુણ છે, જેમાં વ્યક્તિ અતૂટ પ્રેમને લીધે રાજીખુશીથી બીજાને મદદ કરે છે અને એ તેના વાણી-વર્તનમાં દેખાઈ આવે છે.
૪ માયાળુ ગુણ સામાન્ય રીતે ઘણામાં જોવા મળે છે. અજાણ્યાઓ પ્રત્યે પણ લોકો માયાળુ બને છે. એક દાખલો લો. પાઊલ અને બીજા ૨૭૫ લોકો વહાણમાં મુસાફરી કરતા હતા ત્યારે તોફાનમાં એ તૂટી ગયું. ત્યારે માલ્ટાના લોકોએ તેઓને ઓળખતા ન હતા તોપણ મદદ કરી. (પ્રે.કૃ. ૨૭:૩૭–૨૮:૨) પરંતુ આપણે ત્રીજા ફકરામાં જોયું તેમ, આ લેખમાં બીજા અર્થમાં માયાળુ બનવા ઉત્તેજન આપવામાં આવ્યું છે. એમાં એકબીજાને ઓળખતા લોકો અતૂટ પ્રેમથી દોરાઈને માયાળુપણે મદદ કરે છે. * ‘ઈસ્રાએલપુત્રો મિસરમાંથી આવ્યા ત્યારે તેઓ સર્વની સાથે’ કેનીઓ આ અર્થમાં માયાળુપણે વર્ત્યા હતા.—૧ શમૂ. ૧૫:૬.
મનન અને પ્રાર્થના જરૂરી
૫. જીભ પર લગામ રાખવા આપણને શું મદદ કરશે?
૫ આપણી વાણીને હંમેશાં માયાળુ રાખવી કંઈ સહેલું નથી. જીભનો ઉલ્લેખ કરતા શિષ્ય યાકૂબે લખ્યું હતું: “જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.” (યાકૂ. ૩:૮) સાચે જ જીભને વશમાં રાખવી ખૂબ અઘરું છે. જીભ પર લગામ રાખવા આપણને શું મદદ કરી શકે? ઈસુએ તેમના સમયના ધર્મગુરુઓને કહેલા શબ્દો એના વિષે વધારે સમજાવે છે. ઈસુએ કહ્યું હતું: “મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.” (માથ. ૧૨:૩૪) આપણા હોઠોમાંથી માયાળુ શબ્દો નીકળે એ માટે બહુ જરૂરી છે કે એ ગુણને પહેલાં આપણે દિલમાં કેળવીએ. ચાલો જોઈએ કે એ ગુણ કેળવવા મનન અને પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે.
૬. યહોવાહ માયાળુપણે વર્ત્યા હોય એવા દાખલાઓ પર આપણે કેમ મનન કરવું જોઈએ?
૬ બાઇબલ જણાવે છે કે યહોવાહ માયાળુ કે ‘અનુગ્રહથી ભરપૂર’ છે. (નિર્ગ. ૩૪:૬) એક ઈશ્વરભક્તે ભજનમાં લખ્યું કે “હે યહોવાહ, તારી કૃપાથી પૃથ્વી ભરપૂર છે.” (ગીત. ૧૧૯:૬૪) યહોવાહ પોતાના ભક્તો સાથે માયાળુ કે કૃપાળુ રીતે વર્ત્યા હોય એવા અનેક દાખલા બાઇબલમાં જોવા મળે છે. આપણે સમય કાઢીને દિલથી એ દાખલાઓ પર મનન કરીશું તો તેમનો આ ગુણ કેળવવા આપણને હોંશ જાગશે.—ગીતશાસ્ત્ર ૭૭:૧૨ વાંચો.
૭, ૮. (ક) લોત અને તેમના કુટુંબને યહોવાહે કઈ રીતે કૃપા બતાવી? (ખ) યહોવાહની કૃપા પામ્યા પછી દાઊદને કેવું લાગ્યું?
૭ ઈબ્રાહીમનો ભત્રીજો લોત અને તેમના કુટુંબનો દાખલો લો. તેઓ સદોમમાં રહેતા હતા. એ શહેરનો યહોવાહે નાશ કર્યો ત્યારે લોત અને તેના કુટુંબને જે રીતે બચાવ્યા એનો વિચાર કરો. શહેરનો નાશ કરવાનો સમય પાસે આવ્યો ત્યારે દૂતોએ આવીને લોત અને તેના કુટુંબને ઉતાવળે શહેરમાંથી બહાર નાસી જવા અરજ કરી. ‘લોત વિલંબ કરતો હતો. ત્યારે યહોવાહ તેના પર કૃપાળુ હોવાથી દૂતોએ તેનો હાથ તથા તેની સ્ત્રીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડ્યા; અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડ્યો.’ યહોવાહે લોત પર જે અપાર કૃપા બતાવી, એના પર વિચાર કરવાથી આપણા દિલ પર કેવી ઊંડી અસર પડે છે!—ઉત. ૧૯:૧૬, ૧૯.
૮ હવે ચાલો આપણે દાઊદ રાજાનો દાખલો લઈએ. તેમણે ભજનમાં ગાયું: ‘યહોવાહ તારાં સઘળાં પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે.’ બાથ-શેબા સાથે વ્યભિચાર કરીને દાઊદે મોટું પાપ કર્યું હતું. યહોવાહે જે હદે દાઊદને માફ કર્યા એ માટે તે ચોક્કસ ખૂબ જ આભારી હશે! એટલે જ તેમણે યહોવાહ વિષે ભજનમાં કહ્યું: “જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૩, ૧૧) આ અને બાઇબલમાં આપેલા બીજા બનાવો પર વિચાર કરવાથી યહોવાહે બતાવેલી કૃપા જોઈને આપણા દિલમાં કદર વધે છે. પછી તેમની ભક્તિ કરવા અને અહેસાન માનવા આપણે દોરાઈએ છીએ. આપણા દિલમાં તેમના માટે જેટલી કદર વધશે એટલું જ તેમને અનુસરવાનું આપણને મન થશે.—એફે. ૫:૧.
૯. આપણે શા માટે જીવનના દરેક પાસામાં માયાળુ રીતે બોલવું જોઈએ?
૯ આ દાખલાઓમાંથી આપણે જોયું કે યહોવાહ પોતાના ભક્તો પ્રત્યે માયાળુ રીતે વર્તે છે. પરંતુ જેઓ તેમના ભક્તો નથી તેઓ વિષે શું? શું તેઓ સાથે યહોવાહ કઠોર કે જુલમી બને છે? જરાય નહિ! લુક ૬:૩૫ જણાવે છે: ‘ઉપકાર ન માનનારા પર તથા ભૂંડાઓ પર ઈશ્વર માયાળુ છે.’ તેમ જ “તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માથ. ૫:૪૫) બાઇબલ સત્ય શીખ્યા અને જીવનમાં ઉતાર્યું એ પહેલાં પણ ઈશ્વર આપણા પ્રત્યે માયાળુ હતા. પણ તેમના ભક્ત બન્યા પછી આપણે હવે વધુ પ્રમાણમાં તેમની કૃપા અને અતૂટ પ્રેમ અનુભવીએ છીએ. (યશાયાહ ૫૪:૧૦ વાંચો.) એ માટે આપણે કેટલા આભારી છીએ! તો પછી, શું આપણે હંમેશાં માયાળુપણે બોલવું ન જોઈએ? હા, જીવનના દરેક પાસામાં આપણી વાણી માયાળુ હોવી જોઈએ.
૧૦. માયાળુ સ્વભાવ કેળવવા પ્રાર્થનાની ગોઠવણ કઈ રીતે મદદ કરે છે?
૧૦ માયાળુ ગુણ કેળવવા યહોવાહે સુંદર મદદ પૂરી પાડી છે. એ છે, પ્રાર્થનાની ગોઠવણ. યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીને આપણે માયાળુ ગુણ કેળવી શકીએ. એટલે આપણે યહોવાહને પ્રાર્થના કરીને તેમની શક્તિ માંગીએ એ બહુ જરૂરી છે. (લુક ૧૧:૧૩) આપણે વારંવાર પ્રાર્થનામાં યહોવાહની શક્તિની મદદ માગવી જોઈએ અને તેમની દોરવણી પ્રમાણે જીવવું જોઈએ. તેથી, આપણા હોઠોમાંથી હંમેશાં માયાળુ શબ્દો નીકળે એમ ઇચ્છતા હોય તો, યહોવાહનાં કામો પર મનન અને પ્રાર્થના કરવી ખૂબ જ મહત્ત્વનું છે.
પતિ-પત્નીએ માયાળુ રીતે બોલવું જોઈએ
૧૧. (ક) યહોવાહ ચાહે છે કે પતિઓ માયાળુ બને, એમ આપણે શાના પરથી કહી શકીએ? (ખ) માયાળુપણું કઈ રીતે પતિને જીભ પર લગામ રાખવા મદદ કરી શકે?
૧૧ પ્રેરિત પાઊલ પતિઓને ઉત્તેજન આપે છે: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફે. ૫:૨૫) પાઊલ તેઓને એ પણ યાદ કરાવે છે કે યહોવાહે આદમ અને હવાને શું કહ્યું હતું. તેમણે લખ્યું: “પુરુષ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીની સાથે જોડાઈ રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.” (એફે. ૫:૩૧) હા, યહોવાહ ચાહે છે કે પતિઓ પોતાની પત્નીને વફાદાર રહે, તેની સાથે હંમેશાં માયાળુ રીતે વર્તે. પતિને પોતાની પત્ની માટે અતૂટ પ્રેમ હશે તો તે બધાની આગળ તેને ઉતારી નહિ પાડે. અથવા બીજાઓ આગળ તેના વિષે ખરાબ નહિ બોલે. પણ તે પોતાની પત્નીના ખુશીથી વખાણ કરશે. (નીતિ. ૩૧:૨૮) જો કોઈ કારણસર તેઓ વચ્ચે અણબનાવ બને તો માયાળુ પતિ બધાની આગળ પત્નીને નીચી નહિ પાડે.
૧૨. પત્ની કઈ રીતે બતાવી શકે કે તેના હોઠોમાંથી માયાળુ શબ્દો ઝરે છે?
૧૨ એવી જ રીતે પત્નીની વાણી પણ દરેક રીતે માયાળુ હોવી જોઈએ. તેના વાણી-વર્તન પર દુનિયાનો રંગ લાગવો ન જોઈએ. પત્ની “પોતાના પતિનું” ઊંડું માન રાખશે. બધાની આગળ દિલથી પતિનું સારું બોલીને તેમનું માન વધારશે. (એફે. ૫:૩૩) પત્ની બાળકો આગળ પતિની વાતને તોડી નહિ પાડે અથવા તેમણે લીધેલા નિર્ણયનો વિરોધ નહિ કરે. એનાથી બાળકો આગળ પિતાનું માન જળવાઈ રહેશે. પત્ની કોઈ વાતે પતિ સાથે સહમત ન હોય તો, તે એકાંતમાં તેમની સાથે વાત કરશે. બાઇબલ કહે છે: “દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે.” (નીતિ. ૧૪:૧) તેના કુટુંબમાં પ્રેમભાવ, હૂંફ અને સંપ જળવાઈ રહે છે.
૧૩. ખાસ કરીને ક્યારે પતિ-પત્નીએ એકબીજા સાથે માયાળુપણે બોલવું જોઈએ? એમ કરવા તેઓએ શું કરવું જોઈએ?
૧૩ ઘરમાં પતિ-પત્ની એકાંતમાં હોય ત્યારે પણ તેઓએ હંમેશાં એકબીજા સાથે માનથી બોલવું જોઈએ. પ્રેરિત પાઊલે લખ્યું: “રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં બીભત્સ વચન એ સર્વ તજી દો.” પછી તેમણે લખ્યું: ‘દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એ ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.’ (કોલો. ૩:૮, ૧૨-૧૪) મા-બાપની વાણી હંમેશાં પ્રેમાળ ને માયાળુ હશે તો એવાં વાતાવરણમાં બાળકો પર ખૂબ સારી અસર પડશે. પછી તેઓ બીજાઓ સાથેની વાતચીતમાં પણ માબાપને અનુસરશે.
૧૪. કુટુંબના શિર પોતાની વાણીથી દિલાસો આપવા શું કરી શકે?
૧૪ યહોવાહ વિષે એક ઈશ્વરભક્તે પ્રાર્થનામાં આમ કહ્યું: “તારી કૃપાથી મને દિલાસો મળો.” (ગીત. ૧૧૯:૭૬) પોતાના ભક્તોને અજોડ રીતે દિલાસો આપવા યહોવાહ શિખામણ અને માર્ગદર્શન પૂરું પાડે છે. (ગીત. ૧૧૯:૧૦૫) કુટુંબના શિર માટે યહોવાહ પિતા કેવો સરસ દાખલો બેસાડે છે! તો પછી, કુટુંબના શિર પોતાની વાણીથી કુટુંબને દિલાસો આપવા શું કરી શકે? તે કુટુંબને જરૂરી માર્ગદર્શન અને ઉત્તેજન પૂરું પાડી શકે. એમ કરવા એક સાંજ કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે બાઇબલમાંથી શીખવવા અને ઉત્તેજન આપવા તેમની પાસે સરસ મોકો રહેલો છે.—નીતિ. ૨૪:૪.
મંડળના ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ બતાવીએ
૧૫. વડીલો અને સત્યમાં અડગ છે તેઓ કઈ રીતે પોતાની વાણીથી મંડળના ભાઈ-બહેનોનું રક્ષણ કરી શકે?
૧૫ દાઊદ રાજાએ પ્રાર્થનામાં કહ્યું હતું: “તારી કૃપા તથા સત્યતા નિરંતર મારૂં રક્ષણ કરો.” (ગીત. ૪૦:૧૧) મંડળના વડીલો અને સત્યમાં અડગ છે તેઓ આ બાબતમાં કઈ રીતે યહોવાહને અનુસરી શકે? પોતાની વાણી દ્વારા બીજાઓને બાઇબલમાંથી સલાહ આપીને આપણે કૃપા બતાવી શકીએ.—નીતિ. ૧૭:૧૭.
૧૬, ૧૭. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણા હોઠોમાં માયાળુપણું છે?
૧૬ જો કોઈ ભાઈ કે બહેન બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ જતા જોવા મળે તો આપણે શું કરવું જોઈએ? તેમના પર આપણને કૃપા હોવાથી તેમને સુધારવા પોતાની જીભ વાપરવી ન જોઈએ શું? (ગીત. ૧૪૧:૫) જો કોઈ ભાઈ કે બહેને મોટું પાપ કર્યું હોય તો તેમના પર અતૂટ પ્રેમ હોવાથી આપણે તેમને ઉત્તેજન આપીશું કે તે ‘મંડળીના વડીલોને બોલાવે,’ જેથી ‘તેઓ પ્રભુ યહોવાહના નામે તેમને તેલ ચોળે અને તેમને માટે પ્રાર્થના કરે.’ (યાકૂ. ૫:૧૪) તે વ્યક્તિ જો વડીલોને ન જણાવે તો શું? તો આપણે જણાવીએ, નહિ તો એ વ્યક્તિને કૃપા બતાવવામાં આપણે નિષ્ફળ જઈશું. એવું પણ બને કે મંડળમાં કોઈ હિંમત હારી ગયું હોય, એકલતા કે નકામાપણાની લાગણી સતાવતી હોય અથવા કંઈક કરી શક્યા ન હોવાથી નિરાશ થઈ ગયા હોય. એવા ભાઈ-બહેનોને માયાળુ શબ્દોથી ‘ઉત્તેજન આપવાની’ આપણી પાસે સરસ તક છે.—૧ થેસ્સા. ૫:૧૪.
૧૭ આપણા સાથી ભાઈ-બહેનો વિષે દુશ્મનો અફવા ફેલાવે અને એ આપણા સાંભળવામાં આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? એ ભાઈ-બહેનો પર શંકા કરવાને બદલે આપણે અફવાને ગણકારીશું નહિ. અથવા અફવા ફેલાવનાર વાજબી હોય તો તેને પૂછી શકીએ કે ‘તમે શાને આધારે એમ કહો છો? શું એનો કોઈ પુરાવો છે?’ જો સતાવણી કરતા ઈશ્વરના દુશ્મનો જાણવા ચાહે કે ‘આપણા ભાઈ-બહેનો ક્યાં છે,’ તો આપણે શું કરવું જોઈએ? આપણા ભાઈ-બહેનો માટે અતૂટ પ્રેમ હોવાથી દુશ્મનોને કંઈ જણાવવું ન જોઈએ.—નીતિ. ૧૮:૨૪.
‘દયાથી વર્તનાર જીવન પામશે’
૧૮, ૧૯. ભાઈ-બહેનો સાથે આપણે શા માટે હંમેશાં માયાળુપણે બોલવું જોઈએ?
૧૮ આપણે સાથી ભાઈ-બહેનો સાથે હંમેશાં અતૂટ પ્રેમથી વર્તવું જોઈએ. અરે, અઘરા સંજોગોમાં પણ આપણા મુખમાંથી માયાળુ શબ્દો નીકળવા જોઈએ. ઈસ્રાએલી લોકોના મુખમાંથી નીકળતા માયાળુ શબ્દો “જલદીથી ઊડી જનાર ઝાકળ” જેવા હોવાથી યહોવાહ નાખુશ હતા. (હોશી. ૬:૪, ૬) પણ જ્યારે આપણે હંમેશાં માયાળુપણે બોલીએ છીએ ત્યારે યહોવાહને આનંદ થાય છે. આપણે એમ કરતા રહીશું તો યહોવાહ કેવા આશીર્વાદો આપશે એનો વિચાર કરો.
૧૯ નીતિવચનો ૨૧:૨૧ કહે છે: “જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે.” એમ કરનારને અનેક આશીર્વાદો મળશે. જેમ કે, તેને હાલની જેમ ટૂંકું જીવન નહિ, પણ કાયમ માટેનું જીવન મળશે. અમર જીવન! તેને યહોવાહ “ખરેખરું જીવન” પામવા મદદ કરશે. (૧ તીમો. ૬:૧૨, ૧૯) તો ચાલો આપણે એકબીજા સાથે હંમેશાં ‘કૃપા તથા દયાથી’ વર્તીએ.—ઝખા. ૭:૯. (w10-E 08/15)
[ફુટનોટ્સ]
^ આ વિષે વધારે જાણવા મે ૧૫, ૨૦૦૨ના ચોકીબુરજમાં પાન ૧૨-૧૩ અને ૧૮-૧૯ જુઓ.
તમે કેવી રીતે સમજાવશો?
• મૂળ હિબ્રૂ શબ્દ પ્રમાણે માયાળુપણું એટલે શું?
• માયાળુ રીતે બોલવા આપણને ક્યાંથી મદદ મળશે?
• પતિ-પત્ની કઈ રીતે બતાવી શકે કે તેઓના મુખમાંથી માયાળુ શબ્દો ઝરે છે?
• મંડળના ભાઈ-બહેનો સાથેના વહેવારમાં શાના પરથી દેખાઈ આવશે કે આપણા હોઠોમાંથી માયાળુ શબ્દો ઝરે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]
યહોવાહ માયાળુ હોવાથી દાઊદે તેમના ગુણગાન ગાયા
[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]
શું તમે નિયમિત કુટુંબ તરીકે એક સાંજે ભક્તિ કરો છો?