સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?

શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?

શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?

લોકો કહે છે:

▪ “બધા માર્ગો ઈશ્વર તરફ દોરી જાય છે.”

▪ “તમને જેમાં શ્રદ્ધા હોય એ બરાબર.”

ઈસુએ શું કહ્યું?

▪ ઈસુ માનતા ન હતા કે બધા માર્ગો ઈશ્વર તરફ દોરી જાય છે. તેમણે કહ્યું: ‘તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.’—માત્થી ૭:૧૩, ૧૪.

▪ ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા બધાને ઈસુએ સ્વીકાર્યા નહિ. તેમણે કહ્યું: “ઘણા મને કહેશે, કે પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે ભૂતોને કાઢ્યાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.”—માત્થી ૭:૨૨, ૨૩.

આજે ઘણા લોકોને પોતાના ધર્મ અને રીત-રિવાજોનો ગર્વ છે. પણ જો એ માણસોએ બનાવેલા હોય અને બાઇબલ વિરુદ્ધ હોય તો શું? ઈસુના જમાનાના ધર્મગુરુઓ પણ એમ જ કરતા હતા. ઈસુએ તેઓને ચેતવણી આપતા કહ્યું: ‘તમે તમારા સંપ્રદાયથી કે રીત-રિવાજોથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે.’ પછી ઈશ્વરના કહેલા શબ્દો ઈસુએ જણાવ્યા: “આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, કેમકે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.”—માત્થી ૧૫:૧-૯; યશાયાહ ૨૯:૧૩.

ઈશ્વરની ભક્તિ કરવી જ પૂરતી નથી, આપણા વાણી-વર્તન પણ સારા હોવા જોઈએ. બાઇબલ કહે છે કે ઘણા લોકો ‘ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે; પણ પોતાનાં કામથી તેનો નકાર કરે છે.’ (તીતસ ૧:૧૬) આજે મોટા ભાગના લોકો કેવા છે? બાઇબલ કહે છે: લોકો “ઈશ્વરની ભક્તિને બદલે વિલાસ [મોજ-શોખ] પર પ્રેમ રાખનારા થશે. તેઓ ધાર્મિક હોવાનો ડોળ કરશે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખશે નહિ. એવા લોકોથી તું ભરમાઈ જઈશ નહિ.”—૨ તિમોથી ૩:૪, ૫, IBSI.

ઈશ્વરની દિલથી ભક્તિ કરવા તેમનું જ્ઞાન પણ જરૂરી છે. (રૂમી ૧૦:૨, ૩) જો એ ન હોય તો કદાચ આપણે ખોટી રીતે ઈશ્વરની ભક્તિ કરવા માંડીએ. એટલે બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખીએ. એ પ્રમાણે દરરોજ જીવીએ. ઈશ્વરની ઇચ્છા પૂરી કરીએ. (માત્થી ૭:૨૧) ઈશ્વરના ખરા ભક્તો કેવા છે? તેઓ દિલથી ભક્તિ કરે છે. ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જીવે છે. સારા વાણી-વર્તન બતાવે છે.—૧ યોહાન ૨:૧૭.

જો તમને બાઇબલમાંથી ઈશ્વર વિષે વધુ જાણવું હોય, તો યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરો. તેઓ રાજી-ખુશીથી તમને શીખવશે. (w09 2/1)

[પાન ૯ પર બ્લર્બ]

ઈશ્વરના ખરા ભક્તો દિલથી ભક્તિ કરે છે. ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જીવે છે. સારા વાણી-વર્તન બતાવે છે