‘મોડું કર્યા વગર પાછા ફરો’
‘મોડું કર્યા વગર પાછા ફરો’
“અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.”—યોહા. ૬:૬૮.
૧ ઘણા લોકો ઈસુને છોડી ગયા ત્યારે પીતરે શું કહ્યું?
એક વાર ઈસુ લોકોને શીખવતા હતા. તેમની એક વાત ઘણાને ગળે ઊતરી નહિ. તેઓ ઈસુને છોડીને ચાલ્યા ગયા. એ જોઈને ઈસુએ શિષ્યોને પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” પીતરે કહ્યું કે “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.” (યોહા. ૬:૫૧-૬૯) એ સિવાય યહૂદી ધર્મમાં “અનંતજીવનની વાતો” ન હતી. આજે પણ યહોવાહના માર્ગ સિવાય, બીજા કોઈ ધર્મ પાસે એનું શિક્ષણ નથી. એટલે જ યહોવાહને છોડી ગયેલા ભાઈ-બહેનોએ પાછા ફરવાની ‘વેળા કે ઘડી હમણાં આવી ચૂકી છે.’—રૂમી ૧૩:૧૧.
૨. સ્ટડી ચલાવનારને ખબર પડે કે વ્યક્તિએ મોટું પાપ કર્યું છે તો, શું કરવું જોઈએ?
૨ જ્યારે ઈસ્રાએલી લોકોએ યહોવાહને છોડી દીધા, ત્યારે તેઓને પાછા લાવવા તેમણે બધું જ કર્યું. (હઝકીએલ ૩૪:૧૫, ૧૬ વાંચો.) આજે પણ વડીલો એવું જ કરે છે. જેઓ મંડળમાં પાછા આવવા ચાહે છે, તેઓને મદદ કરે છે. કદાચ વડીલો કોઈક અનુભવી ભાઈ કે બહેનને તેઓ સાથે સ્ટડી કરવાનું પણ કહે. પણ જો સ્ટડી ચલાવનારને ખબર પડે કે વ્યક્તિએ મોટું પાપ કર્યું છે, તો શું કરવું જોઈએ? પોતે કોઈ સલાહ આપવાને બદલે, વ્યક્તિને ઉત્તેજન આપે કે તે વડીલોને જણાવે. જો તે એમ ન કરે તો સ્ટડી ચલાવનાર પોતે વડીલોને જણાવે.—લેવી. ૫:૧; ગલા. ૬:૧.
૩. ખોવાયેલું ઘેટું પાછું મળ્યું ત્યારે ઘેટાંપાળકને કેવું લાગ્યું?
૩ આગળના લેખમાં આપણે ઈસુએ આપેલું એક ઉદાહરણ જોઈ ગયા. એક માણસને સો ઘેટાં હતાં, જેમાંથી એક ખોવાઈ ગયું. તે નવ્વાણુંને મૂકીને એને શોધવા ગયો. એ મળતા જ રાજી રાજી થઈ ગયો. (લુક ૧૫:૪-૭) એ જ રીતે, યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયેલાને, વડીલો અને અમુક ભાઈ-બહેનો પ્રેમથી મદદ કરે છે. તેઓ મંડળમાં પાછા આવે ત્યારે ફરીથી યહોવાહનું રક્ષણ મળે છે, આશીર્વાદ મળે છે. એનાથી આપણને બધાને ઘણી ખુશી થાય છે. (પુન. ૩૩:૨૭; ગીત. ૯૧:૧૪; નીતિ. ૧૦:૨૨) એવી વ્યક્તિને મદદ કરવાનું તમને કહેવામાં આવે તો કેવી રીતે કરશો?
૪. ગલાતી ૬:૨, ૫ શું સમજવા મદદ કરે છે?
૪ આપણે ઉત્તેજન આપીએ કે યહોવાહ તેમને ખૂબ જ ચાહે છે. તે ગજા ઉપરાંત કંઈ પણ કરવાનું કહેતા નથી. તે ચાહે છે કે આપણે બાઇબલ વાંચીએ, એના પર વિચારીએ. મિટિંગ-પ્રચારમાં જઈએ. પછી આપણે ગલાતી ૬:૨, ૫ વાંચી શકીએ. તેઓને સમજાવીએ કે ભાઈ-બહેનો દુઃખ-તકલીફમાં મદદ કરી શકે, પણ તેઓ માટે યહોવાહની ભક્તિ ન કરી શકે. “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.”
“સંસારી ચિંતાથી” ઠંડા પડી ગયેલા
૫, ૬. (ક) વ્યક્તિ દિલ ખોલીને વાત કરે ત્યારે કેમ ધ્યાનથી સાંભળવું જોઈએ? (ખ) પતિ-પત્નીને શું જોવા મદદ કરી શકાય?
૫ પૈસાની તંગી કે કુટુંબની જવાબદારી વધવાને કારણે, એક પતિ-પત્ની ‘સંસારી ચિંતામાં’ ડૂબતા જાય છે. (લુક ૨૧:૩૪) ધીમે ધીમે યહોવાહની ભક્તિ છોડી દે છે. એક વડીલ તેઓને ઉત્તેજન આપવા જાય છે. તે સમજાવે છે કે મંડળમાં આવવાથી તેઓને મુશ્કેલીઓ સહેવા મદદ મળશે, નહિ તો તેઓ એકલા પડી જશે. (નીતિવચનો ૧૮:૧ વાંચો.) વડીલ પ્રેમથી આવું કંઈક પૂછી શકે: ‘મિટિંગમાં આવવાનું બંધ કર્યું, એનાથી તમને કેવું લાગે છે? એનાથી કુટુંબ પર કેવી અસર થઈ છે? તમારી શ્રદ્ધા પર કેવી અસર થઈ છે?’ (નહે. ૮:૧૦) તેઓ દિલ ખોલીને વાત કરે ત્યારે, ધ્યાનથી સાંભળવું જોઈએ.
૬ વડીલ એવા પ્રશ્નો પૂછે, એનાથી પતિ-પત્નીને શું ખ્યાલ આવશે? એ જ કે મંડળથી દૂર રહીને તેઓની શ્રદ્ધા નબળી થઈ છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) જીવનમાં પહેલાં જેવી રોનક રહી નથી. કદાચ એ પણ ખ્યાલ આવે કે પ્રચારમાં ન જવાથી, એમાં મળતો આનંદ પણ ગુમાવ્યો છે. (માથ. ૨૮:૧૯, ૨૦) તો પછી તેઓએ શું કરવું જોઈએ?
૭. ઠંડી પડી ગયેલી વ્યક્તિને શું ઉત્તેજન આપવું જોઈએ?
૭ ઈસુએ કહ્યું, ‘પોતાના વિષે સાવધાન રહો, નહિ તો અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જશે. હર વખત જાગતા રહો, અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જાવ.’ (લુક ૨૧:૩૪-૩૬) એટલે મંડળમાં પાછા આવવા ચાહનારને ઉત્તેજન આપો કે એના વિષે યહોવાહને પ્રાર્થના કરે. એ પ્રમાણે જીવનમાં ફેરફાર કરે.—લુક ૧૧:૧૩.
ખોટું લાગવાથી ઠંડા પડી ગયેલા
૮, ૯. કોઈને ખોટું લાગ્યું હોય તો કઈ રીતે મદદ કરશો?
૮ બધાનો સ્વભાવ જુદો જુદો હોવાથી, કોઈ વાર આપણું કોઈની સાથે ન પણ બને. જોકે અમુકને એનાથી એટલું ખોટું લાગે છે કે મિટિંગ-પ્રચાર પડતા મૂકે છે. અથવા કોઈ અનુભવી ભાઈ કે બહેન યોગ્ય રીતે ન વર્તે. એનાથી અમુક વ્યક્તિ મંડળ સાથે સંગત રાખવાનું બંધ કરે છે. જો એમ થાય તો વડીલ તેઓને જણાવી શકે કે યહોવાહ કોઈને ઠોકર ખવડાવતા નથી. કોઈના લીધે આપણે યહોવાહ સાથેનો નાતો શું કામ તોડીએ? આપણે મન મૂકીને યહોવાહની ભક્તિ કરતા રહીએ અને ભરોસો રાખીએ કે તે ‘પૃથ્વીના ન્યાયાધીશ’ છે. તે બધુંય જાણે છે. તે ઇન્સાફ કરશે. (ઉત. ૧૮:૨૫; કોલો. ૩:૨૩-૨૫) જો તમને ઠોકર લાગે ને પડી જાવ, તો ત્યાં જ બેસી રહેશો? ના, તમે ફટાફટ ઊભા થઈ જશો.
૯ એ જ રીતે, જો કોઈને ખોટું લાગે ને ઠોકર ખાય તો શું કરી શકાય? વડીલ તેમને જણાવે કે અમુક ભાઈ-બહેનોએ પોતાની મુશ્કેલી વિષે થોડા સમય પછી વિચાર કર્યો. તેઓ ધારતા હતા એટલી મોટી મુશ્કેલી હતી જ નહિ. અથવા તો હવે મુશ્કેલી જેવું કંઈ છે જ નહિ. પછી વડીલ તે વ્યક્તિને પ્રાર્થના કરીને એના પર વિચાર કરવા ઉત્તેજન આપી શકે. એમ કરવાથી વ્યક્તિને કદાચ ખ્યાલ આવશે કે તેમનો પોતાનો પણ થોડો વાંક હોય શકે. એ કારણથી જો ઠપકો મળ્યો હોય, તો ખોટું લગાડવું ન જોઈએ.—ગીત. ૧૧૯:૧૬૫; હેબ્રી ૧૨:૫-૧૩.
બાઇબલના કોઈ શિક્ષણથી ઠોકર ખાનારા
૧૦, ૧૧. બાઇબલના કોઈ શિક્ષણ વિષે ગેરસમજ થઈ હોય, તેઓને કઈ રીતે મદદ કરી શકાય?
૧૦ ઈસ્રાએલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ થયા, એ બનાવનો વિચાર કરો. એના થોડા સમયમાં તેઓ ‘ઈશ્વરનાં કૃત્યો ભૂલી ગયા. તેમની સલાહ સાંભળવાને ધીરજ રાખી નહિ.’ (ગીત. ૧૦૬:૧૩) એવું જ આજે પણ બની શકે છે. બાઇબલનાં કોઈ શિક્ષણ વિષે ગેરસમજ થવાથી, અમુક જણ મંડળમાં આવવાનું બંધ કરી દે છે. પણ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા જ યહોવાહ આપણને સત્ય શીખવે છે. (માથ. ૨૪:૪૫) એ જ રીતે તો યહોવાહ વિષે એ વ્યક્તિને પણ શીખવા મળ્યું હતું. કદાચ એના પર વિચાર કરવાથી, તેમનામાં ફરીથી યહોવાહની ભક્તિ માટે હોંશ જાગી શકે.—૨ યોહા. ૪.
૧૧ તેઓને મદદ કરનાર વડીલ કદાચ ઈસુના સમયનો દાખલો યાદ કરાવી શકે. અમુક લોકોને ઈસુની એક વાતની ગેરસમજ થઈ. એટલે તેમને છોડીને ચાલ્યા ગયા. (યોહા. ૬:૫૩, ૬૬) એનાથી તેઓએ યહોવાહ સાથેનો નાતો કાપી નાખ્યો. તેમની ભક્તિનો આનંદ ગુમાવ્યો. જેઓ યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા છે, તેઓને પૂછો: ‘યહોવાહ વિષે બીજું કોણ સત્ય શીખવે છે?’ કોઈ જ નહિ. ફક્ત યહોવાહના મંડળમાં જ એ શીખવા મળે છે.
પાપ કરવાને લીધે ઠંડા પડી ગયેલા
૧૨, ૧૩. જો વ્યક્તિ જણાવે કે તેમણે મોટું પાપ કર્યું છે, તો કઈ રીતે મદદ આપી શકાય?
૧૨ અમુક વ્યક્તિએ મોટું પાપ કર્યું હોવાથી, મિટિંગ-પ્રચારમાં જવાનું બંધ કરી દે છે. તેઓ માને છે કે એના વિષે વડીલોને કહેશે તો તેઓ તેમને (ડિસ્ફેલોશીપ) મંડળમાંથી કાઢી મૂકશે. પણ જો તેમણે ખોટાં કામો છોડી દીધાં હોય અને સાચા દિલથી પસ્તાવો કરે, તો તેમને મંડળમાંથી કાઢી મૂકવામાં નહિ આવે. (૨ કોરીં. ૭:૧૦, ૧૧) એને બદલે, વડીલો તેમને પાછા આવવા જોઈતી મદદ કરશે.
૧૩ માનો કે વડીલોના કહેવાથી તમે એવી વ્યક્તિ સાથે સ્ટડી કરો છો. તે જણાવે છે કે તેમણે મોટું પાપ કર્યું છે. હવે તમે શું કરશો? કોઈ સલાહ-સૂચન આપવાને બદલે, તેમને ઉત્તેજન આપો કે એના વિષે વડીલોને જણાવે. જો તે એમ ન કરે, તો તમે વડીલોને એ જણાવો. એનાથી બતાવો છો કે તમે યહોવાહનાં ધોરણો પ્રમાણે, મંડળને શુદ્ધ રાખવા ચાહો છો. તમે યહોવાહનું નામ બદનામ થવા દેતા નથી. (લેવીય ૫:૧ વાંચો.) વડીલો આવી વ્યક્તિને પ્રેમથી યહોવાહની શિખામણ આપશે. એનાથી તે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવતા ફરીથી શીખશે. (હેબ્રી ૧૨:૭-૧૧) યહોવાહની માફી પામવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તેમણે સ્વીકારવું જોઈએ કે પોતે યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું છે. ત્યાર પછી એવાં ખોટાં કામો છોડી દીધાં છે અને દિલથી પસ્તાવો કર્યો છે. વડીલોના માર્ગદર્શન પ્રમાણે બધું કરવા તૈયાર છે.—યશા. ૧:૧૮; ૫૫:૭; યાકૂ. ૫:૧૩-૧૬.
મંડળમાં પાછા આવવાથી થતો આનંદ
૧૪. ઈસુએ કયો દાખલો આપ્યો?
૧૪ તેઓ સાથે લુક ૧૫:૧૧-૨૪નો દાખલો પણ વિચારી શકાય. એમાં એક ઉડાઉ દીકરો બાપને પૈસે જલસા કરે છે. પૈસા ખલાસ થઈ ગયા પછી, ભૂખે મરવા લાગે છે. ઘર બહુ જ યાદ આવે છે. આખરે ઘરે પાછો ફરે છે. પિતા તેને દૂરથી આવતો જોઈને, સામે મળવા દોડે છે. તેને ભેટી પડે છે. કદાચ આ દાખલા પર વિચાર કરીને, એ ભાઈ કે બહેનને મંડળમાં પાછા આવવાનું મન થશે. તેમને સમજાવો કે આ દુષ્ટ જગતનો અંત જલદી જ આવશે. મોડું કર્યા વગર તે મંડળમાં પાછા આવે.
૧૫. કેમ અમુક જણ મંડળથી દૂર ચાલ્યા જાય છે?
૧૫ જોકે બધા જ કંઈ ઉડાઉ દીકરા જેવા નથી. જેમ હોડી પાણીના વહેણથી ધીમે ધીમે દૂર ખેંચાઈ જાય, એમ અમુક મંડળથી દૂર ચાલ્યા ગયા છે. અમુક જણ જીવનની ચિંતાઓમાં દબાઈ ગયા છે. બીજા અમુકને ખોટું લાગવાથી આવતા નથી. અમુક જણે બાઇબલના કોઈ શિક્ષણને લીધે ઠોકર ખાધી છે. જ્યારે કે અમુક મોટું પાપ કરી બેઠા છે. ભલે ગમે એ કારણ હોય, પણ તેઓએ મોડું કર્યા વગર મંડળમાં પાછા આવવું જોઈએ. તેઓને મદદ કરવા આ લેખો આપણને માર્ગદર્શન આપે છે.
“દીકરા, સારું થયું તું પાછો આવ્યો!”
૧૬-૧૮. (ક) એક ભાઈને મદદ કરવા વડીલે શું કર્યું? (ખ) એ ભાઈ કેમ ઠંડા પડી ગયા હતા? તેમને કઈ રીતે મદદ મળી? મંડળે કેવો આવકાર આપ્યો?
૧૬ એક વડીલે કહ્યું: ‘જેઓ યહોવાહની ભક્તિમાં કંઈ કરતા નથી, તેઓને મળવા માટે મારા મંડળના વડીલો ખાસ પ્રયત્ન કરે છે. મેં જેમની સાથે સ્ટડી કરી હતી, એવા એક ભાઈ યહોવાહના ભક્ત બન્યા. પછી લગભગ ૨૫ વર્ષ સુધી તે મિટિંગમાં ન આવ્યા. તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. તેમને સમજાવ્યું કે બાઇબલ તેમને મદદ કરશે. અમુક સમય પછી તે મિટિંગમાં આવવા માંડ્યા. તેમણે મંડળમાં પાછા આવવા મદદ માંગી.’
૧૭ એ ભાઈએ કેમ યહોવાહની ભક્તિ કરવાનું છોડી દીધું હતું? તેમણે કહ્યું: ‘હું સંસારી ચિંતામાં પડી ગયો હતો. બાઇબલ વાંચવાનું, પ્રચાર કરવાનું અને મિટિંગમાં જવાનું પડતું મૂક્યું હતું. મને ખબરેય ન પડી કે મેં મંડળ સાવ છોડી દીધું હતું. એક વડીલે મને બહુ જ મદદ કરી.’ એ ભાઈ ફરી બાઇબલ સ્ટડી કરવા લાગ્યા તેમ, તેમની મુશ્કેલીઓ ઓછી થવા માંડી. તેમણે કહ્યું: ‘મને ખ્યાલ આવ્યો કે મારા જીવનમાં કશાકની ખોટ હતી. યહોવાહનો પ્રેમ અને સંગઠનનું માર્ગદર્શન મળતું ન હતું.’
૧૮ એ ભાઈને મંડળમાં કેવો આવકાર મળ્યો? એ ભાઈ કહે છે: ‘મને લાગ્યું કે હું જાણે ઉડાઉ દીકરો હતો. એક દાદીમા મને તરત ઓળખી ગયાં. એ મંડળમાં તે ત્રીસેક વર્ષોથી હતાં. તેમણે કહ્યું, “દીકરા, સારું થયું તું પાછો આવ્યો!” એ શબ્દો મારા દિલમાં ઊતરી ગયા. મંડળ મારું કુટુંબ હતું. મને મદદ આપનાર વડીલ અને મંડળે ખુલ્લા દિલથી મને આવકાર આપ્યો. પ્રેમ અને ધીરજથી વર્ત્યા. તેઓએ યહોવાહ જેવો પ્રેમ બતાવ્યો એ હું કદી ભૂલીશ નહિ.’
મોડું કર્યા વગર પાછા આવો!
૧૯, ૨૦. ઠંડા પડી ગયેલાને શું સમજાવવું જોઈએ?
૧૯ શેતાનનો એક જ મકસદ છે: યહોવાહ સાથે આપણો નાતો કપાઈ જાય. શેતાન આપણા મનમાં એ જ ઠસાવવા માંગે છે કે યહોવાહને છોડી દેવાથી રાહત મળશે. પણ આપણે જાણીએ છીએ કે એ સાચું નથી. ઠંડા પડી ગયેલા ભાઈ કે બહેનને બતાવો કે ઈસુને પગલે ચાલવાથી જ મનની શાંતિ મળે છે.—માત્થી ૧૧:૨૮-૩૦ વાંચો.
૨૦ યહોવાહ આપણી પાસેથી કંઈ વધારે માગતા નથી. લાજરસની બહેન મરિયમે ઈસુને મોંઘું અત્તર લગાડ્યું, ત્યારે અમુકે તેનો વાંક કાઢ્યો. પણ ઈસુએ કહ્યું, ‘એને રહેવા દો. જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે.’ (માર્ક ૧૪:૬-૮) એક વિધવાએ બે દમડી દાન કર્યું. ઈસુએ તેના વખાણ કર્યા, કેમ કે તેણે પોતાથી થાય એ કર્યું. (લુક ૨૧:૧-૪) મોટા ભાગે આપણે બધા જ મિટિંગ-પ્રચારમાં જઈ શકીએ છીએ. જેઓ ઠંડા પડી ગયા છે, તેઓ પણ યહોવાહની મદદથી એટલું તો કરી શકે છે.
૨૧, ૨૨. યહોવાહની છાયામાં પાછા આવનારને તમે શાની ખાતરી આપી શકો?
૨૧ અમુકને કદાચ મંડળમાં પાછા આવવાનું અઘરું લાગે પણ ખરું. તેઓને યાદ કરાવો કે જ્યારે ઉડાઉ દીકરો ઘરે આવ્યો, ત્યારે તેને અને પિતાને કેટલી ખુશી થઈ હતી! મંડળમાં પાછા આવનારને અને આપણને પણ એવી જ ખુશી થાય છે. જો તેઓ હમણાં જ શેતાનનો વિરોધ કરે, તો યહોવાહ સાથે ફરીથી પાકો નાતો બાંધી શકશે.—યાકૂ. ૪:૭, ૮.
૨૨ યહોવાહના ઘરમાં પાછા આવનારને પ્રેમથી આવકાર મળશે. (યિ.વિ. ૩:૪૦) મોડું કર્યા વગર યહોવાહની છાયામાં પાછા આવવા તેઓને ઉત્તેજન આપો. તેઓ માટે પુષ્કળ આશીર્વાદો રહેલા છે! (w08 11/15)
આપણે શું કહીશું?
• ખોટું લાગવાથી કોઈ મિટિંગ-પ્રચારમાં ન આવતું હોય, તેને કેવી રીતે મદદ કરશો?
• બાઇબલના કોઈ શિક્ષણને લીધે ઠોકર ખાનારને શું મદદ કરી શકે?
• મંડળમાં પાછા આવવાનું અઘરું લાગતું હોય તેઓને કયું ઉત્તેજન આપી શકાય?
[Study Questions]
[Picture on page 19]
ઠંડા પડી ગયેલાની વાત ધ્યાનથી સાંભળો
[Picture on page 21]
ઉડાઉ દીકરાના દાખલાથી કદાચ અમુકને મંડળમાં પાછા આવવાનું મન થશે