શું પૃથ્વીની ઘડીઓ ગણાઈ રહી છે? શું પૃથ્વીની હાલત સુધરશે, બગડશે કે પછી આવી જ રહેશે? તમને શું લાગે?
શું પૃથ્વીની ઘડીઓ ગણાઈ રહી છે? શું પૃથ્વીની હાલત સુધરશે, બગડશે કે પછી આવી જ રહેશે? તમને શું લાગે?
શું તમે હંમેશાં ભાવિ વિષે સારું વિચારો છો? એના ઘણા ફાયદા છે. એક સંશોધન બતાવે છે કે સારું વિચારનારા વધારે હોશિયાર અને તંદુરસ્ત હોય છે. બીજું એક સંશોધન લાંબો સમય ચાલ્યું. એમાં જોવા મળ્યું કે બૂરું વિચારનારા, ખાસ કરીને પુરુષોને હૃદયની બીમારી થવાની વધારે શક્યતા છે. એ સંશોધનની સદીઓ પહેલાં, બાઇબલે કહ્યું: “આનંદી હૈયું એ ઉત્તમ ઔષધ [દવા] છે, પણ ભારે હૈયું શરીરને સૂકવી નાખે છે.”નીતિવચનો ૧૭:૨૨, ઇઝી ટુ રીડ વર્ઝન.
—વૈજ્ઞાનિકો પૃથ્વી વિષે જે ભવિષ્ય ભાખે છે, એનાથી તો કોઈ પણ ઉદાસ થઈ જાય. ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકોનું શું કહેવું છે.
પૃથ્વી ખતરામાં છે
૨૦૦૨માં સ્ટૉકહોમ પર્યાવરણ સંસ્થાએ આમ જણાવ્યું: આજે પૃથ્વીનો ઘણો બગાડ થઈ રહ્યો છે. જો એમને એમ ચાલ્યા કરશે, તો ‘એનું વાતાવરણ ઝડપથી બગડી જશે.’ ઇન્સાન પર આફતો આવ્યા જ કરશે. એ રિપોર્ટ આગળ જણાવે છે કે જો દુનિયામાં ગરીબી અને અન્યાય ચાલ્યા કરે, તો ‘પૃથ્વીનો બગાડ થતો રહેશે. પર્યાવરણનું નુકશાન અને દુનિયામાં અશાંતિ વધતા જશે.’
૨૦૦૫માં યૂનાઇટેડ નેશન્સે મિલેનિઅમ ઇકોસિસ્ટમ અસેસ્મન્ટ સિન્થેસીસ રિપોર્ટ બહાર પાડ્યો. એ માટે તેઓએ પૃથ્વીના પર્યાવરણ પર ચાર વર્ષ અભ્યાસ કર્યો. એમાં ૯૫ દેશના ૧,૩૬૦થી વધારે ઍક્સ્પર્ટોએ ભાગ લીધો. રિપોર્ટે આ ચેતવણી આપી: ‘ઇન્સાને પૃથ્વીનો ખૂબ જ બગાડ કર્યો છે. આવતી પેઢીઓનું જીવન ખતરામાં છે.’ એમાંથી બચવા ‘નવા નિયમો ઘડવા જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં મોટા મોટા ફેરફારો થવા જોઈએ.’
આન્ના ટીબાઈજુકા, યૂનાઇટેડ નેશન્સ હ્યૂમન સેટલમૅન્ટ્સ પ્રોગ્રામની ડાયરેક્ટર છે. તે કહે છે કે ‘જેમ ચાલતું આવ્યું છે એમ ચાલવા દઈશું તો, જરૂર આફતો આવશે.’ સંશોધન કરનારા ઘણા એવું જ માને છે.
આશાનું કારણ
યહોવાહના સાક્ષીઓ પણ માને છે કે પૃથ્વી પર બહુ જ જલદી મોટા ફેરફારો આવશે. જોકે એનાથી પૃથ્વીનો નાશ નહિ થાય. ખુદ ઈશ્વરે બાઇબલમાં આ વચન આપ્યું છે: ‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
તમને કદાચ એ સ્વપ્ન જેવું લાગશે, પણ બાઇબલ પર ભરોસો રાખવો જોઈએ. હજારો વર્ષ પહેલાં બાઇબલમાં જે લખવામાં આવ્યું હતું, એ આજે બની રહ્યું છે. હવે પછીના લેખમાં બાઇબલનાં અમુક વચનો આપ્યાં છે. દુનિયાના બનાવો સાથે તમે પોતે એને સરખાવો. પછી જુઓ કે બાઇબલ પર ભરોસો રાખી શકાય કે કેમ. (w08 8/1)