સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની કૃપા પામવા નુહે શું કર્યું? આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરની કૃપા પામવા નુહે શું કર્યું? આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરની કૃપા પામવા નુહે શું કર્યું? આપણે શું કરવું જોઈએ?

આપણે કોઈ મોટા બનાવ વિષે સાંભળીએ ત્યારે, એ જલદી ભૂલાતો નથી. અરે, એ પણ યાદ રહે છે કે આપણે ક્યાં હતા, શું કરતાʼતા અને એ બનાવ વિષે સાંભળીને કેવું લાગ્યું. નુહ પણ એ દિવસ ભૂલ્યા નહિ હોય, જ્યારે ઈશ્વરે તેમને મોટું વહાણ બનાવવાનું કહ્યું. યહોવાહ પ્રલય લાવીને “સર્વ જીવનો” નાશ કરવાના હતા. એમાંથી બચવા નુહ અને તેમના કુટુંબે વહાણ બાંધીને એમાં જવાનું હતું. સાથે સાથે સર્વ પ્રકારનાં પ્રાણીઓને પણ બચાવવાનાં હતાં.—ઉત્પત્તિ ૬:૯-૨૧.

ઈશ્વરની આજ્ઞા સાંભળીને નુહે શું કર્યું? તે રાજી થયા કે વિરોધ કર્યો? તેમણે પોતાની પત્ની અને કુટુંબને એ સમાચાર કઈ રીતે આપ્યા? બાઇબલ એ બધું તો નથી જણાવતું, પણ કહે છે: ‘નુહે એમ જ કર્યું; ઈશ્વરે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.’—ઉત્પત્તિ ૬:૨૨.

યહોવાહે નુહ પર કૃપા બતાવી, કેમ કે તે તેમના કહેવા પ્રમાણે જ કરતા. (ઉત્પત્તિ ૬:૮) બીજા કયા કારણથી ઈશ્વરે નુહ પર કૃપા બતાવી? એ જાણીશું તો આપણે પણ નુહના પગલે ચાલી શકીશું. ઈશ્વર દુષ્ટ જગતનો નાશ કરશે ત્યારે, આપણે બચી શકીશું. પહેલા તો એ જોઈએ કે જળપ્રલય પહેલાંનો જમાનો કેવો હતો.

દુષ્ટ દૂતો પૃથ્વી પર આવ્યા

ઘણા માને છે કે શરૂઆતમાં રીંછ જેવા વાળવાળો આદિમાનવ ગુફામાં રહેતો. હાથમાં દંડો લઈ, માથું નીચું નાખીને આમતેમ રખડતો. પણ હકીકતમાં લોકો એ રીતે જીવતા ન હતા. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે, પ્રથમ પુરુષ આદમથી હજારેક વર્ષ પછી નુહનો જન્મ થયો. એ જમાનામાં લોકો લોખંડ અને જુદી જુદી ધાતુનાં સાધનો વાપરતા. નુહે વહાણ બનાવવા એવાં સાધનો વાપર્યા હોઈ શકે. એ જમાનામાં સંગીતનાં સાધનો પણ હતાં. લોકો પરણતા, કુટુંબ ઉછેરતા, ખેતીવાડી કરતા અને ઢોરઢાંક ઉછેરતાં. તેઓ વેચતા-ખરીદતા. આ રીતોએ તેઓનું જીવન આપણા જેવું હતું.—ઉત્પત્તિ ૪:૨૦-૨૨; લુક ૧૭:૨૬-૨૮.

જોકે બીજી ઘણી રીતે તેઓનું જીવન અલગ હતું. એક તો લોકો આપણા કરતાં ઘણું લાંબું જીવતા. ઘણા લોકો ૮૦૦થી વધારે વર્ષો જીવ્યા હતા! નુહ ૯૫૦ વર્ષ, આદમ ૯૩૦ વર્ષ, નુહના દાદા મથૂશેલાહ ૯૬૯ વર્ષ જીવ્યા. *ઉત્પત્તિ ૫:૫, ૨૭; ૯:૨૯.

ઉત્પત્તિ ૬:૧, ૨ એમ પણ જણાવે છે: “ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ, ત્યારે એમ થયું, કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.” આ ‘દેવના દીકરાઓ’ કોણ હતા? એ માણસનો વેશ લઈને પૃથ્વી પર આવેલા સ્વર્ગદૂતો હતા. તેઓ કંઈ માણસનું ભલું કરવા આવ્યા ન હતા. તેઓ ઈશ્વરની મરજીથી નહિ, પણ પોતાની મરજીથી આવ્યા હતા. ઈશ્વરે તો સ્વર્ગદૂતોને સ્વર્ગમાં રહેવા બનાવ્યા હતા. પણ આ દૂતોએ બેવફા બનીને “પોતાનું સ્થાન છોડી દીધું.” તેઓ પૃથ્વી પર આવ્યા અને સ્ત્રીઓ સાથે શરીરસંબંધ બાંધ્યો. તેઓ દુષ્ટ દૂતો બન્યા.—યહુદા ૬.

તેઓના જુલમથી લોકો તોબા તોબા પોકારી ઊઠ્યા. તેઓ જોરાવર અને બુદ્ધિશાળી હતા. એનો તેઓએ ગેરફાયદો ઉઠાવ્યો. તેઓ લોકોને પોતાને ઇશારે નચાવતા. છાનીછૂપી રીતે નહિ, ખુલ્લેઆમ જુલમ કરતા. કોઈ લાજશરમ કે બીક તેઓને ન હતી. અરે, ભગવાનનો પણ ડર ન હતો.

બાઇબલ કહે છે: ‘તે દિવસોમાં પૃથ્વી પર ઈશ્વરના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, કે જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.’ (ઉત્પત્તિ ૬:૪) દુષ્ટ દૂતોથી થયેલા છોકરાં ‘નેફિલિમ’ (હેબ્રી ભાષામાં) કે નામાંકિત પુરુષો કહેવાયા. તેઓ રાક્ષસ જેવા હોવાથી, લોકોને બહુ ડર લાગતો. ‘નેફિલિમ’ શબ્દનો અર્થ શું થાય? બીજાઓને પાડી નાખનાર. તેઓ લોકોને ક્રૂર રીતે મારતા, એની ઘણી વાર્તાઓ છે.

જુલમથી ત્રાસી ગયેલા ભક્તો

નુહના જમાના વિષે બાઇબલ કહે છે: ‘માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના સદાય ભૂંડી જ હતી. પૃથ્વી જુલમથી ભરપૂર હતી. સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.’—ઉત્પત્તિ ૬:૫, ૧૧, ૧૨.

નુહ ‘ન્યાયી માણસ હતા અને ઈશ્વરની સાથે ચાલ્યા.’ (ઉત્પત્તિ ૬:૯) એવા ન્યાયી માણસ નુહને એ અન્યાયી જગતમાં કેટલી મુશ્કેલીઓ નડી હશે! નુહને પણ ઈશ્વરભક્ત લોત જેવું જ લાગ્યું હશે. લોત જળપ્રલય પછી થઈ ગયા અને તે સદોમમાં રહેતા. ત્યાંના લોકોમાં સંસ્કાર જેવું કંઈ હતું જ નહિ. બાઇબલ કહે છે: લોત ‘અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતા હતા. તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતા હતા ત્યારે, તેઓનાં દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને’ તેમનો જીવ બળતો હતો. (૨ પીતર ૨:૭, ૮) નુહને પણ દુષ્ટતા જોઈને એવું જ થયું હશે.

તમે ન્યૂઝમાં જુલમ વિષે સાંભળો કે પછી લોકોનાં કાળાં કામો જુઓ ત્યારે કેવું લાગે છે? શું તમારો જીવ બળે છે? જો એમ હોય તો તમે પણ નુહ જેવા છો. પ્રલય આવ્યો ત્યારે, નુહ ૬૦૦ વર્ષના હતા. તેમણે જુલમથી ભરેલી દુનિયામાં એ વર્ષો કેવી રીતે કાઢ્યાં હશે. દુષ્ટતાનો અંત જોવા તે કેટલા તડપતા હશે!—ઉત્પત્તિ ૭:૬.

નુહ યહોવાહને વળગી રહ્યા

બાઇબલ જણાવે છે કે નુહ ‘પોતાના જમાનામાં ન્યાયી માણસ હતા.’ (ઉત્પત્તિ ૬:૯) તે ઈશ્વરની નજરે ‘ન્યાયી’ હતા. પણ લોકોની નજરે તો સાવ જુદા હતા. નુહે લોકોની હામાં હા પુરાવી નહિ. તેઓ સાથે મોજમઝા કરવા લાગ્યા નહિ. કલ્પના કરો કે નુહ વહાણ બાંધવા માંડ્યા ત્યારે, લોકોએ શું કર્યું હશે! કેટલી મજાક-મશ્કરી કરી હશે. તેઓના માનવામાં જ ન આવ્યું કે પ્રલય આવશે.

બાઇબલ કહે છે કે નુહના પરદાદા હનોખનું પણ કોઈએ ન માન્યું. તે પણ ઈશ્વરભક્ત હતા. તેમણે લોકોને જણાવ્યું કે ઈશ્વર દુષ્ટ જગતનો ઇન્સાફ કરશે. પણ તેમનો સખત વિરોધ થયો, સતાવણી થઈ. તોય ઈશ્વરે દુશ્મનોના હાથે હનોખને મરવા ન દીધા. (ઉત્પત્તિ ૫:૧૮, ૨૧-૨૪; હેબ્રી ૧૧:૫; ૧૨:૧; યહુદા ૧૪, ૧૫) નુહ પણ પોતે જે માનતા, એ બીજાને જણાવતા. તે “ન્યાયીપણાના ઉપદેશક” હતા. (૨ પીતર ૨:૫) કલ્પના કરો કે શેતાન, તેના દુષ્ટ દૂતો, નેફિલિમ અને વિરોધ કરનારા લોકોનો નુહે સામનો કરવાનો હતો. નુહ જાણતા હતા કે યહોવાહમાં અતૂટ શ્રદ્ધા અને હિંમત રાખ્યા વિના એ અશક્ય હતું.

ઈશ્વરમાં ન માનનારા હંમેશાં ઈશ્વરભક્તોનો વિરોધ કરે છે. અરે, ઈસુ અને તેમના શિષ્યોને પણ લોકો નફરત કરતા. (માત્થી ૧૦:૨૨; યોહાન ૧૫:૧૮) લોકોને પસંદ હોય કે ન હોય, નુહ હિંમતથી યહોવાહને ભજતા રહ્યા. દુશ્મનોની કૃપા પામવાને બદલે ઈશ્વરની કૃપા પામવી, તેમના માટે મહત્ત્વની હતી. એટલે ઈશ્વરે નુહ પર કૃપા વરસાવી.

નુહે ચેતવણી માની

નુહે તો ઈશ્વર તરફથી ચેતવણી આપી, પણ શું લોકોએ સાંભળ્યું? બાઇબલ કહે છે કે લોકો “ખાતા-પીતા, ને પરણતા-પરણાવતા હતા; અને જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.” તેઓએ નુહનું જરાય માન્યું નહિ.—માત્થી ૨૪:૩૮, ૩૯.

ઈસુએ કહ્યું કે આપણા જમાનામાં પણ એમ જ બનશે. આજના દુષ્ટ જગતનો અંત લાવીને, નવી દુનિયા લઈ આવવાનું યહોવાહે વચન આપ્યું છે. એકસો કરતાં વધારે વર્ષોથી યહોવાહના ભક્તો એની ચેતવણી આપે છે. લાખો લોકો માને છે, પણ અબજો હજુ માનતા નથી. લોકો જળપ્રલય અને એને લગતી હકીકત “જાણીજોઈને” માનવા તૈયાર નથી.—૨ પીતર ૩:૫, ૧૩.

પણ નુહે તો ઈશ્વરનું માન્યું. ઈશ્વરમાં ભરોસો મૂક્યો. તેમની આજ્ઞા પાળવાથી નુહ બચી ગયા. પાઊલે લખ્યું: “નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું.”—હેબ્રી ૧૧:૭.

નુહના જેવા બનીએ

નુહે જબરજસ્ત મોટું વહાણ બાંધ્યું. ફૂટબોલના મેદાન કરતાં પણ લાંબું અને ત્રણ માળની બિલ્ડિંગ કરતાં પણ ઊંચું! વ્યોમીંગ લાકડાનું એક વહાણ છે. એના જેવું લાંબું લાકડાનું વહાણ આજ સુધી બંધાયું નથી. એના કરતાં પણ નુહનું વહાણ ત્રીસેક મીટર લાંબું હતું. ખરું કે એ આજના વહાણ જેવું ન હતું. તોપણ તેઓના સમય પ્રમાણે તેમની પાસે એ સરસ રીતે બાંધવાની આવડત હતી. વહાણની અંદર-બહાર ડામર લગાડ્યો હતો. એ બાંધતા પચાસથી વધારે વર્ષ લાગ્યાં હશે.—ઉત્પત્તિ ૬:૧૪-૧૬.

એ સાથે સાથે નુહે પોતાના કુટુંબ અને પશુ-પંખી માટે એક વરસ ચાલે એટલું અનાજ ભેગું કર્યું. પૂર આવતા પહેલાં પશુ-પંખીઓને વહાણમાં લાવ્યા. આમ “યહોવાહે જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નુહે કર્યું.” પછી, યહોવાહે વહાણનો દરવાજો બંધ કર્યો ત્યારે, નુહને કેવી હાશ થઈ હશે!—ઉત્પત્તિ ૬:૧૯-૨૧; ૭:૫, ૧૬.

પછી ચાળીસ દિવસ ને રાત ધોધમાર વરસાદ વરસ્યો. બધી બાજુ પાણી જ પાણી! એ બધું પાણી ઓસરતાં એક વરસ લાગ્યું. ત્યાં સુધી બધા વહાણમાં જ રહ્યા. (ઉત્પત્તિ ૭:૧૧, ૧૨; ૮:૧૩-૧૬) સર્વ દુષ્ટ લોકોનો નાશ થયો. ફક્ત નુહ અને તેમનું કુટુંબ બચી ગયા.

બાઇબલ કહે છે કે નુહના જમાનાનો પ્રલય આપણા માટે “ઉદાહરણ” છે. કઈ રીતે? આપણે વાંચીએ છીએ: ‘હમણાંનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી, બાળવાને સારૂ તૈયાર રાખેલાં છે.’ નુહના સમયની જેમ ફરીથી ન્યાયી લોકોને બચાવવામાં આવશે. યહોવાહ પોતાના “ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.”—૨ પીતર ૨:૫, ૬, ૯; ૩:૭.

નુહ સાચે જ ભગવાનના માણસ હતા. અન્યાયી દુનિયામાં ન્યાયી હતા. તેમણે ઈશ્વરની આજ્ઞા માથે ચડાવી. તે જાણતા હતા કે લોકો સખત નફરત કરશે. તોપણ તે પૂરી હિંમત અને શ્રદ્ધાથી યહોવાહને વળગી રહ્યા. આપણે પણ નુહની જેમ જ જીવીએ અને ઈશ્વરની કૃપા મેળવીએ. આપણને જલદી જ આવનારી નવી દુનિયામાં રહેવાનો મોકો મળશે. ત્યાં કોઈ કોઈ પર જુલમ નહિ કરે. બધા હળી-મળીને પ્રેમથી રહેશે!—ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦. (w08 6/1)

[Footnote]

^ “શું તેઓ ખરેખર એટલું લાંબું જીવ્યા હતા?” લેખ સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૭, પાન ૨૧ પર જુઓ.

[Blurb on page 5]

રાક્ષસો જેવા બળવાનોના જુલમ વિષે ઘણી વાર્તાઓ છે

[Picture Credit Line on page 5]

Alinari/Art Resource, NY