ઈસુ આપણને કેવી રીતે બચાવી શકે?
ઈસુ આપણને કેવી રીતે બચાવી શકે?
લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન ૩૩માં યહુદી પર્વના દિવસે (પાસ્ખા) એક નિર્દોષ માણસે પોતાનો જીવ આપી દીધો. એ માણસ કોણ હતો? તે ઈસુ હતા. એ કુરબાનીથી કોને લાભ થયો? બધા મનુષ્યને. બાઇબલ એના વિષે કહે છે: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”—યોહાન ૩:૧૬.
તમને થશે કે ‘ઈસુની કુરબાનીની આપણને કેમ જરૂર પડી? તેમની કુરબાનીથી ઇન્સાનને શું ફાયદો થયો?’ બાઇબલ એ સવાલોના જવાબ આપે છે.
માણસ કેમ મરે છે?
ઘણાનું માનવું છે કે ઈશ્વરે માણસને એવી રીતે બનાવ્યો છે કે તે સુખ-દુઃખ ભોગવે અને છેવટે મોક્ષ પામે. પણ ઇન્સાન કેમ મરે છે એના વિષે બાઇબલ આમ કહે છે: “એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) આ કલમ પ્રમાણે એક માણસ દ્વારા સર્વ ઇન્સાનને વારસામાં મરણ મળ્યું છે. એ ‘એક માણસ’ કોણ હતો?
ધ વર્લ્ડ બુક એન્સાઈક્લોપીડિયાના કહેવા પ્રમાણે અમુક વૈજ્ઞાનિકો માને છે કે આપણે સર્વ ‘એક માણસના’ સંતાનો છીએ. તેઓ જે કહે છે એ વિષે હજારો વર્ષ પહેલાં બાઇબલમાં લખવામાં આવ્યું હતું. એના વિષે ઉત્પત્તિ ૧:૨૭ કહે છે: “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.” બાઇબલ કહે છે કે ઈશ્વરે પૃથ્વી પર સઘળી વસ્તુઓ ઉત્પન્ન કરી, એમાં એ નર-નારી સૌથી ચડિયાતાં હતાં.
ઈશ્વરે ઇન્સાનને પેદા કર્યા પછી શું થયું એ વિષે ઉત્પત્તિનું પુસ્તક જણાવે છે. એમાં જણાવ્યું હતું કે ઇન્સાન ઈશ્વરનું કહ્યું કરશે તો હંમેશ માટે જીવશે. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) ઈશ્વરે માણસને સ્વર્ગ જેવી પૃથ્વી પર સુખ-શાંતિમાં જીવવા માટે બનાવ્યો હતો. તેમનો મકસદ એ ન હતો કે ઇન્સાન ઘરડો થાય, બીમાર થાય ને મરે. તો મરણ ઇન્સાન પર કઈ રીતે રાજ કરવા લાગ્યું?
ઈશ્વરે પ્રથમ યુગલને જણાવ્યું હતું કે શું કરવું અને શું ન કરવું. પણ તેઓએ જાણીજોઈને ઈશ્વરનું કહ્યું ન કર્યું. એના પરિણામ વિષે ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય આમ કહે છે: “તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) ઈશ્વરનું કહેવું ન કરવાથી તેઓને મોતની સજા થઈ.
પ્રથમ યુગલ માટે ઈશ્વરનો મકસદ આ હતો: ‘સફળ થાઓ, વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; માછલાં પર, પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.’ (ઉત્પત્તિ ૧:૨૮) તેઓ ઈશ્વરના કહેવા પ્રમાણે કરત તો આખી પૃથ્વી તેમના સંતાનથી ભરાઈ જાત. તેઓ ન બીમાર થાત, ન મરત. ખાઈ-પીને રાજ કરત. પણ ‘એક માણસ’ એટલે આદમે અને તેની પત્ની હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી. તેઓ મોતના દાસ બન્યા. આમ તેઓનાં બાળકો પણ મોતના દાસ થયા. એટલે દરેક ઇન્સાન મરણ પામે છે. એના વિષે ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘હું માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું.’—રોમન ૭:૧૪, કોમન લેંગ્વેજ.
આદમે ઈશ્વરનું કહ્યું ન કર્યું હોવાથી ઇન્સાનને વારસામાં માંદગી અને મરણ મળ્યા. એમાંથી કોઈ છટકી શકતું નથી. એના વિષે બાઇબલ કહે છે: “એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા.” (રૂમી ૫:૧૫) એ કારણે સર્વમાં બૂરું કરવાની ભાવના છે. એટલે જ બધા બીમાર થાય છે, ઘરડા થાય છે અને છેવટે મોત તેઓને ભરખી જાય છે.
પહેલી સદીમાં ઈશ્વરભક્ત પાઊલે રોમના મંડળને આમ કહ્યું: ‘હું કેવો દુઃખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર પાપમાંથી મને કોણ બચાવશે?’ પાઊલ જ નહિ પણ સર્વ ઇન્સાન પાપની ગુલામીમાં છે. તો પાઊલ અને સર્વ ઇન્સાનને પાપની જંજીરમાંથી કોણ આઝાદ કરી શકે? પાઊલે કહ્યું: ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો હું આભાર’ માનું છું. (રોમન ૭:૧૪-૨૫, કોમન લેંગ્વેજ) ઇન્સાનને પાપની ગુલામીમાંથી છોડાવવા ઈશ્વરે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તની કુરબાની આપી છે.
ઈશ્વરે કઈ રીતે ઇન્સાનને બચાવ્યો?
ઈસુએ કહ્યું, ‘માણસનો દીકરો ઘણા લોકના ઉદ્ધારને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે.’ (માત્થી ૨૦:૨૮) અહીં ઈસુ કહેતા હતા કે તે માણસજાતને પાપમાંથી મુક્ત કરી શકે છે. પણ ઈસુએ કઈ રીતે ઉદ્ધારનો માર્ગ ખોલ્યો? તેમના મોતથી આપણને શું લાભ થાય છે?
આદમ તરફથી મળેલ પાપના વારસાને લીધે ઈસુનું મરણ થયું ન હતું. (હઝકીએલ ૧૮:૪) બાઇબલ જણાવે છે કે ઈસુ પાપ વગરના અને ‘પાપીઓથી અલગ’ હતા. આખા જીવન દરમિયાન તેમણે પૂરી રીતે પરમેશ્વરનું કહ્યું કર્યું. (હેબ્રી ૪:૧૫; ૭:૨૬) ઉપરના ફકરામાં વાંચ્યું તેમ ઈસુએ ઈશ્વરનું માનીને આપણા ઉદ્ધાર માટે જીવન આપી દીધું. એ સર્વ લોકો માટે પ્રેમની સૌથી મોટી નિશાની હતી. ઈસુએ રાજી-ખુશીથી ‘સર્વ માણસો માટે’ પોતાનો જીવ આપી દીધો.—હેબ્રી ૨:૯.
ઈશ્વરે આદમને બનાવ્યો ત્યારે તેનામાં કોઈ જાતની ખોટ ન હતી. પણ તેણે જાણીજોઈને યહોવાહની આજ્ઞા તોડી. એ ઈશ્વરની નજરમાં પાપ હતું. એ કારણથી તેના પર બીમારી, ઘડપણ અને મોત આવ્યું. આમ સર્વ ઇન્સાનને એ જ વારસો મળ્યો. જ્યારે કે ઈસુમાં પાપનો કોઈ છાંટો પણ ન હતો. એટલે તેમણે જીવન આપીને સર્વ ઇન્સાનને વારસામાં મળેલું પાપ દૂર કરવાની ગોઠવણ કરી. એ માટે “સઘળાં માણસોના ઉદ્ધારને સારૂ” યહોવાહે ઈસુના મોતની કિંમત સ્વીકારી.—૧ તીમોથી ૨:૬.
ઈસુએ જ કિંમત ચૂકવવી પડી ન હતી, ખુદ યહોવાહે પણ કિંમત ચૂકવી. પીતરે કહ્યું કે ઈશ્વરે સોનું કે ચાંદી આપીને નહિ, પણ પોતાના પુત્રનું લોહી વહેવડાવીને આપણને પાપમાંથી છોડાવ્યા. (૧ પીતર ૧:૧૮, ૧૯) પાઊલે કહ્યું કે ઈશ્વરે ‘મૂલ્ય આપીને આપણને ખરીદ્યા’ હતા. (૧ કોરીંથી ૬:૨૦; ૭:૨૩) ઈસુના મોતની કિંમતથી યહોવાહે સર્વ ઇન્સાનને પાપ અને મોતમાંથી બચાવ્યા. બાઇબલ અનેક વાર ઈશ્વરના એ પ્રેમ વિષે જણાવે છે.
ઈસુની કુરબાનીથી આવતો લાભ
ઈસુની કુરબાનીથી સર્વ ઇન્સાનને લાભ થવાનો હતો. એના વિષે ઈશ્વરભક્ત યોહાને લખ્યું કે “તે આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે; અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત્ત છે.” (૧ યોહાન ૨:૨) શું આનો અર્થ એ થાય કે લોકો કાંઈ કર્યા વગર ઈસુના બલિદાનમાંથી લાભ મેળવી શકે? ના. પહેલા લેખમાંના દાખલાનો વિચાર કરો. ખાણિયા ખાણમાં ફસાઈ ગયા ત્યારે તેઓ એમાંથી કેવી રીતે બહાર નીકળી શક્યા? તેઓ પીંજરામાં આવ્યા ત્યારે જ બચી શક્યા. એવી જ રીતે ઈસુના મોતમાંથી લાભ મેળવવા માટે આપણે કંઈક કરવાની જરૂર છે. એમને એમ ઈશ્વરના આશીર્વાદ મળશે નહિ.
આપણે શું કરવાની જરૂર છે? યોહાન ૩:૩૬ કહે છે: “દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે નથી માનતો, તે જીવન નહિ દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે.” ઈસુ પર વિશ્વાસ છે એમ કહેવું પૂરતું નથી. “જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ.” (૧ યોહાન ૨:૩) તો પાપ અને મોતમાંથી બચવા માટે આપણે ઈસુની કુરબાની પર પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. ઈસુ જે કહે છે એ પ્રમાણે જીવીએ.
ઈસુએ કહ્યું હતું કે તેમણે આપેલી કુરબાનીને આપણે હંમેશાં યાદ કરવી જોઈએ. શિષ્યો સાથે એક ભોજન લેતી વખતે ઈસુએ તેઓને કહ્યું કે “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) એ ભોજનનો બહુ ઊંડો અર્થ રહેલો છે. એ પ્રસંગને ઊજવવાથી ઈસુએ આપેલી કુરબાનીની કદર કરીએ છીએ. યહોવાહના સાક્ષીઓ દર વર્ષે આ પ્રસંગ ઊજવે છે. આ વર્ષે માર્ચ ૨૨ના રોજ સૂર્ય આથમ્યા પછી ઊજવશે. અમે ચાહીએ છીએ કે તમે પણ આ પ્રસંગમાં જરૂર આવો. યહોવાહના સાક્ષીઓ પાસેથી તમે સમય અને સરનામું મેળવી શકો. એમાં તમે શીખી શકશો કે ઈસુની કુરબાનીથી તમે વારસામાં મળેલા પાપથી કઈ રીતે મુક્ત થઈ શકો.
આજે દુનિયામાં ફક્ત થોડાંક જ લોકો સમજે છે કે ઈશ્વરે અને ઈસુએ આપણા છુટકારા માટે શું કર્યું છે. પણ જેઓ તેઓ પર શ્રદ્ધા રાખે છે, તેઓને ખરું સુખ મળે છે. એવાઓ વિષે ઈશ્વરભક્ત પીતરે લખ્યું: ‘તેના પર વિશ્વાસ રાખો છો; તેનામાં અવર્ણનીય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો; અને તમે તમારા વિશ્વાસનું ફળ, એટલે તારણ પામો છો.’ (૧ પીતર ૧:૮, ૯) જો તમે હમણાંથી ઈસુની કુરબાનીની કદર કરો અને તેમને ખૂબ ચાહો તો કેવા આશીર્વાદ મળશે? હમણાં પણ તમે ખરું સુખ મેળવી શકશો. ઉપરાંત એ જમાનાની રાહ જોઈ શકશો જ્યારે પાપનો વારસો નહિ હોય, અરે મરણ પણ નહિ હોય. ( wp08 3/1)
[પાન ૬ પર ચિત્ર]
આદમે જે ગુમાવ્યું એ ઈસુએ પોતાનું જીવન આપીને પાછું મેળવી આપ્યું