સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

‘સારા અને ખરાબ સંજોગોમાં’ યહોવાના આશીર્વાદો

‘સારા અને ખરાબ સંજોગોમાં’ યહોવાના આશીર્વાદો

મારો જન્મ, માર્ચ ૧૯૩૦માં મલાવીના નામકુમ્બા ગામમાં થયો હતો. મારા કુટુંબીજનો યહોવાના વફાદાર સેવકો હતા. વર્ષ ૧૯૪૨માં મેં યહોવાને સમર્પણ કર્યું અને અમારા ત્યાંની એક સુંદર નદીમાં બાપ્તિસ્મા લીધું. પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું હતું, ‘તું સુવાર્તા પ્રગટ કર; સારા અને ખરાબ સંજોગોમાં તત્પર રહે.’ (૨ તીમો. ૪:૨.) છેલ્લાં ૭૦ વર્ષોથી હું એ સલાહ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતો રહ્યો છું.

વર્ષ ૧૯૪૮માં ભાઈ નાથાન એચ. નૉર અને મિલ્ટન જી. હેન્સલ મલાવી આવ્યા હતા. તેઓની મુલાકાતથી મને યહોવાની પૂરા સમયની સેવામાં જોડાવવાનું ઉત્તેજન મળ્યું. પછી, હું લીડાસીને મળ્યો, જે સ્વભાવે પ્રેમાળ હતી. તેનો પણ મારી જેમ પૂરા સમયની સેવા કરવાનો ધ્યેય હતો. અમે ૧૯૫૦માં લગ્ન કર્યાં અને ૧૯૫૩ સુધીમાં અમને બે બાળકો થયાં. ભલે, મારા પર કુટુંબની ઘણી જવાબદારીઓ હતી. છતાં, હું નિયમિત પાયોનિયરીંગ કરીશ એવું અમે નક્કી કર્યું. બે વર્ષ પછી, મને ખાસ પાયોનિયર તરીકે સેવા આપવાનું આમંત્રણ મળ્યું.

સંમેલનોને લીધે અમે આવનારી મુસીબતો માટે તૈયાર થયા

એ પછી તરત જ, મને સરકીટ નિરીક્ષક તરીકે મંડળોની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. મારી પત્ની લીડાસીના સાથને લીધે હું કુટુંબની જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે પૂરા સમયની સેવા કરવામાં લાગુ રહી શક્યો. * પરંતુ, અમે બંને પૂરા સમયની સેવા કરવા ચાહતાં હતાં. વર્ષ ૧૯૬૦માં લીડાસી પણ પૂરા સમયની સેવામાં જોડાઈ. એમ કરવું, સમજી-વિચારીને કરેલાં આયોજન અને બાળકોના સહકારને લીધે શક્ય બન્યું.

વર્ષ ૧૯૬૨માં અમે એક મહાસંમેલનનો આનંદ માણ્યો, જેનો વિષય હતો ‘હિંમતવાન સેવકો.’ એના એક વર્ષ પછી બ્લૅન્ટાયર શહેર નજીક એક ખાસ સંમેલન યોજાયું હતું, જેમાં ભાઈ હેન્સલ આવ્યા હતા. એ સંમેલનમાં ૧૦,૦૦૦ કરતાં વધુ લોકો હાજર રહ્યા હતા. હું જ્યારે પણ એ સંમેલનો વિશે વિચાર કરું છું, ત્યારે મને થાય છે કે એ સંમેલનોએ અમને આવનાર મુસીબતોનો સામનો કરવા માટે તૈયાર કર્યા.

મુસીબતોનો પહાડ તૂટી પડ્યો

સરકારે આપણાં કામ પર પાબંદી લગાવી અને શાખાની સંપત્તિ જપ્ત કરી હતી

સાલ ૧૯૬૪માં, અમારા ત્યાંના સાક્ષીઓ પર ઘણી સતાવણી થઈ. કેમ કે તેઓએ રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ લેવાની ના પાડી દીધી. પરિણામે, ૧૦૦ કરતાં વધુ રાજ્યગૃહો અને આપણાં ભાઈ-બહેનોનાં ૧,૦૦૦થી વધુ ઘરો તબાહ કરી દેવામાં આવ્યાં. પરંતુ, હું અને લીડાસી સરકીટ કામમાં લાગુ રહ્યાં. વર્ષ ૧૯૬૭માં સરકારે સાક્ષીઓ પર પાબંદી મૂકી, છેક ત્યાં સુધી અમે એ કામ કરતા રહ્યાં. સરકારે આપણી શાખા કચેરીની સંપત્તિ જપ્ત કરી લીધી અને મિશનરી ભાઈ-બહેનોનો દેશનિકાલ કર્યો. ઘણાં ભાઈ-બહેનોને જેલમાં પૂરવામાં આવ્યાં, એમાં હું અને લીડાસી પણ હતાં. જેલમાંથી છૂટીને અમે બંને છાનીછૂપી રીતે સરકીટ કામ કરતા રહ્યાં.

મને યાદ છે કે ઑક્ટોબર ૧૯૭૨માં એક દિવસે, મલાવી યુથ લીગ તરીકે ઓળખાતી એક ઝનૂની રાજકીય ટોળકી, અમારા ઘર તરફ ધસી આવતી હતી. પરંતુ, એમાંની એક વ્યક્તિએ દોડી આવીને અમને સંતાઈ જવા ચેતવ્યા. કેમ કે એ ટોળકી અમને મારી નાખવા આવી રહી હતી. મેં મારી પત્ની અને બાળકોને નજીકમાં આવેલાં કેળાનાં વૃક્ષોમાં સંતાઈ જવા કહ્યું. પછી, હું દોડીને એક આંબાના ઝાડ પર ચઢી ગયો. ત્યાંથી હું મારી આંખોની સામે મારું ઘર તબાહ થતાં જોઈ રહ્યો હતો!

આપણાં ભાઈ-બહેનોએ રાજકારણમાં ભાગ ન લીધો હોવાથી તેઓનાં ઘરો બાળી નાખવામાં આવ્યાં

સતાવણી આકરી થતી ગઈ તેમ હજારો ભાઈ-બહેનોએ મલાવી છોડી દીધું. અમે જૂન ૧૯૭૪ સુધી મોઝામ્બિકમાં આવેલી આશ્રય છાવણીમાં રહ્યાં. એ સમયે મને અને લીડાસીને, મોઝામ્બિકના ડોમૂ વિસ્તારમાં ખાસ પાયોનિયર તરીકે મોકલવામાં આવ્યાં. અમે ૧૯૭૫ સુધી ત્યાં પાયોનિયરીંગ કર્યું. ત્યાર પછી અમને મોઝામ્બિક છોડી જવા દબાણ કરવામાં આવ્યું. અમે મલાવી પાછા ફર્યા જ્યાં હજુય સાક્ષીઓની સતાવણી થઈ રહી હતી.

પાછા ફર્યા પછી મને મલાવીના પાટનગર લિલોંગ્વેનાં મંડળોની મુલાકાતે મોકલવામાં આવ્યો. ઘણી સતાવણીઓ અને મુસીબતો હોવાં છતાં, અમે જે સરકીટમાં હતાં ત્યાં મંડળોની સંખ્યા વધી રહી હતી.

યહોવાનો પ્રેમાળ સાથ

એક દિવસે અમે એવા એક ગામમાં ગયાં જ્યાં એક રાજકીય સભા ચાલી રહી હતી. અમુક લોકો જાણી ગયા કે અમે યહોવાના સાક્ષીઓ છીએ. એટલે તેઓએ અમને મલાવી યંગ પાયોનિયર્સ નામની એક રાજકીય ટોળકી સામે બેસાડ્યાં. અમે યહોવાને મદદ અને માર્ગદર્શન માટે કાલાવાલા કર્યા. તેઓએ સભા પત્યા પછી અમારી મારપીટ શરૂ કરી દીધી. અચાનક, એક વૃદ્ધ સ્ત્રી દોડતી આવી અને પોકારી ઊઠી, ‘તેઓને છોડી દો! આ માણસ મારા ભાઈનો છોકરો છે. તેઓને તેમના રસ્તે જવા દો!’ એ સભાના આગેવાને કહ્યું, ‘એ લોકોને જવા દો!’ અમે નથી જાણતા કે એ સ્ત્રીએ કેમ એવું કર્યું. અરે, તેનો અમારી સાથે કોઈ સંબંધ ન હતો. ચોક્કસ, એ તો યહોવાએ અમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો એમ જ કહી શકાય!

રાજકીય દળનું કાર્ડ

વર્ષ ૧૯૮૧માં ફરી મલાવી યંગ પાયોનિયર્સે અમને પકડ્યાં. આ વખતે તેઓએ અમારાં સાઇકલ, બૅગ, પુસ્તકો તેમજ સરકીટનાં ભાઈ-બહેનો વિશેના મહત્ત્વના કાગળો છીનવી લીધાં. અમે તેઓના હાથમાંથી છટકીને એક વડીલના ઘરે પહોંચ્યાં. પરંતુ, તેઓએ છીનવેલા કાગળોમાં ઘણી મહત્ત્વની વિગતો હતી, માટે અમને એની ચિંતા થઈ રહી હતી. જોકે, એ ટોળીને એ બધા કાગળોમાં અમુક પત્રો મળ્યા, જે મલાવી ફરતેના ભાઈઓએ મને મોકલેલા હતા. એ વાંચીને કદાચ તેઓને લાગ્યું હશે કે હું સરકારનો કોઈ ખાસ અધિકારી છું, માટે તેઓ ગભરાઈ ગયા. તેથી, તેઓએ તરત જ એ કાગળો મંડળના વડીલોને પાછા મોકલ્યા.

બીજા એક સમયે, અમે એક હોડીમાં નદી પાર કરી રહ્યાં હતાં. એનો માલિક એક રાજકારણી હતો. તે હોડીમાંના બધા જ યાત્રીઓના રાજકીય દળના કાર્ડ જોવા ચાહતો હતો. લોકોનાં કાર્ડ તપાસતાં તપાસતાં તે અમારી તરફ વધી રહ્યો હતો. એટલામાં, તેની નજર એક ચોર પર પડી, જેની પોલીસને શોધ હતી. એનાથી બધા લોકોનું ધ્યાન બીજી તરફ વળ્યું અને માલીકે કાર્ડ તપાસવાનું પડતું મૂક્યું. ફરી એક વાર અમે યહોવાનો સાથ અનુભવ્યો.

ધરપકડ અને કેદ

ફેબ્રુઆરી ૧૯૮૪માં, હું ઝામ્બિયા શાખા કચેરી માટે અહેવાલ પહોંચાડવા લિલોંગ્વે જઈ રહ્યો હતો. એવામાં, એક પોલીસે મને રોક્યો અને મારી બૅગ તપાસી. એમાં તેને બાઇબલને લગતું સાહિત્ય મળી આવ્યું, એટલે તે મને પોલીસ સ્ટેશને લઈ ગયો અને મને મારવા લાગ્યો. એ પછી, તેણે મને દોરડાથી બાંધ્યો અને કેદખાનામાં નાંખ્યો, જ્યાં કેટલાક ચોર કેદ હતા.

બીજા દિવસે પોલીસ અધિકારી મને એક રૂમમાં લઈ ગયો. તે ચાહતો હતો કે હું એક કાગળ પર સહી કરું જેમાં લખ્યું હતું: ‘હું, ટ્રોફીમ આર. નસોમ્બા આઝાદ થવા માટે હવેથી યહોવાના સાક્ષી તરીકે ઓળખાવવાનું છોડી રહ્યો છું.’ મેં એ કાગળ પર સહી કરવાની સાફ મના કરી દીધી અને તેને મેં કહ્યું, ‘હું ફક્ત કેદ થવા જ નહિ, મરવા માટે પણ તૈયાર છું. હું હજુય યહોવાનો સાક્ષી જ છું!’ એ સાંભળીને અધિકારી એટલું ઊકળી ઊઠ્યો કે તેણે જોરથી ટેબલને ઠોક્યું. એના અવાજથી બાજુના રૂમનો પોલીસ, શું થયું એ જોવા દોડી આવ્યો. અધિકારીએ તેને કહ્યું, ‘આ માણસ હવે સાક્ષી નથી એમ લખેલા કાગળ પર સહી કરવાની મના કરે છે. તેથી, તે યહોવાનો એક સાક્ષી છે, એવી સહી કરાવી લો. જેથી, આપણે તેને કેદ માટે લિલોંગ્વે મોકલી દઈએ.’ એ બધો સમય મારી પત્નીને ખબર ન હતી કે હું ક્યાં છું. ચાર દિવસ પછી, અમુક ભાઈઓએ તેને જણાવ્યું કે મારી સાથે શું બન્યું છે.

લિલોંગ્વે પોલીસ સ્ટેશનમાં મારી સાથે સારું વર્તન કરવામાં આવ્યું. પોલીસ અધિકારીએ કહ્યું: ‘અહીં બીજા લોકો તો ચોર છે. જ્યારે કે, તું બાઇબલના લીધે અહીં કેદ કરવામાં આવ્યો છે. એટલા માટે, લે આ ભાત ખા!’ પછી તેણે કચેરે જેલમાં મને મોકલ્યો, જ્યાં હું પાંચ મહિના રહ્યો.

હું ત્યાં ગયો એનાથી ત્યાંનો જેલર ખુશ હતો. કેમ કે તે ચાહતો હતો કે હું બીજા કેદીઓ માટે એક પાદરી જેવું કામ કરું. ત્યાં જે માણસ પાદરીનું કામ કરતો હતો, તેને હટાવતા જેલરે કહ્યું, ‘તું અહીં બાઇબલમાંથી શીખવે એવું હું નથી ચાહતો. કેમ કે તેં તારા ચર્ચમાંથી ચોરી કરી હતી, એટલે તું અહીં પૂરવામાં આવ્યો છે!’ તેથી, દર અઠવાડિયે કેદીઓ માટે યોજવામાં આવતી સભામાં હું તેઓને બાઇબલમાંથી શીખવતો.

પરંતુ, સમય જતાં સંજોગો બગડવા લાગ્યા. જેલના અધિકારીઓએ મને પૂછપરછ કરી કે મલાવીમાં યહોવાના સાક્ષીઓ કેટલા છે. તેઓ મારી પાસેથી જે સાંભળવા ચાહતા હતા એ મેં તેઓને કહ્યું નહિ. એટલે, તેઓએ મને એટલો માર્યો કે હું બેભાન થઈ ગયો. બીજી એક વાર તેઓ જાણવા ચાહતા હતા કે આપણું મુખ્યમથક ક્યાં છે. મેં તેઓને કહ્યું, ‘તમે સાવ સહેલો પ્રશ્ન કર્યો. હું તમને એનો જવાબ આપીશ.’ મેં જવાબ આપ્યો કે બાઇબલમાં અમારા મુખ્યમથક વિશે જણાવ્યું છે. તેઓને નવાઈ લાગી અને તેઓએ પૂછ્યું, ‘બાઇબલમાં ક્યાં?’

યશાયા ૪૩:૧૨માં’ મેં કહ્યું. તેઓએ બાઇબલમાં જોયું અને ધ્યાનથી વાંચ્યું: “યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો, હું જ ઈશ્વર છું.” તેઓએ એ કલમ ત્રણ વાર વાંચી. પછી તેઓએ પૂછ્યું, ‘યહોવાના સાક્ષીઓનું મુખ્યમથક અમેરિકામાં નહિ ને બાઇબલમાં કેમનું હોય શકે?’ મેં કહ્યું, ‘અમેરિકામાં રહેતા યહોવાના સાક્ષીઓ પણ આ જ કલમથી અમારા મુખ્યમથક વિશે જણાવશે.’ તેઓ જે સાંભળવા ચાહતા હતા એ મેં તેઓને કહ્યું નહિ, એટલે તેઓએ મને લિલોંગ્વેના દક્ષિણમાં આવેલી ડઝાલેકા જેલમાં મોકલી દીધો.

ખરાબ સંજોગોમાં પણ આશીર્વાદો

હું ડઝાલેકા જેલમાં જુલાઈ, ૧૯૮૪માં આવ્યો ત્યારે ત્યાં ૮૧ સાક્ષીઓ પહેલેથી જ હતા. એ જેલ એટલી ગીચોગીચ થઈ ગઈ કે ૩૦૦ કેદીઓએ જમીન પર એકબીજાને અડોઅડ સૂવું પડતું. સમય જતાં, અમે બધા જ સાક્ષીઓ નાના-નાના સમૂહોમાં ભેગા થઈને રોજ એક કલમ પર ચર્ચા કરતા. એનાથી અમને બધાને ઘણું ઉત્તેજન મળતું.

મુકદ્દમો પૂરો થયા પછી ભાઈઓને લઈ જવામાં આવે છે

ઑક્ટોબર ૧૯૮૪માં અમને બધાને અદાલતમાં લઈ જવામાં આવ્યા અને બે વર્ષ જેલની સજા ફટકારવામાં આવી. પહેલાંની જેમ, હવે અમે એવા કેદીઓ સાથે હતા, જેઓ સાક્ષી ન હતા. પરંતુ, જેલરે એ બધાને કહ્યું, ‘યહોવાના સાક્ષીઓ સિગારેટ પીતા નથી. તેથી, જમાદારોએ તેઓ પાસે સિગારેટ માંગવી નહિ કે એને સળગાવવા અંગારા લાવવા કહેવું નહિ. તેઓ ઈશ્વરના લોકો છે! દરેકે દરેક યહોવાના સાક્ષીને દિવસમાં બે વાર જમવાનું આપવું, કેમ કે તેઓ પોતાની માન્યતાને લીધે અહીં છે, ગુનો કરવાને લીધે નહિ!’

અમારા સારા આચરણને લીધે ઘણા ફાયદા થયા. જ્યારે અંધારું કે વરસાદ હોય ત્યારે જમાદાર બીજા કેદીઓને બહાર જવા દેતા નહિ. પણ, અમને જવા દેતા. કેમ કે, તેઓને અમારા પર ભરોસો હતો અને તેઓ જાણતા હતા કે અમે ભાગી જવાની કોશિશ નહિ કરીએ. દાખલા તરીકે, અમે એક વાર બહાર ખેતરોમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક જમાદારની તબિયત બગડી. અમે તેને ઊંચકીને જેલની અંદર લઈ આવ્યા. અમે હંમેશાં સારું આચરણ જાળવી રાખ્યું. તેથી, અમારા પર નજર રાખનારાઓ પણ યહોવાના વખાણ કરતા.—૧ પીત. ૨:૧૨. *

સારા સંજોગો પાછા આવ્યા

વર્ષ ૧૯૮૫માં મે મહિનાની ૧૧ તારીખે હું ડઝાલેકા જેલમાંથી આઝાદ થયો અને ફરી મારા કુટુંબ સાથે રહેવાનો આનંદ માણી શક્યો! અમે યહોવાનો આભાર માનીએ છીએ કે તેમણે કપરા સંજોગોમાં પણ વફાદારી જાળવી રાખવા અમને મદદ કરી. અમને પણ પ્રેરિત પાઊલ જેવું લાગે છે, જેમણે લખ્યું: ‘ભાઈઓ, જે વિપત્તિ અમને પડી એ વિશે તમે અજાણ્યા રહો, એવી અમારી ઇચ્છા નથી. એટલે સુધી કે અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી. બલ્કે, અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો.’—૨ કોરીં. ૧:૮-૧૦.

વર્ષ ૨૦૦૪માં એક રાજ્યગૃહ પાસે ભાઈ નસોમ્બા અને તેમનાં પત્ની લીડાસી

કેટલીક વાર અમને લાગ્યું કે અમે નહિ બચીએ. પરંતુ, એવા સંજોગોમાં પણ યહોવાના મહાન નામનું હંમેશાં ગૌરવ કરતા રહેવા અમે તેમની પાસેથી હિંમત, ડહાપણ અને નમ્રતા માંગ્યાં.

યહોવાએ ‘સારા અને ખરાબ સંજોગોમાં’ અમારા સેવાકાર્ય પર આશીર્વાદ આપ્યા છે. આજે, લિલોંગ્વેમાં એક સુંદર શાખા કચેરી તેમજ ૧,૦૦૦થી વધુ રાજ્યગૃહો જોઈને અમારી ખુશીનો પાર નથી રહેતો! યહોવાના એ આશીર્વાદો એટલા અદ્ભુત છે કે લીડાસી અને મારી માટે એ જાણે એક સપનું જ છે! *

^ ફકરો. 6 બાળકો હોય એવા ભાઈઓને હવે સરકીટ કામની જવાબદારી સોંપવામાં આવતી નથી.

^ ફકરો. 27 મલાવીની સતાવણી વિશે વધુ જાણવા ૧૯૯૯ યરબુક ઑફ જેહોવાઝ વિટનેસીસનાં પાન ૧૭૧-૨૨૩ જુઓ.

^ ફકરો. 31 આ લેખ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે, ભાઈ નસોમ્બા ૮૩ વર્ષની ઉંમરે મરણ પામ્યા.