વડીલો આપણો આનંદ વધારે છે
‘અમે તમારા આનંદના સહાયકારીઓ છીએ.’—૨ કોરીં. ૧:૨૪.
૧. કોરીંથનાં ભાઈ-બહેનો વિશે શું જાણીને પાઊલ ખુશ થયા?
એ સાલ ઈસવીસન ૫૫ની હતી જ્યારે પ્રેરિત પાઊલ ત્રોઆસ શહેરમાં હતા. ત્યાં તે કોરીંથ મંડળ વિશે સતત વિચારતા હતા. એ જ વર્ષની શરૂઆતમાં તેમને ખબર પડી કે ત્યાંના ભાઈઓ એકબીજા સાથે તકરાર કરતા હતા. એટલે, પાઊલે એક પિતાની જેમ તેઓને પ્રેમથી સુધારવા પત્ર લખ્યો. (૧ કોરીં. ૧:૧૧; ૪:૧૫) પાઊલે તેમના સાથીદાર તીતસને પણ તેઓ પાસે મોકલ્યા. તેમણે તીતસને જણાવ્યું હતું કે ત્રોઆસ પાછા આવે અને મંડળ વિશે જણાવે. એટલે પાઊલ ત્રોઆસમાં તીતસની રાહ જોઈ રહ્યા હતા, એ જાણવા કે મંડળ કેવું કરી રહ્યું છે. પણ તીતસના ન આવવાને લીધે, પાઊલ ઘણા નિરાશ થયા. પાઊલે શું કર્યું? તે વહાણથી મકદોનિયા ગયા અને ત્યાં તીતસને મળ્યા. તીતસે જણાવ્યું કે કોરીંથનાં ભાઈ-બહેનોએ પાઊલના પત્રમાંની સલાહ સ્વીકારી અને તેઓ પાઊલને જોવા આતુર હતાં. જ્યારે પાઊલે એ સારો અહેવાલ સાંભળ્યો, ત્યારે તેમને ઘણો “આનંદ થયો.”—૨ કોરીં. ૨:૧૨, ૧૩; ૭:૫-૯.
૨. (ક) વિશ્વાસ અને આનંદ વિશે પાઊલે કોરીંથ મંડળને શું લખ્યું? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા આ લેખમાં કરીશું?
૨ એ પછી તરત જ પાઊલે કોરીંથ મંડળને બીજો પત્ર લખ્યો. પાઊલે તેઓને કહ્યું: “તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દૃઢ રહો છો.” (૨ કોરીં. ૧:૨૪) પાઊલ આમ લખીને શું કહેવા માંગતા હતા? મંડળના વડીલોને આજે એ શબ્દો કેવી રીતે મદદ કરી શકે?
શ્રદ્ધા અને આનંદ
૩. (ક) “વિશ્વાસથી તમે દૃઢ રહો છો,” એમ લખીને પાઊલ શું કહેવા માંગતા હતા? (ખ) વડીલો કેવી રીતે આજે પાઊલના દાખલાને અનુસરે છે?
૩ ઈશ્વરની ભક્તિનાં મહત્ત્વનાં બે પાસાં વિશે પાઊલે જણાવ્યું હતું. એ છે શ્રદ્ધા અને આનંદ. આપણે આગળ જોઈ ગયા તેમ, શ્રદ્ધા વિશે તેમણે આમ લખ્યું: “તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, . . . કેમ કે વિશ્વાસથી તમે દૃઢ રહો છો.” આ શબ્દોથી પાઊલે એ સ્વીકાર્યું કે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનો પાઊલ કે બીજા કોઈના લીધે નહિ, પણ ઈશ્વરમાં તેઓની શ્રદ્ધાને લીધે દૃઢ હતાં. એટલે, પાઊલ જોઈ શક્યા કે ભાઈ-બહેનોની શ્રદ્ધા પર અધિકાર કે હક્ક જમાવવાની કોઈ જરૂર નથી અને તેમની એવી ઇચ્છા પણ ન હતી. તેમને પૂરો ભરોસો હતો કે ભાઈ-બહેનો એવા વિશ્વાસુ ખ્રિસ્તીઓ છે, જેઓને ખરી બાબતો કરવી છે. (૨ કોરીં. ૨:૩) આજે પણ, વડીલો ભાઈ-બહેનોની શ્રદ્ધા અને ઈશ્વરભક્તિ માટેના તેઓના ઇરાદા પર ભરોસો રાખીને, પાઊલના દાખલાને અનુસરે છે. (૨ થેસ્સા. ૩:૪) વડીલો મંડળમાં કડક નિયમો બનાવવાને બદલે, બાઇબલની સલાહ અને યહોવાના સંગઠન તરફથી મળતાં માર્ગદર્શન પર આધાર રાખે છે. આમ, આજના વડીલો મંડળનાં ભાઈ-બહેનોની શ્રદ્ધા પર અધિકાર ચલાવતા નથી.—૧ પીત. ૫:૨, ૩.
૪. (ક) ‘અમે તમારા આનંદના સહાયકારીઓ છીએ’ એમ લખીને, પાઊલ શું કહેવા માંગતા હતા? (ખ) આજના વડીલો કેવી રીતે પાઊલના જેવું વલણ બતાવે છે?
૪ પાઊલે એ પણ લખ્યું: ‘અમે તમારા આનંદના સહાયકારીઓ છીએ.’ આ “સહાયકારીઓ” કોણ છે? પાઊલની સાથે મળીને જેઓએ કોરીંથ મંડળને મદદ કરવા ઘણી મહેનત કરી હતી, તેઓ સહાયકારીઓ છે. એમ કેવી રીતે કહી શકીએ? એ જ પત્રમાં પોતાના બે સાથીદારો વિશે પાઊલે કોરીંથ મંડળને જણાવ્યું હતું કે ‘ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સીલવાનસ તથા તીમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા.’ (૨ કોરીં. ૧:૧૯) વધુમાં, પાઊલે જ્યારે પણ પોતાના પત્રમાં “સાથે કામ કરનારા” વિશે લખ્યું, ત્યારે તે પોતાના ખાસ સાથીદારો વિશે વાત કરતા હતા. જેમ કે, આપોલસ, આકુલા, પ્રિસ્કીલા, તીમોથી, તીતસ અને બીજા સાથીઓ. (રોમ. ૧૬:૩, ૨૧; ૧ કોરીં. ૩:૬-૯; ૨ કોરીં. ૮:૨૩) એટલે જ્યારે પાઊલે કહ્યું કે ‘અમે તમારા આનંદના સહાયકારીઓ છીએ,’ ત્યારે તે એમ કહેવા માંગતા હતા કે તે અને તેમના સાથીઓ, એ બધું જ કરવા તૈયાર હતા, જેનાથી કોરીંથ મંડળ આનંદથી ઈશ્વરની ભક્તિ કરી શકે. આજના વડીલોની પણ એવી જ ઇચ્છા છે. તેઓ એ બધું જ કરવા માંગે છે, જેનાથી મંડળનાં ભાઈ-બહેનો ‘આનંદથી યહોવાની સેવા કરી’ શકે.—ગીત. ૧૦૦:૨; ફિલિ. ૧:૨૫.
૫. આપણે કયા સવાલના જવાબની ચર્ચા કરીશું અને શાના પર વિચાર કરીશું?
૫ દુનિયાના જુદા જુદા દેશોમાં રહેતાં આપણાં કેટલાક ઉત્સાહી ભાઈ-બહેનોને હાલમાં એક સવાલ પૂછવામાં આવ્યો. એ સવાલ હતો કે “વડીલના કેવા શબ્દો અને વર્તને તમારા આનંદમાં વધારો કર્યો છે?” આપણે હવે પછી તેઓના જવાબની ચર્ચા કરીશું. એમ કરીએ ત્યારે તમે વડીલોના એ શબ્દો અને વર્તન પર વિચાર કરજો, જેનાથી તમારો આનંદ વધ્યો છે. વધુમાં, એ પણ વિચારો કે તમે કેવી રીતે મંડળના આનંદમાં વધારો કરી શકો. *
‘વહાલી પેર્સીસને સલામ કહેજો’
૬, ૭. (ક) વડીલો કેવી રીતે ઈસુ, પાઊલ અને બીજા ભક્તોને અનુસરી શકે? (ખ) ભાઈ-બહેનોનાં નામ યાદ રાખવાથી, કેમ તેઓના આનંદમાં વધારો થાય છે?
૬ આપણાં ઘણાં ભાઈ-બહેનોએ કહ્યું કે વડીલો જ્યારે તેઓમાં રસ બતાવે છે, ત્યારે આનંદમાં વધારો થાય છે. દાઊદ, અલીહૂ અને ઈસુનાં ઉદાહરણને અનુસરીને વડીલો એમ કરે છે. (૨ શમૂએલ ૯:૬; અયૂબ ૩૩:૧; લુક ૧૯:૫ વાંચો.) એ દરેક ઈશ્વરભક્તે વ્યક્તિનું નામ લઈને તેમનામાં દિલથી રસ બતાવ્યો હતો. પાઊલ પણ એ સારી રીતે જાણતા હતા કે ભાઈ-બહેનોનાં નામ યાદ રાખવા અને એનો ઉપયોગ કરવો મહત્ત્વનું છે. તેમણે એક પત્રના અંતમાં ૨૫ ભાઈ-બહેનોનાં નામ લઈને તેઓને સલામ કહી. તેઓમાંની એક પેર્સીસ હતી, જેના વિશે પાઊલે લખ્યું: ‘વહાલી પેર્સીસને સલામ કહેજો.’—રોમ. ૧૬:૩-૧૫.
૭ અમુક વડીલો માટે નામ યાદ રાખવાં અઘરું હોય છે. તોપણ, જ્યારે તેઓ એમ કરવા દિલથી પ્રયત્નો કરે છે, ત્યારે તેઓ જાણે ભાઈ-બહેનોને એમ કહે છે કે ‘તમે મારા માટે મહત્ત્વની વ્યક્તિ છો.’ (નિર્ગ. ૩૩:૧૭) ખાસ કરીને વડીલો ચોકીબુરજ અભ્યાસ કે બીજી સભાઓમાં નામ લઈને જવાબ પૂછે છે, ત્યારે ભાઈ-બહેનોના આનંદમાં વધારો થાય છે.—વધુ માહિતી: યોહા. ૧૦:૩.
‘તેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે’
૮. પાઊલ કઈ મહત્ત્વની એક રીતે યહોવા અને ઈસુના ઉદાહરણને અનુસર્યા?
૮ ભાઈ-બહેનોના દિલથી વખાણ કરીને પણ પાઊલે બતાવ્યું કે તેમને તેઓમાં રસ છે. ભાઈ-બહેનોના આનંદમાં વધારો કરવાની આ બીજી એક રીત છે. જે પત્રમાં પાઊલે જણાવ્યું હતું કે તે ભાઈઓની ખુશી માટે કામ કરવા ઇચ્છે છે, એ જ પત્રમાં તેમણે લખ્યું: ‘તમારે લીધે હું બહુ ગર્વ કરું છું.’ (૨ કોરીં. ૭:૪) પ્રશંસાના આ શબ્દોથી ચોક્કસ કોરીંથનાં ભાઈ-બહેનો દિલથી ખુશ થયા હશે. પાઊલે બીજાં મંડળો માટે પણ એવી જ લાગણીઓ બતાવી. (રોમ. ૧:૮; ફિલિ. ૧:૩-૫; ૧ થેસ્સા. ૧:૮) રોમના મંડળને લખેલા પત્રમાં પાઊલે પેર્સીસનો ઉલ્લેખ કર્યા પછી, આગળ આમ જણાવ્યું: ‘તેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે.’ (રોમ. ૧૬:૧૨) એ પ્રશંસાથી વિશ્વાસુ બહેન કેટલી ખુશ થઈ હશે! પાઊલ બીજાના વખાણ કરવામાં યહોવા અને ઈસુના ઉદાહરણને અનુસર્યા.—માર્ક ૧:૯-૧૧; યોહાન ૧:૪૭ વાંચો; પ્રકટી. ૨:૨, ૧૩, ૧૯.
૯. એકબીજાના વખાણ કરવાથી કેવી રીતે મંડળના આનંદમાં વધારો થાય છે?
૯ વડીલો એ પણ સમજે છે કે ભાઈ-બહેનો માટે, તેઓને જે પ્રશંસાની લાગણી છે એને શબ્દોમાં જણાવવી જરૂરી છે. (નીતિ. ૩:૨૭; ૧૫:૨૩) જ્યારે પણ એક વડીલ એમ કરે છે, ત્યારે તે જાણે ભાઈ-બહેનોને આમ કહે છે: ‘તમે જે કર્યું એ મેં ધ્યાનમાં લીધું છે અને હું તમારી કદર કરું છું!’ બધાં ભાઈ-બહેનોને આવા હિંમત આપનારા શબ્દોની જરૂર હોય છે. પચાસેક વર્ષનાં બહેને જણાવ્યું કે “જ્યાં હું કામ કરું છું, ત્યાં ભાગ્યે જ મારી પ્રશંસા થાય છે. ત્યાં લોકોને કોઈની પડી નથી અને બધા એકબીજા સાથે હરીફાઈ કરે છે. પણ મંડળ માટે મેં કંઈ કર્યું હોય અને વડીલ મારાં વખાણ કરે ત્યારે, મને તાજગી મળે છે, મારો ઉત્સાહ વધે છે! એ જોઈને મને એમ થાય છે કે યહોવા પિતા મને પ્રેમ કરે છે.” એકલા હાથે બે બાળકોને ઉછેરતા એક ભાઈને પણ એવું જ લાગ્યું. એક વડીલે તેમના દિલથી વખાણ કર્યા હતા. એનાથી ભાઈને કેવું લાગ્યું? તે કહે છે: “એ વડીલના શબ્દોએ મારો જોશ વધાર્યો!” ખરેખર, સાથી ભાઈ-બહેનોના દિલથી વખાણ કરીને, વડીલ તેઓને ઉત્તેજન આપે છે અને તેઓના આનંદમાં વધારો કરે છે. એનાથી તેઓને જીવનની રાહ પર ‘થાક્યા વગર’ ચાલતા રહેવા વધારે તાકાત મળશે.—યશા. ૪૦:૩૧.
‘ઈશ્વરની મંડળીનું પાલન કરો’
૧૦, ૧૧. (ક) નહેમ્યાના ઉદાહરણને વડીલો કેવી રીતે અનુસરી શકે? (ખ) ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા વડીલો શું કરી શકે?
૧૦ વડીલો બીજી કઈ એક રીતે ભાઈ-બહેનોમાં રસ બતાવી શકે અને મંડળના આનંદમાં વધારો કરી શકે? જેઓને ઉત્તેજનની જરૂર છે, તેઓને મદદ આપવા પહેલ કરીને એમ કરી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮ વાંચો.) આમ કરીને વડીલો પહેલાંના સમયમાં આગેવાની લેનારા ઈશ્વરભક્તોને અનુસરે છે. દાખલા તરીકે, નહેમ્યાનો વિચાર કરો. જ્યારે તેમણે જોયું કે અમુક યહુદી ભાઈઓ, ઈશ્વરભક્તિમાં ઠંડા પડી ગયા છે, ત્યારે તેમણે શું કર્યું? અહેવાલ જણાવે છે કે તેમણે તરત જ પહેલ કરી અને તેઓને ઉત્તેજન આપ્યું. (નહે. ૪:૧૪) આજે પણ વડીલો એમ જ કરવા ચાહે છે. તેઓ સાથી ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા પહેલ કરે છે. જો સંજોગો પરવાનગી આપતા હોય, તો એવું ઉત્તેજન આપવા વડીલો ભાઈ-બહેનોનાં ઘરે જઈને મળે છે. એવી મુલાકાતો દરમિયાન વડીલ તેઓને “આત્મિક દાન,” એટલે કે ઈશ્વર તરફથી ભેટ આપે છે. (રોમ. ૧:૧૧) એમ કરવા વડીલોને શું મદદ કરશે?
૧૧ વડીલ જે ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા મુલાકાત કરવાના હોય, તેઓ વિશે પહેલેથી વિચારવું જોઈએ. જેમ કે, તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે? કેવા વિચારોથી તેમને ઉત્તેજન મળશે? કયાં શાસ્ત્રવચનો કે ઉદાહરણો તેમના સંજોગોમાં લાગુ પડશે? વડીલ આવી બાબતોનો અગાઉથી વિચાર કરશે તો ઉત્તેજન આપનારી વાતચીત કરવા મદદ મળશે અને બિનજરૂરી ચર્ચા નહિ થાય. વડીલ આવી મુલાકાત દરમિયાન, ભાઈ-બહેનોને તેઓની લાગણીઓ જણાવવા દેશે અને તેઓનું ધ્યાનથી સાંભળશે. (યાકૂ. ૧:૧૯) એક બહેને કહ્યું: “જ્યારે એક વડીલ દિલથી સાંભળે છે, ત્યારે ઘણો જ દિલાસો મળે છે.”—લુક ૮:૧૮.
૧૨. મંડળમાં કોને ઉત્તેજનની જરૂર છે અને કેમ?
૧૨ ઉત્તેજન આપનારી મુલાકાતથી કોને લાભ થશે? પાઊલે ખ્રિસ્તી વડીલોને સલાહ આપી કે “તે સર્વ સંબંધી સાવધાન રહો,” એટલે કે બધાં ભાઈ-બહેનોની સંભાળ રાખે. મંડળનાં સર્વ ભાઈ-બહેનોને ઉત્તેજનની જરૂર હોય છે. એમાં એ બધા જ પ્રકાશકો અને પાયોનિયરોનો પણ સમાવેશ થાય છે, જેઓ વર્ષોથી વફાદાર રહીને પ્રચાર કરી રહ્યા છે. તેઓને વડીલના ઉત્તેજનની કેમ જરૂર પડે છે? કેમ કે આજની દુષ્ટ દુનિયાના દબાણ નીચે, એવાં ભાઈ-બહેનો પણ દબાઈ જાય છે, જેઓ સત્યમાં સ્થિર છે. શા માટે આવા ભક્તોને પણ સાથીઓના ઉત્તેજનની જરૂર પડે છે? એ સમજવા ચાલો રાજા દાઊદના જીવનમાં બનેલા એક પ્રસંગનો વિચાર કરીએ.
‘અબીશાય તેમની મદદે આવ્યા’
૧૩. (ક) દાઊદની કેવી સ્થિતિનો યિશબી-બનોબે ફાયદો ઊઠાવ્યો? (ખ) અબીશાય કેવી રીતે ખરા સમયે દાઊદની મદદે આવ્યા?
૧૩ યુવાન દાઊદ રાજા તરીકે પસંદ થયા એના થોડાં જ સમય પછી, તેમણે રફાઈ વંશના રાક્ષસ ગોલ્યાથનો સામનો કર્યો હતો. દાઊદે બહાદુરીથી તેને મારી નાખ્યો. (૧ શમૂ. ૧૭:૪, ૪૮-૫૧; ૧ કાળ. ૨૦:૫, ૮) વર્ષો પછી પલિસ્તીઓ સામેના યુદ્ધમાં, દાઊદે ફરીથી બીજા એક રાક્ષસનો સામનો કર્યો. તેનું નામ યિશબી-બનોબ હતું, તે પણ રફાઈ વંશનો હતો. (૨ શમૂ. ૨૧:૧૬) આ વખતે તે રાક્ષસ દાઊદને બસ મારી નાખવાની અણી પર જ હતો. કેમ? દાઊદની હિંમત તો ઘટી નહોતી, પણ તાકાત ઘટી ગઈ હતી. કલમ જણાવે છે કે ‘દાઊદ થાકી ગયા હતા.’ જ્યારે યિશબી-બનોબને ખબર પડી કે દાઊદ થાકી ગયા છે, ત્યારે “તેણે દાઊદને મારી નાખવાનો વિચાર કર્યો.” તે રાક્ષસ હથિયારથી દાઊદ પર વાર કરવાની તૈયારીમાં જ હતો ત્યારે, ‘સરૂયાહના દીકરા અબીશાયે દાઊદની મદદે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો.’ (૨ શમૂ. ૨૧:૧૫-૧૭) કેટલો જોરદાર બચાવ! અબિશાયે પોતાનું ધ્યાન દાઊદ પર રાખ્યું હતું. એટલે, જ્યારે દાઊદનું જીવન જોખમમાં આવ્યું, ત્યારે તે તરત મદદ માટે દોડી આવ્યા. એ માટે દાઊદે તેમનો કેટલો આભાર માન્યો હશે! આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ?
૧૪. (ક) આપણે કેવી રીતે ગોલ્યાથ જેવાં નડતરોનો સામનો કરી શકીએ? (ખ) ભાઈ-બહેનોની હિંમત અને આનંદ વધારવા વડીલો શું કરી શકે? દાખલો આપો.
૧૪ શેતાન અને તેના ચેલાઓ આપણાં પર નડતરો લાવે તોપણ, યહોવાના ભક્તો તરીકે આપણે દુનિયાભરમાં પ્રચારકાર્યને આગળ વધારીએ છીએ. આપણામાંના અમુક સામે રાક્ષસ જેવી મુશ્કેલીઓ આવી છે, પણ યહોવા પરના ભરોસાથી આપણે એ “ગોલ્યાથ” જેવી મુશ્કેલીઓને હરાવી શક્યા છીએ. તોપણ, આ દુનિયાનાં દબાણો સામે સતત લડીએ ત્યારે, ઘણી વાર એ આપણને થકવી નાખે છે અને નિરાશ કરી દે છે. જ્યારે આપણામાં પૂરતી તાકાત હોય છે, ત્યારે દુનિયાનાં દબાણોનો સારો એવો સામનો કરી શકીએ છીએ. પણ નબળી હાલતને લીધે તાકાત ઘટી જાય છે અને ‘ઠાર થવાનો’ ખતરો રહે છે. એવા સંજોગોમાં, વડીલે આપેલી સમયસરની મદદથી આપણો આનંદ અને હિંમત પાછા મળે છે. ઘણાએ એનો અનુભવ કર્યો છે. આશરે ૬૦ વર્ષનાં પાયોનિયર બહેન જણાવે છે: “થોડા સમય પહેલાં મારી તબિયત સારી નહોતી અને પ્રચારમાં જવાથી હું થાકી જતી. મારી નબળી હાલત જોઈને એક વડીલે મારી સાથે વાત કરી. અમે બાઇબલના એક અહેવાલ પર ઉત્તેજનકારક ચર્ચા કરી. તેમણે જે સૂચનો આપ્યાં, એ મેં લાગુ પાળ્યાં અને એનાથી મને લાભ થયો. મારી નબળી હાલત જોઈને, વડીલે મને મદદ કરી એ કેટલું પ્રેમાળ કહેવાય!” એ કેટલી ખુશીની વાત છે કે આપણી પાસે પણ અબીશાય જેવા વડીલો છે, જેઓ પ્રેમથી આપણું ધ્યાન રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તરત ‘મદદે આવે છે.’
‘તમારા ઉપર મારી જે પ્રીતિ છે એ તમે જાણો’
૧૫, ૧૬. (ક) સાથી ભાઈ-બહેનો પાઊલને કેમ ખૂબ જ પ્રેમ કરતા હતાં? (ખ) આપણે કેમ મંડળના વડીલોને ચાહીએ છીએ?
૧૫ ભાઈ-બહેનોની સંભાળ રાખવા વડીલો ઘણી મહેનત કરે છે. અમુક વાર તેઓ રાતના બરાબર ઊંઘી શકતા નથી, કેમ કે તેઓને ભાઈ-બહેનોની ચિંતા હોય છે. રાતના ઉજાગરા કરીને તેઓ ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરે છે અથવા તેઓને મદદ કરે છે. (૨ કોરીં. ૧૧:૨૭, ૨૮) તોપણ, પાઊલની જેમ વડીલો ખુશીથી પોતાની જવાબદારી ઉપાડે છે. પાઊલે કોરીંથીઓને લખ્યું હતું: ‘હું તમારા માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ ખરચીશ તથા હું પોતે પણ ખરચાઈ જઈશ.’ (૨ કોરીં. ૧૨:૧૫) ભાઈ-બહેનો પરના પ્રેમને લીધે પાઊલે પોતાને પૂરેપૂરા ખરચી નાખ્યા, જેથી તેઓની હિંમત બાંધી શકે. (૨ કોરીંથી ૨:૪ વાંચો; ફિલિ. ૨:૧૭; ૧ થેસ્સા. ૨:૮) એટલે જ, ભાઈ-બહેનો પાઊલને ખૂબ પ્રેમ કરતા!—પ્રે.કૃ. ૨૦:૩૧-૩૮.
૧૬ યહોવાના ભક્તો તરીકે આપણે પણ સંભાળ રાખનારા વડીલોને પ્રેમ કરીએ છીએ અને તેઓ માટે પ્રાર્થનામાં યહોવાનો આભાર માનીએ છીએ. આપણામાં રસ લઈને તેઓ આપણો આનંદ વધારે છે. ઉત્તેજન આપનારી તેઓની મુલાકાતથી આપણને તાજગી મળે છે. જ્યારે એમ લાગે કે આપણે દુનિયાના દબાણોથી ડૂબવા લાગ્યા છીએ, ત્યારે તેઓ મદદ માટે તૈયાર હોય છે. એને લીધે પણ આપણે વડીલોના આભારી છીએ. સાચે જ, મંડળના પ્રેમાળ વડીલો આપણા ‘આનંદના સહાયકારીઓ’ છે.
^ એ જ ભાઈ-બહેનોને એ પણ પૂછવામાં આવ્યું કે “વડીલના કયા ગુણને તમે વધારે પસંદ કરો છો?” તેઓમાંનાં મોટા ભાગે કહ્યું કે તેઓને એવા વડીલ ગમે છે, જે નમ્ર હોય અને જેમની સાથે સહેલાઈથી વાત કરી શકાય. આવતા મહિનાઓમાં આપણે જોઈશું કે શા માટે વડીલો એવા હોવા જોઈએ.