સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા અંતરનું માનો

તમારા અંતરનું માનો

તમારા અંતરનું માનો

“શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી.”—તીતસ ૧:૧૫.

૧. ક્રીત મંડળની દેખરેખ રાખવામાં પાઊલે કઈ રીતે ભાગ લીધો?

 પ્રેરિત પાઊલને ત્રણ મિશનરી ટૂર કર્યા પછી ગિરફતાર કરવામાં આવ્યા. રોમમાં બે વર્ષની જેલ થઈ. સજા પૂરી થયા પછી તેમણે શું કર્યું? તીતસની જોડે ક્રીત ટાપુ પર રહેતા ભાઈ-બહેનોની મુલાકાત લીધી. તેમણે તીતસને ત્યાં જ રહેવાનું કહ્યું. પછી પાઊલે તીતસને લખ્યું: “જે કામો અધૂરાં છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરેનગર વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો.” (તીતસ ૧:૫) યહોવાહના શિક્ષણ પ્રમાણે ત્યાંના ભાઈ-બહેનોના અંતઃકરણમાં તીતસે સુધારો લાવવાનો હતો.

૨. ક્રીત મંડળમાં તીતસે કેવી મુશ્કેલીઓ હાથ ધરવાની હતી?

પાઊલે તીતસને જણાવ્યું કે કેવા ભાઈઓ વડીલ બની શકે. એ પણ જણાવ્યું કે મંડળમાં ‘આડો, લવારો કરનારા તથા ઠગનારા ઘણા છે. જે ઘટિત નથી તે શીખવીને આખાં કુટુંબોને ઊંધાં વાળે છે.’ તીતસે એવા લોકોને ઠપકો આપીને સુધારવાના હતા. (તીતસ ૧:૧૦-૧૪; ૧ તીમોથી ૪:૭) પાઊલે કહ્યું કે “તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થએલાં છે.” પાઊલે ગ્રીક ભાષામાં “ભ્રષ્ટ” માટે જે શબ્દ વાપર્યો એનો અર્થ થાય: સારાં કપડામાં ડાઘ લાગવો. ક્રીત મંડળના અમુક ભાઈ-બહેનોનાં મન પણ ખોટાં શિક્ષણથી રંગાયેલાં હતાં. (તીતસ ૧:૧૫) કદાચ તેઓમાંના અમુક યહુદીઓ હશે. એટલે તેઓ ‘સુનતના નિયમને વળગી રહ્યા હતા.’ જોકે આજે મંડળમાં એ નિયમ કોઈ શીખવતું નથી. તોપણ પાઊલે તીતસને અંતઃકરણ વિષે જે સલાહ આપી એમાંથી ઘણું શીખી શકીએ.

ભ્રષ્ટ મનવાળા લોકો

૩. પાઊલે તીતસને અંતઃકરણ વિષે શું લખ્યું?

પાઊલે કેવા સંજોગોમાં મન ને અંતઃકરણની વાત કરી એની નોંધ કરો. સાફ દિલથી યહોવાહને ભજનારાને ‘મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ શુદ્ધ નથી. તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થએલાં છે. તેઓ ઈશ્વરને જાણવાનો ડોળ કરે છે. પણ પોતાની કરણીઓથી તેઓ તેનો નકાર કરે છે.’ તેઓમાંના અમુકને પોતાનો સ્વભાવ સુધારવાની જરૂર હતી, જેથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય. (તીતસ ૧:૧૩, ૧૫, ૧૬) પણ મંડળના અમુક ભાઈ-બહેનો પારખી નહોતા શકતા કે યહોવાહની નજરમાં શું શુદ્ધ ને શું અશુદ્ધ કહેવાય.

૪, ૫. ક્રીત મંડળના અમુક ભાઈ-બહેનો શું કરતા? એની તેઓ પર કેવી અસર થઈ?

પાઊલે એ પત્ર લખ્યો એના દસેક વર્ષ પહેલાં ગવર્નિંગ બૉડીએ યહોવાહની મદદથી એક નિર્ણય લીધો હતો. એ કે યહોવાહના ભક્તોએ હવે સુન્‍નત કરવાની જરૂર નથી. તેઓએ એ નિર્ણય બધા મંડળોને જણાવ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨, ૧૯-૨૯) તોપણ ક્રીત મંડળમાં અમુક ‘સુન્‍નતના નિયમને વળગી રહ્યાં.’ તેઓએ ગવર્નિંગ બૉડીના નિર્ણયનો વિરોધ કર્યો અને ‘જે ઘટિત નથી એ શીખવ્યું.’ (તીતસ ૧:૧૦, ૧૧) તેઓનાં મન ભ્રષ્ટ થવા લાગ્યાં હતાં. મુસાના નિયમોમાંથી તેઓ કદાચ શીખવતા હશે કે શું ખાવું, શું ન ખાવું. તેમ જ શુદ્ધ રહેવા શું કરવું જોઈએ. ઈસુના જમાનામાં યહોવાહે આપેલા નિયમોમાં લોકોએ ‘યહુદીઓની કલ્પિત કથાઓ’ અને પોતાના નિયમો ઉમેર્યા. ક્રીત મંડળમાં પણ અમુક લોકો એવું કરતા હોઈ શકે.—માર્ક ૭:૨, ૩, ૫, ૧૫; ૧ તીમોથી ૪:૩.

એવા વિચારોની તેઓ પર ખરાબ અસર થઈ. તેઓનું અંતર બરાબર કામ કરતું ન હતું. તેઓ ખોટા નિર્ણયો લેવા લાગ્યા. પાઊલે લખ્યું: ‘ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ શુદ્ધ નથી.’ તેઓનું અંતર ભ્રષ્ટ થયું હોવાથી સાચું માર્ગદર્શન આપતું નહિ. એમાંય પાછું ભાઈ-બહેનોએ પોતાના જીવનમાં લીધેલા નિર્ણયોનો અમુક જણ ન્યાય કરવા લાગ્યા. તેઓએ એમ ન વિચાર્યું કે પાંચેય આંગળી સરખી નથી. યહોવાહની નજરે શુદ્ધ હતું એને ક્રીતના અમુક ભાઈ-બહેનો અશુદ્ધ માનવા લાગ્યા. (રૂમી ૧૪:૧૭; કોલોસી ૨:૧૬) તેઓ ઈશ્વરને ઓળખવાનો ડોળ કરતા હતા. પણ પોતાની કરણીઓથી તેમનો નકાર કરતા હતા.—તીતસ ૧:૧૬.

“શુદ્ધોને મન સઘળું શુદ્ધ”

૬. પાઊલે કયા બે વર્ગના લોકો વિષે વાત કરી?

પાઊલે તીતસને જે લખ્યું એમાંથી આપણે શું શીખી શકીએ? તેમણે તીતસ ૧:૧૫માં બે બાબત જણાવી. એક કે સાફ દિલથી યહોવાહને ભજનારને ‘મન સઘળું શુદ્ધ છે. પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ શુદ્ધ નથી. કેમ કે તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થએલાં છે.’ શું પાઊલ એમ કહેતા હતા કે આપણે ઈશ્વરને માર્ગે ચાલીએ એટલે બધું જ શુદ્ધ છે? તેમ જ, મન ફાવે એ કરી શકીએ? જરાય નહિ! તેમણે ગલાતી મંડળને બીજા એક પત્રમાં જણાવ્યું કે જે કોઈ વ્યભિચાર, મૂર્તિપૂજા, જાદુ કે મેલીવિદ્યા જેવાં કામ કરે છે, ‘તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.’ (ગલાતી ૫:૧૯-૨૧) પાઊલે તીતસને જે લખ્યું એમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. કેટલાક, ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધવા ચાહે છે. જ્યારે બીજા લોકો અશુદ્ધ કામો કરવા ચાહે છે.

૭. હેબ્રી ૧૩:૪ શું કરવાની મનાઈ કરે છે? પણ કયો પ્રશ્ન ઊભો થઈ શકે?

બાઇબલ જે બાબતોની મનાઈ કરે છે, એ જ ટાળવી પૂરતું નથી. દાખલા તરીકે આ કલમનો વિચાર કરો: ‘સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.’ (હેબ્રી ૧૩:૪) બાઇબલ વિષે કંઈ જાણતા નથી તેઓ પણ આ કલમ પરથી સમજી શકે છે કે વ્યભિચાર કરવો પાપ છે. બાઇબલની અનેક કલમો જણાવે છે કે લગ્‍નસાથી સિવાય બીજા સાથે સેક્સ માણવું ઈશ્વરને જરાય પસંદ નથી. એ બાબત સાફ દેખાઈ આવે છે. પણ ઘણા યુવાનો માને છે કે બે કુંવારી વ્યક્તિ ઑરલ સૅક્સ એટલે કે મોઢાથી એકબીજાના જાતીય અંગ પંપાળે એમાં કંઈ ખોટું નથી, કેમ કે તેઓ જાતીય સંબંધ તો બાંધતા નથી. હવે સવાલ થાય કે શું યહોવાહના ભક્તો આ રીતે સેક્સ માણી શકે?

૮. ઑરલ સૅક્સ વિષે લોકો શું માને છે? આપણે તેઓથી કઈ રીતે અલગ છીએ?

હેબ્રી ૧૩:૪ અને ૧ કોરીંથી ૬:૯માં જણાવ્યું છે કે યહોવાહ વ્યભિચારને ધિક્કારે છે. ‘વ્યભિચારʼને મૂળ ગ્રીક ભાષામાં પોર્નિયા કહે છે. ‘પોર્નિયાʼમાં કેવાં કામોનો સમાવેશ થાય? લગ્‍નસાથી સિવાય કોઈની પણ સાથે કુદરતી કે અકુદરતી રીતે જાતીય અંગોનો ઉપયોગ કરવો. વેશ્યાગીરીમાં થતાં કામો. એમાં ઑરલ સૅક્સ પણ આવી જાય છે. ભલે દુનિયાના યુવાનો માનતા હોય કે એમ કરવામાં કંઈ ખોટું નથી. એવો ‘લવારો કરનારા ને ઠગનારાઓની’ વાતમાં આપણે ફસાવું ન જોઈએ. કેમ કે આપણે તો યહોવાહના ભક્તો છીએ. (તીતસ ૧:૧૦) આપણે બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવીએ છીએ. તેમ જ એ શિક્ષણથી દરેકે પોતાનું મન ઘડ્યું છે. બાઇબલ જે કામોને પોર્નિયા કહે છે એની છૂટછાટ લેવા કદી બહાનું શોધીશું નહિ. *પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૫; ૧ કોરીંથી ૬:૧૮; એફેસી ૫:૩.

પાંચે આંગળી સરખી નથી

૯. જો “સઘળું શુદ્ધ” હોય તો આપણું અંતર કેવો ભાગ ભજવે છે?

પાઊલે કહ્યું કે ‘શુદ્ધને મન સઘળું શુદ્ધ છે.’ તેમના કહેવાનો શું અર્થ હતો? તે એવા ભાઈ-બહેનોની વાત કરતા હતા જેઓએ યહોવાહના વિચારોથી પોતાનું દિલ સુધાર્યું હોય. તેઓ જાણતા હતા કે યહોવાહનો નિયમ ન તૂટે ત્યાં સુધી બધું જ “શુદ્ધ” છે. તેમ જ, દરેકનું અંતર જુદી જુદી રીતે કામ કરે છે. એટલે પોતાના ધોરણોથી બીજાનો ન્યાય ન કરવો. બાઇબલમાં અમુક બાબતો વિષે કંઈ જોવા મળતું નથી, એના વિષે દરેકના વિચારો જુદા હશે. ચાલો અમુક દાખલા લઈએ.

૧૦. લગ્‍નપ્રસંગ કે મરણવિધિમાં કેવી તકલીફો આવી શકે?

૧૦ આજે ઘણા કુટુંબોમાં ફક્ત એક જ વ્યક્તિ યહોવાહને ભજે છે. (૧ પીતર ૩:૧; ૪:૩) તેઓને અમુક સંજોગોમાં મુશ્કેલી થઈ શકે. જેમ કે કોઈના લગ્‍નપ્રસંગ કે મરણવિધિમાં. કલ્પના કરો કે એક પત્ની યહોવાહના માર્ગમાં ચાલે છે. પણ તેનો પતિ બીજા ધર્મમાં માને છે. તેના કુટુંબમાં કોઈનાં લગ્‍ન છે. તેઓ ચર્ચ કે મંદિરમાં લગ્‍ન કરવાનાં છે. અથવા કુટુંબમાં કોઈ ગુજરી ગયું છે, જેમ કે મા-બાપ. કદાચ તેઓનું ફ્યુનરલ ચર્ચમાં રાખવામાં આવ્યું હોય. અથવા તેઓના રીતરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા હોય. પતિ ચાહે છે કે સુખ-દુઃખના પ્રસંગમાં પત્ની તેને સાથ આપે. હવે એવી જગ્યાએ જવું કે નહિ એ વિષે પત્નીનું દિલ શું કહેશે? શું તે એમાં જશે? આવા સંજોગમાં શું બની શકે એનો વિચાર કરો.

૧૧. ચર્ચમાં રાખેલા લગ્‍નમાં જતા પહેલાં બહેન શું વિચારે છે?

૧૧ લીલાબહેનનો દાખલો લો. તેમણે બાઇબલની આ કલમ પર વિચાર કર્યો: ‘મહાન બાબેલોનમાંથી નીકળી જાઓ.’ એટલે કે દુનિયાના જૂઠા ધર્મોમાંથી નીકળી જાઓ. (પ્રકટીકરણ ૧૮:૨,) લગ્‍ન રાખ્યા છે એ ચર્ચમાં લીલાબહેન પહેલાં જતા હતા. તે જાણે છે કે લગ્‍નમાં આવનારે ચર્ચની વિધિમાં ભાગ લેવો પડે છે. ધાર્મિક ગીતો ગાવાં પડે છે. તે જશે તો બીજાઓ તેમને એમાં ભાગ લેવા દબાણ કરશે. આમ પોતે યહોવાહને વફાદાર નહિ રહી શકે. તેમણે દિલમાં ગાંઠ વાળી કે પોતે લગ્‍નમાં નહિ જશે. તેમને પતિ પર ખૂબ પ્રેમ છે. તે પતિને આવા પ્રસંગમાં સાથ આપવા ચાહે છે. વળી બાઇબલ શીખવે છે કે પતિ કુટુંબના વડીલ છે. પણ તે યહોવાહના નિયમો તોડવા ચાહતા નથી! (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) તે પતિને પ્રેમથી સમજાવે છે: ‘હું લગ્‍નમાં નહિ આવું. હું આવું ને મને જે કંઈ કામ સોંપાય એ મારાથી ન થાય તો તમારે શરમાવું પડશે. એના કરતાં તમે એકલા જાઓ તો સારું.’ એ નિર્ણય લેવાથી પોતે યહોવાહની આગળ શુદ્ધ અંતઃકરણ રાખી શક્યા.

૧૨. કોઈ ધાર્મિક જગ્યાએ લગ્‍નમાં જવાનું હોય તો અમુક કદાચ કેવો નિર્ણય લેશે?

૧૨ રોશનીબહેનના સંજોગો પણ લીલાબહેન જેવા જ છે. રોશનીબહેનને પણ પતિ બહુ વહાલા છે. તેમણે પણ બાઇબલના શિક્ષણથી પોતાનું અંતર ઘડ્યું છે. લીલાબહેને જે મુદ્દાઓ પર વિચાર કર્યો હતો એના પર રોશનીબહેને પણ કર્યો. તેમણે પ્રાર્થના કરીને ચોકીબુરજ મે ૧૫, ૨૦૦૨માં “વાચકો તરફથી પ્રશ્નો” લેખ વાંચ્યો. તેમને શીખવા મળ્યું કે રાજાના કહેવાથી ત્રણ હેબ્રીઓ જ્યાં મૂર્તિપૂજા થવાની હતી ત્યાં ગયા હતા. પણ તેઓએ મૂર્તિપૂજામાં ભાગ ન લીધો. (દાનીયેલ ૩:૧૫-૧૮) તેમણે વિચાર્યું કે ‘હું મારા પતિ સાથે લગ્‍નમાં જઈશ. પણ વિધિમાં ભાગ નહિ લઉં.’ તેમણે પોતાના અંતઃકરણ પ્રમાણે નિર્ણય લીધો. તેમણે પતિને પ્રેમથી સમજાવ્યા કે પોતે શું કરશે ને શું નહિ કરે. તેમની આશા છે કે પતિ સાચી ને ખોટી ભક્તિનો ફરક જોઈ શકશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૬.

૧૩. મંડળમાં કોઈ બે વ્યક્તિ જુદો નિર્ણય લે તો આપણે કેમ ચિંતા ન કરવી જોઈએ?

૧૩ આ દાખલાઓ પરથી શું આપણે એવું વિચારવું જોઈએ કે વ્યક્તિ ચાહે એમ કરી શકે? કે પછી આ બહેનોમાંથી એકનું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું નથી? ના, એવું નથી. લીલાબહેનને ખબર છે કે એ ચર્ચમાં લગ્‍નમાં આવેલા લોકોએ ભજનો ગાવા પડશે ને અમુક ધાર્મિક વિધિઓ કરવી પડશે. એનાથી તેમને થયું હશે કે પોતે ત્યાં જશે તો તેમના માટે એ ફાંદો બનશે. તે કદાચ પતિ સાથે કોઈ ધાર્મિક તહેવારમાં ગયા હોવાથી તેમનું અંતર ડંખતું હોય. એ કારણે તેમણે ન જવાનું નક્કી કર્યું હોઈ શકે.

૧૪. આપણે બીજાના નિર્ણયનો કેમ ન્યાય ન કરવો જોઈએ?

૧૪ શું રોશનીબહેને ખોટો નિર્ણય લીધો છે? તેમના નિર્ણય માટે બીજા લોકોએ ન્યાય ન કરવો જોઈએ. એમ પણ ન વિચારવું કે ‘તે એ પ્રસંગમાં શું કામ ગયા?’ દરેકની પસંદગી વિષે પાઉલે જે લખ્યું એને ધ્યાન આપો: ‘જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો. તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે યહોવાહ તેને ઊભો રાખવાને સમર્થ છે.’ (રૂમી ૧૪:૩, ૪) બાઇબલ મુજબ કેળવેલા અંતરનો પોકાર ન સાંભળવાની સલાહ કોઈએ આપવી નહિ. નહિ તો આપણે વ્યક્તિના અંતરના એ અવાજને દબાવી દઈશું, જે તેનું જીવન બચાવી શકે છે.

૧૫. પોતાના નિર્ણયથી બીજાઓ પર કેવી અસર પડશે, એ કેમ વિચારવું જોઈએ?

૧૫ આપણે લીલાબહેન ને રોશનીબહેનના દાખલા પર વધુ વિચારીએ. તેઓએ નિર્ણય લેતા પહેલાં બીજું શું વિચાર્યું? એ જ કે પોતાના નિર્ણયથી બીજા પર કેવી અસર પડશે. પાઊલે કહ્યું: “કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ.” (રૂમી ૧૪:૧૩) લીલાબહેનને કદાચ યાદ હશે કે આવી બાબતમાં તેમણે પહેલાં પણ નિર્ણય લીધો હતો જેનાથી મંડળમાં અને કુટુંબમાં અમુક જણ નારાજ હતા. તેમણે એ પણ વિચાર્યું કે પોતાના નિર્ણયથી બાળકો પર કેવી અસર થશે. એવી જ રીતે, રોશનીબહેનને પણ પહેલાં એવો અનુભવ થયો હોઈ શકે. પહેલાંના નિર્ણયથી મંડળ કે સમાજ પર કોઈ અસર થઈ ન હતી. આ બહેનોની જેમ દરેકે પોતાનું અંતર યહોવાહના શિક્ષણથી ઘડવું જોઈએ. તેમ જ વિચારવું જોઈએ કે પોતાના નિર્ણયથી બીજા પર કેવી અસર થશે. ઈસુએ કહ્યું: ‘આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.’ (માત્થી ૧૮:૬) કોઈ પોતાના નિર્ણયથી બીજાને ઠોકર ખવડાવે તો, ક્રીત મંડળના અમુક ભાઈ-બહેનોની જેમ તેણે પોતાનું મન ભ્રષ્ટ કર્યું હોઈ શકે.

૧૬. સમય જતાં દરેકના મનમાં કેવા ફેરફાર થવા જોઈએ?

૧૬ આપણે દરેકે ઈશ્વર સાથેનો નાતો મજબૂત બનાવતા રહેવું જોઈએ. તેમ જ પોતાના અંતરનો પોકાર સાંભળતાં રહેવું જોઈએ. પ્રતાપભાઈનો દાખલો લો. બાપ્તિસ્મા લીધા પહેલાં તે મૂર્તિપૂજા કરતા હતા. લોહી લેતા કે આપતા હતા. પણ હવે તેમનું અંતર એવાં કામોથી દૂર રહેવાનું કહે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૫) યહોવાહે મના કરેલી બાબતોનો થોડો અંશ પણ કોઈ બાબતમાં દેખાય તો તે એનાથી દૂર ભાગે છે. એ જ સમયે તેમને સમજાતું નથી કે પોતાને જે ગમે છે એ બીજાને કેમ પસંદ નથી, જેમ કે અમુક ટીવી પ્રોગ્રામ.

૧૭. યહોવાહના શિક્ષણની વ્યક્તિના અંતર ને નિર્ણયો પર કેવી અસર થઈ શકે?

૧૭ સમય જતાં પ્રતાપભાઈ વધુ સારી રીતે યહોવાહને ઓળખવા લાગ્યા. યહોવાહ સાથેનો તેમનો નાતો મજબૂત થતો ગયો. (કોલોસી ૧:૯, ૧૦) એની શું અસર પડી? તે પોતાના અંતરનું વધારે માનવા લાગ્યા. તેમ જ બાઇબલ સિદ્ધાંતો પર વિચારવા લાગ્યા. હવે તે સમજી શકે છે કે યહોવાહે મના કરેલી બાબતોનો રંગ બધી બાબતોમાં હોતો નથી. એટલે બધી જ બાબતો ઈશ્વરની નજરમાં ખોટી નથી. પ્રતાપભાઈએ બાઇબલના શિક્ષણ ને સિદ્ધાંતોથી પોતાનું અંતર ઘડ્યું. તેથી પહેલાં જે પ્રોગ્રામમાં તેમને મજા આવતી હતી એ જોવાનું તે હવે ટાળે છે. સાચે જ યહોવાહના વિચારોથી તેમનું અંતર ઘડાયું.—ગીતશાસ્ત્ર ૩૭:૩૧.

૧૮. આનંદી થવાના આપણી પાસે કયાં કારણો છે?

૧૮ દરેક મંડળમાં વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા હોય એવા ઘણાં ભાઈ-બહેનો છે. નવાં ભાઈ-બહેનો પણ છે. એટલે તેઓનું અંતર અમુક બાબતોમાં પોકારતું ન હોય. તોય બીજી બાબતોમાં તેઓનું અંતર મોટેથી પોકારતું હોઈ શકે. યહોવાહના શિક્ષણથી પોતાનું અંતર ઘડવા અને એનો પોકાર સાંભળતાં શીખવા કદાચ તેઓને થોડો ટાઇમ લાગી શકે. (એફેસી ૪:૧૪, ૧૫) જોકે દરેક મંડળમાં અનેક ભાઈ-બહેનોને બાઇબલનું ઊંડું જ્ઞાન છે. તેઓ સારી રીતે બાઇબલના સિદ્ધાંતો સમજી શકે છે. એને લાગુ પાડી શકે છે. કેમ કે યહોવાહના વિચારોથી તેઓનું અંતર ઘડાયું છે. તેઓ તન-મન-ધનથી “પ્રભુને પસંદ” પડે એ રીતે ભક્તિ કરે છે. એવા ભાઈ-બહેનો સાથે હરવું-ફરવું કેવી આનંદની વાત છે. (એફેસી ૫:૧૦) ચાલો આપણે દરેક યહોવાહનું અમૃત પાણી પીતા રહેવાનો ધ્યેય રાખીએ. તેમના વિચારોથી આપણું અંતર ઘડતા રહીએ.—તીતસ ૧:૧. (w07 10/15)

[Footnote]

^ ધ વૉચટાવર માર્ચ ૧૫, ૧૯૮૩, પાન ૩૦-૩૧માં પરણેલા યુગલો માટે માહિતી છે. એમાં કહે છે: ‘ગંદા કામો માટે લગ્‍નસાથીઓએ પણ યહોવાહની જેમ નફરત કેળવવી જોઈએ. એમાં અકુદરતી રીતે સેક્સ માણવાની રીતનો સમાવેશ થાય છે. લગ્‍નસાથીઓએ હમેશાં એવી રીતે સેક્સ માણવું જોઈએ કે તેઓનું દિલ ન ડંખે. લગ્‍નજીવનમાં જાતીય સંબંધ માનયોગ્ય હોવો જોઈએ. એ સાચો પ્રેમ કહેવાય. લગ્‍નસાથીનું મનદુઃખ કે શારીરિક દુઃખ થાય એવું કંઈ જ ન કરવું જોઈએ.—એફેસી ૫:૨૮-૩૦; ૧ પીતર ૩:૧,.’

તમે કેવો જવાબ આપશો?

• ક્રીતના અમુક ભાઈ-બહેનોનું અંતઃકરણ કેમ ભ્રષ્ટ હતું?

• યહોવાહના શિક્ષણથી બે અલગ વ્યક્તિનું મન ઘડાયું હોય, તોપણ તેઓના નિર્ણયો કેમ અલગ હોઈ શકે?

• સમય જતાં આપણું અંતઃકરણ કેવું થવું જોઈએ?

[Study Questions]

[Map on page 13]

(For fully formatted text, see publication)

સિસિલી

ગ્રીસ

ક્રીત

એશિયા માઈનોર

સૈપ્રસ

ભૂમધ્ય સમુદ્ર