ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
“[યહોવાહ] તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.”—માત્થી ૨૨:૩૭.
૧, ૨. ફરોશીઓ કેમ સૌથી મહત્ત્વના નિયમ વિષે પૂછતા હોઈ શકે?
એક ફરોશીએ ઈસુને પૂછ્યું: “નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કયી છે?” ઈસુના દિવસોમાં ફરોશીઓ વચ્ચે આ જ પ્રશ્નની ગરમા-ગરમ ચર્ચા ચાલતી હતી. કેમ કે યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને લગભગ ૬૦૦ નિયમો આપ્યા હતા. તેથી ફરોશીઓ પૂછતા હતા કે કયો નિયમ સૌથી મહત્ત્વનો હતો. શું એ બલિદાન વિષેનો નિયમ હતો? કેમ કે માફી મેળવવા અને ઈશ્વરને ખુશ કરવા એ ચડાવવું જ પડતું. કે પછી સુન્નત કરવાનો નિયમ સૌથી મહત્ત્વનો હતો? કેમ કે એ યહોવાહ અને ઈબ્રાહીમ વચ્ચેનો કરાર બતાવતો હતો.—ઉત્પત્તિ ૧૭:૯-૧૩.
૨ ઘણા લોકો વિચારતા કે ઈશ્વરે આપેલા બધા નિયમો મહત્ત્વના હતા. પછી ભલેને અમુક નાના લાગતા હતા. તેઓ માનતા કે કોઈ પણ નિયમને વધુ મહત્ત્વ આપી ન શકાય. એમ કરવું ખોટું હતું. આ કારણોને લીધે ફરોશીઓમાંના એકે ઈસુને ફસાવવા કે તેમનો દોષ કાઢવા તેમને પૂછ્યું: “નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કયી છે?”—માત્થી ૨૨:૩૪-૩૬.
૩. સૌથી મહત્ત્વના નિયમ વિષે ઈસુએ શું કહ્યું?
૩ ઈસુએ જે જવાબ આપ્યો, એ આપણને દરેકને અસર કરે છે. તેમના જવાબમાં ઈશ્વરની સાચી ભક્તિ કરવાની ચાવી હતી, જે કદી બદલાઈ ન હતી. પુનર્નિયમ ૬:૫ ટાંકતા ઈસુએ કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે.” ભલે ફરોશીએ સૌથી મહત્ત્વની આજ્ઞા વિષે પૂછ્યું હતું, ઈસુએ લેવીય ૧૯:૧૮ ટાંકતા બીજી આજ્ઞા વિષે પણ જણાવ્યું. તેમણે કહ્યું: “બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” પછી ઈસુએ કહ્યું કે ઈશ્વરની ખરી ભક્તિ માટે આ બે નિયમોમાં બધું આવી જાય છે. ઈસુને ખબર હતી કે ફરોશીઓ તેમને ચાલાકીથી ફસાવવા માંગતા હતા, તેથી છેવટે તેમણે કહ્યું: “આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” (માત્થી ૨૨:૩૭-૪૦) આ લેખમાં આપણે સૌથી મહત્ત્વની આજ્ઞાઓ વિષે શીખીશું. આપણે એ જોઈશું કે શા માટે ઈશ્વરને પ્રેમ કરવો જ જોઈએ? આપણે કેવી રીતે એ પ્રેમ બતાવી શકીએ? અને એ ગુણ કઈ રીતે વિકસાવી શકાય? આ પ્રશ્નોના જવાબ મેળવવા બહુ જ જરૂરી છે. કેમ કે આપણે યહોવાહ ખુશ થાય એવી ભક્તિ કરવા માંગીએ છીએ. તેથી આપણે તેમને દિલથી, જીવથી ને મનથી પ્રેમ કરવો જોઈએ.
પ્રેમ કેમ ખૂબ જરૂરી છે?
૪, ૫. (ક) ઈસુનો જવાબ સાંભળીને ફરોશીને કેમ આંચકો ન લાગ્યો? (ખ) બલિદાનો અને અર્પણો કરતાં યહોવાહને મન શું વધારે કીમતી છે?
૪ ઈસુનો જવાબ સાંભળીને ફરોશીઓને આંચકો પણ ન લાગ્યો કે નવાઈ પણ નહિ. કેમ કે, તેઓમાંના ઘણા જાણતા હતા કે ખરી ભક્તિ માટે પ્રેમ ખૂબ જ જરૂરી હતો. ભલે તેઓ પોતે ઈશ્વરને પ્રેમ કરતા હતા કે નહિ. સભાસ્થાનમાં ધાર્મિક સભા થતી ત્યારે ગુરુઓ શીમા એટલે શ્રદ્ધા સાબિત કરવાની પ્રાર્થના વાંચતા. એમાંથી તેઓ પુનર્નિયમ ૬:૪-૯ની કલમો વાંચતા. ઈસુએ પોતાના જવાબમાં આ જ કલમોનો ઉપયોગ કર્યો હતો. માર્કના પુસ્તક મુજબ, ઈસુનો જવાબ સાંભળીને ફરોશીએ કહ્યું: “ખરેખર, ઉપદેશક, તેં ઠીક કહ્યું છે કે, તે એક જ છે; અને તે વિના બીજો કોઈ નથી; અને પૂરા હૃદયથી, તથા પૂરી સમજણથી, તથા પૂરા સામર્થ્યથી, તેના પર પ્રીતિ કરવી, તથા પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવી, તે સર્વ સકળ દહનીયાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.”—માર્ક ૧૨:૩૨, ૩૩.
૫ વાત સાચી હતી કે યહોવાહના નિયમો મુજબ ઈસ્રાએલીઓને બલિદાનો અને અર્પણો ચડાવવા પડતા. પણ યહોવાહે એના કરતાં ખૂબ મહત્ત્વની માંગણી કરી. એ જ કે દિલથી, પ્રેમથી તેમની ભક્તિ કરે. જો કોઈ વ્યક્તિ પ્રેમથી ને શ્રદ્ધાથી ચકલીનું બલિદાન ચડાવતી, તો ઈશ્વરની નજરમાં એ ખોટાં ઇરાદાથી ચડાવેલા હજારો ઘેટાંથી ચડિયાતું હતું. (મીખાહ ૬:૬-૮) એક વાર ઈસુ યરૂશાલેમના મંદિરમાં હતા ત્યારે એક વિધવાએ દાનપેટીમાં બસ બે નાના સિક્કા નાખ્યા. એનાથી એક નાની ચકલી પણ ખરીદી શકાઈ ન હોત. પણ ઈસુ જોઈ શક્યા કે આ વિધવાએ દિલથી યહોવાહને એ દાન આપ્યું હતું, જ્યારે કે બીજા અમીર લોકો ખાલી દેખાડો કરવા દાનો કરતા હતા. એટલે યહોવાહને મન એ વિધવાનું દાન બહુ જ કીમતી હતું. (માર્ક ૧૨:૪૧-૪૪) જો આપણે પ્રેમથી પ્રેરાઈને સંજોગો મુજબ જેટલું પણ કરીએ એ યહોવાહને મન કીમતી છે. એનાથી આપણને કેટલું ઉત્તેજન મળે છે!
૬. પ્રેમના મહત્ત્વ વિષે પાઊલે શું લખ્યું?
૬ ઈશ્વરભક્ત પાઊલે ઈશ્વરની સાચી ભક્તિ માટે પ્રેમના મહત્ત્વ પર ભાર આપીને લખ્યું: “જોકે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. જોકે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં; અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. જોકે હું કંગાલોનું પોષણ કરવા સારૂ મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારૂં શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય, તો મને કશો લાભ નથી.” (૧ કોરીંથી ૧૩:૧-૩) કોઈ શંકા નથી કે યહોવાહને ખુશ કરવા માટે પ્રેમ બહુ જ જરૂરી છે. પણ આપણે કેવી રીતે યહોવાહને પ્રેમ બતાવી શકીએ?
યહોવાહ માટેનો પ્રેમ કઈ રીતે બતાવવો
૭, ૮. યહોવાહ પ્રત્યે ખરો પ્રેમ આપણે કેવી રીતે બતાવી શકીએ?
૭ ઘણા લોકો માને છે કે પ્રેમ એવો ગુણ છે જે આપમેળે આવે છે. એને કાબૂ કરી શકાતો નથી. એટલે લોકો કહેશે કે કોઈના પ્રેમમાં પડી ગયા. પણ ખરો પ્રેમ ફક્ત એક લાગણી જ નથી. એ તો કોઈ પણ વ્યક્તિને સારાં પગલાં લેવા પ્રેરશે. બાઇબલ કહે છે કે પ્રેમનો માર્ગ “સર્વ કરતાં ઉત્તમ” છે. આપણે ‘પ્રીતિને અનુસરવી’ જોઈએ. (૧ કોરીંથી ૧૨:૩૧; ૧૪:૧) યહોવાહના ભક્તો તરીકે “આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ” બતાવવી જોઈએ.—૧ યોહાન ૩:૧૮.
૮ ઈશ્વર માટેના ખરા પ્રેમને લીધે આપણે તે ખુશ થાય એવી ભક્તિ કરીશું. તેમનું નામ રોશન કરીશું. તેમનો જ પક્ષ લઈશું. હા, ફક્ત શબ્દોથી જ નહિ, પણ કામોથી એ પ્રેમ સાબિત કરીશું. એ ખરો પ્રેમ આપણામાં હશે તો અધર્મી દુનિયા અને એની ચાલથી અલગ રહીશું. (૧ યોહાન ૨:૧૫, ૧૬) ઈશ્વર જેને નફરત કરે છે, એને આપણે પણ નફરત કરીશું. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) બાઇબલ એમ પણ કહે છે કે “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે.” (૧ યોહાન ૫:૩) ઈશ્વરને ચાહવાનો અર્થ એ પણ થાય કે આપણે સર્વને પણ પ્રેમ કરવો જોઈએ. હવે પછીના લેખમાં આપણે એના વિષે વધુ શીખીશું.
૯. ઈસુએ કેવી રીતે ઈશ્વર માટેનો પ્રેમ બતાવ્યો?
૯ પરમેશ્વરને પ્રેમ કરવાનો અર્થ શું થાય એ ઈસુએ પોતાના નમૂના દ્વારા પૂરી રીતે બતાવ્યું. પ્રેમને લીધે તે સ્વર્ગ છોડીને ધરતી પર આવ્યા. પ્રેમથી પ્રેરાઈને તેમણે પોતાના વર્તન અને શિક્ષણ દ્વારા તેમના પિતાનું નામ રોશન કર્યું. પ્રેમના લીધે તે “વધસ્તંભના મરણને, આધીન” થયા. (ફિલિપી ૨:૮) ઈશ્વરને આધીન રહીને ઈસુએ ખરો પ્રેમ બતાવ્યો. અરે, એના લીધે તેમણે સર્વ ઇન્સાન માટે માર્ગ ખોલ્યો. એટલે કે ઈશ્વરની નજરમાં શુદ્ધ બનવાનો મોકો આપ્યો. પાઊલે કહ્યું: “જેમ એક માણસના [આદમના] આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના [ખ્રિસ્તના] આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.”—રૂમી ૫:૧૯.
૧૦. ઈશ્વરને પ્રેમ બતાવવામાં તેમની આજ્ઞાઓ પાળવી કેમ મહત્ત્વની છે?
૧૦ ઈસુની માફક, આપણે પણ ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમને પ્રેમ બતાવીએ છીએ. ઈસુના વહાલા શિષ્ય યોહાને લખ્યું: “આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે.” (૨ યોહાન ૬) જેઓ યહોવાહને દિલથી ચાહે છે, તેઓ તેમના માર્ગદર્શન માટે જ તલપે છે. કારણ કે તેઓ જાણે છે કે યહોવાહની મદદ વગર તેઓ જીવનમાં સફળ થઈ શકશે નહિ. (યિર્મેયાહ ૧૦:૨૩) તેઓ બસ એ જ માને છે કે યહોવાહ બધું જ જાણે છે. તેમનું માર્ગદર્શન અનુસરવાથી પોતાનું ભલું થશે. તેઓ પ્રથમ સદીના બેરીઆના લોકો જેવા છે. કઈ રીતે? તેઓએ “પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર” કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) બેરીઆના લોકો ખૂબ ધ્યાનથી બાઇબલ તપાસતા કે ઈશ્વર શું ચાહે છે. તેઓએ શું કરવું જોઈએ. કેવી રીતે ઈશ્વરની આજ્ઞા પાળી શકે અને તેમને વધુ પ્રેમ બતાવી શકે.
૧૧. ઈશ્વરને પૂરા હૃદયથી, જીવથી, બુદ્ધિથી, ને સામર્થ્યથી પ્રેમ કરવાનો અર્થ શું થાય છે?
૧૧ ઈસુએ કહ્યું કે આપણે પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી, ને પૂરા સામર્થ્યથી ઈશ્વરને ખરો પ્રેમ બતાવવો જોઈએ. (માર્ક ૧૨:૩૦) આવો પ્રેમ હૃદયમાંથી આવે છે. એ આપણી લાગણીઓ, અરમાનો અને વિચારોને અસર કરવો જોઈએ. તન-મનથી આપણે યહોવાહને જ ખુશ કરવા ચાહવું જોઈએ. ઈશ્વરને બુદ્ધિથી પણ ચાહવા જોઈએ. કઈ રીતે? એ જ કે આપણે ઈશ્વરમાં આંધળી શ્રદ્ધા મૂકવી ન જોઈએ. ઈશ્વરના ગુણો, ધોરણો ને હેતુ જાણ્યા પછી તેમનામાં શ્રદ્ધા મૂકીએ. આ રીતે પૂરા જીવથી તેમની સેવા અને સ્તુતિ કરવી જોઈએ. આ બધું આપણે પૂરાં સામર્થ્યથી કરવું જોઈએ.
યહોવાહને કેમ પ્રેમ કરવો જોઈએ?
૧૨. યહોવાહ કેમ ચાહે છે કે આપણે તેમને પ્રેમ કરીએ?
૧૨ આપણે કેમ યહોવાહને પ્રેમ કરવો જોઈએ? કેમ કે યહોવાહ ચાહે છે કે આપણે તેમના જેવા ગુણો વિકસાવીએ. તેમનો એ ગુણ બતાવવા કોશિશ કરીએ. યહોવાહે માણસને બનાવ્યો ત્યારે તેનામાં પ્રેમ જેવા સદ્ગુણો બતાવવાની ક્ષમતા મૂકી. યહોવાહ પ્રેમના સાગર છે. પ્રેમ બતાવવામાં તેમના જેવું બીજું કોઈ નથી. ઈશ્વરભક્ત યોહાને કહ્યું: “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવાહનું રાજ્ય પ્રેમના પાયા પર બનેલું છે. તે ચાહે છે કે આપણે પ્રેમથી પ્રેરાઈને તેમને રાજા તરીકે સ્વીકારીએ. ખરેખર, બધા શાંતિ અને સંપમાં રહે એ માટે પ્રેમ બહુ જરૂરી છે.
૧૩. (ક) ઈસ્રાએલીઓને કેમ કહેવામાં આવ્યું કે ‘પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર’? (ખ) શા માટે યહોવાહ આપણી પાસે પણ એવી આશા રાખે એ યોગ્ય છે?
૧૩ યહોવાહને પ્રેમ કરવાનું બીજું કારણ શું છે? એ જ કે તેમણે આપણા માટે જે કર્યું છે, એની આપણે ખૂબ જ કદર કરીએ. ઈસુએ યહુદી લોકોને કહ્યું: ‘પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.’ ઈસુ એમ કહેતા ન હતા કે તેઓએ એવા ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ જેમને તેઓ ઓળખતા ન હતા. જે તેઓથી દૂર હોય. ના, ઈસુએ કહ્યું કે તેઓએ એવા ઈશ્વરને ભજવા જોઈએ જેમણે તેઓને પ્રેમની સાબિતી આપી હતી. તેઓના ઈશ્વર ફક્ત યહોવાહ જ હોવા જોઈએ. યહોવાહ એ પ્રજાને ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ કરીને વચનના દેશમાં લઈ ગયા હતા. તેઓનું રક્ષણ કર્યું હતું, પ્રેમ બતાવ્યો હતો, પ્રેમથી સુધાર્યા હતા. આજે પણ આપણા એક જ ઈશ્વર છે, યહોવાહ. તેમણે પોતાના દીકરાની કુરબાનીની વ્યવસ્થા કરીને આપણને સદા સુખચેનમાં જીવવાનો મોકો આપ્યો છે. તેથી યહોવાહ આશા રાખે છે કે આપણે પણ તેમને બેહદ ચાહીએ. આપણે કેમ તેમને એવો પ્રેમ બતાવવા પ્રેરાઈએ છીએ? “કેમ કે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો.”—૧ યોહાન ૪:૧૯.
૧૪. યહોવાહનો પ્રેમ કેવી રીતે પ્રેમાળ માબાપ જેવો છે?
૧૪ જેમ માબાપ પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હોય છે, તેમ યહોવાહ મનુષ્યોને બેહદ ચાહે છે. ભલે માબાપ ભુલને પાત્ર છે, છતાં તેઓ હંમેશાં બાળકોનું ભલું જ ચાહે છે. તેઓ માટે અનેક ભોગ આપે છે. બાળકોને માર્ગદર્શન, ઉત્તેજન, મદદ અને શિસ્ત આપે છે. કેમ કે તેઓનું બસ એક જ સપનું છે કે બાળકો હંમેશા સુખી રહે. આ બધું કરીને માબાપ બાળકો પાસેથી કેવી આશા રાખે છે? એ જ કે બાળકો તેઓને દિલથી પ્રેમ કરે અને તેમણે જે પણ માર્ગદર્શન આપ્યું હોય, એની કદર બતાવે. માબાપની જેમ યહોવાહ પણ આપણી પાસેથી એવી જ આશા રાખે છે. યહોવાહે આપણા માટે ખૂબ કર્યું છે, ને કરી રહ્યા છે. તે બસ એ જ ચાહે છે કે આપણે તેમની કદર કરીએ. તેમને પ્રેમ બતાવીએ.
ઈશ્વર માટે પ્રેમ વિકસાવવો
૧૫. યહોવાહ માટેનો પ્રેમ વિકસાવવાનું પ્રથમ પગલું કયું છે?
૧૫ આપણે કદીયે ઈશ્વરને જોયા નથી. તેમની વાણી પણ નથી સાંભળી. (યોહાન ૧:૧૮) તેમ છતાં, તે ચાહે છે કે આપણે તેમની સાથે પ્રેમનો નાતો બાંધીએ. તેમની સંગતમાં રહીએ. (યાકૂબ ૪:૮) આપણે કઈ રીતે એ કરી શકીએ? પ્રથમ પગલું એ છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ. જો આપણે કોઈને ઓળખતા ના હોઈએ તો તેમના માટે પ્રેમ કેવી રીતે જાગશે? યહોવાહે આપણને બાઇબલ પણ આપ્યું છે, જેથી તેમને સારી રીતે ઓળખી શકીએ. એટલા માટે તે તેમના સંગઠન દ્વારા આપણને દરરોજ બાઇબલ વાંચવા ઉત્તેજન આપે છે. બાઇબલ બતાવે છે કે યહોવાહ કેવા છે. તેમનો સ્વભાવ કેવો છે. હજારો વર્ષો દરમિયાન તેમણે ઇન્સાન સાથે કેવો વહેવાર રાખ્યો હતો. બાઇબલ વાંચવાથી ને એના પર મનન કરવાથી આપણે યહોવાહને વધુ સારી રીતે ઓળખીશું. તેમના માટે આપણો પ્રેમ પણ વધશે.—રૂમી ૧૫:૪.
૧૬. ઈસુના સેવાકાર્ય વિષે વિચારવાથી યહોવાહ માટેનો આપણો પ્રેમ કઈ રીતે વધે છે?
૧૬ યહોવાહ માટેનો આપણો પ્રેમ બીજી કઈ રીતોએ વિકસાવી શકીએ? તેમના દીકરા ઈસુ વિષે વિચાર કરવાથી. ઈસુનું જીવન અને તેમના સેવાકાર્યનો વિચાર કરવાથી. ઈસુ તેમના પિતા જેવા જ હતા. એટલે તે કહી શક્યા કે, “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહાન ૧૪:૯) ઈસુએ એક વિધવાના મૂએલા દીકરાને સજીવન કર્યો. એમાં આપણને તેમની દયા જોવા મળે છે. (લુક ૭:૧૧-૧૫) ઈસુ વિશ્વના માલિકના પુત્ર હતા. તે સૌથી મહાન ગુરુ હતા. તેમ છતાં તેમણે શિષ્યોના પગ ધોયા. શું ઈસુની નમ્રતા જોઈને આપણને તેમના જેમ બનવા પ્રેરણા મળતી નથી? (યોહાન ૧૩:૩-૫) ઈસુ સર્વ માણસો કરતાં ખૂબ જ મહાન અને બુદ્ધિશાળી હતા. છતાં, કોઈ તેમનાથી ડરતા ન હતા. તેમની નજીક જવામાં કોઈને સંકોચ થતો નહીં. અરે, બાળકો પણ તેમની પાસે દોડી જતા. (માર્ક ૧૦:૧૩, ૧૪) જો આપણે આવી બાબતો પર મનન કરીને તેમની પ્રત્યે કદર બતાવીશું તો પીતરના આ શબ્દો આપણામાં સાચા પડશે: “[ઈસુને] ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો.” (૧ પીતર ૧:૮) ઈસુ માટેનો આપણો પ્રેમ વધે તેમ, યહોવાહ માટેનો પ્રેમ પણ વધશે.
૧૭, ૧૮. યહોવાહે આપણા માટે શું કર્યું છે? એના પર વિચાર કરવાથી તેમના માટે આપણો પ્રેમ કેવી રીતે વિકસે છે?
૧૭ યહોવાહ માટે પ્રેમ વધારવા આપણે બીજું શું કરી શકીએ? તેમની ભલાઈનો વિચાર કરો. જેમ કે આ સુંદર ધરતી, જાત જાતના ફળ ને સ્વાદિષ્ટ ખોરાક અને સારા મિત્રોની સંગત. આ સિવાય, યહોવાહે બીજા અનેક આશીર્વાદો આપ્યા છે જેથી આપણે જીવનમાં સંતોષ ને ખુશી માણી શકીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭) આપણે ઈશ્વર વિષે વધુ શીખીએ તેમ, તેમની ભલાઈ ને ઉદારતાની વધારે કદર કરીએ છીએ. જરા વિચારો કે યહોવાહે આપણા માટે કેટલું કર્યું છે. શું એનાથી આપણને તેમના પ્રત્યે વધુ પ્રેમ બતાવવાની પ્રેરણા મળતી નથી?
૧૮ યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) આપણે કોઈ પણ સમયે તેમને પ્રાર્થના કરી શકીએ. આ પણ ઈશ્વરનું એક વરદાન છે. યહોવાહે ઈસુને રાજ અને ન્યાય કરવાનો હક્ક આપ્યો છે. પણ પ્રાર્થનાઓ સાંભળવાનો હક્ક બીજા કોઈને આપ્યો નથી, ઈસુને પણ નહિ. ખુદ યહોવાહ જ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. તે આપણને બહુ જ પ્રેમ કરે છે. આ વિચારીને શું આપણને યહોવાહના સંગમાં આવવાની તમન્ના જાગતી નથી?
૧૯. યહોવાહે કેવાં વચનો આપ્યાં છે? એ જાણીને આપણને કેવી પ્રેરણા મળે છે?
૧૯ યહોવાહે ભાવિ માટે ખૂબ સારી ગોઠવણો કરી છે. એ જાણીને આપણને તેમને વધુ ભજવા પ્રેરણા મળે છે. તેમણે વચન આપ્યું છે કે બીમારી, ગમ, અરે મોતના ડંખનો પણ અંત આવશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) જ્યારે ઇન્સાન ફરી ઈશ્વરના ઊંચા ધોરણ મુજબ પૂરી રીતે જીવી શકશે, ત્યારે કોઈ નિરાશ નહિ થાય, હિંમત નહિ હારે, કદી આફત નહિ ભોગવે. ભૂખમરો, ગરીબી ને લડાઈ ભૂતકાળના સમાચાર બની જશે. (ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૧૬) ધરતી ફરીથી પારાદેશ કે સ્વર્ગ જેવી સુંદર બનશે. (લુક ૨૩:૪૩) યહોવાહ શા માટે આ બધું કરશે? શું તેમણે કરવું પડે છે એટલે? ના, તે આપણને બેહદ ચાહે છે એટલે!
૨૦. યહોવાહને પ્રેમ બતાવવાના મહત્ત્વ વિષે મુસાએ શું કહ્યું?
૨૦ આ લેખમાં આપણે જોઈ શક્યા કે ઈશ્વરને પ્રેમ કરવાના ઘણા કારણો છે. એ કારણો પર વિચાર કરવાથી તેમના માટે આપણો પ્રેમ વધશે. પણ હવે એ સવાલો ઊભા થાય છે કે શું તમે યહોવાહને પ્રેમ બતાવતા રહેશો? એને વધારતા રહેશો? તેમના કહ્યા મુજબ જીવશો? તમારે એ નક્કી કરવું પડશે. મુસાએ આ બાબતમાં સારો નિર્ણય લીધો. તે જોઈ શક્યા કે યહોવાહને હંમેશા પ્રેમ બતાવવાના ઘણા લાભો છે. તેમણે ઈસ્રાએલીઓને કહ્યું: “જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર; કેમ કે તે તારૂં જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે.”—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦. (w 06 12/1)
તમને યાદ છે?
• યહોવાહને પ્રેમ બતાવવો કેમ ખૂબ જરૂરી છે?
• આપણે કઈ રીતે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ?
• યહોવાહને પ્રેમ કરવાના કયા કારણો છે?
• ઈશ્વર માટેનો પ્રેમ કઈ રીતે વિકસાવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૧ પર ચિત્ર]
જ્યારે આપણે યહોવાહને દિલથી પ્રેમ કરીએ ત્યારે તે ખુશ થાય છે
[પાન ૨૩ પર ચિત્રો]
“જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.”—યોહાન ૧૪:૯