દાદા એકલા પડ્યા ન હતા
દાદા એકલા પડ્યા ન હતા
ઘડપણ આવે ને મુસીબતો લાવે. શરીર ધીમું પડે. ધાર્યા પ્રમાણે કામ ન કરે. ઘર ખાવા દોડે. જીવન સૂનું સૂનું લાગે. પણ એક દાદા કંઈ જુદી જ માટીના. નામ એમનું ફરનાન રીવારોલ. ગામ એમનું જીનીવા, જે સ્વીત્ઝરલૅન્ડમાં આવેલું છે. ફરનાન દાદા એકલા જ રહેતા હતા, કેમ કે બા ગુજરી ગયા હતા. એકની એક દીકરીને સાસરે વળાવી હતી. ફરનાન દાદા ઘરની બહાર બહુ નીકળી ન શકતા, છતાં તે કદીયે એકલા ન પડતા. એમ કેવી રીતે? દાદા મોટે ભાગે ખુરશી-ટેબલ પર બેઠેલા જોવા મળતા. હાથમાં ફોન અને ટેબલ પર પુસ્તકો. દાદા લોકોને ફોનથી બાઇબલનું અમૃત જેવું જ્ઞાન આપતા.
દાદાની જુવાનીનાં વર્ષો પણ જાણવાં જેવાં. અમુક વાર તો તેમને જેલમાં જવું પડેલું. એવું થયેલું કે એ બંને પતિ-પત્ની ૧૯૩૯માં યહોવાહના ભક્તો બન્યા. યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયેલું. તેમણે તો બાઇબલ પ્રમાણે નક્કી જ કરેલું કે કોઈને નુકસાન ન કરવું, મારી નાખવાની વાત તો બાજુ પર રહી. એટલે તેમની નોકરી ગઈ. કંઈ કેટલીયે વાર કેદ થયા. બધું મળીને સાડા પાંચ વર્ષ જેલની હવા ખાવી પડી. તેમની પત્ની ને નાનકડી દીકરીથી છૂટા પડી ગયા.
એ જમાનાની વાત કરતા ફરનાન દાદા કહેતા, “ઘણાને લાગતું કે મેં કેવી સારી નોકરીને લાત મારી ને કુટુંબને દુઃખી કરી નાખ્યું. જાણે હું ગુનેગાર હોઉં તેમ, તેઓને હું જરાય ન ગમતો. એનો વિચાર કરું ત્યારે, મને એ જ યાદ આવે છે કે યહોવાહે અમને કેટલો બધો સાથ આપ્યો, મદદ આપી. એ વાતને વર્ષો વીતી ગયાં, પણ યહોવાહમાં જેવો ભરોસો મને ત્યારે હતો, એવો જ આજેય છે.”
એવી શ્રદ્ધા દિલમાં ભડકે બળતી હોય પછી દાદા કેવી રીતે ચુપ રહી શકે? એટલે જ તે શાસ્ત્રમાંથી આવનાર આશીર્વાદો વિષે લોકો સાથે ફોન પર વાત કરતા. જેમની સાથે વાત કરવાની મજા આવી હોય, તેમને દાદા બાઇબલ શીખવતા પુસ્તક-પુસ્તિકાઓ મોકલી આપતાં. પછી તેમને ફોન કરીને પૂછતા કે એ વાંચીને તેઓને કેવું લાગ્યું. કોઈ વાર લોકો દાદાને “થેંક્યુ” કહેતો પત્ર લખતા ત્યારે, તે રાજી રાજી થઈ જતા. દાદા ૯૫ વર્ષની ઉંમરે ગુજરી ગયા.
તમને પણ કદાચ ફરનાન દાદા જેવું કોઈક મળ્યું હોય, જેમણે ઈશ્વરના આશીર્વાદો વિષે વાત કરી હશે. એ વિષે વધારે જાણવા, તમે જરૂર તેમનું સાંભળજો. યહોવાહના સાક્ષીઓને તમારી સાથે વાત કરવામાં ઘણો આનંદ થશે. (w 06 8/15)