‘બડબડાટ ન કરો’
‘બડબડાટ ન કરો’
‘બડબડાટ વગર બધું કરો.’—ફિલિપી ૨:૧૪.
૧, ૨. પાઊલે ફિલિપી અને કોરીંથી મંડળને કઈ સલાહ આપી? શા માટે?
પ્રથમ સદીમાં ઈશ્વરભક્ત પાઊલે એક પત્રમાં ફિલિપી મંડળના ખૂબ વખાણ કર્યા. શા માટે? કારણ કે એ શહેરના ભાઈ-બહેનો ઉદાર દિલના હતા. યહોવાહની ભક્તિ માટે ખૂબ ધગશ હતી ને ઘણાં સારાં કામો કરતાં હતાં. તેમ છતાં, પાઊલે તેઓને કહ્યું: ‘બડબડાટ વગર બધું કરો.’ (ફિલિપી ૨:૧૪) તેમણે કેમ આવું કહેવું પડ્યું?
૨ પાઊલ જાણતા હતા કે કચકચ કરવાથી શું પરિણમી શકે. ફિલિપી મંડળને આ ભલામણ આપી એના થોડાં વર્ષો પહેલાં જ તેમણે કોરીંથી મંડળને કહ્યું હતું કે બડબડાટ કરવાથી ઘણું નુકસાન થઈ શકે છે. પાઊલે કહ્યું કે ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે, તેઓ વારંવાર યહોવાહને ગુસ્સો કરાવતા હતા. કઈ રીતે? તેઓ બૂરાઈ કરતા. મૂર્તિપૂજા કરતા. વ્યભિચાર કરતા. યહોવાહ પર શંકા કરતા અને તેમની કચકચ કરતા. પાઊલે કોરીંથી મંડળના ભાઈ-બહેનોને કહ્યું કે આ ખરાબ દાખલામાંથી કંઈક શીખો. તેમણે લખ્યું: “જેમ તેઓમાંના કેટલાએકે બડબડાટ કર્યો, અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બડબડાટ ન કરો.”—૧ કોરીંથી ૧૦:૬-૧૧.
૩. કચકચ ન કરવાની સલાહ આપણા માટે કેમ મહત્ત્વની છે?
૩ આજે આપણે પણ ભક્તિમાં ફિલિપી મંડળ જેવી ધગશ બતાવીએ છીએ. સારાં કામ કરવા ચાહીએ છીએ. એકબીજાને દિલથી ચાહીએ છીએ. (યોહાન ૧૩:૩૪, ૩૫) તેમ છતાં, આપણે ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે જૂના જમાનાના ભક્તોની જેમ આપણે પણ કચકચ કરીશું તો, બીજાઓને દુઃખ પહોંચાડીશું. આપણે આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ: ‘બડબડાટ વગર બધું કરો.’ આ લેખમાં આપણે બાઇબલમાંથી જોઈશું કે યહોવાહ સામે કોણે કોણે બડબડાટ કર્યો. એ પણ જોઈશું કે આપણે શું કરી શકીએ, જેથી કચકચવાળા ન બનીએ અને એકબીજાને મનદુઃખ ન કરીએ.
એક દુષ્ટ જમાત યહોવાહ વિરૂદ્ધ કચકચ કરે છે
૪. અરણ્યમાં ઈસ્રાએલીઓએ કઈ રીતે યહોવાહની કચકચ કરી?
૪ બાઇબલની મૂળ હિબ્રૂ ભાષામાં ‘બડબડાટ કરવો, કચકચ કરવી, ફરિયાદ કરવી, કે ઘૂરકવું’ જેવા વિચારો છે. ઈસ્રાએલીઓ ૪૦ વર્ષ અરણ્યમાં ભટક્યા હતા ત્યારે તેઓમાં એવા વિચાર ઘણી વાર જોવા મળ્યા. અમુક વાર, તેઓ પોતાના જીવનથી કંટાળીને યહોવાહ વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. દાખલા તરીકે, યહોવાહે તેઓને ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ કર્યા એના થોડાક જ અઠવાડિયામાં, “ઈસ્રાએલપુત્રોની આખી જમાતે અરણ્યમાં મુસા તથા હારૂનની વિરૂદ્ધ કચકચ કરી.” પોતાના ખોરાક વિષે ફરિયાદ કરતા કહ્યું: “જ્યારે અમે માંસની હાંલ્લીઓ પાસે બેસતા હતા, ને ધરાતાં સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાહને હાથે મૂઆ હોત તો કેવું સારૂં! કેમ કે અમને આખી જમાતને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો.”—નિર્ગમન ૧૬:૧-૩.
૫. ઈસ્રાએલીઓ ખાસ કોની વિરૂદ્ધ કચકચ કરતા હતા?
૫ હકીકત એ હતી કે ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે યહોવાહે તેઓના જીવન ટકાવી રાખ્યા હતા. પ્રેમથી તેઓને ખોરાક અને પાણી આપ્યા હતા. કોઈ એટલે કોઈ અરણ્યમાં ભૂખે મરી જવાનું ન હતું. પણ ઈસ્રાએલીઓને યહોવાહની ભલાઈથી સંતોષ ન હતો. તેઓએ રાઈનો પહાડ બનાવીને ખૂબ કચકચ કરી. ભલે તેઓએ મુસા અને હારૂન સામે કચકચ કરી. પણ યહોવાહની નજરે તેઓ ખરેખર તેમની આગળ કચકચ કરતા હતા. એટલે જ મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું: “યહોવાહની વિરૂદ્ધ જે કચકચ તમે કરો છો તે તે સાંભળે છે: અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરૂદ્ધ નથી, પણ યહોવાહની વિરૂદ્ધ છે.”—નિર્ગમન ૧૬:૪-૮.
૬, ૭. ગણના ૧૪:૧-૩ પ્રમાણે, ઈસ્રાએલીઓનું વલણ કેવી રીતે બદલાઈ ગયું?
૬ આ બનાવના થોડા સમય બાદ, ઈસ્રાએલીઓ ફરીથી યહોવાહ સામે ફરિયાદ કરવા લાગ્યા. આ કિસ્સામાં શું થયું? મુસાએ ૧૨ જાસૂસોને વચનનો દેશ જોવા મોકલ્યા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે, તેઓમાંના ૧૦ માણસોએ ખરાબ સમાચાર આપ્યા. એ સાંભળીને ઈસ્રાએલીઓ પર કેવી અસર પડી? ‘સર્વ ઈસ્રાએલપુત્રોએ મુસાની તથા હારૂનની વિરૂદ્ધ કચકચ કરી; અને આખી જમાતે તેઓને કહ્યું, અમે મિસર દેશમાં મરી ગયા હોત તો સારું! અથવા આ અરણ્યમાં મરી ગયા હોત તો સારું! અને તરવારથી મરી જઈએ માટે યહોવાહ અમને આ કનાન દેશમાં કેમ લાવ્યો છે? અને અમારી પત્ની ને છોકરાં લૂટરૂપ થશે; મિસરમાં પાછા જવું એ શું અમારે માટે વધારે સારું ન હોય?’—ગણના ૧૪:૧-૩.
૭ યહોવાહે ઈસ્રાએલીઓને ઇજિપ્તમાંથી આઝાદ કર્યા હતા. લાલ સમુદ્ર પસાર કરાવીને તેઓને બચાવ્યાં હતાં. એ અનુભવીને તેઓએ તેમના ગુણગાન ગાયા. (નિર્ગમન ૧૫:૧-૨૧) પણ અરણ્યમાં તેઓનું જીવન થોડું અઘરું બન્યું, અને કનાનીઓથી ડરવા લાગ્યા ત્યારે, તરત જ તેઓ બદલાઈ ગયા. યહોવાહના ગુણગાન ગાવાને બદલે તેઓ કચકચ કરવા લાગ્યા. સાદું જીવન જીવવું પડ્યું એના લીધે તેઓ યહોવાહનો વાંક કાઢવા લાગ્યા. તેઓનું વલણ કેટલું બદલાઈ ગયું હતું! તેઓએ યહોવાહ અને તેમની ભલાઈ માટે કંઈ કદર રાખી નહિ. એટલે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી. છેવટે યહોવાહે ભારે દિલથી કહ્યું: “આ દુષ્ટ જમાત જે મારી વિરૂદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું?”—ગણના ૧૪:૨૭; ૨૧:૫.
પ્રથમ સદીના મંડળમાં કચકચ થઈ હતી
૮, ૯. ગ્રીક શાસ્ત્રવચનોમાંથી અમુક કિસ્સાઓ વિષે જણાવો જેમાં લોકો કચકચ કરવા લાગ્યા.
૮ ઈસ્રાએલીઓ સંતોષી રહ્યા નહિ ત્યારે જોરશોરથી યહોવાહ વિરુદ્ધ ફરિયાદ કરી. હવે વર્ષો બાદ યહુદીઓનો વિચાર કરો. ૩૨ની સાલમાં માંડવાપર્વ ચાલતું હતું ત્યારે ઈસુ યરૂશાલેમમાં હતા. ‘તેમના વિષે લોકોમાં ઘણી ચર્ચાઓ ચાલતી’ હતી. (યોહાન ૭:૧૨, ૧૩, ૩૨) બધા એકબીજા સાથે ગુસપુસ કરતા હતા. ઈસુ વિષે અમુક કંઈક સારું કહેતા હતા. બીજાઓ ઊલટું કહેતા હતા.
૯ એક બીજા પ્રસંગે ઈસુ અને તેમના શિષ્યો લેવી કે કર ઉઘરાવનાર માત્થીના ઘરે ગયા હતા. “ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની વિરૂદ્ધ કચકચ કરીને કહ્યું, કે તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?” (લુક ૫:૨૭-૩૦) અમુક સમય પછી, ગાલીલમાં “યહુદીઓએ [ઈસુ] વિષે કચકચ કરી; કેમ કે તેણે કહ્યું હતું, કે આકાશમાંથી ઊતરેલી રોટલી હું છું.” એ સાંભળીને ઈસુના અમુક શિષ્યોને પણ ખોટું લાગ્યું. તેઓ પણ તેમના વિષે બડબડાટ કરવા લાગ્યા.—યોહાન ૬:૪૧, ૬૦, ૬૧.
૧૦, ૧૧. ગ્રીક બોલતા યહુદીઓએ કેમ ફરિયાદ કરી? ફરિયાદને જે રીતે હાથ ધરવામાં આવી, એમાંથી વડીલો શું શીખી શકે?
૧૦ પેન્તેકોસ્ત ૩૩ના થોડા સમય પછીના બનાવનો વિચાર કરો. આ પ્રસંગે ઈસ્રાએલ બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેઓમાંના ઘણા ખ્રિસ્તીઓ બન્યા. યહુદાહના ભાઈ-બહેનોએ આ નવા ખ્રિસ્તીઓનું મહેમાન તરીકે ધ્યાન રાખ્યું. પણ થોડા સમયમાં ખોરાકની વહેંચણીમાં વાંધો ઊભો થયો હતો. બાઇબલ કહે છે: “ત્યારે હેબ્રીઓની સામે ગ્રીક યહુદીઓએ બડબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧) પણ આ ફરિયાદનું સારું પરિણામ આવ્યું.
૧૧ જે ભાઈ-બહેનોએ ફરિયાદ કરી, તેઓ અરણ્યમાં ભટકતા ઈસ્રાએલીઓ જેવા ન હતા. આ ગ્રીક બોલતા યહુદીઓ પોતાના જીવનથી કંટાળીને ફરિયાદ કરતા ન હતા. તેઓ બસ બીજાઓનું ધ્યાન દોરવા માંગતા હતા કે અમુક વિધવાઓની સારી દેખરેખ થતી ન હતી. ફરિયાદ કરનારાઓ ધમાલ કરવા માંગતા ન હતા. યહોવાહ વિરુદ્ધ કચકચ કરવા ચાહતા ન હતા. તેઓએ તો પ્રેરિતો સામે પોતાની ચિંતા જણાવી. એ સમજીને પ્રેરિતોએ તરત જ પગલાં લીધાં. આજના વડીલો માટે આ પ્રેરિતોએ કેવો સારો દાખલો બેસાડ્યો! વડીલોએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ‘કોઈ નેક દિલવાળાની બૂમ સાંભળીને પોતાના કાન બંધ ન કરી દે.’—નીતિવચનો ૨૧:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૬:૨-૬.
કચકચ કરનારાની બૂરી અસરથી ચેતો!
૧૨, ૧૩. (ક) દાખલો આપીને સમજાવો કે કચકચ કરવાની ટેવની કેવી અસર પડે છે. (ખ) વ્યક્તિ શા માટે કચકચ કરવા લાગી શકે?
૧૨ આપણે ઈશ્વરભક્તોના દાખલાઓમાંથી જોયું કે કચકચ કરવાથી ઘણું નુકસાન થઈ શકે છે. કચકચ કરવાની ટેવ બહુ ખરાબ છે. એ વધુ સમજવા એક દાખલો લઈએ. લોઢા જેવી અનેક જાતની ધાતુ ધીમે ધીમે કટાઈ જાય છે. જો એના પર કાટ જોવા મળે, પણ કંઈ કરીએ નહિ તો શું થશે? છેવટે એ સાવ કટાઈ જશે. નકામું બની જશે. ઘણી વખત મોટર ગાડીઓની હાલત આવી થઈ જાય છે. ભલે એંજિન હજી કામ કરતું હોય, ગાડી નકામી બની જાય છે. છેવટે એને ભંગારમાં કાઢી નાખવી પડે છે. શા માટે? કારણ કે એનું માળખું કટાઈ ગયું છે. એ ચલાવવા માટે હવે સલામત નથી. આ દાખલો કઈ રીતે કચકચ કરવાની ટેવ સાથે લાગે વળગે છે?
૧૩ જેમ ધાતુ ધીમે ધીમે કટાઈ જાય છે, તેમ અપૂર્ણ માણસો પણ કચકચ કે ફરિયાદ કરવા લાગે છે. તેથી ધ્યાન રાખવું જોઈએ કે આપણામાં એવી ટેવ ન આવવા માંડે. ધાતુનો ફરી વિચાર કરો. ભેજમાં અને ખારાશ ભરેલા વાતાવરણમાં ધાતુ વધુ જલદીથી કટાઈ જાય છે. એવી જ રીતે, દુઃખ-તકલીફો આવી પડે ત્યારે આપણે વધુ જલદીથી કચકચ કરવા લાગી શકીએ. સ્ટ્રેસને લીધે કોઈ નાની બાબત પહાડ જેવી મુસીબત બની શકે છે. આ દુનિયા બગડતી જાય તેમ ફરિયાદ કરવાના કારણો પણ વધી શકે છે. (૨ તીમોથી ૩:૧-૫) પરિણામે, યહોવાહનો સેવક બીજા ભાઈ-બહેન વિરુદ્ધ કચકચ કરવા લાગી શકે. એની શરૂઆત કેવી રીતે થાય છે? કદાચ સામેની વ્યક્તિની કોઈ નબળાઈ, આવડત કે જવાબદારી ગમતી ન હોય અને એ નાની બાબતમાંથી કંઈક મોટું બનાવી દે છે.
૧૪, ૧૫. જો આપણામાં કચકચ કરવાની ટેવ આવવા માંડે, તો શા માટે તરત જ કંઈક કરવું જોઈએ?
૧૪ આપણા જીવનમાં ઘણી બાબતો હશે જે આપણો સંતોષ છીનવી લે છે. પણ જો ધ્યાન નહિ રાખીએ, તો એની જ ફરિયાદ કરવા લાગી શકીએ. પછી કશામાં સંતોષ માણી શકીશું નહિ. છેવટે આપણને કચકચ કરવાની આદત પડી જશે. જો આ કુટેવને દિલમાં પેસવા દઈએ તો એ આપણી શ્રદ્ધા ને ભક્તિને સાવ કોરી ખાઈ જઈ શકે. આપણે ઈસ્રાએલીઓ જેવા બની જઈ શકીએ. તેઓએ અરણ્યમાં પોતાના જીવન વિષે કચકચ કરીને છેક યહોવાહનો વાંક કાઢ્યો! (નિર્ગમન ૧૬:૮) આપણે કદીયે એવા ન બનીએ!
૧૫ ધાતુનો ફરી વિચાર કરો. એના પર કાટ લાગવા માંડે તો, એને રોકવા શું કરશો? તરત જ કોઈ ખાસ રંગ મારવો પડશે. કાટની જેમ, આપણામાં કચકચ કરવાની ટેવ શરૂ થાય તો શું? યહોવાહને પ્રાર્થના કરો. તે તમને એ ટેવ સુધારવા મદદ કરશે. પોતાને સુધારવા પગલાં લો. કેવી રીતે?
તકલીફોને યહોવાહની નજરથી જુઓ
૧૬. વ્યક્તિ કઈ રીતે કચકચ કરવાની ટેવ ટાળી શકે?
૧૬ વ્યક્તિ કચકચ કરવા લાગે ત્યારે તે યહોવાહે આપેલા આશીર્વાદો ભૂલી જાય છે. તે પોતાના પર અને તકલીફો પર જ ધ્યાન આપે છે. જો આપણે કચકચ કરવાની ટેવ ટાળવી હોય, તો હંમેશાં યહોવાહના આશીર્વાદો યાદ કરવા જોઈએ. કેવા આશીર્વાદો? એક તો આપણે સાક્ષીઓ તરીકે યહોવાહનું નામ ધારણ કરી શકીએ છીએ. (યશાયાહ ૪૩:૧૦) આપણે તેમની સાથે પાકો નાતો બાંધી શકીએ છીએ. કોઈ પણ સમયે “પ્રાર્થનાના સાંભળનાર” યહોવાહને પ્રાર્થના કરી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૬૫:૨; યાકૂબ ૪:૮) આપણા જીવનનો મકસદ છે. આપણે જાણીએ છીએ કે યહોવાહ જ વિશ્વના માલિક છે. તેમની જ ભક્તિ કરીને તેમને ખુશ કરી શકીએ છીએ. (નીતિવચનો ૨૭:૧૧) બીજા કયા આશીર્વાદો યાદ કરી શકીએ? આપણે લોકોને યહોવાહની સરકાર વિષે ખુશખબરી ફેલાવી શકીએ. (માત્થી ૨૪:૧૪) આપણે સમજીએ છીએ કે ઈસુએ શા માટે પોતાનું જીવન અર્પી દીધું. તેમના પર વિશ્વાસ મૂકવાથી આપણે સાફ દિલથી યહોવાહની ભક્તિ કરી શકીએ. (યોહાન ૩:૧૬) આપણે હંમેશાં યાદ રાખીએ કે ભલે અનેક તકલીફો સહન કરવી પડે, આપણને બધાને આ આશીર્વાદો તો જરૂર મળે છે.
૧૭. ભલે આપણી ફરિયાદ માટે કોઈ સારું કારણ હોય, તકલીફોને કેમ યહોવાહની નજરથી જોવી જોઈએ?
૧૭ આપણે પોતાની સ્વાર્થી નજરથી નહિ, પણ યહોવાહની નજરથી તકલીફો જોવી જોઈએ. દાઊદે ગાયું: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ.” (ગીતશાસ્ત્ર ૨૫:૪) જો આપણી ફરિયાદનું કોઈ સારું કારણ હોય, તો ખાતરી રાખો કે યહોવાહ એ સમજે છે. જો તે ચાહે તો ત્યાં ને ત્યાં જ બાબત સુધારી શકે છે. પણ તે કેમ હંમેશાં એમ કરતા નથી? શા માટે એને ચાલવા દે છે? એટલા માટે જેથી આપણી ધીરજ અને શ્રદ્ધા વધી શકે. તન-મન પર કાબૂ રાખવાની શક્તિ વધી શકે.—યાકૂબ ૧:૨-૪.
૧૮, ૧૯. ઉદાહરણથી સમજાવો કે ફરિયાદ કર્યા વગર કોઈ પણ તકલીફ સહન કરીએ ત્યારે શું થઈ શકે.
૧૮ ફરિયાદ કર્યા વગર કોઈ પણ તકલીફ સહન કરીએ છીએ ત્યારે આપણો સ્વભાવ વધારે સારો થાય છે. અરે, આપણું સારું વર્તન જોઈને બીજાઓ પર પણ સારી અસર પડી શકે છે. એ સમજવા આ અનુભવનો વિચાર કરો. ૨૦૦૩ની સાલમાં અમુક સાક્ષીઓએ જર્મનીથી હંગેરી મહાસંમેલનમાં જવા મુસાફરી કરી. તેઓએ દસ દિવસ માટે એક બસ ભાડે કરી હતી. હવે બસ ડ્રાઇવર સાક્ષી ન હતો અને તેને સાક્ષીઓ સાથે આટલા દિવસો કાઢવા જ ન હતા. પણ મુસાફરી પૂરી થઈ ત્યાં સુધી તેના વિચારો સાવ બદલાઈ ગયા. શા માટે?
૧૯ કેમ કે મુસાફરી દરમિયાન અનેક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. પણ સાક્ષીઓએ કદીયે ફરિયાદ કરી જ નહિ. ડ્રાઇવરે કહ્યું કે તેણે જીવનમાં આવા સારા મુસાફરો કદીયે જોયા નથી! તેણે વચન આપ્યું કે હવેથી સાક્ષીઓ તેના ઘરે પ્રચાર કરવા આવશે, તો તે ચોક્કસ તેઓને ઘરમાં બોલાવશે. ધ્યાનથી તેઓનો સંદેશો સાંભળશે. આ મુસાફરોએ ‘બડબડાટ વગર બધું સહન કર્યું,’ એની ડ્રાઇવર પર કેટલી સારી અસર થઈ!
એકબીજાને માફ કરવાથી સંપ વધે છે
૨૦. આપણે શા માટે એકબીજાને દિલથી માફ કરવા જોઈએ?
૨૦ આપણને કોઈ ભાઈ કે બહેન વિરુદ્ધ ફરિયાદ હોય તો શું? જો એ ગંભીર હોય તો માત્થી ૧૮:૧૫-૧૭માં ઈસુએ આપેલો સિદ્ધાંત પાળવો જોઈએ. પણ ઘણી વખત આ હદ સુધી પગલાં લેવાની જરૂર નથી, કેમ કે મોટા ભાગના મનદુઃખો મામૂલી હોય છે. જો એવું હોય, તો કેમ નહિ કે ભાઈ-બહેનને માફ કરીએ. પાઊલે લખ્યું: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.” (કોલોસી ૩:૧૩, ૧૪) આપણે દરરોજ અનેક ભૂલો કરીએ છીએ. જો યહોવાહ ચાહતા હોય તો તે આપણા વિષે ઘણી ફરિયાદ કરી શકે છે. પણ એમ કરવાને બદલે તે આપણને દિલથી માફ કરે છે. દયા બતાવે છે. તો શું આપણે પણ દિલથી એકબીજાને માફ કરવા ન જોઈએ?
૨૧. કચકચ સાંભળીને લોકો પર કેવી અસર પડી શકે?
૨૧ તકલીફ ભલે ગમે તેવી હોય, કચકચ કરવાથી કંઈ ફરક પડવાનો નથી. આપણે આ લેખમાં શીખી ગયા કે હેબ્રી ભાષામાં બડબડાટ કરવાનો અર્થ ‘ઘૂરકવું’ પણ થઈ શકે છે. કોઈ જાનવર ઘૂરકે તો તમે શું કરશો? એનાથી દૂર ચાલ્યા જશો. એ જ રીતે વ્યક્તિ કચકચ કરે ત્યારે, આપણને તેઓથી દૂર જવાનું મન થાય છે, ખરું ને? હવે જો આપણે કચકચ કરીને જાણે ઘૂરકતા હોઈએ, તો શક્ય છે કે બીજાઓ આપણાથી દૂર રહેશે! ખરું કે કચકચ કરીશું તો લોકોનું ધ્યાન તરત જ આપણા તરફ ખેંચાશે. પણ આપણે કદીયે તેઓનું દિલ જીતી નહિ શકીએ.
૨૨. એક છોકરીએ યહોવાહના સાક્ષીઓ વિષે શું કહ્યું?
૨૨ એકબીજાને માફ કરવાથી મંડળમાં સંપ રહે છે. શાંતિ વધે છે. યહોવાહના સર્વ ભક્તો એ જ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) યુરોપના એક દેશમાં ૧૭ વર્ષની કૅથલિક છોકરીએ યહોવાહના સાક્ષીઓની બ્રાંચને પત્ર લખ્યો. શા માટે? સાક્ષીઓના વખાણ કરવા. એ છોકરીએ કહ્યું: ‘આ સંસ્થામાં સર્વ લોકો જાણે એક છે. નફરત, લોભ, ભેદભાવ, સ્વાર્થ કે કુસંપ છે જ નહિ. આવી સંસ્થા મેં બીજે ક્યાંય જોઈ નથી.’
૨૩. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?
૨૩ આપણે એકલા ખરા ઈશ્વર યહોવાહને ભજીએ છીએ. તેમણે સનાતન સત્ય આપ્યું છે. બીજા અનેક આશીર્વાદો પણ આપ્યા છે. એ માટે આપણે કદર બતાવવી જોઈએ. જો દિલમાં એવી લાગણીઓ હશે, તો યહોવાહ આપણને મંડળમાં સંપ જાળવી રાખવા મદદ કરશે. આપણને કચકચ કરવાની ટેવથી દૂર રહેવા મદદ કરશે. એમાં કોઈ શંકા નથી કે એકબીજાની કચકચ કરવી ખોટું છે. એમાંય પૃથ્વી પર યહોવાહની સંસ્થા વિરુદ્ધ કચકચ કરવી બહુ ગંભીર છે. હવે પછીનો લેખ બતાવશે કે ઈશ્વર જેવા ગુણો બતાવવાથી આપણે કઈ રીતે એ ગંભીર ભૂલથી દૂર રહી શકીએ. (w 06 7/15)
તમને યાદ છે?
• કચકચ કરવી એટલે શું?
• ઉદાહરણથી સમજાવો કે બડબડાટ કરવો શાના જેવું છે?
• કચકચ કરવાની ટેવ ટાળવા શું કરી શકાય?
• એકબીજાને દિલથી માફ કરવાથી કઈ રીતે કચકચ કરવાની ટેવથી દૂર રહીએ છીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૮ પર ચિત્ર]
ઈસ્રાએલીઓએ યહોવાહ વિરુદ્ધ કચકચ કરી!
[પાન ૧૦ પર ચિત્ર]
શું તમે તકલીફોને યહોવાહની નજરથી જુઓ છો?
[પાન ૧૧ પર ચિત્રો]
એકબીજાને દિલથી માફ કરવાથી સંપ રહે છે