શેતાનને મોકો ન આપો
શેતાનને મોકો ન આપો
“શેતાનને તક ન આપો.”—એફેસી ૪:૨૭, પ્રેમસંદેશ.
૧. શા માટે ઘણાને શંકા થાય છે કે શેતાન છે કે નહિ?
સદીઓથી ચર્ચના ઘણા ખ્રિસ્તીઓ માને છે કે શેતાન એક પ્રાણી જેવો છે, જેના માથા પર શિંગડાં છે. જેના પંજા ચિરાયેલા છે. કાળા કપડાં પહેરેલા છે. તે ખરાબ લોકોને નર્કમાં ફેંકે છે. જોકે બાઇબલ એવું કંઈ શીખવતું નથી. પણ શેતાન વિષે આવા ખોટા વિચારોને લીધે લાખો લોકોને શંકા થાય છે કે શેતાન છે કે નહિ. અથવા તેઓ વિચારે છે કે શેતાન એટલે આપણા મનની બૂરાઈ.
૨. શેતાન વિષે બાઇબલ શું કહે છે?
૨ શેતાનને જેણે નજરે જોયો હોય, એવી વ્યક્તિનો પુરાવો બાઇબલ આપે છે. ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે તેમણે શેતાનને જોયો હતો. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે શેતાન સાથે વાત પણ કરી હતી. (અયૂબ ૧:૬; માત્થી ૪:૪-૧૧) બાઇબલ આ દૂતનું અસલી નામ આપતું નથી. પણ મૂળ ગ્રીક ભાષામાં તેને નિંદા કરનાર કહેવામાં આવ્યો છે. શા માટે? કેમ કે તેણે પરમેશ્વરની નિંદા કરી. વળી આ દૂતને શેતાન એટલે કે વિરોધી પણ કહેવામાં આવ્યો છે, કેમ કે તેણે યહોવાહ પરમેશ્વરનો વિરોધ કર્યો હતો. શેતાનને ‘જૂનો સર્પ’ પણ કહેવાય છે, કેમ કે તેણે સાપ દ્વારા હવાને છેતરી હતી. (પ્રકટીકરણ ૧૨:૯; ૧ તીમોથી ૨:૧૪) શેતાન ‘દુષ્ટ’ પણ કહેવાય છે.—૧ યોહાન ૫:૧૯. *
૩. હવે આપણે શાની ચર્ચા કરીશું?
૩ આપણે સાચા પરમેશ્વર યહોવાહના સેવકો છીએ. આપણે ક્યારેય યહોવાહનો મોટો દુશ્મન શેતાન જેવા બનવા નહિ ચાહીએ. પણ આપણે પ્રેરિત પાઊલની આ સલાહ પાળીએ: “શેતાનને તક ન આપો.” (એફેસી ૪:૨૭, પ્રેમસંદેશ) ચાલો આપણે જોઈએ કે કઈ રીતે આપણે શેતાન જેવા ન બનીએ.
મહા નિંદાખોર જેવા ન બનો
૪. ‘દુષ્ટ’ શેતાને પરમેશ્વર વિષે કેવી જૂઠી અફવા ફેલાવી?
૪ શેતાનને “દુષ્ટ” કહેવો એકદમ બરાબર છે, કેમ કે તે નિંદક છે. નિંદા કરવાનો અર્થ એ થાય કે કોઈને બદનામ કરવાના ઇરાદાથી જૂઠી અફવાઓ ફેલાવવી. પરમેશ્વરે આદમને આજ્ઞા આપી: “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૭) હવાને પણ આ કહેવામાં આવ્યું હતું. પણ શેતાને સાપ દ્વારા હવાને કહ્યું: “તમે નહિ જ મરશો; કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” (ઉત્પત્તિ ૩:૪, ૫) શેતાને યહોવાહને બદનામ કરવા કેવી જૂઠી અફવા ફેલાવી!
૫. નિંદા કરનાર દિયત્રેફસને શા માટે હિસાબ આપવાનો હતો?
૫ ઈસ્રાએલીઓને આજ્ઞા હતી કે ‘ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ફર.’ (લેવીય ૧૯:૧૬) પ્રેરિત યોહાને પોતાના સમયની એવી જ એક વ્યક્તિ વિષે લખ્યું: “મેં મંડળીને કંઈ લખ્યું; પણ દિયત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો અંગીકાર કરતો નથી. એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરૂદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે.” (૩ યોહાન ૯, ૧૦) દિયત્રેફસ યોહાનને બદનામ કરતો હતો. તેથી તેને એનો હિસાબ આપવાનો હતો. યહોવાહના કયા ભક્તને દિયત્રેફસ જેવા બનવું ગમશે? કોને મહા નિંદાખોર શેતાનના પગલે ચાલવું ગમશે?
૬, ૭. આપણે શા માટે કોઈના વિષે જૂઠી અફવા ફેલાવવી ન જોઈએ?
૬ મોટે ભાગે યહોવાહના સેવકો વિષે જૂઠી અફવાઓ ફેલાતી રહે છે અને જૂઠા આરોપો મૂકાતા રહે છે. ‘મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ઈસુ ઉપર જુસ્સાથી તહોમત મૂકતા ઊભા હતા.’ (લુક ૨૩:૧૦) પ્રમુખ યાજક અનાન્યા અને બીજાઓએ પાઊલ પર ખોટા આરોપો મૂક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧-૮) બાઇબલ કહે છે કે શેતાન ‘આપણા ભાઈઓ પર દોષ મૂકનાર છે. તે દેવની આગળ રાતદહાડો તેઓના પર દોષ મૂકે છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૦) જે ભાઈઓ પર દોષ મૂકાય છે, તેઓ આ છેલ્લા દિવસોમાં પૃથ્વી પરના અભિષિક્ત ભાઈઓ છે.
૭ કોઈ પણ ભાઈબહેનને બીજાની જૂઠી અફવા ફેલાવવાનું કે ખોટા આરોપ મૂકવાનું નહિ ગમે. તોપણ આપણે એ ભૂલ કરી શકીએ. કઈ રીતે? આપણે કોઈ વાત બરાબર જાણ્યા વગર કોઈના વિષે ખોટી સાક્ષી આપી બેસીએ. મુસાના નિયમ પ્રમાણે, કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી સાક્ષી આપે તો, તેને મોતની સજા થઈ શકતી. (નિર્ગમન ૨૦:૧૬; પુનર્નિયમ ૧૯:૧૫-૧૯) યહોવાહ જે ધિક્કારે છે, એમાં “જૂઠો સાક્ષી” પણ છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) એટલે જ જૂઠી અફવા ફેલાવનાર અને મહા નિંદાખોર, શેતાનના પગલે આપણે ક્યારેય નહિ ચાલીએ.
અસલી ખૂનીના પગલે ન ચાલો
૮. કઈ રીતે શેતાન “આરંભથી જ ખૂની હતો”?
૮ શેતાન ખૂની છે. ઈસુએ કહ્યું કે “તે આરંભથી જ ખૂની હતો.” (યોહાન ૮:૪૪, પ્રેમસંદેશ) શેતાને આદમ અને હવાને છેતર્યા. તેઓ પાસે પરમેશ્વરની આજ્ઞા તોડાવી. એ વખતથી તે ખૂની બન્યો. શેતાને આદમ અને હવાને મોતના મોંમાં નાખ્યા. તેઓનાં સર્વ સંતાનોને પણ મોતના મોંમાં ધકેલી દીધાં.—રૂમી ૫:૧૨.
૯. આપણે ૧ યોહાન ૩:૧૫ પ્રમાણે કઈ રીતે ખૂની બની શકીએ?
૯ ઈસ્રાએલીઓને દસ આજ્ઞા આપવામાં આવી હતી. એમાંની એક હતી કે “તું ખૂન ન કર.” (પુનર્નિયમ ૫:૧૭) પ્રેરિત પીતરે ભાઈબહેનોને લખ્યું: ‘ખૂની તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.’ (૧ પીતર ૪:૧૫) ખરું કે યહોવાહના ભક્ત હોવાને કારણે આપણે કોઈનું ખૂન તો નહીં કરીએ. પણ શું આપણે કોઈ ભાઈબહેનને નફરત કરીએ છીએ અથવા ચાહીએ છીએ કે તે મરી જાય તો સારું? એમ હોય તો, આપણે પરમેશ્વરની નજરે ખૂની છીએ. પ્રેરિત યોહાને લખ્યું: “જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરે છે તે ખૂની છે અને જે કોઈ ખૂની છે તેનામાં અનંતજીવન નથી.” (૧ યોહાન ૩:૧૫, IBSI) ઈસ્રાએલીઓને આજ્ઞા હતી કે ‘તું તારા હૃદયમાં તારા ભાઈને નફરત ન કર.’ (લેવીય ૧૯:૧૭) કોઈ ભાઈબહેન સાથે આપણને તકલીફ ઊભી થાય તો, જલદીથી એ દૂર કરો. જેથી, ખૂની શેતાન આપણી એકતાને ન તોડી શકે.—લુક ૧૭:૩, ૪.
જૂઠાણાના બાદશાહની સામે થાવ
૧૦, ૧૧. જૂઠાણાના બાદશાહ સામે થવા આપણે શું કરવું જોઈએ?
૧૦ શેતાન જૂઠો છે. ઈસુએ કહ્યું: “તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે; કેમ કે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.” (યોહાન ૮:૪૪) શેતાને પૃથ્વી પર આવીને હવાને જૂઠું કહ્યું. પણ ઈસુ પૃથ્વી પર સત્યની સાક્ષી આપવા આવ્યા. (યોહાન ૧૮:૩૭) આપણે ઈસુના શિષ્યો તરીકે શેતાનની સામે થવા ચાહતા હોઈએ તો, જૂઠું ન બોલીએ. કોઈને છેતરીએ નહિ. આપણે હંમેશા ‘સાચું બોલીએ.’ (ઝખાર્યાહ ૮:૧૬; એફેસી ૪:૨૫) ‘યહોવાહ, સત્યના પરમેશ્વર’ ફક્ત સાચું બોલનારા ભક્તોને જ આશીર્વાદ આપે છે. દુષ્ટોને યહોવાહની સેવા કરવાનો કોઈ હક્ક નથી.—ગીતશાસ્ત્ર ૩૧:૫; ૫૦:૧૬; યશાયાહ ૪૩:૧૦.
૧૧ આપણે બાઇબલમાંથી સત્ય શીખીને, શેતાનનાં જૂઠાણાંથી આઝાદ થયા છીએ. આપણે એ સત્યને વળગી રહીએ, કેમ કે, એ જ ‘સત્યનો માર્ગ’ છે. (૨ પીતર ૨:૨; યોહાન ૮:૩૨) બાઇબલમાં સત્યનું શિક્ષણ એટલે ‘સુવાર્તાનું સત્ય’ છે. (ગલાતી ૨:૫, ૧૪) આપણે હંમેશાં માટે જીવવું હોય તો, ‘સત્યમાં ચાલીએ.’ બાઇબલના શિક્ષણને વળગી રહીએ. ‘જૂઠાણાના બાપની’ સામે થઈએ.—૩ યોહાન ૩, ૪, ૮.
યહોવાહના જાની દુશ્મનનો વિરોધ કરો
૧૨, ૧૩. જેઓ સત્ય છોડી ગયા છે, તેઓ વિષે આપણને કેવું લાગવું જોઈએ?
૧૨ જે દૂત શેતાન બન્યો એ પહેલાં સત્યમાં હતો. ઈસુએ કહ્યું: “તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ.” (યોહાન ૮:૪૪) યહોવાહનો આ સૌથી પહેલો દુશ્મન, શેતાન છે. તે ‘સત્યના પરમેશ્વર’ યહોવાહનો સતત વિરોધ કરતો રહે છે. પહેલી સદીના અમુક ભાઈ-બહેનો સત્યમાંથી ભટકી ગયા અને “શેતાનના ફાંદામાં ફસાયા.” એ કારણે પાઊલે એ સમયે તીમોથીને અરજ કરી કે ભાઈબહેનોને નમ્રતાથી સમજાવે. જેથી તેઓ ફરીથી પરમેશ્વરની સેવા કરવાનું શરૂ કરે અને શેતાનના ફાંદામાંથી છૂટે. (૨ તીમોથી ૨:૨૩-૨૬) એ સૌથી સારું છે કે આપણે કદીયે શેતાનના ફાંદામાં ન ફસાઈએ. એને બદલે, સત્યને જ વળગી રહીએ.
૧૩ આદમ અને હવા શેતાનની સામે ન થયા, પણ તેનું સાંભળ્યું. તેઓએ યહોવાહથી મોં ફેરવી લીધું. તો પછી, જેઓએ સત્યનો માર્ગ છોડી દીધો છે અને યહોવાહ વિષે જૂઠી વાતો ફેલાવે છે, તેઓનાં પુસ્તકો શું આપણે વાંચવાં જોઈએ? ઇંટરનેટ પર તેઓની વેબસાઈટમાં શોધખોળ કરવી જોઈએ? આપણે પરમેશ્વરને ચાહતા હોઈશું, સત્યને ચાહતા હોઈશું તો, એમ ક્યારેય નહિ કરીએ. સત્ય છોડી ગએલાને આપણા ઘરમાંય પેસવા દેવા ન જોઈએ. તેઓ સાથે હાથ પણ નહીં મિલાવીએ. આ રીતે આપણે તેઓના ‘દુષ્ટ કામોના ભાગીદાર’ નહીં થઈએ. (૨ યોહાન ૯-૧૧) આપણે ક્યારેય શેતાનના ફાંદામાં આવીને ‘સત્યના માર્ગમાંથી’ ભટકી ન જઈએ. જૂઠા ઉપદેશકોની પાછળ ન જઈએ, જેઓ “જૂઠા સિદ્ધાંતો” શીખવે છે અને ‘બનાવટી વાતો જણાવીને આપણો લાભ ઉઠાવવાની’ કોશિશ કરે છે.—૨ પીતર ૨:૧-૩, પ્રેમસંદેશ.
૧૪, ૧૫. પાઊલે એફેસસના વડીલોને શું સલાહ આપી? તીમોથીને શું સલાહ આપી?
૧૪ પાઊલે એફેસસના વડીલોને કહ્યું: “તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે [ઈસુએ] પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રૂર વરૂઓ તમારામાં દાખલ થશે; અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮-૩૦) સમય જતા, ખરેખર આવા લોકો ઊભા થયા અને ‘અવળી વાતો બોલવા લાગ્યા.’
૧૫ લગભગ ૬૫ની સાલમાં પાઊલે તીમોથીને ‘સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવવાની’ અરજ કરી. પાઊલે લખ્યું: “અધર્મી અને મૂર્ખ ચર્ચાઓથી દૂર રહે, કારણ, એવા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે. તેમનું શિક્ષણ સડાની માફક ફેલાતું જાય છે. એમાંના બે શિક્ષકો હુમનાયસ અને ફિલેતસ છે. તેઓએ સત્યનો માર્ગ ત્યજી દીધો છે અને આપણે મરણમાંથી સજીવન થઈ ચૂક્યા છીએ, તેવું શીખવીને કેટલાક વિશ્વાસીઓના વિશ્વાસને ડગાવી રહ્યાં છે.” ખરેખર, સત્યનો વિરોધ શરૂ થઈ ગયો હતો! પાઊલે આગળ લખ્યું: “પરંતુ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શક્યા નથી.”—બીજો તિમોથી ૨:૧૫-૧૯, કોમન લેંગ્વેજ.
૧૬. શેતાનની ઘણી ચાલાકીઓ છતાંયે, આપણે શા માટે યહોવાહનાં શિક્ષણને વળગી રહીએ છીએ?
૧૬ શેતાને ઘણી વાર સાચી ભક્તિમાં ભેળસેળ કરવાની કોશિશ કરી છે. પણ તેની મહેનત પાણીમાં ગઈ છે. ૧૮૬૮માં ચાર્લ્સ ટેઝ રસેલે ચર્ચની સદીઓ જૂની માન્યતાઓની તપાસ શરૂ કરી. તેમને જોવા મળ્યું કે ચર્ચોમાં બાઇબલની ખોટી સમજણ આપવામાં આવે છે. અમેરિકામાં પેન્સીલ્વેનિયાના પીટ્સબર્ગ શહેરમાં રસેલ અને સત્ય શોધતા અમુક બીજા લોકો સાથે મળીને બાઇબલનું સત્ય શીખવા લાગ્યા. ત્યારથી આ છેલ્લાં ૧૪૦ વર્ષોમાં યહોવાહના ભક્તોએ બાઇબલમાંથી તેમનું ઘણું જ્ઞાન લીધું છે. યહોવાહના પ્રેમનો અનુભવ કર્યો છે. ભલે શેતાન ઘણી ચાલાકીઓ વાપરે, તોપણ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરની શ્રદ્ધા ડગમગી નથી. તેઓએ આપણને પણ યહોવાહ અને તેમના શિક્ષણને વળગી રહેવા મદદ કરી છે.—માત્થી ૨૪:૪૫.
શેતાનની મુઠ્ઠીમાં ન આવો
૧૭-૧૯. શેતાનની સત્તામાં આખું જગત કેવું છે? આપણે શા માટે એ જગતની મોહમાયામાં પડવું ન જોઈએ?
૧૭ શેતાન બીજી એક રીતે પણ આપણને તેની ચાલાકીમાં ફસાવવાની કોશિશ કરે છે. તે આપણને આ દુનિયાના લોકો સાથે હળી-ભળી જવા લલચાવે છે, જેઓ યહોવાહમાં માનતા નથી. ઈસુએ શેતાનને “આ જગતનો અધિકારી” કહ્યો. વળી કહ્યું કે “તેને મારા પર કંઈ સત્તા નથી.” (યોહાન ૧૪:૩૦, IBSI) આપણે પણ ક્યારેય શેતાનની મુઠ્ઠીમાં ન આવીએ! આપણે જાણીએ છીએ કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) તેથી શેતાને ઈસુને “જગતના સઘળાં રાજ્ય” આપવાની ઑફર કરી. એના બદલામાં ઈસુએ એક જ વાર યહોવાહને બદલે શેતાનની ભક્તિ કરવાની હતી. ઈસુએ શેતાનની આ ઑફરને ઘસીને ના પાડી દીધી. (માત્થી ૪:૮-૧૦) આ શેતાનની દુનિયા ખ્રિસ્તના શિષ્યોને નફરત કરે છે. (યોહાન ૧૫:૧૮-૨૧) એટલા જ માટે ઈશ્વરભક્ત યોહાને આપણને આ જગત પર પ્રેમ નહિ રાખવાની સલાહ આપી!
૧૮ યોહાને લખ્યું: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૫-૧૭) આપણે આ દુનિયાનો મોહ ન રાખીએ. કેમ કે, એક તો એ આપણને મન ફાવે એમ કરવા લલચાવે છે. બીજું કે યહોવાહે આપેલા શિક્ષણથી એ તદ્દન વિરુદ્ધમાં છે.
૧૯ પરંતુ, આપણને દુનિયાનો મોહ હોય તો શું કરી શકીએ? એમ હોય તો આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે તે આવી કમજોરીઓ પર કાબૂ મેળવવા મદદ કરે. (ગલાતી ૫:૧૬-૨૧) આપણે ધ્યાનમાં રાખીએ કે આ ‘જગતના અધિકારીઓ’ પર સત્તા ચલાવનારા તો દુષ્ટ બનેલા દૂતો છે. એમ કરવાથી આપણે ‘દુનિયાની અશુદ્ધતાથી પોતાને અલગ રાખવાની’ પૂરી કોશિશ કરીશું.—યાકોબ ૧:૨૭, પ્રેમસંદેશ; એફેસી ૬:૧૧, ૧૨, પ્રેમસંદેશ; ૨ કોરીંથી ૪:૪.
૨૦. શા માટે આપણે આ “જગતના” નથી?
૨૦ ઈસુએ પોતાના શિષ્યો વિષે કહ્યું: “હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહાન ૧૭:૧૬) અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેમના સાથીઓ આ જગતથી એકદમ અલગ રહે છે. તેઓ સારા સંસ્કાર જાળવવા અને શુદ્ધ ભક્તિ કરવાની કોશિશ કરે છે. (યોહાન ૧૫:૧૯; ૧૭:૧૪; યાકૂબ ૪:૪) આપણે જગતમાં હળી-મળી જતા નથી અને ‘ન્યાયીપણાનો ઉપદેશ’ કરીએ છીએ, એટલે આ જગત આપણને ધિક્કારે છે. (૨ પીતર ૨:૫) આપણે એવા સમાજમાં રહીએ છીએ જેમાં વ્યભિચારીઓ, પૈસા પડાવનારા, મૂર્તિપૂજકો, ચોરો, જુઠાઓ અને દારૂડિયાઓ રહે છે. (૧ કોરીંથી ૫:૯-૧૧; ૬:૯-૧૧; પ્રકટીકરણ ૨૧:૮) પરંતુ, આપણે આ ‘જગતની’ અસર આપણા પર પડવા દેતા નથી. એ તો આપણને યહોવાહની નજરમાં જે ખોટું છે, એ કરવા ઉત્તેજન આપે છે.—૧ કોરીંથી ૨:૧૨.
શેતાનને મોકો ન આપો
૨૧, ૨૨. એફેસી ૪:૨૬, ૨૭માં પાઊલે આપેલી સલાહ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?
૨૧ આપણે ‘જગતના’ માર્ગે ચાલવાને બદલે યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિના માર્ગે ચાલીએ છીએ. યહોવાહ આપણામાં પ્રેમ અને સંયમ જેવા ગુણો કેળવવા મદદ કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) શેતાન આપણા વિશ્વાસને તોડી પાડવાની કોશિશ કરે છે ત્યારે, એવા ગુણો આપણને મજબૂત રહેવા મદદ કરે છે. શેતાન ચાહે છે કે આપણે ‘ખીજવાઈ જઈએ, ખોટા કામ’ કરીએ. પણ યહોવાહ આપણને મદદ કરે છે, જેથી આપણે ‘રોષને છોડીએ ને કોપનો ત્યાગ કરીએ.’ (ગીતશાસ્ત્ર ૩૭:૮) ખરું કે કોઈ વાર આપણો ગુસ્સો યોગ્ય હોય. પણ ઈશ્વર ભક્ત પાઊલ સલાહ આપે છે: “તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો પાપમાં દોરી જાય એવું ન થવા દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો. શેતાનને તક ન આપો.”—એફેસી ૪:૨૬, ૨૭, પ્રેમસંદેશ.
૨૨ આપણે કોઈનાથી ગુસ્સે જ રહીશું તો પાપ કરી બેસીશું. કઈ રીતે? આપણા ગુસ્સે રહેવાથી શેતાનને મંડળમાં સંપ તોડવા અને આપણી પાસેથી ખોટા કામ કરાવવાનો મોકો મળશે. તેથી કોઈની જોડે બોલાચાલી થઈ હોય તો, આપણે પરમેશ્વરે બતાવેલી રીત પ્રમાણે મનમેળ કરી લેવો જોઈએ. (લેવીય ૧૯:૧૭, ૧૮; માત્થી ૫:૨૩, ૨૪; ૧૮:૧૫, ૧૬) તેથી ચાલો આપણે પરમેશ્વરે બતાવેલા માર્ગે ચાલીએ. સંયમ રાખીએ અને એટલો પણ ગુસ્સો ન કરીએ કે આપણે વ્યક્તિને નફરત કરવા લાગીએ.
૨૩. આપણે હવે પછીના લેખમાં કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૨૩ આ લેખમાં આપણે જોયું કે કઈ કઈ રીતે આપણે શેતાન જેવા ન બનવું જોઈએ. પરંતુ, અમુક લોકોને સવાલ થઈ શકે: શું શેતાનથી ડરવું જોઈએ? તે શા માટે સાચા ભક્તો પર સતાવણી લાવે છે? આપણે બધા શેતાનની ચાલાકીઓથી કઈ રીતે બચી શકીએ? (w06 1/15)
[ફુટનોટ]
^ નવેમ્બર ૧૫, ૨૦૦૫, ચોકીબુરજમાં “ઈશ્વર અને આપણો દુશ્મન કોણ છે?” વિષે શરૂઆતના લેખો જુઓ.
તમે શું જવાબ આપશો?
• આપણે શા માટે કોઈના વિષે ખોટી અફવા ન ફેલાવવી જોઈએ?
• ૧ યોહાન ૩:૧૫ પ્રમાણે, આપણે કઈ રીતે ખૂની ન બનીએ?
• સત્ય છોડી ગયા છે તેઓ વિષે આપણને કેવું લાગવું જોઈએ? શા માટે?
• આપણે શા માટે જગતની મોહમાયામાં પડવું ન જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૭ પર ચિત્ર]
શેતાનને કદીયે આપણી એકતા તોડવા નહિ દઈએ
[પાન ૮ પર ચિત્ર]
શા માટે યોહાને સલાહ આપી કે આ જગતના મોહમાં ન પડો?