શું તમે લાગાની એઉના વૃક્ષ જેવા છો?
શું તમે લાગાની એઉના વૃક્ષ જેવા છો?
પાપુઆ ન્યુ ગીનીના પૉર્ટ મોર્જબી શહેરની બહાર, એક ગામડાંમાં યહોવાહના બે સાક્ષીઓ પ્રચાર કરીને ચાલતા ચાલતા પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એક સુંદર વૃક્ષ તેઓની નજરે પડ્યું. બેમાંથી મોટી ઉંમરના ભાઈ તરત બોલી ઊઠ્યા: “વાહ, લાગાની એઉના!” પછી બીજા યુવાન ભાઈ તરફ ફરીને તેમણે કહ્યું: “આ વૃક્ષના નામનો અર્થ થાય, ‘વાર્ષિક વૃક્ષ.’ વધારે ગરમી હોય એવા વિસ્તારોમાં મળી આવતા વૃક્ષોથી લાગાની એઉના બહુ અલગ છે. દર વર્ષે ઉનાળામાં એના બધા ફૂલ-પાન ખરી પડે છે. આપણને એવું જ લાગે કે આ વૃક્ષ હવે સૂકાઈ ગયું. પણ ચોમાસું આવે ત્યારે તે પાછું હર્યું ભર્યું થઈ જાય છે. એના પર ફૂલો ખીલી ઊઠે છે અને ફરીથી સુંદર ઘટાદાર બની જાય છે.”
લાગાની એઉનાથી આપણને એક સરસ પાઠ શીખવા મળે છે. અમુક નિષ્ણાતોનું કહેવું છે કે આ વૃક્ષ દુનિયાના સૌથી સુંદર પાંચ વૃક્ષોમાંનું એક છે. ખરું કે ઉનાળામાં એના બધાં ફૂલ-પાન ખરી પડે છે, તોપણ વૃક્ષ ખાસું એવું પાણી સંઘરી રાખે છે. એના મૂળિયા ખૂબ મજબૂત હોય છે અને જમીનમાં ઊંડે ખડકોની આસપાસ પણ એ ફેલાતા જાય છે. એનાથી વૃક્ષના મૂળિયાને મજબૂત પકડ મળે છે. તેથી ગમે એવો તોફાની પવન ફૂંકાય તોપણ વૃક્ષને કાંઈ થતું નથી. થોડા શબ્દોમાં કહીએ તો, લાગાની એઉના ગમે એવી પરિસ્થિતિમાં ઊગશે, અડીખમ રહેશે. પછી ભલે એ ભારે તોફાન હોય કે ખડકાળ જમીન હોય.
આપણે પણ જીવનમાં એવા તોફાનનો સામનો કરવો પડી શકે. ત્યારે આપણી શ્રદ્ધાની ખરી કસોટી થાય છે. એવી કસોટીઓમાં પણ આપણને જીવનમાં અડીખમ ઊભા રહેવા શું મદદ કરી શકે? લાગાની એઉના વૃક્ષ જેમ પાણી સંઘરી રાખે છે તેમ આપણે પરમેશ્વરનું વચન, બાઇબલનું જીવન આપતું પાણી સતત લેતા રહેવું જોઈએ. એની સલાહ અને માર્ગદર્શન હૃદયમાં સંઘરી રાખવા જોઈએ. સાથે સાથે ‘આપણા ખડક’ યહોવાહ અને તેમની સંસ્થાને મજબૂતીથી વળગી રહેવું જોઈએ. (૨ શમૂએલ ૨૨:૩) ખરેખર, લાગાની એઉના નામનું આ સુંદર વૃક્ષ આપણને સરસ બોધ આપે છે. જો આપણે યહોવાહ તરફથી મળતી દરેક મદદનો પૂરો ફાયદો ઉઠાવીશું તો, ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણે તેમની ભક્તિમાં અડીખમ રહીશું. જીવનમાં ભલે તડકો-છાંયો આવે, આ સુંદર વૃક્ષની જેમ આપણે કદી ઈશ્વરભક્તિમાં ડગમગીશું નહિ. આમ કરીશું તો, આપણે યહોવાહના “વચનોના વારસ” બનીશું. જેમ કે, તેમણે એક વચન આપ્યું છે, કે આપણે સુંદર ધરતી પર સદા માટે જીવી શકીશું!—હેબ્રી ૬:૧૨; પ્રકટીકરણ ૨૧:૪. (w06 2/1)