વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
ગીતશાસ્ત્ર ૧૦૨:૨૬ કહે છે કે પૃથ્વી અને આકાશ “નાશ પામશે.” શું એનો અર્થ એમ થાય કે પૃથ્વી ખતમ થઈ જશે?
ગીતશાસ્ત્રના એક કવિએ યહોવાહને પ્રાર્થનામાં કહ્યું, “પૂર્વે તેં પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે, પણ તું ટકી રહેશે; વસ્ત્રની પેઠે તેઓ સર્વ જીર્ણ [જૂનાં] થઈ જશે, લૂગડાંની પેઠે તું તેઓને બદલશે, અને તેઓ બદલાઈ જશે.” (ગીતશાસ્ત્ર ૧૦૨:૨૫, ૨૬) હવે આસપાસની કલમો પણ જુઓ. એના પરથી કવિ શું એવું કહે છે કે પૃથ્વીનો નાશ થશે? ના. અહીં પૃથ્વીના નાશ વિષે નહિ, પણ યહોવાહ કાયમ ટકશે એ વિષે જણાવ્યું છે. આ જાણીને આપણા દિલને કેટલી શાંતિ થાય છે!
એવું લાગે છે કે કવિ બાબેલોનની ગુલામીમાં હતો ત્યારે તેણે આ કવિતા લખી હતી. ત્યાં તે કકળતા હૈયે પોતાની દુઃખી હાલત વિષે લખવાનું શરૂ કરે છે. તે કહે છે કે પોતાનું જીવન તો “ધુમાડાની જેમ” છે. તેનું આખું શરીર ચિંતાથી જાણે પીડાતું હતું. તેના હાડકાં જાણે ‘અગ્નિથી બળતા હતા.’ તે ‘કચડાઈ ગએલા ઘાસની’ જેમ જાણે કરમાઈ ગયો હતો. ‘છાપરે બેઠેલી એકલવાયી ચકલીની જેમ’ તે એકલો પડી ગયો હતો. પોતાની કસોટીને લીધે કવિની ભૂખ પણ મરી ગઈ હતી. રાત-દિવસ તેનાં આંસુ ખૂટતાં ન હતાં. (ગીતશાસ્ત્ર ૧૦૨:૩-૧૧, IBSI) આવી હાલતમાં પણ તેણે યહોવાહમાંથી શ્રદ્ધા ગુમાવી નહિ. શા માટે? કારણ કે ખુદ યહોવાહે સિયોન કે યરૂશાલેમ માટે વચન આપ્યું હતું.
ખરું કે સિયોનનો નાશ કરવામાં આવ્યો હતો, પણ યહોવાહે વચન આપ્યું હતું સિયોન ફરીથી બંધાશે. (યશાયાહ ૬૬:૮) કવિ પૂરી શ્રદ્ધાથી યહોવાહને કહે છે કે ‘તું સિયોન પર દયા કરશે; તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય આવ્યો છે. કેમ કે તું સિયોનને બાંધશે.’ (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૩, ૧૬) પછી કવિ ફરીથી પોતાની હાલતનો વિચાર કરે છે. તે જાણે છે કે જો યહોવાહ યરૂશાલેમને ફરી બાંધી શકે, તો તે ચોક્કસ દાઊદને ગુલામીમાંથી બહાર કાઢી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭, ૨૦, ૨૩) એક બીજા કારણના લીધે પણ કવિ યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખે છે. એ શું છે? એ જ કે યહોવાહની કોઈ શરૂઆત નથી કે તેમનો અંત નથી. તે હંમેશાં ટકી રહેશે.
યહોવાહની સામે કવિની જિંદગી તો કંઈ જ ન કહેવાય. કવિ યહોવાહને કહે છે કે “ઓ ઈશ્વર, તમે સદા સર્વકાળ જીવંત છો.” (ગીતશાસ્ત્ર ૧૦૨:૨૪, IBSI) તે કહે છે કે ‘યુગો પહેલાં તેં પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તારા હાથનું કામ છે.’—ગીતશાસ્ત્ર ૧૦૨:૨૫.
યુગો પહેલાં યહોવાહે પૃથ્વી અને આકાશો રચ્યા. પરંતુ યહોવાહ તો એના ઘણા સમય પહેલાથી છે. એટલે કવિ કહે છે કે પૃથ્વી અને આકાશો “નાશ પામશે, પણ તું ટકી રહેશે.” (ગીતશાસ્ત્ર ૧૦૨:૨૬) પૃથ્વી અને આકાશનો નાશ થઈ શકે છે. પણ યહોવાહે જણાવ્યું છે કે એમ કદીયે નહિ થાય. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૦; સભાશિક્ષક ૧:૪) જો યહોવાહ ધારે તો પૃથ્વી અને આકાશોનો નાશ કરી શકે છે. પણ એક વાત ચોક્કસ કે યહોવાહ કાયમ ટકશે. એટલે સૃષ્ટિ પણ ‘સદાકાળ’ માટે ટકી રહેશે, કારણ કે યહોવાહ એનું ધ્યાન રાખે છે. (ગીતશાસ્ત્ર ૧૪૮:૬) જો યહોવાહ આ સૃષ્ટિનું ધ્યાન ન રાખે, તો એ પણ ‘કપડાંની જેમ જૂની થઈ જશે.’ (ગીતશાસ્ત્ર ૧૦૨:૨૬) માણસનાં કપડાં જૂનાં થઈ જાય તો તેણે એ બદલવા પડે. આ બતાવે છે કે માણસનું આયુષ્ય તેનાં કપડાંથી વધારે લાંબું હોય છે. એ જ રીતે, આકાશ અને પૃથ્વી પણ જૂના થઈને નાશ થઈ શકે છે. જ્યારે કે યહોવાહ તો કાયમ માટે રહેશે. બાઇબલ એ પણ ખાતરી આપે છે કે પૃથ્વી અને આકાશનો કદીયે નાશ થાય, એવું યહોવાહ ઇચ્છતા નથી.—ગીતશાસ્ત્ર ૧૦૪:૫.
યહોવાહ હંમેશ માટે રહેશે. તે પોતાનાં બધાં જ વચનો પૂરાં કરશે. આ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે. આપણે ગમે એવા દુઃખોમાં યહોવાહને પોકાર કરીએ, તે ચોક્કસ આપણી ‘પ્રાર્થના સાંભળશે.’ (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૭) ખરેખર, ગીતશાસ્ત્ર ૧૦૨ એની ગેરંટી આપે છે.