સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારા ઈશ્વરનો સાથ કદીયે નહિ છોડું

મારા ઈશ્વરનો સાથ કદીયે નહિ છોડું

મારો અનુભવ

મારા ઈશ્વરનો સાથ કદીયે નહિ છોડું

કોન્સ્ટન્સ બેનાન્ટીના જણાવ્યા પ્રમાણે

બધું જાણે એક-બે પલમાં બની ગયું! અમારી ૨૨ મહિનાની દીકરી કામિલીને અચાનક એવો તાવ ચડ્યો કે ઊતરવાનું નામ જ ન લે. છએક દિવસમાં તો એ અમને રડતા મૂકીને ચાલી ગઈ. મારા માથે જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો! મારે હવે શું કામ જીવવું? મને થયું કે ‘હે ઈશ્વર, આવું કેમ થયું?’

મારાં મમ્મી-પપ્પા ઇટાલીના સિસિલી ટાપુ પર રહેતા હતા. શહેરનું નામ કાસ્ટલામારે દેલ ગોલ્ફો હતું. પછી તેઓ ન્યૂ યૉર્ક રહેવા ગયા. ડિસેમ્બર ૮, ૧૯૦૮માં મારો જન્મ થયો. અમારા કુટુંબમાં મારાં માબાપ અને અમે કુલ ૮ બાળકો હતાં. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો. *

મારા પપ્પા સાન્ટો કાટાન્સારોએ ૧૯૨૭માં બાઇબલ વિદ્યાર્થીઓ એટલે કે યહોવાહના સાક્ષીઓ સાથે મળવાનું શરૂ કર્યું. જોવાની ડે ચેકા નામના ઇટાલીના એક ભાઈ હતા. તે ન્યૂ યોર્ક બ્રૂકલિનના બેથેલમાં હતા. યહોવાહના સાક્ષીઓની બ્રાંચ બેથેલ કહેવાય છે. અમે ન્યૂ જર્સી રહેતા હતા, જ્યાં મિટિંગ રાખવામાં આવતી. સમય જતાં, મારા પપ્પાએ પ્રચાર કાર્ય શરૂ કર્યું. તેમણે પાયોનિયર કાર્ય કર્યું. મારા પપ્પા ૧૯૫૩માં ગુજરી ગયા ત્યાં સુધી એ કામ કરતા રહ્યા.

મારી મમ્મી યુવાનીમાં નન બનવા માગતી હતી. પરંતુ, તેનાં માબાપે રજા આપી નહિ. હું મારી મમ્મીની જેમ, પપ્પા સાથે બાઇબલ વિષે શીખવા બેસતી નહિ. પણ મેં મારા પપ્પાનો સ્વભાવ બદલાતો જોયો. તે શાંત અને નમ્ર બનતા ગયા. એના લીધે અમારા કુટુંબમાં વધારે શાંતિ રહેતી હતી. મને એ ગમતું.

એ વખતે હું મારી જ ઉંમરના ચાર્લ્સને મળી. તેમનો જન્મ બ્રૂકલિનમાં જ થયો હતો. તેમનું કુટુંબ પણ અમારી જેમ સિસિલીથી આવ્યું હતું. અમે સગાઈ કરી લીધી. મારા પપ્પા ૧૯૩૧માં યહોવાહના સાક્ષીઓના સંમેલનમાં કોલંબસ, ઓહાયો ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી અમે લગ્‍ન કર્યા. એકાદ વર્ષમાં તો અમારી દીકરી કામિલી અમારા જીવનમાં આવી. તે આવી અને ચાલી ગઈ! તેના મરણથી મારા જીવનના ટૂકડે-ટૂકડા થઈ ગયા. ચાર્લ્સનું દિલ પણ મારી જેમ જ ભાંગી ગયું હતું. એક દિવસે તેમણે રડતા રડતા મને કહ્યું કે “ચાલ, આપણે એકબીજાને દિલાસો આપીને, એકબીજાને સહારે જીવી જઈએ.”

બાઇબલમાંથી સત્ય શીખ્યા

મારી દીકરીની દફનવિધિ વખતે મારા પપ્પાએ સજીવન થવા વિષે વાત કરી હતી. ચાર્લ્સે મને એ યાદ કરાવ્યું. મેં પૂછ્યું, ‘શું તમે એમાં માનો છો?’

તેમણે કહ્યું, ‘હા. ચાલ આપણે શોધી કાઢીએ કે બાઇબલ એના વિષે શું કહે છે.’

એ રાત્રે મને ઊંઘ ન આવી. સવારે છ વાગે, મારા પપ્પા નોકરીએ જાય એ પહેલાં, હું તેમના ઘરે પહોંચી ગઈ. પપ્પાને મેં કહ્યું, ‘હું અને ચાર્લ્સ બાઇબલ વિષે શીખવા માંગીએ છીએ.’ મારા પપ્પા તો એટલા ખુશ થઈ ગયા કે મને ભેટી પડ્યા. મારી મમ્મી હજુ ઊઠી ન હતી, પણ સૂતા સૂતા તેણે અમારી વાત સાંભળી. તેણે મને પૂછ્યું કે ‘શું થયું?’ મેં કહ્યું, ‘કંઈ નહિ, મેં અને ચાર્લ્સે બાઇબલ વિષે શીખવાનું નક્કી કર્યું છે.’

મમ્મીએ કહ્યું, “આપણે બધાએ એમ કરવાની જરૂર છે.” આમ, અમે બંને, મારાં મમ્મી-પપ્પા અને મારા ભાઈબહેનો બધા મળીને ૧૧ જણાએ કુટુંબ તરીકે બાઇબલનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું.

એનાથી મારા દિલને ટાઢક વળી. ધીમે ધીમે મારા મનને શાંતિ મળી. એનાથી મને આશાનું કિરણ દેખાયું. એકાદ વર્ષ પછી ૧૯૩૫માં મેં અને ચાર્લ્સે બીજાઓને બાઇબલમાંથી શીખવવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી ૧૯૩૭માં, બ્રૂકલિનમાં બાપ્તિસ્માની ટૉક સાંભળી, જે બાઇબલ પરથી હતી. એમાં સમજાવવામાં આવ્યું કે શા માટે બાપ્તિસ્મા લેવું જોઈએ. પછી, અમે નજીકની હૉટલના સ્વીમીંગ પૂલમાં બાપ્તિસ્મા લીધું. અમારી સાથે બીજા ભાઈબહેનો પણ હતા. હું મારી દીકરીને ફરીથી જોવા માંગતી હતી, એટલે જ કંઈ મેં આ પગલું ભર્યું ન હતું. પરંતુ, હવે હું મારા પરમેશ્વરને જાણતી હતી. તેમને માનતી હતી. તેમના પર એટલો પ્રેમ હતો કે હું તેમની જ ભક્તિ કરવા ચાહતી હતી.

પાયોનિયર કામ કરવું

હું બાઇબલમાંથી જે શીખતી, એ બીજાને પણ જણાવવાનું મને બહુ ગમતું. એ સમયે ઘણા લોકો બાઇબલનો સંદેશો સાંભળતા, માનતા અને બીજાઓને પણ શીખવતા. (માત્થી ૯:૩૭) ચાર્લ્સ અને હું ૧૯૪૧માં પાયોનિયર એટલે યહોવાહના સાક્ષીઓ જેને પૂરા સમયના સેવકો કહે છે, એ બન્યા. થોડા સમય પછી, અમે સહેલાઈથી એકથી બીજી જગ્યાએ લઈ જવાય એવું વાહન સાથેનું ઘર [મોબાઇલ ઘર] લાવ્યા. ચાર્લ્સે પેન્ટની ફેક્ટરીનો અમારો ધંધો મારા નાના ભાઈ ફ્રેન્કને સોંપી દીધો. એ સમયે અમને સંસ્થા પાસેથી પત્ર મળ્યો. એ જણાવતો હતો કે અમને સ્પેશિયલ પાયોનિયર બનાવવામાં આવ્યા છે. અમને બહુ જ ખુશી થઈ. શરૂઆતમાં અમે ન્યૂ જર્સીમાં પ્રચાર કર્યો. પછી અમને ન્યૂ યૉર્ક મોકલવામાં આવ્યા.

અમે ૧૯૪૬માં બાલ્ટીમોર, મેરીલૅન્ડ સંમેલનમાં ગયા. ત્યાં અમને કહેવામાં આવ્યું કે યહોવાહના સાક્ષીઓની સોસાયટી પાસેથી આવેલા ભાઈઓને મળો. અમે નાથાન એચ. નોર અને મિલ્ટન જી. હેન્સેલને મળ્યા. તેઓએ અમારી સાથે મિશનરિ કાર્ય વિષે વાત કરી. ખાસ ઇટાલીમાં પ્રચાર કાર્ય વિષે જણાવ્યું. તેઓએ અમને પૂછ્યું કે ‘અમને ગિલયડ સ્કૂલમાં જવાનું ગમશે કે કેમ?’

ભાઈઓએ અમને કહ્યું કે “વિચાર કરીને અમને જણાવજો.” અમે ઑફિસમાંથી બહાર આવ્યા. મેં અને ચાર્લ્સે એકબીજા સામે જોયું. અમે એકબીજાની નજરનો ભાવ વાંચી લીધો. પાછા ઑફિસમાં ગયા. અમે કહ્યું, “અમે વિચારી લીધું. અમે ગિલયડમાં જવા તૈયાર છીએ.” દસ દિવસ પછી, અમે ગિલયડના સાતમા ક્લાસમાં ગયા.

મહિનાઓની એ ટ્રેનિંગ અમે કદી નહિ ભૂલીએ. પરદેશમાં મુશ્કેલીઓ કઈ રીતે સહેવી, એ માટે અમારા શિક્ષકો અમને તૈયાર કરતા હતા. તેઓના પ્રેમ અને ધીરજ કદીયે ભૂલાય નહિ. અમે જુલાઈ ૧૯૪૬માં ગ્રેજ્યુએટ થયા. પછી અમે થોડો સમય ન્યૂ યોર્ક શહેરમાં પ્રચાર કર્યો. ત્યાં ઇટાલી દેશના ઘણા લોકો રહેતા હતા. જૂન ૨૫, ૧૯૪૭માં અમે મિશનરિ તરીકે ઇટાલી જવા નીકળ્યા. એ દિવસ અમારા માટે ખાસ દિવસ હતો!

મિશનરિ સેવામાં લાગી પડ્યા

જે વહાણ પહેલા લશ્કરો વાપરતા હતા, એમાં અમે મુસાફરી કરી. દરિયામાં ૧૪ દિવસની સફર પછી, અમે ઇટાલીના જનોવાહ બંદરે પહોંચ્યા. બે વર્ષ પહેલાં બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું હતું. છતાં એની છાપ હજુયે રહી ગઈ હતી. દાખલા તરીકે, બોમ્બમારાને લીધે ટ્રેન સ્ટેશનની કોઈ બારીને હજુ સુધી કાચ ન હતા. ત્યાંથી અમે ટ્રેનમાં મિલાન ગયા. મિલાનમાં બ્રાન્ચ ઑફિસ અને મિશનરી ઘર હતા.

ઇટાલીમાં યુદ્ધ પછી બહુ જ ખરાબ હાલત હતી. સમારકામ ચાલી રહ્યું હતું. ગરીબી વધતી જતી હતી. ત્યાં હું બહુ બીમાર થઈ ગઈ. એક ડૉક્ટરે કહ્યું કે મારા હૃદયની હાલત એટલી ખરાબ છે કે હું અમેરિકા પાછી જતી રહું તો સારું. ડૉક્ટરની વાત મેં ધ્યાન પર ન લીધી તો સારું થયું. આજે ૫૮ વર્ષો પછી પણ હું ઇટાલીમાં પ્રચાર કરું છું!

ઇટાલીમાં આવ્યાને અમને ફક્ત થોડો જ સમય થયો હતો અને અમેરિકામાં રહેતા મારા નાના ભાઈએ મને કાર આપવાનું કહ્યું. ચાર્લ્સે ધીમે રહીને તેને ના પાડી દીધી. હું પણ તેમના નિર્ણયને વળગી રહી. એ સમયે અમને ખબર હતી ત્યાં સુધી ઇટાલીમાં કોઈ ભાઈબહેનો પાસે કાર ન હતી. ચાર્લ્સને લાગ્યું કે અમારે બીજા ભાઈબહેનોની જેમ રહેવું જોઈએ. વર્ષો પછી, છેક ૧૯૬૧માં અમે કાર ખરીદી.

અમારો પહેલો કિંગ્ડમ હૉલ મિલાનમાં હતો. એ પણ ભોંયરામાં. નીચેની જમીન માટીની. ટોઈલેટ પણ ન હતું. પાણીની તો કોઈ સગવડ નહિ, બસ વરસાદ પડે ત્યારે હૉલમાં ભરાઈ રહે એ જ પાણી! અરે, ઉંદરો પણ દોડાદોડ કરતા. મિટિંગમાં બે બલ્બનું અજવાળું રહેતું. તેમ છતાં, લોકો આવતા. એનાથી અમારી હોંશ વધી જતી. પછીથી તેઓ પણ અમારી સાથે પ્રચારમાં આવવા લાગ્યા.

મિશનરિ અનુભવો

પીસ—કેન ઈટ લાસ્ટ? વિષય પરની પુસ્તિકા એક માણસને અમે આપી. એટલામાં તેની પત્ની શાન્ટીના બજારમાંથી ભારે થેલી ઊંચકીને આવી. તે ચિડાયેલી હતી. તેણે કહ્યું કે આઠ દીકરીઓની સંભાળ રાખવાની હોય તો તેની પાસે સમય ક્યાંથી હોય? હું બીજી વાર શાન્ટીનાને મળવા ગઈ. તેનો પતિ ઘરે ન હતો. તે ગૂંથી રહી હતી. તેણે કહ્યું કે “મારી પાસે સમય નથી. મને વાંચતા-લખતા આવડતું નથી.”

મેં મનમાં યહોવાહને પ્રાર્થના કરી. પછી મેં શાન્ટીનાને પૂછ્યું કે તે મારા પતિ માટે સ્વેટર બનાવી શકશે? હું એના પૈસા આપી દઈશ. બે અઠવાડિયા પછી, હું સ્વેટર લેવા ગઈ. ત્યાં સુધીમાં મેં શાન્ટીના સાથે “ધ ટ્રુથ શેલ મેક યુ ફ્રી” પુસ્તકમાંથી વાતચીત શરૂ કરી દીધી હતી. શાન્ટીના લખતા-વાંચતા શીખી. તેના પતિના વિરોધ છતાં, તેણે બાપ્તિસ્મા લીધું. તેની પાંચ દીકરીઓએ પણ બાપ્તિસ્મા લીધું. શાન્ટીનાએ બીજા ઘણા લોકોને પણ બાઇબલનું સત્ય શીખવા મદદ કરી.

માર્ચ ૧૯૫૧માં બે મિશનરિ બહેનો સાથે અમને બ્રેઝિયા મોકલવામાં આવ્યા. ત્યાં કોઈ યહોવાહના સાક્ષીઓ ન હતા. અમારી સાથે આવેલી બે મિશનરિ બહેનો રૂથ કેનન * અને લોઈસ કાલેહેન હતી. અમુક સમય પછી લોઈસ કાલેહેને બીલ વેનગર્ટ સાથે લગ્‍ન કર્યા. અમને ફર્નિચર સાથે એક ઘર મળ્યું. પરંતુ, બે મહિનામાં જ મકાન-માલિકે કહ્યું કે ચોવીસ કલાકમાં ઘર ખાલી કરો. ત્યાં બીજા કોઈ યહોવાહના સાક્ષીઓ ન હતા. આખરે અમારે લગભગ બે મહિના હૉટલમાં રહેવું પડ્યું.

અમારો ખોરાક બહુ સાદો હતો. આખા દિવસમાં અમે ફક્ત કૉફી, થોડો નાસ્તો, બ્રેડ, ચીઝ અને ફળ ખાતા. એવી હાલતમાં પણ અમે ખુશ હતા. સમય જતાં, અમને નાનું ઘર મળ્યું. એને અમે કિંગ્ડમ હૉલ તરીકે પણ વાપરતા હતા. ત્યાં ૧૯૫૨માં મેમોરિયલ વખતે ૩૫ જણ ભેગા થયા હતા.

મુશ્કેલીઓ આવી

એ સમયે કૅથલિક પાદરીઓ હજુ પણ લોકોને દાબમાં રાખતા હતા. અમે બ્રેઝિયામાં પ્રચાર કરતા ત્યારે, પાદરીઓએ કેટલાક છોકરાઓને ઉશ્કેર્યા કે અમને પથ્થરો મારે. સમય જતાં ત્યાં ૧૬ જણા બાઇબલમાંથી શીખવા લાગ્યા. થોડા જ સમયમાં તેઓ પણ યહોવાહના સાક્ષી બન્યા. તેઓમાંનો એક અમારા પર પથ્થર ફેંકનાર છોકરો હતો! તે હવે બ્રેઝિયાના મંડળમાં વડીલ છે. અમે ૧૯૫૫માં બ્રેઝિયા છોડ્યું ત્યારે, મંડળમાં ૪૦ પ્રકાશકો હતા.

પછી અમે ત્રણ વર્ષ લેગહૉનમાં (લીવરોનોમાં) રહ્યા. અહીં મોટા ભાગે બહેનો યહોવાહની સાક્ષીઓ હતી. એટલે મંડળમાં જે કામ ભાઈઓ કરે, એ ઘણી વાર બહેનોએ કરવું પડતું. ત્યાર પછી અમે જનોવાહ ગયા, જ્યાં અમે ૧૧ વર્ષો પહેલાં શરૂઆત કરી હતી. હવે ત્યાં એક મંડળ હતું. અમારા એપાર્ટમેન્ટના પહેલા માળે કિંગ્ડમ હૉલ હતો.

અમે જનોવાહ પહોંચ્યા કે તરત જ મેં એક સ્ત્રીને બાઇબલમાંથી શીખવવાનું શરૂ કર્યું. તેના પતિ પહેલા બૉક્સર અને બૉક્સિંગ જીમના મેનેજર હતા. એ સ્ત્રીએ ઝડપથી પ્રગતિ કરી. બાપ્તિસ્મા લીધું. તેના પતિએ તેનો ઘણો વિરોધ કર્યો. પછી તેમણે પણ પોતાની પત્ની સાથે હૉલ સુધી જવાનું નક્કી કર્યું. તે હૉલમાં આવતા નહિ, પણ બહાર બેસીને સાંભળતા. અમે જનોવાહ છોડ્યું પછી, સાંભળવા મળ્યું કે તેમણે બાઇબલ સ્ટડી શરૂ કરી છે. આખરે, તેમણે બાપ્તિસ્મા લીધું. તે એક વડીલ બન્યા. તે પોતાના મરણ સુધી યહોવાહની સેવા કરતા રહ્યા.

મેં બીજી એક સ્ત્રીને બાઇબલ શીખવવાનું શરૂ કર્યું. એની સગાઈ એક પોલીસ સાથે થઈ હતી. શરૂઆતમાં, તેણે કંઈક રસ બતાવ્યો. પરંતુ, લગ્‍ન પછી તે બદલાઈ ગયો. તે પોલીસે પત્નીનો ઘણો વિરોધ કર્યો. એટલે પત્નીએ બાઇબલ શીખવાનું બંધ કર્યું. પછીથી પત્નીએ ફરી બાઇબલ શીખવાનું શરૂ કર્યું. તેના પતિએ ધમકી આપી કે તે અમારા બંને પર ગોળી ચલાવશે. તોપણ તેની પત્નીએ પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું. તેના પતિએ અમારા પર ગોળી ચલાવી ન હતી. વર્ષો પછી, જનોવાહના એક સંમેલનમાં કોઈકે પાછળથી આવીને મારી આંખો દાબી. મને પૂછ્યું કે હું જાણું છું કે તે કોણ છે? તેણે મારી આંખો પરથી હાથ ખસેડ્યા અને મેં જોયું કે એ તો પેલો પતિ છે! મારી આંખો છલકાઈ ગઈ. તે મને ભેટી પડ્યા. પછી મને કહ્યું કે આજે જ તેણે બાપ્તિસ્મા લીધું છે!

મને ૧૯૬૪થી ૧૯૭૨ સુધી, ચાર્લ્સ સાથે જુદાં જુદાં મંડળને મળવાનો આશીર્વાદ મળ્યો. અમે ઇટાલીના ઉત્તરના ભાગે પીડમોન્ટ, લામબર્ડી અને લિબ્યુરીયા ગયા હતા. પછી અમે ફ્લોરેન્સ અને વેર્ચેલીમાં પાયોનિયરીંગ કર્યું. વેર્ચેલીમાં ૧૯૭૭માં ફક્ત એક જ મંડળ હતું. અમે ૧૯૯૯માં ત્યાંથી પાછા ફર્યા ત્યારે ત્રણ મંડળો હતાં. એ વર્ષે હું ૯૧ વર્ષની થઈ હતી. અમે રોમના મિશનરિ ઘરમાં ગયા. એ સુંદર અને શાંત જગ્યા હતી.

બીજો એક દુઃખી પ્રસંગ

માર્ચ ૨૦૦૨માં, ચાર્લ્સ અચાનક બીમાર પડી ગયા. તેમની તબિયત મોટા ભાગે સારી રહેતી હતી. હવે તેમની તબિયત ધીરે ધીરે બગડતી જતી હતી. આખરે મે ૧૧, ૨૦૦૨ના દિવસે તે પણ મને છોડી ગયા. જીવનની સફરનાં ૭૧ વર્ષો અમે સુખમાં ને દુઃખમાં સાથે જ હતા. તેમના મરણથી મારું દિલ સૂનું સૂનું થઈ ગયું. મને તેમની બહુ જ યાદ આવે છે.

મારા મનની આંખોથી હું ચાર્લ્સને સૂટ-બૂટ અને હેટ પહેરેલા જોઉં છું. તે ૧૯૩૦ના જમાનાની હેટ પહેરતા. હું તેમને મરક મરક હસતા જોઉં છું. અરે, તેમના હસવાનો અવાજ પણ મને સંભળાય છે. આવા સમયે યહોવાહ માટેનો પ્રેમ મને બહુ જ હિંમત આપે છે. ભાઈબહેનોની લાગણી મને દરેક સંજોગ સહન કરવા મદદ કરે છે. હું મારા ચાર્લ્સને ફરી ક્યારે મળું, એની કાગના ડોળે રાહ જોઉં છું.

યહોવાહની ભક્તિ કરતા રહેવું

યહોવાહની ભક્તિ કરતા રહેવું, એ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. વર્ષોથી મેં ‘અનુભવ કર્યો છે અને જોયું છે કે યહોવાહ બહુ જ સારા છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૮) મેં તેમના પ્રેમનો અનુભવ કર્યો છે. તેમણે મારી સંભાળ લીધી છે. અમે અમારી લાડલી દીકરી ગુમાવી. પણ યહોવાહે ઇટાલીનાં મંડળોમાં ઘણા દીકરા-દીકરીઓ આપ્યા છે. એના લીધે મને અને ખાસ તો યહોવાહને કેટલો બધો આનંદ થાય છે.

મને યહોવાહ વિષે બીજાઓને જણાવવામાં ઘણો જ આનંદ થાય છે. હું લોકોને પ્રચાર કરવાનું અને બાઇબલમાંથી શીખવવાનું ચાલું રાખું છું. મને દુઃખ થાય છે કે મારી તબિયતને લીધે યહોવાહની સેવામાં હું વધારે કરી શકતી નથી. પરંતુ મને ખબર છે કે યહોવાહ મારી શક્તિ જાણે છે. હું જે કંઈ કરી શકું છું, એ યહોવાહને બહુ જ ગમે છે. (માર્ક ૧૨:૪૨) ગીતશાસ્ત્ર ૧૪૬:૨ (IBSI) પ્રમાણે હું જીવવા ચાહું છું: ‘હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી યહોવાહની સ્તુતિ કરીશ, હા, મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તેમની સ્તુતિનાં ગીત ગાઈશ.’ *

[ફુટનોટ્‌સ]

^ મારા નાના ભાઈ એન્જોલો કાટાન્ટાસારોનો અનુભવ એપ્રિલ ૧, ૧૯૭૫ વોચટાવરના પાન ૨૦૫-૭ પર છે.

^ તેમનો અનુભવ મે ૧, ૧૯૭૧, વોચટાવર પાન ૨૭૭-૮૦ પર છે.

^ આ લેખ તૈયાર થઈ રહ્યો હતો ત્યારે, બેનાન્ટી બહેન જુલાઈ ૧૬, ૨૦૦૫ના દિવસે ગુજરી ગયા. તે ૯૬ વર્ષના હતા.

[પાન ૧૩ પર ચિત્ર]

કામિલી

[પાન ૧૪ પર ચિત્ર]

૧૯૩૧માં અમારો લગ્‍ન દિવસ

[પાન ૧૪ પર ચિત્ર]

પહેલા તો મમ્મીએ ના પાડી, પછી કહ્યું કે અમારે બધાએ બાઇબલમાંથી શીખવું જોઈએ

[પાન ૧૫ પર ચિત્ર]

૧૯૪૬માં ગિલયડ ગ્રેજ્યુએશન વખતે ભાઈ નોર સાથે

[પાન ૧૭ પર ચિત્ર]

ચાર્લ્સ ગુજરી ગયા એના થોડા દિવસો પહેલાં