નવી ફેક્ટરીથી યહોવાહના ભક્તોમાં દેખાતો પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધા
નવી ફેક્ટરીથી યહોવાહના ભક્તોમાં દેખાતો પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધા
અમેરિકા, ન્યૂ યૉર્કના વૉલકીલ શહેરમાં વૉચટાવર ફાર્મ બેથેલ છે. મે ૧૬, ૨૦૦૫ની સવારે ત્યાંનું હવામાન સારું હતું. આછો તડકો હતો. વહેલી સવારે વરસાદ પડ્યો હતો. એના લીધે રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતાં. સરસ કાપેલું લીલું ઘાસ પોચા પોચા ગાલીચા જેવું લાગતું હતું. તળાવમાં બતક અને તેનાં આઠ બચ્ચાં શાંતિથી તરતાં હતાં. એ દિવસે બેથેલમાં ઘણા મહેમાનો આવ્યા હતા. તેઓ આવું સુંદર વાતાવરણ જોઈને દંગ રહી ગયા. મહેમાનો એકબીજા સાથે ધીમેથી વાતો કરતા હતા. સવારમાં બેથેલની બહારનું વાતાવરણ બહુ જ શાંત હતું.
આ બધા મહેમાનો યહોવાહના સાક્ષીઓ હતા. તેઓ ૪૮ દેશોમાંથી આવ્યા હતા. પરંતુ તેઓ કંઈ બેથેલનાં ફૂલ કે ઘાસ જોવા આવ્યા ન હતા. તેઓ લાલ ઈંટોથી બનેલા આ નવા મોટા મકાનમાં કેવી રીતે કામ ચાલે છે, એ જોવા આવ્યા હતા. એટલે કે વૉલકીલમાં વૉચટાવર ફાર્મ બેથલની નવી ફેક્ટરી જોવા આવ્યા હતા. જોકે, ફેક્ટરીની અંદરનું વાતાવરણ બહારની જેમ શાંત ન હતું. તોપણ, ફેક્ટરીની અંદરનો માહોલ જોઈને તેઓ છક થઈ ગયા.
ભાઈ-બહેનો ફેક્ટરીની ટૂર લેવા છેક ઉપરના માળે ગયા. ત્યાંથી તેઓએ નીચેની મશિનરી જોઈ. જ્યાં મોટી મોટી પાંચ પ્રિન્ટિંગ પ્રેસ છે. નીચેનો ફલોર એકદમ ચોખ્ખો અને લાંબો છે. એટલો લાંબો કે એમાંથી નવ ફૂટબોલ મેદાન બની શકે. ફેક્ટરીમાં બાઇબલો, પુસ્તકો અને મૅગેઝિનનું છાપકામ થાય છે. એક મોટા પેપર રોલનું વજન ૧,૭૦૦ કિલોગ્રામ છે. સ્પીડમાં જતા ટ્રકના ટાયરની જેમ, આ મોટા પેપર રોલ પ્રેસમાં ફરે છે. એક પેપર રોલની લંબાઈ ૨૩ કિલોમીટર છે. એક રોલ એક પ્રેસમાં ૨૫ મિનિટ ચાલે છે. એ વખતે પ્રેસ પેપર પર શાહી લગાડે છે. એના પછી, શાહી સૂકવે છે જેથી એ કાગળની ગડી વાળી શકાય. પછી, મેગેઝિનો તૈયાર થઈને કન્વેયર બેલ્ટ પરથી સીધા બૉક્સમાં પેક થઈ જાય છે. એને પછી મંડળોમાં મોકલી આપવામાં
આવે છે. બીજી પ્રેસો પુસ્તકોના ભાગ છાપે છે. પછી એ છપાયેલાં ભાગો ધીમે ધીમે સ્ટોર રૂમમાં જમા થાય છે. આ સ્ટોર રૂમની ઊંચાઈ છેક ફલોરથી છત સુધી છે. ત્યાંથી પુસ્તક બાંધવાના મશીનમાં જાય છે. આ બધું કૉમ્પ્યુટર દ્વારા થતું હોય છે.પ્રિન્ટિંગ પ્રેસમાંથી નીકળીને ભાઈ-બહેનો બાઇન્ડિંગ વિભાગમાં ગયા. અહીં મશીનો પાકાં પૂઠાંનાં પુસ્તકો અને ડિલક્ષ બાઇબલો તૈયાર કરે છે. એ મશીનો એક દિવસમાં લગભગ ૫૦,૦૦૦ પુસ્તકો બાંધે છે. પહેલા તો, પુસ્તકના છપાયેલા જુદા જુદા ભાગો એક કરવામાં આવે છે. પછી એને વ્યવસ્થિત રીતે બાંધવામાં આવે છે. છેલ્લે પુસ્તકની ત્રણેવ બાજુઓને એકસરખી કાપવામાં આવે છે. પછી, એ પુસ્તકો પર એનું પૂઠું લગાવવામાં આવે છે. આમ, તૈયાર થયેલાં પુસ્તકોને બૉક્સમાં ભરવામાં આવે છે. મશીન બૉક્સને બંધ કરે છે, લેબલ લગાડે છે. દરેક બૉક્સને નાના પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે. અહીં કાચાં પૂઠાંનાં પુસ્તકો પણ બંધાઈ છે. દરરોજ આશરે ૧,૦૦,૦૦૦ પુસ્તકો તૈયાર થઈને બૉક્સમાં પેક થાય છે. આ મશીન નાના મોટા ઘણા ભાગોનું બનેલું છે. જેમ કે, અનેક મોટર, કન્વેયર બેલ્ટ, ગિયરો, નાનાં-મોટાં ચક્રો-પૈડાં અને પટ્ટાઓ વગેરે. આ બધાં સાધનો એક સાથે કામ કરીને બાઇબલ સાહિત્યો ઝડપથી છાપે છે.
ફેક્ટરીમાં પાંચ નવી પ્રિન્ટિંગ પ્રેસ અને બીજાં મશીનો સારી ઘડિયાળની જેમ ઝડપથી ચાલે છે. એ મશીનો એકદમ નવી ટૅક્નોલૉજીના છે. આ લેખમાં આપણે ફેક્ટરી વિષે જ નહિ, પણ ભાઈ-બહેનો કેવી રીતે યહોવાહના માર્ગમાં ચાલે છે, તેઓનો પ્રેમ, ને શ્રદ્ધા વિષે પણ જોઈશું. શા માટે ફેક્ટરીને બ્રુકલિન, ન્યૂ યૉર્કથી વૉલકીલમાં ખસેડવામાં આવી?
છાપકામ અને શિપિંગ એક જગ્યાએ હોવાથી સહેલાઈથી સાહિત્યો છાપી શકાય. સહેલાઈથી બીજાં મંડળો અને દેશોને મોકલી શકાય. વર્ષોથી પુસ્તકો બ્રુકલિનમાં છાપીને બીજાં મંડળો અને દેશોમાં મોકલાતાં હતાં. જ્યારે કે મૅગેઝિન વૉલકીલમાં છપાતાં હતાં. પણ હવે બધું ભેગું વૉલકીલમાં હશે તો ઓછા લોકોએ ફેક્ટરીમાં કામ કરવું પડશે. ભાઈ-બહેનોનાં દાનનો બીજે ક્યાંક સારો ઉપયોગ થઈ શકશે. બીજું કે બ્રુકલિન ફેક્ટરીમાં પ્રેસો ઘણી જૂની થઈ ગઈ હતી. એના લીધે બે નવી પ્રેસની જરૂર હતી, જે જર્મનીથી ખરીદી છે. આ બંને પ્રેસનું નામ મૉન રોલાંદ લીથોમૉન છે. એ બે પ્રેસો એટલી મોટી છે કે બ્રુકલિનની ફેક્ટરીની અંદર આવે એમ ન હતી.
કામ પર યહોવાહનો આશીર્વાદ
સાહિત્ય છાપવાનું કારણ લોકોને યહોવાહના રાજ્ય વિષે શીખવવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે છાપકામની શરૂઆતથી જ યહોવાહનો આશીર્વાદ છે. વર્ષ ૧૮૭૯થી ૧૯૨૨ સુધી બધાં પુસ્તકો બહારની એક કંપની છાપતી હતી. પણ ૧૯૨૨માં બ્રુકલિનના ૧૮ કોનકોર્દ રસ્તા પર છ માળનું મકાન ભાડે રાખવામાં આવ્યું. પછી, છાપકામ માટે બેથેલના ભાઈઓએ મશીનો ખરીદ્યાં. એ વખતે અમુક બહારના લોકો વિચારતા કે ભાઈઓમાં પુસ્તકો છાપવાની આવડત નથી.
આપણાં પુસ્તકો છાપનાર કંપનીના પ્રેસિડન્ટ એવું જ કંઈક વિચારતા હતા. તે કોનકોર્દ ફેક્ટરીમાં આવ્યા ત્યારે તેમણે ભાઈઓને કહ્યું: ‘તમારા લોકો પાસે સારી ફેક્ટરી તો છે, પણ છાપકામની કોઈનામાં આવડત નથી. છ મહિનામાં આ ફેક્ટરી બંધ થઈ જશે. પછી તમે છાપકામ કરાવવા અમારી કંપનીમાં જ પાછા આવશો.’
એ સમયે ફેક્ટરીના ઓવરસીયર રૉબર્ટ માર્ટિન હતા. તેમણે એના વિષે કહ્યું, ‘પ્રેસિડન્ટ તેમની રીતે સાચા હોય શકે. પણ તે ભૂલી ગયા કે યહોવાહ હંમેશાં આપણી સાથે છે. થોડા જ સમયમાં અમે પુસ્તકો છાપતા થયા.’ ત્યારથી લઈને ૮૦ વર્ષોમાં યહોવાહના સાક્ષીઓએ પોતાના પ્રિન્ટિંગ પ્રેસમાં કરોડોના કરોડો સાહિત્યો છાપ્યાં છે.
ધ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાએ ઑક્ટોબર ૫, ૨૦૦૨માં એન્યુઅલ મિટિંગ રાખી હતી. એમાં ગવર્નિંગ બૉડીએ રજા આપી કે બ્રુકલિનની ફેક્ટરીને વૉલકીલમાં ખસેડવામાં આવે. બે નવી પ્રિન્ટિંગ
પ્રેસનો ઑર્ડર આપવામાં આવ્યો, જે ફેબ્રુઆરી ૨૦૦૪માં આવવાની હતી. વૉલકીલમાં નવી પ્રિન્ટિંગ પ્રેસો માટે મકાનની જરૂર હતી. તેથી, બેથેલના ભાઈઓએ પંદર મહિનામાં એક નવા મકાનની ડિઝાઈન કરીને એને બાંધવાનું હતું. પછી નવ મહિનામાં બાઇન્ડિંગ અને શિપિંગનાં નવાં મશીન બેસાડવાનાં હતાં. આ સાંભળ્યું ત્યારે અમુક લોકોને લાગ્યું કે આ બધું સમયસર નહિ થશે. બહુ જ થોડો સમય હતો. પણ બેથેલના ભાઈઓ જાણતા હતા કે યહોવાહના આશીર્વાદથી આ કામ જરૂર થશે.“એકરાગે કામ કર્યું”
બેથેલના ભાઈઓ જાણતા હતા કે યહોવાહના ભક્તો રાજીખુશીથી કામ ઉપાડી લેશે. એના લીધે તેઓએ આ કામ શરૂ કર્યું. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) ફક્ત બેથેલના બાંધકામ ડિપાર્ટમેન્ટથી આ કામ પૂરું થવાનું ન હતું. તેથી બેથેલના ભાઈઓએ ગોઠવણ કરી કે બાંધકામની આવડત હોય એવા ભાઈ-બહેનો અમેરિકા અને કૅનેડાથી એક અઠવાડિયાથી ત્રણ મહિના સુધી સંજોગો પ્રમાણે બેથેલમાં સેવા આપી શકે. એક હજારથી વધારે ભાઈ-બહેનો પોતાના સમયનો ભોગ આપીને આવ્યા. ઈંટરનેશનલ બાંધકામ કરનારા પણ આવ્યા. રિજનલ બિલ્ડિંગ કમિટીએ પણ મદદ કરી.
વૉલકીલના બાંધકામમાં મદદ માટે આવ્યા હતા, તેઓએ ત્યાં સુધી મુસાફરી કરવા ઘણા પૈસા ખર્ચ્યા. તેઓએ નોકરીમાંથી રજા લીધી. ખુશી ખુશી આ ભોગ આપ્યો. આ ભાઈ-બહેનો માટે બેથેલમાં રહેવાની અને ખાવા માટેની ગોઠવણ કરવામાં આવી. આ રીતે, બેથેલમાં ફૂલ ટાઈમ કામ કરનારા ભાઈબહેનોને તેઓ મદદ કરી શકે. આમ કરવાથી બેથેલના ભાઈબહેનો પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઈ શક્યા. પેટરસન, વૉલકીલ અને બ્રુકલિનથી બેથેલના ૫૩૫ ભાઈ-બહેનોએ પોતાના ડિપાર્ટમેન્ટમાં આખું અઠવાડિયું કામ કર્યું. પછી, શનિવારે આ પ્રોજેક્ટમાં મદદ કરી. ખરેખર આ પ્રોજેક્ટમાં ભાઈ-બહેનોએ સખત મહેનત કરી. એ બતાવે છે કે યહોવાહનો આશીર્વાદ તેઓ પર હતો.
વૉલકીલમાં મદદ આપવા આવી ન શક્યા તેઓ વિષે શું? તેઓએ બાંધકામ માટે દાન આપ્યું હતું. દાખલા તરીકે, બેથેલમાં એક પત્ર મળ્યો જે આબ્બી નામની નવ વર્ષની છોકરીએ લખ્યો. આબ્બીએ જણાવ્યું કે ‘બેથેલના કામની હું ખૂબ જ કદર કરું છું. ખાસ કરીને જે પુસ્તકો તમે છાપો છો એની. એક દિવસે હું કદાચ ત્યાં આવીશ. મારા પપ્પાએ કહ્યું કે આવતા વર્ષે અમે આવીશું! એ વખતે તમે મને ઓળખો માટે હું બેજ કાર્ડ પહેરીશ. અત્યારે હું તમને નવી પ્રિન્ટિંગ પ્રેસો માટે વીસ ડૉલર આપું છું. મારા પપ્પાએ આ પૈસા મને મનગમતી વસ્તુઓ ખરીદવા આપ્યા હતા. પણ મારી ઇચ્છા એ તમને આપવાની છે.’
બીજી બહેને લખ્યું કે ‘મેં મારા હાથે ટોપીઓ ગૂંથી છે. વૉલકીલ બાંધકામમાં મદદ કરે છે, તેઓને ટોપી આપવાની મારી ઇચ્છા છે. હવામાન વિષે એક પુસ્તક જણાવે છે કે શિયાળામાં બહુ જ ઠંડી હશે. એ ખરું છે કે નહિ મને નથી ખબર. પણ મને ખબર છે કે મોટે ભાગે બાંધકામ બહાર જ હશે. હું ચાહું છું કે બાંધકામ કરતા ભાઈ-બહેનોના માથા
ગરમ રહે. એટલે મેં ટોપીઓ ગૂંથી છે. મારામાં બાંધકામની કોઈ આવડત નથી. તેથી હું જે કરી શકું છું એનાથી મદદ કરવાનું મેં વિચાર્યું.’ આ બહેને ૧૦૬ ટોપીઓ બેથેલને મોકલી હતી.ફેક્ટરીનું બાંધકામ સમયસર પૂરું થયું. ફેક્ટરીના ઓવરસીયર જોન લાર્સનભાઈએ કહ્યું કે ‘બાંધકામમાં બધાએ એકરાગે કામ કર્યું છે. ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહનો આશીર્વાદ આ પ્રોજેક્ટ પર હતો. આ પ્રોજેક્ટનું કામ બહુ જલદીથી થયું. મને હજી યાદ છે કે મે ૨૦૦૩માં ભાઈઓ ફેક્ટરીમાં પાયો નાંખતા હતા ત્યારે હું કાદવમાં ઊભો હતો. અરે, હજુ એક વર્ષ પણ થયું નથી. હું એજ જગ્યાએ ઊભો છું અને પ્રિન્ટિંગ પ્રેસો ચાલે છે.’
ડેડીકેશન કાર્યક્રમ
મે ૧૬, ૨૦૦૫માં નવી ફેક્ટરી અને રહેવાનાં બીજાં ત્રણ મકાનો માટે ડેડીકેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વૉલકીલ બેથેલમાં હતો. તેથી પૅટરસન, બ્રુકલિન અને કૅનેડા બેથેલના ભાઈ-બહેનો એ કાર્યક્રમ સૅટેલાઈટ દ્વારા ટેલિવિઝન પર જોઈ શક્યા. આ ચાર જગ્યાઓમાં કુલ ૬,૦૪૯ ભાઈ બહેનોએ કાર્યક્રમનો આનંદ માણ્યો. ગવર્નિગ બોડીના ભાઈ થીઓડોર જારસ કાર્યક્રમના ચેરમેન હતા. તેમણે સાહિત્ય છાપકામનો ઇતિહાસ જણાવ્યો. બ્રાંચ કમિટીના ભાઈઓ જોન લાર્સન અને જ્હોન કીકોટે વૉલકીલના બાંધકામ અને અમેરિકાના છાપકામ વિષે વાત કરી હતી. તેઓએ આ ભાગમાં ઇન્ટર્વ્યૂં લીધા. ફિલ્મ બતાવી. છેલ્લી ટૉક ગવર્નિગ બોડીના ભાઈ જોન બારે આપી હતી. તેમણે નવી ફેક્ટરી અને રહેવા માટેનાં ત્રણ મકાનોના ડેડીકેશનમાં ખરેખર યહોવાહનો હાથ છે એ વિષે કહ્યું.
એ પછીના અઠવાડિયામાં પૅટરસન અને બ્રુકલિન બેથેલના ભાઈબહેનોને વૉલકીલની ફેક્ટરીની ટુર લેવાની તક આપવામાં આવી. એ સમયે ૫,૯૨૦ જણાએ ત્યાંની મુલાકાત લીધી.
આપણે ફેક્ટરીને કઈ રીતે જોવી જોઈએ?
ભાઈ જોન બારે ડેડીકેશનની ટૉકમાં કહ્યું કે ‘ખરું કે નવી પ્રિન્ટિગ પ્રેસો સરસ છે. પણ પ્રેસ મહત્ત્વની
બાબત નથી. આપણે જે સાહિત્ય છાપીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. એ લોકોના જીવનને અસર કરે છે.’નવી પ્રેસો એકાદ કલાકમાં ૧૦,૦૦,૦૦૦ ટ્રૅક્ટ છાપી શકે છે. જોકે એક ટ્રૅક્ટથી પણ વ્યક્તિનું જીવન સુધરી શકે છે. દાખલા તરીકે, ૧૯૨૧માં દક્ષિણ આફ્રિકામાં અમુક માણસો રેલવેની લાઈનો પર કામ કરતા હતા. એમાં ખ્રિસ્ટ્રીઆન નામના માણસે કામ કરતા જોયું કે રેલવે લાઈન નીચે એક કાગળ હતું. એ કાગળ આપણી ટ્રૅક્ટ હતી. ખ્રિસ્ટ્રીઆને એ ટ્રૅક્ટ તરત જ વાંચી. પછી દોડીને પોતાના જમાઈને મળવા ગયા. ખ્રિસ્ટ્રીઆને તેને કહ્યું કે ‘આજે મને સાચો ધર્મ મળ્યો છે!’ થોડા સમય પછી તેઓએ સાચા ધર્મ વિષે વધારે જાણવા દક્ષિણ આફ્રિકાની બ્રાંચને પત્ર લખ્યો. બ્રાંચે તેઓને બાઇબલ વિષે વધારે સાહિત્ય મોકલ્યું. બંને સ્ટડી કરીને બાપ્તિસ્મા પામ્યા. પછી તેઓ બીજાઓને પરમેશ્વર વિષેનું સત્ય શીખવવા લાગ્યા. એનાથી બીજા ઘણા લોકો પરમેશ્વરના માર્ગમાં ચાલવા લાગ્યા. લગભગ ૧૯૯૦ની શરૂઆત સુધીમાં તેઓએ એકસોથી વધારે લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરી. ખ્રિસ્ટ્રીઆન ભાઈએ ૧૯૨૧માં રેલવે લાઈન નીચેની એક ટ્રૅક્ટ વાંચી એનાથી કેટલા લાભો થયા!
ભાઈ બારે કહ્યું કે જે સાહિત્ય આપણે છાપીએ છીએ, એનાથી લોકોને યહોવાહનો માર્ગ જાણવા મળે છે. તેઓ એ માર્ગમાં કાયમ ચાલતા રહી શકે છે. એનાથી તેઓ તન-મનથી ભક્તિ કરે છે અને ભાઈ-બહેનો સાથે સંપીને રહે છે. સૌથી મહત્ત્વનું એ છે કે આપણે જે સાહિત્ય લોકોને આપીએ છીએ, એનાથી યહોવાહનું નામ રોશન થાય છે.
ફેક્ટરી વિષે યહોવાહને કેવું લાગતું હશે?
ભાઈ બારે ભાઈબહેનોને પૂછ્યું કે યહોવાહને ફેક્ટરી વિષે કેવું લાગતું હશે. યહોવાહ કંઈ ફેક્ટરી પર આધાર નથી રાખતા. તેમના કહેવાથી પથ્થર પણ રાજ્યનો સંદેશો આપી શકે. (લુક ૧૯:૪૦) ફેક્ટરીમાં જે મોટાં મોટાં મશીનો છે અને જે ઝડપથી છપાય છે, એ યહોવાહ માટે કંઈ નવાઈની વાત નથી. તે આખા વિશ્વના માલિક છે. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૦, ૧૧) છાપકામમાં આગળ વધવા માટેની બધી જ માહિતી તેમની પાસે છે. માણસોને તો એની કલ્પના પણ નથી. તો પછી, યહોવાહ શું જુએ છે જે તેમના માટે મૂલ્યવાન છે? યહોવાહ આ ફેક્ટરીમાં એ જુએ છે કે પોતાના લોકો તેમના માર્ગમાં ચાલે છે, તેમનામાં શ્રદ્ધા રાખે છે, તેમને પ્રેમ કરે છે.
ભાઈ બારે પ્રેમ વિષેનો એક દાખલો આપ્યો. એક નાની છોકરી તેનાં માબાપ માટે કેક બનાવે છે. એ જોઈને માબાપ રાજીના રેડ થઈ જાય છે. પછી ભલેને કેક થોડી બળી ગઈ હોય, પણ માબાપ જુએ છે કે બાળકે કેટલા પ્રેમથી એ બનાવી છે. એ જ રીતે, યહોવાહ આ ફેક્ટરી જુએ છે ત્યારે મકાન અને મશીનો કરતાં, તેમના પરના આપણા પ્રેમને તે મહત્ત્વ આપે છે.—હેબ્રી ૬:૧૦.
નુહે વહાણ બનાવ્યું એમાં યહોવાહે તેમની શ્રદ્ધા જોઈ. એવી જ રીતે, આજે આ ફેક્ટરીથી તે જોઈ શકે છે કે આપણને તેમનામાં પૂરેપૂરી શ્રદ્ધા છે. નુહને શ્રદ્ધા હતી કે યહોવાહનાં વચનો જરૂર પૂરાં થશે. આપણને શ્રદ્ધા છે કે આપણે જગતના અંતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. તેથી રાજ્યના સુસમાચાર બહુ મૂલ્યવાન છે. લોકો એના વિષે સાંભળે એ જરૂરી છે. બાઇબલના સંદેશાથી જ લોકોનું જીવન બચી શકે છે.—રૂમી ૧૦:૧૩, ૧૪.
આપણે જાણીએ છીએ કે યહોવાહે આજ્ઞા આપી છે કે આખી દુનિયાના લોકોને રાજ્યનો સંદેશો જણાવો. (માત્થી ૨૪:૧૪) આ ફેક્ટરી બતાવે છે કે આપણે યહોવાહના માર્ગમાં ચાલીએ છીએ. આ અને બીજા દેશોની ફેક્ટરી યહોવાહનો સંદેશો ફેલાવવામાં મદદ કરે છે.
જે રીતે દાન ભેગા થયાં, બાંધકામ પૂરું થયું અને જે રીતે બેથેલમાં કામ થાય છે એ બતાવે છે કે યહોવાહના લોકો એકરાગે કામ કરે છે. એ જ રીતે, આખી દુનિયામાં યહોવાહના ભક્તો એકરાગથી નેકદિલ લોકોને પ્રચાર કરે છે.
[પાન ૧૧ પર બોક્સ/ચિત્રો]
અમેરિકામાં પ્રિટિંગ કેવી રીતે આગળ વધ્યું?
૧૯૨૦: પહેલાં રોટરી પ્રેસથી, ૩૫ મર્ટલ એવન્યુ, બ્રુકલિનમાં મૅગેઝિન છાપવામાં આવતાં.
૧૯૨૨: ફેક્ટરીને ૧૮ કોનકોર્દ સ્ટ્રીટમાં છ માળના મકાનમાં ખસેડવામાં આવી. અહીં પુસ્તકો પણ છપાવાં લાગ્યાં.
૧૯૨૭: ૧૧૭ આડમ સ્ટ્રીટના નવા મકાનમાં ફેક્ટરી ખસેડવામાં આવી.
૧૯૪૯: ૧૧૭ આડમ સ્ટ્રીટના મકાન પર નવ માળ બાંધવામાં આવ્યા જેથી છાપવા માટે વધારે જગ્યા હોય.
૧૯૫૬: ૭૭ સ્ટેન્ડ સ્ટ્રીટમાં નવું મકાન બાંધવામાં આવ્યું ત્યારે, આડમ સ્ટ્રીટની ફેક્ટરી હતી એનાથી બમણી થઈ.
૧૯૬૭: દસ માળનું મકાન બાંધવામાં આવ્યું, જેથી ફેક્ટરી દસ ગણી મોટી થઈ શકે. વળી લોકોએ બહાર ન જવું પડે માટે તેઓએ એકથી બીજી બિલ્ડિગમાં જઈ શકાય એવો રસ્તો બનાવ્યો.
૧૯૭૩: વૉલકીલમાં ફક્ત મૅગેઝિન છાપવાં માટે ફેક્ટરી બાંધવામાં આવી.
૨૦૦૪: વૉલકીલ શહેરમાં જ પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ અને શિપિંગનાં મશીનો બેસાડવામાં આવ્યાં.