“તમો સર્વે એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો”
“તમો સર્વે એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો”
વર્ષ ૨૦૦૪માં જાપાનમાં ભયંકર તોફાનો, પૂર અને ધરતીકંપ જેવી કુદરતી આફતો આવી પડી હતી. એનાથી લોકોને ખૂબ સહેવું પડ્યું. આ આફતોમાંથી યહોવાહના સાક્ષીઓ કંઈ બાકાત ન હતા. (સભાશિક્ષક ૯:૧૧) આવી આફતો હોવા છતાં, તેઓએ એકબીજાને પ્રેમ બતાવવાની તક ઝડપી લીધી.—૧ પીતર ૧:૨૨.
દાખલા તરીકે, જુલાઈમાં ભારે વરસાદને લીધે મધ્ય જાપાનની નદીના બંને કિનારે પૂર આવ્યું. એ પૂરથી યહોવાહના સાક્ષીઓના ૨૦ કરતાં વધારે ઘરોને નુકસાન થયું. એક કિંગ્ડમ હૉલમાં તો ત્રણ ફૂટ જેટલી ઊંચાઈએ પાણી ધસી આવ્યું. તરત જ આસપાસના મંડળના સાક્ષી ભાઈબહેનો મદદે દોડી આવ્યા. અનેક ભાઈબહેનોએ ઘરોમાંથી કાદવ-કીચડ બહાર કાઢીને સફાઈ કરી. કિંગ્ડમ હૉલમાં પણ સાફસફાઈ કરીને બે અઠવાડિયામાં તો સમારકામ કરી દીધું.
ઑક્ટોબર ૨૩ના રોજ પૂર આવ્યું હતું એ જ વિસ્તારમાં મોટો ધરતીકંપ (૬.૮ રિક્ટર સ્કેલ) થયો. લગભગ ૪૦ લોકોએ પોતાના જીવન ગુમાવ્યા. એક લાખથી વધારે લોકોને ઘરબાર છોડીને બીજે જવું પડ્યું. પાણી, ગેસ અને વીજળી પણ મળતા ન હતા. ધરતીકંપ થયો હતો ત્યાંથી સમારકામ કરેલો કિંગ્ડમ હૉલ પચાસેક કિલોમીટર દૂર હતો, તોપણ એને કંઈ નુકસાન થયું ન હતું. આથી, તરત જ ત્યાંથી લોકોને મદદ કરી શકે એવું રાહત કેન્દ્ર બનાવવામાં આવ્યું. દેખરેખ રાખતા સાક્ષી ભાઈઓએ તરત જ તપાસ કરી જોઈ કે ભાઈબહેનોને કંઈ નુકસાન તો થયું નથી ને? તેઓને એ જાણીને રાહત થઈ કે એક પણ ભાઈ કે બહેનને જાનહાનિ થઈ ન હતી. બીજા દિવસે સવારે, જુલાઈમાં પૂરથી અસર પામેલા છ ભાઈઓ આ વિસ્તારમાં પાણી અને ખોરાક વહેંચવા લાગ્યા. ધરતીકંપના થોડા જ કલાકોમાં, ખોરાક, કપડાં અને જરૂરી વસ્તુઓ વહેંચવામાં આવી.
મંડળના એક વડીલ કહે છે, “પૂરને લીધે નુકસાન થયું હતું એ ભાઈબહેનો પણ ધરતીકંપથી અસર પામેલા વિસ્તારમાં મદદ કરવા લાગ્યા. તેઓને લાગતું હતું કે પોતાને મુશ્કેલીમાં જે મદદ મળી એની કદર બતાવવાની આ એક સારી તક છે. તેઓ વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરતા હતા. તોપણ, તેઓના ચહેરા ખુશીથી ચમકતા હતા!”
પૂર હોય કે ધરતીકંપ, કોઈ પણ આફત યહોવાહના સાક્ષીઓના ભાઈચારાના બંધનને નબળું પાડી શક્યું નથી. આવી કોઈ આફત આવે છે ત્યારે, પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકાના ભાઈબહેનોને કહેલા શબ્દો જેવું ખ્રિસ્તીઓ અનુભવે છે: “તમો સર્વે એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.”—૨ થેસ્સાલોનીકી ૧:૩.