સારી વાણી-વર્તનની અસર
સારી વાણી-વર્તનની અસર
જાપાનની દક્ષિણે દરિયા કિનારા પાસે એક નાનો ટાપુ છે. આ ટાપુ પર એક સ્ત્રી અને તેનાં ત્રણ બાળકોએ યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પડોશીઓએ તે જોયું. તેઓને પોતાના વિસ્તારમાં બહુ ફેરફાર થાય એ ગમતું નહિ. આથી, તેઓએ માતા અને બાળકો સાથે બોલવાનું બંધ કરી દીધું. એ સ્ત્રી કહે છે, “તેઓ મને એમ કરતા, એનું એટલું દુઃખ થતું ન હતું. પરંતુ તેઓ મારા પતિ અને બાળકો સાથે જે રીતે વર્તન કરતા, એનાથી ઘણું દુઃખ થતું.” તેમ છતાં, તેણે બાળકોને શીખવ્યું: “યહોવાહના નામને લીધે, આપણે પડોશીઓને સામેથી બોલાવવા જોઈએ.”—માત્થી ૫:૪૭, ૪૮.
ઘરે તેણે બાળકોને શીખવ્યું કે ‘ભલે લોકો આપણી સાથે ન બોલે પણ આપણે તેઓની સાથે સારી રીતે બોલવું જોઈએ.’ દર વખતે તેઓ ગરમ પાણીના ઝરા જોવા જતા ત્યારે, બીજાઓ સાથે કઈ રીતે બોલવું, એની બાળકો સાથે પ્રેક્ટિસ કરતા. લોકોને મળતા જ બાળકો ઉત્સાહથી દરેકને ‘કેમ છો’ કહેતા. આ કુટુંબને જે કોઈ મળતું તેઓને ધીરજ ગુમાવ્યા વગર બોલાવતા, પછી ભલે તેઓ સારો જવાબ ન આપે. બાળકોની સારી રીતભાત લોકોના ધ્યાન બહાર રહી નહિ.
ધીમે ધીમે એક પછી એક પડોશીઓએ પણ ‘કેમ છો’ કહેવાનું શરૂ કર્યું. બે વર્ષની અંદર તો, આખા ગામના લોકો કુટુંબના દરેકને બોલાવતા થઈ ગયા. એટલું જ નહિ, તેઓએ એકબીજાને પણ ‘કેમ છો’ કહેવાનું શરૂ કરી દીધું. ડેપ્યુટી મેયર આ બદલાવ જોઈને બાળકોને સન્માન આપવા માંગતા હતા. પરંતુ, સ્ત્રીએ તેમને કહ્યું કે “ખ્રિસ્તીએ જે કરવું જોઈએ, એ જ બાળકો કરતા હતા.” પછીથી, આખા ટાપુ પર જાહેરમાં બોલવાની હરીફાઈ રાખવામાં આવી હતી. આ સ્ત્રીના એક દીકરાએ એ હરીફાઈમાં ભાગ લીધો. એમાં તેણે કહ્યું, ‘મારી મમ્મીએ લોકોને “કેમ છો” કહેવાનું અમને શીખવ્યું હતું, પછી ભલે લોકો ગમે તે રીતે વર્તે.’ તે છોકરાને પહેલું ઇનામ મળ્યું. એ વિષે ટાપુના છાપામાં પણ સમાચાર આવ્યા. આજે આ કુટુંબ બહુ જ ખુશ છે કારણ કે બાઇબલ પ્રમાણે ચાલવાથી લોકો પર આવી સારી અસર થઈ. લોકો મળતાવડા હોય ત્યારે તેઓને બાઇબલ વિષે શીખવવું બહુ સહેલું બની જાય છે.