દુનિયામાં આ તે કેવો ન્યાય?
દુનિયામાં આ તે કેવો ન્યાય?
આજે દુનિયાની હાલત કેવી થઈ ગઈ છે? દરેકે કોઈ ને કોઈ રીતે અન્યાય સહન કરવો પડે છે. આપણે બહુ હોશિયાર હોઈએ. જીવનમાં સમજી-વિચારીને બધુંયે કરીએ. તોપણ, એવી કોઈ ગેરંટી નથી કે આપણે સુખ-શાંતિથી જીવીશું. દરેક પ્લાનમાં સફળ થઈશું કે દરેક ટંકે ખાવા મળશે. રાજા સુલેમાને જણાવ્યું હતું તેમ, “બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.”—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.
‘અચાનક ખરાબ સમયની જાળમાં’
સાચે જ ‘સમય અને સંજોગની’ અસર દરેકને થાય છે. આપણે ખોટા સમયે ખોટી જગ્યાએ હોઈએ તો, આપણા બધાય પ્લાન અને આશાઓ પર પાણી ફરી વળે છે. જૂના જમાનાના રાજા સુલેમાને જણાવ્યું હતું તેમ, આપણે ‘જાળમાં સપડાઈ જતી માછલીની જેમ, ફાંદામાં ફસાઈ જતા પક્ષીની જેમ, માઠા સમયની જાળમાં અચાનક ફસાઈ જઈએ છીએ.’ (સભાશિક્ષક ૯:૧૨, કોમન લેંગ્વેજ) જેમ કે લાખો લોકો રાત-દિવસ જોયા વગર ખેતી કરે છે, જેથી કુટુંબને બે ટંકનું અનાજ મળી રહે. પણ ઘણી વાર જોઈતો વરસાદ પડતો નથી. દુકાળ પડે છે. ખેડૂત “માઠા સમયની જાળમાં” ફસાઈ જાય છે.
ઘણી વાર બીજા દેશો મદદે દોડી આવે છે. પણ ‘માઠા સમયમાં’ ફસાયેલા લોકોને દુનિયા જે રીતે મદદ કરે છે, એમાંય અન્યાય થાય છે. એક દાખલો લો. હાલના એક વર્ષમાં આફ્રિકામાં સખત દુકાળ પડ્યો હતો. તેઓને કેટલી મદદ મળી? એ વિષે એક એજન્સી કહે છે, “ગલ્ફના યુદ્ધ માટે જેટલા પૈસા આપ્યા હતા, એના ફક્ત પાંચમા ભાગના પૈસા આખા [આફ્રિકા] ખંડને મદદ કરવા મળ્યા.” આ તે કેવો ન્યાય! દુનિયાના દેશોએ એક આખા ખંડ પર આવી પડેલા દુકાળમાં લોકો પાછળ જેટલા પૈસા વાપર્યા, એનાથી પાંચગણા વધારે પૈસા એક જ દેશમાં યુદ્ધમાં ખર્ચ્યા! એ પણ વિચારો કે આજે દુનિયામાં ઘણા જલસા કરે છે, જ્યારે કે લગભગ ૨૫ ટકા લોકો ગરીબીની ચક્કીમાં પિસાય છે. અરે, દવાદારૂ પોસાય નહિ, એટલે બીમારીમાં દર વર્ષે લાખો લાચાર બાળકો મોતને ભેટે છે. કેટલો મોટો અન્યાય!
આપણે માથે ‘અચાનક માઠો સમય આવી પડે,’ એ
માટે ફક્ત ‘સમય અને સંજોગો’ જવાબદાર નથી. ઘણી વાર અમુક બનાવો આપણા હાથમાં નથી હોતા. એમાં આપણને જે કંઈ નુકસાન થાય, એ આપણે લાચાર બનીને સહી લેવું પડે છે. રશિયાના બેસ્લાન, એલેનિયાનો દાખલો લો. એ ૨૦૦૪માં પાનખરની મોસમ હતી. આતંકવાદીઓ અને પોલીસો વચ્ચે લડાઈ જામી. એમાં કંઈ કેટલાય લોકો માર્યા ગયા. અરે, ઘણાં નાનાં ભૂલકાઓ પણ, જેઓનો સ્કૂલમાં પહેલો જ દિવસ હતો. એ બનાવમાં કોણ માર્યું ગયું અને કોણ બચી ગયું, એ તો કોઈએ નક્કી કર્યું ન હતું. પણ એ આખા બનાવ માટે કાળા માથાનો માનવી પોતે જવાબદાર હતો.શું આવો અન્યાય થતો જ રહેશે?
તમે કદાચ કહેશો, “એ તો જીવન છે, ચાલ્યા કરે.” “આવું તો કાયમ થાય છે, થયા જ કરશે.” ઘણા એમ માની લે છે કે જોરાવર વ્યક્તિ નબળા પર જુલમ કર્યા કરશે. ધનવાનો ગરીબનું લોહી ચૂસ્યા કરશે. લોકો કહેશે કે ‘સમય ને સંજોગ’ કોઈના હાથમાં નથી. એટલે મનુષ્ય રહેશે ત્યાં સુધી આવું બધું તો ચાલ્યા જ કરવાનું.
શું એ સાચું છે? જેઓ કોઈ પણ કામ મન મૂકીને કરે છે, તેઓને પોતાની મહેનતનાં મીઠાં ફળ મળશે ખરાં? આ અન્યાયી દુનિયાને કોઈ કાયમ માટે બદલી શકે ખરું? ચાલો આપણે હવે પછીનો લેખ વાંચીએ ને જાણીએ.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
COVER: Man with a child: UN PHOTO 148426/McCurry/Stockbower
[પાન ૩ પર ચિત્ર]
MAXIM MARMUR/AFP/Getty Images