સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કઈ રીતે ઈશ્વર વિષે શીખી શકો?

તમે કઈ રીતે ઈશ્વર વિષે શીખી શકો?

તમે કઈ રીતે ઈશ્વર વિષે શીખી શકો?

“નોકરીનાં સ્થળોએ ધાર્મિકતાનું શું મહત્ત્વ છે એ વિષે છેલ્લાં દસ વર્ષોમાં લગભગ ૩૦૦થી વધારે પુસ્તકો લખવામાં આવ્યાં, જેમાં જીસસ, ચીફ એકઝેકિટીવ ઓફિસર અને ધ તાઉ ઑફ લીડરશીપ જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે. પુસ્તકોની દુકાનમાં એવાં ઢગલાબંધ પુસ્તકો જોવા મળે છે.” એમ યૂ.એસ.ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ પત્રિકાએ છાપ્યું. લોકો ધાર્મિક માર્ગદર્શન મેળવવા આમતેમ ફાંફાં મારે છે એની આ એક માત્ર ઝલક છે. આ બાબત વિષે ટીકા આપતા, તાલીમ અને વિકાસ (અંગ્રેજી) નામનું બિઝનેસ મૅગેઝિન કહે છે: “આજે દુનિયામાં ટેક્નૉલૉજીની એટલી બધી અસર હોવા છતાં, આપણે જીવનનો સાચો અર્થ, હેતુ અને સાચો સંતોષ મેળવવા ફાંફાં મારીએ છીએ.”

તો પછી, આપણને સંતોષ આપે એવું ધાર્મિક માર્ગદર્શન ક્યાંથી મેળવી શકીએ? પહેલાના સમયમાં લોકો “સાચો અર્થ” અને “હેતુ” મેળવવા મોટા મોટા ધર્મોનો સહારો લેતા હતા. પરંતુ, આજે તેઓએ આવા મોટા મોટા ધર્મોને ફગાવી દીધા છે. ઊંચા હોદ્દા પરના ૯૦ મેનેજર અને અધિકારીઓ પર કરવામાં આવેલા સર્વે વિષે તાલીમ અને વિકાસ (અંગ્રેજી) મૅગેઝિન બતાવે છે, “લોકો ધર્મ પાળવો અને ઈશ્વરમાં માનવું એ બંનેનો તફાવત જોઈ શકે છે.” સર્વે કરવામાં આવેલા લોકોએ બતાવ્યું કે નામ પૂરતો ધર્મ “પક્ષપાત અને ભેદભાવ” પેદા કરે છે જ્યારે કે સાચા ધર્મથી ‘સર્વ લોકોમાં’ સંપ હોય છે.

ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, યૂનાઈટેડ કિંગ્ડમ અને યૂરોપ જેવા દેશોમાં ઘણા યુવાનોને ધર્મમાં રસ નથી. તેમ છતાં, તેઓ પણ કોઈ નામનો ધર્મ પાળવો અને ઈશ્વરમાં માનવું એ બંને વચ્ચેનો તફાવત જોઈ શકે છે. પ્રોફેસર રૂથ વેબરે ઑસ્ટ્રેલિયામાં યુવાનો પર અભ્યાસ (અંગ્રેજી) પત્રિકામાં લખ્યું: મોટા ભાગના યુવાનો પરમેશ્વરમાં કે કોઈ શક્તિમાં માને છે. પરંતુ, તેઓ એમ પણ માને છે કે પોતે ધાર્મિક છે એમ બતાવવા તેઓએ ચર્ચમાં જવાની જરૂર નથી. એમાંથી કંઈ પણ મદદ મળી શકતી નથી.”

સાચો ધર્મ અને ઈશ્વરનું જ્ઞાન

લોકોનો ધર્મમાં ભરોસો ઊઠી ગયો છે એમાં કંઈ નવાઈ નથી. ઘણા ધર્મો રાજકારણમાં માથું મારે છે. અનૈતિક કાર્યો કરતા હોય છે અને અસંખ્ય ધાર્મિક યુદ્ધમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવે છે. તેથી, ઘણા લોકો આવા ધર્મોને છોડી દે છે. પરંતુ સાથે સાથે કેટલાક લોકોએ બાઇબલને પણ છોડી દેવાની ભૂલ કરી છે. તેઓને એવું લાગે છે કે બાઇબલ આવા ધતિંગ ચલાવી લે છે.

પરંતુ, હકીકતમાં તો બાઇબલ ધર્મને નામે ધતિંગ કરનારાઓને ધિક્કારે છે. ઈસુએ પોતાના સમયના ગુરુઓને કહ્યું: “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માંહે મુડદાંનાં હાડકાંએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ માંહે ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છો.”—માત્થી ૨૩:૨૭, ૨૮.

બાઇબલ ખ્રિસ્તીઓને એ પણ જણાવે છે કે તેઓએ રાજકારણની બાબતોમાં માથું મારવું નહિ. બાઇબલ એકબીજાને મારી નાખવાને બદલે એકબીજા માટે પોતાનો જીવ આપવાનું શીખવે છે. (યોહાન ૧૫:૧૨, ૧૩; ૧૮:૩૬; ૧ યોહાન ૩:૧૦-૧૨) બાઇબલ જણાવે છે કે, સાચો ધર્મ “સર્વને એક સમાન” ગણે છે. સાચો ધર્મ કોઈ પ્રત્યે “પક્ષપાત અને ભેદભાવ” રાખતો નથી. પ્રેષિત પીતરે કહ્યું: “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

બાઇબલ—સાચો માર્ગ દેખાડે છે

બાઇબલ આપણને જણાવે છે કે મનુષ્યોને પરમેશ્વરની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭) જોકે, એનો અર્થ એમ નથી કે પરમેશ્વરને માણસો જેવું શરીર છે. હકીકતમાં એનો અર્થ છે કે માણસો પરમેશ્વર જેવા ગુણો બતાવી શકે છે કે જેમાં તેમનું જ્ઞાન લેવાનો પણ સમાવેશ થાય છે.

જો એમ હોય તો પરમેશ્વર આપણી ધાર્મિક ભૂખ મટાડશે. વળી, કઈ બાબતો આપણા માટે સારી અને કઈ બાબતો ખરાબ છે એનો તફાવત સમજવા માટે યોગ્ય માર્ગદર્શન આપશે. પરમેશ્વરે આપણા શરીરમાં અદ્‍ભુત રોગ પ્રતિકારક તંત્ર બનાવ્યું છે જેથી આપણે રોગનો સામનો કરીને તંદુરસ્ત રહીએ. એવી જ રીતે આપણી ધાર્મિક તંદુરસ્તી માટે પરમેશ્વરે અંતઃકરણ આપ્યું છે. આ અંતઃકરણ આપણને યોગ્ય નિર્ણયો લેવા અને શારીરિક તેમ જ આધ્યાત્મિક રીતે નુકસાન કરે એવી બાબતોથી દૂર રહેવા મદદ કરે છે. (રૂમીઓને પત્ર ૨:૧૪, ૧૫) આપણે જાણીએ છીએ તેમ, આપણું રોગ પ્રતિકારક તંત્ર બરાબર કાર્ય કરે માટે આપણે પૂરતું પોષણ આપવું જ જોઈએ. એવી જ રીતે, આપણું અંતઃકરણ બરાબર કાર્ય કરે એ માટે આપણે એને પૂરતો ધાર્મિક ખોરાક એટલે ઈશ્વરનું જ્ઞાન લેવું જોઈએ.

ઈસુએ સ્પષ્ટ રીતે બતાવ્યું કે કેવા પ્રકારનું જ્ઞાન આપણા માટે મહત્ત્વનું છે. તેમણે કહ્યું: “માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪) યહોવાહના શબ્દો બાઇબલમાં લખવામાં આવ્યા છે. જે “ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં આપણને અતિ ઉપયોગી છે.” (૨ તિમોથી ૩:૧૬, IBSI) તેથી, આપણે ઈશ્વરનું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરીએ એ ઘણું મહત્ત્વનું છે. આપણે બાઇબલના સિદ્ધાંતોને આપણા જીવનમાં લાગુ પાડવાનો પ્રયત્ન કરીશું તો, આપણે બધી રીતે સુખી થઈશું.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

શું આવી મહેનતથી કંઈ ફાયદો થશે?

એ સાચું છે કે બાઇબલનો અભ્યાસ કરીને આપણે ઈશ્વરનું જ્ઞાન વધારવા સમય કાઢવાની જરૂર છે. પરંતુ, ઘણા લોકોને જોવાથી એમ લાગે છે કે તેઓ પાસે તો શ્વાસ લેવાનોય સમય નથી. પરંતુ, સમય કાઢવાનો પ્રયત્ન કરવાથી ઘણા ફાયદા થાય છે! બહુ વ્યસ્ત રહેતા કેટલાક લોકોએ બતાવ્યું કે તેમની દૃષ્ટિમાં ઈશ્વરનું જ્ઞાન લેવા માટે સમય આપવો શા માટે જરૂરી છે એ જરા ધ્યાનથી સાંભળો.

ડૉક્ટર મારીના કહે છે: “મેં હૉસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે લોકોને રીબાતા જોઈને મને ખૂબ દુઃખ થવા લાગ્યું. એ સમયે મેં ખરેખર મારા જીવન વિષે વિચારવાનું શરૂ કર્યું. મને ખબર પડી કે જો મારે સંતોષ અને મનની શાંતિ મેળવવી હોય તો ઈશ્વરનું જ્ઞાન લેવું જોઈએ. મારું કામ એવું છે કે રોજની દોડધામ અને લોકોની ચિંતાઓ દૂર કરતા કરતા હું પોતે હિંમત હારી જઉં.

“હવે હું યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરું છું. આ અભ્યાસથી મને જીવનના હરેક પગલે સારા વિચારો કરવાનું શીખવા મળે છે. મને મારા કામથી પણ ઊંડો સંતોષ મળે છે. ફક્ત બાઇબલમાંથી જ મને શીખવા મળ્યું કે હું કઈ રીતે સારા વિચારો કરી શકું અને ખોટા વિચારો ટાળી શકું. તેમ જ ચિંતાઓ ઓછી કરવા અને લોકો સાથે વધારે ધીરજ અને માયા બતાવવામાં પણ મદદ મળી છે. બાઇબલના સિદ્ધાંતોથી મને મારા લગ્‍ન જીવનમાં પણ ઘણી મદદ મળી છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, હું પરમેશ્વર યહોવાહની પણ ભક્તિ કરી શકું છું. વળી, નાના નાના અનુભવો પરથી મને એ જાણવા મળ્યું છે કે યહોવાહે મને ઘણા આશીર્વાદો આપ્યા છે. હવે મને જીવનમાં આનંદ આવે છે.”

આર્કિટેક્ચર ડિઝાઈનર નિકોલસ કહે છે: “યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યા પહેલાં, મને ધાર્મિક બાબતોમાં જરાય રસ ન હતો. મારો એક જ ધ્યેય હતો કે જીવનમાં ખૂબ પૈસો કમાવવો. પરંતુ, બાઇબલ અભ્યાસે મને શીખવ્યું કે પોતાના કામમાં રચ્યાપચ્યા રહેવા સિવાય પણ ઘણી બાબતો રહેલી છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાથી જીવનમાં સાચું અને હંમેશ માટેનું સુખ મળે છે.

“જોકે, મને મારા કૅરિયરથી કંઈ સંતોષ મળતો ન હતો, પરંતુ, બાઇબલે મને શીખવ્યું કે સાદું જીવન જીવીને ઈશ્વરની ભક્તિને વધારે ધ્યાન આપવું જોઈએ. એમ કરવાથી, હું અને મારી પત્ની ઘણા પૈસાથી આવતી ખોટી ચિંતાઓ ટાળી શક્યા છીએ. અમારી જેમ જ ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ રાખનારાઓ સાથે સંગત રાખવાથી અમને ઘણા સાચા મિત્રો પણ મળ્યા છે.”

વકીલ વીનસેન્ટ કહે છે: “એક સારા કૅરિયરથી જીવનમાં કંઈક અંશે સંતોષ મળે છે. પરંતુ, સુખ અને સંતોષ મેળવવા કૅરિયર હોય એટલું જ જરૂરી નથી. એક દિવસે મને અચાનક અહેસાસ થયો કે જીવનનો કોઈ હેતુ જ નથી. બસ આપણે ફક્ત જન્મ લેવો, મોટા થવું, લગ્‍ન કરવું, બાળકો અને રોટી કપડાં માટે નોકરી કરવી, બાળકોને પણ આપણા જેવું જીવવાનું શીખવવું અને વૃદ્ધ થઈને મરી જવું.

“પરંતુ, યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યા પછી મને જીવનનો ખરેખર હેતુ શું છે એનો જવાબ મળ્યો. એનાથી મને ઘણો સંતોષ થયો. બાઇબલ અભ્યાસથી મને યહોવાહ વિષે જાણવા મળ્યું અને તેમના માટેનો પ્રેમ ગાઢ બન્યો. હું યહોવાહના હેતુઓ વિષે શીખ્યો છું અને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હવે, મને અને મારી પત્નીને એ જાણીને સંતોષ થાય કે અમારા જીવનનો કોઈ હેતુ છે.”

તમે પણ બાઇબલ અભ્યાસ કરીને જીવનનો હેતુ મેળવી શકો છો. યહોવાહના સાક્ષીઓ તમને મદદ કરવા તૈયાર છે. મારીના, નિકોલસ અને વીનસેન્ટની જેમ તમે પણ સંતોષ મેળવી શકો છે. તમે પણ યહોવાહ વિષે શીખી શકો અને આખી માણસજાત તેમ જ તમારા પોતા માટે તેમના હેતુઓ જાણી શકો છો. વળી, તમે હમણાં પણ ઈશ્વરનું જ્ઞાન લઈને આનંદ માણી શકશો. એટલું જ નહિ, તમને હંમેશ માટે જીવવાની આશા પણ મળશે કે જ્યારે તમારા શરીરમાં પણ કોઈ જાતની ખોટ નહિ હોય. પરંતુ, આવી આશા જેઓ ઈશ્વરના જ્ઞાનની ‘ભૂખ રાખે છે’ તેઓ માટે જ હશે.—માત્થી ૫:૩, પ્રેમસંદેશ.

પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરને સારી રીતે ઓળખી શકીએ છીએ. ઈસુએ સમય કાઢીને પોતાના શિષ્યોને શીખવ્યું કે કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ. એ પ્રાર્થનાને સામાન્ય રીતે ‘પ્રભુની પ્રાર્થના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તમારા માટે એ પ્રાર્થનાનો શું અર્થ થાય છે? તમે કઈ રીતે એમાંથી લાભ મેળવી શકો? એનો જવાબ તમને હવે પછીના બે લેખોમાંથી મળશે.

[પાન ૬ પર ચિત્ર]

મારીના

[પાન ૭ પર ચિત્ર]

નિકોલસ

[પાન ૭ પર ચિત્ર]

વીનસેન્ટ