યહોવાહના સેવકો બનવા લોકોને મદદ કરો
યહોવાહના સેવકો બનવા લોકોને મદદ કરો
“આગ્રીપાએ પાઊલને કહ્યું, કે થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માગે છે.” —પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૮.
૧, ૨. પ્રેષિત પાઊલે શા માટે ફેસ્તસ અને આગ્રીપા રાજાની સામે ઊભું રહેવું પડ્યું?
ઈસવી સન ૫૮નો સમય હતો. રાજા હેરોદ આગ્રીપા બીજો અને તેની બહેન બેરનીકે કાઈસારીઆ આવ્યા હતા. તેઓ રૂમી પોર્કિયસ ફેસ્તસને મળવા યરૂશાલેમથી આવ્યા હતા. ફેસ્તસના કહેવાથી, તેઓ “મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયાં.” ફેસ્તસે પ્રેષિત પાઊલને તેઓ સર્વની સામે લાવવા કહ્યું. શા માટે ઈસુ ખ્રિસ્તના સેવકને ફેસ્તસ સામે ઊભા રહેવું પડ્યું?—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૩-૨૩.
૨ ફેસ્તસે પોતાના મહેમાનોને જે કહ્યું, એમાંથી આપણા સવાલનો જવાબ મળશે. તેણે કહ્યું: ‘હે આગ્રીપા રાજા તથા હાજર થએલા સર્વ સદ્ગૃહસ્થો [મહેમાનો], જે માણસ વિષે યહુદીઓના આખા સમુદાયે યરૂશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને, તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી એવો પોકાર કર્યો, તેને તમે જુઓ છો. પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે દેહાંતદંડને [મોતની સજાને] યોગ્ય કંઈ કર્યું નથી; વળી તેણે પોતે પાદશાહની પાસે દાદ માગી, તેથી મેં તેને રોમ મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે. તેને વિષે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે હું મારા ધણી પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને, હે આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે. કેમકે બંદીવાનને મોકલવો, અને તેના પરનાં તહોમત ન દર્શાવવાં, એ મને અયોગ્ય લાગે છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૨૪-૨૭.
૩. પાઊલ પર શા માટે ધર્મગુરુઓએ ખોટા આરોપો મૂક્યા હતા?
૩ ફેસ્તસે જણાવ્યું તેમ પાઊલ સરકારનો વિરોધ કરે છે એવો ખોટો આરોપ હતો, જેની સજા મોત હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૧) હકીકતમાં, પાઊલનો કોઈ વાંક-ગુનો ન હતો. એ તો યરૂશાલેમના અદેખા ધર્મગુરુઓની ચાલ હતી. પાઊલે લોકોને ઈસુ ખ્રિસ્તના સેવકો બનવા મદદ કરી, એ જોઈને તેઓ સળગી ઊઠ્યા હતા. એટલે પાઊલને સખત પહેરા હેઠળ કાઈસારીઆ લાવવામાં આવ્યા, જે દરિયા કિનારે આવેલું શહેર હતું. પાઊલે અહીં કાઈસાર પાસે ન્યાય માંગ્યો. હવે ત્યાંથી પાઊલને રોમ લઈ જવાના હતા.
૪. આગ્રીપા રાજાએ નવાઈ પમાડે એવું શું કહ્યું?
૪ કલ્પના કરો કે પાઊલ ફેસ્તસના મહેલમાં મહેમાનો સામે ઊભા હતા. તેઓમાં રૂમી સામ્રાજ્યનો ખાસ શાસક પણ હતો. હવે, આગ્રીપા રાજાએ પાઊલને કહ્યું: “તને તારી હકીકત જણાવવાની રજા છે.” પાઊલનો અવાજ વાતાવરણમાં ગુંજતો ગયો તેમ, કંઈક ખાસ વાત બની. પાઊલના શબ્દો રાજાના દિલો-દિમાગમાં ઊતરવા લાગ્યા. આગ્રીપા રાજા બોલી ઊઠ્યો: “થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માગે છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧-૨૮.
૫. આગ્રીપા પર પાઊલના શબ્દોની શા માટે ઊંડી અસર થઈ?
૫ પાઊલે શાસ્ત્રની એવી સમજણ આપી, કે એનાથી એક રાજાનું દિલ ડોલી ઊઠ્યું! (હેબ્રી ૪:૧૨) પાઊલે એવું તો શું કહ્યું હતું? પ્રચારમાં મદદ મળે એ માટે આપણે એમાંથી શું શીખી શકીએ? પાઊલે જે કહ્યું એના પરથી બે મુદ્દા ચોખ્ખા દેખાય આવે છે: એક તો પાઊલની સમજણ આપવાની રીત. બીજું કે જેમ એક અનુભવી મિસ્ત્રી સારી રીતે સાધનો વાપરે, એમ પાઊલે શાસ્ત્ર સરસ રીતે સમજાવ્યું.
સમજાવવાની કળા
૬, ૭. (ક) બાઇબલ પ્રમાણે ‘સમજાવવું’ શબ્દનો શું અર્થ થાય છે? (ખ) લોકો બાઇબલનું શિક્ષણ સ્વીકારે એ માટે કઈ રીતે મદદ કરવી જોઈએ?
૬ ‘સારી રીતે સમજાવવું’ ભાષાંતર થયેલો ગ્રીક શબ્દ, ઘણી વાર પ્રેરિતોનાં કૃત્યોમાં જોવા મળે છે. મોટા ભાગે એ પાઊલના અનુભવોમાં હોય છે. જો કે પ્રચાર કરવા સારી રીતે સમજણ આપવી કેમ જરૂરી છે?
૭ ગ્રીક શાસ્ત્રની મૂળ ભાષામાં ‘સમજાવવું’ શબ્દનો શું અર્થ થાય? એક જાણીતી ડિક્શનરી કહે છે: ‘જીતી લેવું’ અથવા ‘સમજણ આપીને કોઈને ખાતરી કરાવવી.’ આ શબ્દના મૂળ અર્થની તપાસ કરવાથી, એમાં ભરોસાનો આઇડિયા પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિને એવી રીતે સત્ય સમજાવીએ કે તે બાઇબલનું શિક્ષણ સ્વીકારે. વળી તે જે સત્ય શીખે, એમાં વિશ્વાસ મૂકીને એ પ્રમાણે જીવે. આ રીતે તે બાઇબલના સંદેશા પર પૂરો ભરોસો મૂકી શકે. જો કે બાઇબલ જે કહે છે એ જણાવવું જ પૂરતું નથી. પણ બધાને ખાતરી થવી જોઈએ કે એ સો ટકા સત્ય છે.—૨ તીમોથી ૩:૧૪, ૧૫.
૮. સત્ય વિષે લોકોને ખાતરી કરાવવા શું કરવું જોઈએ?
૮ તમે બાઇબલમાંથી વાત કરતી વખતે, કઈ રીતે ખાતરી કરાવી શકો કે એ સત્ય છે? પાઊલે સમજાય એવી રીતે દલીલો કરી. તેમણે દિલથી એવી સમજણ આપી કે સામેવાળાને વાત ગળે ઊતરી જાય. તેથી, ફક્ત એમ કહીએ કે આ જ સાચું છે તો કંઈ નહિ વળે. પણ સાથે સાથે યોગ્ય પુરાવા આપીએ કે સામેવાળાને સંતોષ થાય. આપણે એ કેવી રીતે કરીશું? સૌ પ્રથમ તો તમારા વિચાર નહિ, પણ બાઇબલના વિચારો જણાવો. પછી, એની ખાતરી કરાવવા સાદા પુરાવા આપીને સમજાવો. (નીતિવચનો ૧૬:૨૩) દાખલા તરીકે, માનો કે તમે નવી દુનિયાના સુખી જીવન વિષે વાત કરો છો. ત્યારે યશાયાહ ૬૫:૨૧-૨૫ જેવાં વચનો બતાવો. પછી, તેઓને રોજ-બરોજનાં ઉદાહરણો આપો. કદાચ તમે આથમતા સૂર્યનું મન મોહી લેતું દૃશ્ય વાપરી શકો. અથવા મઘમઘતા ફૂલોની ખુશ્બુનું કે પછી મીઠી મીઠી કેરીનું, અરે કળા કરતા મોરનું ઉદાહરણ પણ તમે વાપરી શકો. આ રીતે સમજાવી શકાય કે ઈશ્વર ચાહે છે કે આપણે ફક્ત જીવવા ખાતર જ નહિ, પણ ખુશીથી જીવીએ.—સભાશિક્ષક ૩:૧૧, ૧૨.
૯. લોકો સાથે વાતચીત કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૯ આપણે બાઇબલમાંથી શીખવતા હોઈએ ત્યારે, સામેવાળાને તોડી ન પાડીએ. નહિ તો, તે કાન અને દિલ બંનેના દરવાજા બંધ કરીને બેઠા હશે. યહોવાહના સાક્ષીઓનું પુસ્તક મિનિસ્ટ્રી સ્કૂલ (અંગ્રેજી) સલાહ આપે છે: “કોઈ વર્ષોથી જૂઠી માન્યતા માનતા હોય, એને એક ઝાટકે તોડી પાડીને સત્ય શીખવી ન શકાય. એક વાર વ્યક્તિનું દિલ હઠીલું બની જાય, પછી ભલેને ગમે એટલી કલમો બતાવીએ પણ તેઓ માનશે નહિ. દાખલા તરીકે, જો કોઈ આખી જિંદગી જે તહેવારો ઉજવતા હોય, તેમને કહીએ કે શાસ્ત્ર એની મના કરે છે તો, તે કંઈ તરત જ બદલાશે નહિ. પણ તેમને સમજણ આપવામાં આવે તો, તેમને ખાતરી થઈ શકે.” શા માટે એમ કરવું જરૂરી છે? એ જ પુસ્તક કહે છે કે, “સમજણ આપવાથી વ્યક્તિ પોતે વિચારી શકે. પછીથી, એ વિષે હજુ વધારે વાતચીત કરી શકે. જેનાથી તે પોતે સમજી-વિચારીને નિર્ણય લઈ શકે.”—કોલોસી ૪:૬.
લોકોનું દિલ જીતી લો
૧૦. પાઊલે કઈ રીતે આગ્રીપા સામે વાત શરૂ કરી?
૧૦ હવે આપણે પાઊલના શબ્દો પર ધ્યાન આપીએ. પાઊલ કઈ રીતે શરૂઆત કરે છે, એ જુઓ. તે જાણતા હતા કે રાજા અને તેની સગી બહેન બેરનીકે પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. તેમ છતાં, પાઊલ આગ્રીપામા કંઈક સારું શોધી કાઢે છે. પાઊલે કહ્યું: “હે આગ્રીપા રાજા, જે બાબતો વિષે યહુદીઓ મારા પર તહોમત મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું; વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહુદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો; માટે હું આપને વિનંતી કરૂં છું, કે ધીરજથી મારૂં સાંભળો.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨, ૩.
૧૧. પાઊલે આગ્રીપાને કઈ રીતે માન બતાવ્યું અને એનો શું લાભ થયો?
૧૧ અહીં પાઊલે આગ્રીપાને રાજા કહીને બોલાવ્યો અને તેને માન આપ્યું. આ રીતે તેમણે સમજી-વિચારીને શબ્દોની પસંદગી કરી. (૧ પીતર ૨:૧૭) આગ્રીપાના રાજમાં યહુદી પ્રજા પણ હતી. પાઊલે એ પણ કબૂલ્યું કે આગ્રીપા યહુદીઓના રીત-રિવાજો વિષે સારી રીતે જાણતો હતો. તેથી, તેની સામે પોતાનો બચાવ રજૂ કરવા પાઊલ ખુશ હતા. જો કે આગ્રીપા ખ્રિસ્તી ન હતો, પણ પાઊલ હતા. તેમ છતાં, પાઊલે એવું માન્યું નહિ કે ‘હું કંઈક છું.’ (ફિલિપી ૨:૩) એને બદલે, પાઊલે રાજાને વિનંતી કરી કે ‘ધીરજથી મારું સાંભળો.’ આ રીતે, પાઊલે શરૂઆતમાં જ લોકોનાં દિલ જીતી લીધાં. તેમણે એવી રીતે વાત કરી કે લોકો સાંભળવા માટે તૈયાર થઈ ગયા.
૧૨. આપણે કઈ રીતે લોકોનું દિલ જીતી લઈ શકીએ?
૧૨ જેવી રીતે પાઊલે આગ્રીપા સાથે વાત કરી, એવી જ રીતે આપણે લોકોનું દિલ જીતી લઈએ. એ રીતે, આપણે ધ્યાનથી સાંભળીએ અને તેઓને માન આપીએ.—૧ કોરીંથી ૯:૨૦-૨૩.
બાઇબલ સારી રીતે સમજાવો
૧૩. પાઊલની જેમ આપણે કઈ રીતે લોકોના દિલ સુધી પહોંચી શકીએ?
૧૩ પાઊલ એવું ચાહતા કે લોકો યહોવાહનાં વચનો ફક્ત સાંભળે જ નહિ, પણ એ પ્રમાણે જીવે. (૧ થેસ્સાલોનીકી ૧:૫-૭) તેથી, તેમણે એવી સમજણ આપી કે એ લોકોનાં દિલમાં ઊતરી જાય. પાઊલે આગ્રીપા સામે મુસા અને પ્રબોધકો જે બોલ્યા એ વિષે પણ જણાવ્યું. આમ તેમણે ‘સત્યનાં વચન સ્પષ્ટ રીતે સમજાવ્યાં.’—૨ તીમોથી ૨:૧૫.
૧૪. પાઊલે આગ્રીપાને કઈ રીતે સમજણ આપી?
૧૪ પાઊલ જાણતા હતા કે આગ્રીપા કહેવા પૂરતો જ યહુદી હતો. પરંતુ, આગ્રીપાને યહુદી ધર્મનું સારું જ્ઞાન હતું. “પ્રબોધકો તથા મુસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા,” એ વિષે તે જાણતો હતો. તેથી પાઊલે સમજાવ્યું કે પોતે એ જ મસીહના મરણ અને સજીવન થવા વિષે જણાવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૨, ૨૩) પછી, પાઊલે આગ્રીપાને સીધો સવાલ પૂછ્યો: “આગ્રીપા રાજા, આપ શું પ્રબોધકોની વાતો પર વિશ્વાસ કરો છો?” હવે આગ્રીપા મુશ્કેલીમાં આવી ગયો. જો તે કહે કે તે પ્રબોધકોમાં માનતો નથી, તો યહુદીઓમાં તેની આબરૂના કાંકરા થઈ જાય. પરંતુ, જો તે પાઊલની હામાં હા ભણે, તો તેને ખ્રિસ્તી કહેવામાં આવે. તેથી, પાઊલ પોતે જ જવાબ આપે છે: “હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.” આ સાંભળીને શું આગ્રીપા ચૂપચાપ બેસી રહ્યો? ના, તે બોલી ઊઠ્યો: “થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માગે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૭, ૨૮) તેમ છતાં, આગ્રીપા ખ્રિસ્તી તો ન બન્યો. પણ પાઊલે જે રીતે સંદેશો આપ્યો, એની તેના દિલ પર જોરદાર અસર પડી.—હેબ્રી ૪:૧૨.
૧૫. પાઊલે થેસ્સાલોનીકીનું મંડળ કઈ રીતે શરૂ કર્યું?
૧૫ પાઊલે યહોવાહનાં વચનોની કેવી સુંદર સમજણ આપી! પાઊલે ‘સત્યનાં વચનો સ્પષ્ટ રીતે સમજાવ્યા’ હતા. એટલે જ અમુક લોકોએ ફક્ત સાંભળ્યું જ નહિ, પણ એ માનવા લાગ્યા. થેસ્સાલોનીકીમાં પણ એમ જ થયું. યહુદીઓના પ્રાર્થના હૉલ કે સભાસ્થાનમાં, ‘પાઊલ પોતાના રિવાજ પ્રમાણે ગયા. ત્રણ વિશ્રામવાર [સાબ્બાથ] તેમણે ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદવિવાદ કર્યો. તેમણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. ત્યારે તેઓમાંના કેટલાએક વાત માનીને તેઓના સત્સંગમાં ભળ્યાં.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨-૪) પાઊલ ખરેખર અનુભવી હતા. તેમણે યહોવાહનાં વચનોની સરસ સમજણ આપી. તેમ જ, સાબિતી આપીને બતાવ્યું કે ઈસુ જ મસીહ હતા. આમ, થેસ્સાલોનીકીમાં એક મંડળની શરૂઆત થઈ.
૧૬. આપણે પ્રચારમાં કઈ રીતે વધારે આનંદ માણી શકીએ?
૧૬ શું આપણે લોકોને યહોવાહનાં વચનો હજુ વધારે સારી રીતે સમજાવી શકીએ? એમ કરીને આપણે યહોવાહ વિષે લોકોને શીખવવાનો વધારે આનંદ માણીશું. આપણા ઘણા ભાઈ-બહેનોને એવા જ અનુભવો થયા છે.
૧૭. પ્રચારમાં બાઇબલનો ઉપયોગ કરવાથી કયા લાભ થાય છે, એના અનુભવો જણાવો.
૧૭ દાખલા તરીકે, એક સરકીટ ઓવરશીયરે લખ્યું: “ઘણા ભાઈ-બહેનો પ્રચારમાં બાઇબલ પોતાના હાથમાં રાખે છે. આ રીતે લોકોની સાથે બાઇબલની કલમો વાંચી શકાય છે. હવે ભાઈ-બહેનો પ્રચારમાં મૅગેઝિનો અને પુસ્તકો જ નહિ, પણ બાઇબલ વધારે વાપરે છે. લોકો પણ એ જોઈ શકે છે.” જો કે બાઇબલ હાથમાં રાખવું કે કેમ, એ તો આપણી આસપાસના સંજોગો પર આધાર રાખે છે. તેમ છતાં, આપણે સમજી-વિચારીને બાઇબલનો ઉપયોગ કરવો જ જોઈએ.
પ્રચારને યહોવાહની નજરે જુઓ
૧૮, ૧૯. (ક) યહોવાહને પ્રચાર માટે કેવી લાગણી છે અને આપણે તેમના જેવા શા માટે બનવું જોઈએ? (ખ) વ્યક્તિને પાછા મળીએ ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (પાન ૧૬ પર ‘લોકોને વારંવાર મળીને મદદ કરવી’ બૉક્સ જુઓ.)
૧૮ લોકોના દિલ જીતી લેવાની બીજી રીત આ છે: પ્રચારને યહોવાહની નજરે જોઈએ અને ધીરજ બતાવીએ. યહોવાહ ચાહે છે કે ‘સઘળાં માણસોને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.’ (૧ તીમોથી ૨:૩, ૪) શું આપણે પણ એવું જ ચાહીએ છીએ? યહોવાહ ધીરજ બતાવે છે, જેથી બધા પસ્તાવો કરી શકે. તેમ જ, યહોવાહની દોસ્તીનો લંબાયેલો હાથ પકડવાની દરેકને તક મળે. (૨ પીતર ૩:૯) તેથી, કોઈ સંદેશો સાંભળે તો, તેમને મદદ કરવા વારંવાર મળો. ખરેખર, ‘ઉતાવળે આંબા પાકતા નથી,’ પણ ધીરજનાં ફળ મીઠાં મળે છે. (૧ કોરીંથી ૩:૬) ‘લોકોને વારંવાર મળીને મદદ કરવી’ એ બૉક્સ સરસ સૂચનો આપે છે. લોકોના સંજોગો તો તડકા-છાયાની જેમ બદલાતા જ રહે છે. તેથી, આપણે યહોવાહને પ્રાર્થના કરીએ કે આ જીવનનો સંદેશો લોકો માને. આમ યહોવાહની મદદથી આપણે લોકોને સારી રીતે સમજાવી શકીશું. તેઓને મળવા ભલે આપણે ગમે તેટલા ધક્કા ખાવા પડે, પણ એના મીઠાં ફળ હશે.
૧૯ કોઈને વધારે જાણવાની ઇચ્છા જાગે તો, આપણે બીજું શું કરી શકીએ? હવે પછીનો લેખ એ વિષે સૂચનો આપશે.
આપણે શું શીખ્યા?
• પાઊલના કહેવાની આગ્રીપા પર શા માટે ઊંડી અસર પડી?
• પ્રચારમાં આપણે કઈ રીતે લોકોનું દિલ જીતી લઈ શકીએ?
• બાઇબલ સારી રીતે વાપરવા આપણને શું મદદ કરી શકે?
• આપણે કઈ રીતે પ્રચારને યહોવાહની નજરે જોઈ શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
લોકોને વારંવાર મળીને મદદ કરવી
• લોકોના મિત્ર બનો.
• બાઇબલનો કોઈ એક વિષય પસંદ કરો.
• વ્યક્તિને ફરીથી મળવા તૈયારી કરો.
• વ્યક્તિ વિષે વિચારતા રહો.
• એકાદ દિવસમાં જ ફરી મળો, જેથી વ્યક્તિને જાણવાની હોંશ રહે.
• બાઇબલ સ્ટડી ચાલુ કરવાનો હેતુ રાખો.
• યહોવાહને પ્રાર્થના કરો કે એ વ્યક્તિનું દિલ ખોલે.
[પાન ૧૫ પર ચિત્ર]
પાઊલે ફેસ્તસ અને આગ્રીપા સામે સારી રીતે સમજણ આપી