સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના માર્ગમાં ચાલતી સ્ત્રીઓ

યહોવાહના માર્ગમાં ચાલતી સ્ત્રીઓ

યહોવાહના માર્ગમાં ચાલતી સ્ત્રીઓ

“યહોવાહ તારા કામનું ફળ તને આપો, . . . તેનાથી તને પૂરો બદલો મળો.”—રૂથ ૨:૧૨.

૧, ૨. યહોવાહનો ભય રાખનારી સ્ત્રીઓના દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?

 બાઇબલમાં એવી સ્ત્રીઓ વિષે જણાવવામાં આવ્યું છે કે જેઓએ યહોવાહના હૃદયને ખુશીઓથી ભરી દીધું હતું. જેમ કે, બે ઈસ્રાએલી સ્ત્રીઓએ ફારૂનની સલાહ ન પાળી. રાહાબ વેશ્યાએ બે ઈસ્રાએલી જાસૂસોને સંતાડ્યા. અબીગાઈલે ઘણાનાં જીવનો બચાવીને યહોવાહના સેવકને લોહીની નદીઓ વહેવડાવતા અટકાવ્યા. સારફાથમાં રહેતી વિધવા માતાએ દુકાળના સમયમાં યહોવાહના પ્રબોધકનો સત્કાર કર્યો. બાઇબલમાં આવી અનેક સ્ત્રીઓના દાખલાઓ છે.

યહોવાહે આવી સ્ત્રીઓને ભરપૂર આશીર્વાદ આપ્યો. એ બતાવે છે કે ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય, તેમનાં કેવા સદ્‍ગુણો છે, એ યહોવાહ માટે સૌથી મહત્ત્વનાં છે. આજે, દુનિયા સુંદરતા પાછળ પાગલ છે. વળી, લોકો રોજના કાર્યમાં એટલા બધા ડૂબી ગયા છે કે પરમેશ્વરનું જ્ઞાન લેવું તેમના માટે એકદમ મુશ્કેલ બની ગયું છે. એ જ સમયે, એવી લાખો સ્ત્રીઓ છે જેઓ પોતાના જીવનમાં યહોવાહની ભક્તિને પ્રથમ રાખે છે. તેઓ, બાઇબલ સમયમાં પરમેશ્વરનો ભય રાખતી સ્ત્રીઓના જેવા જ સદ્‍ગુણો બતાવે છે. જોકે, એનો અર્થ એમ નથી કે પુરુષો એમાંથી બાકાત છે. તેઓ પણ બાઇબલ સમયની આ સ્ત્રીઓના સદ્‍ગુણોને પોતાના જીવનમાં લાગુ પાડવા જોઈએ. આપણે સદ્‍ગુણોને આપણા જીવનમાં કઈ રીતે પૂરેપૂરા લાગુ પાડી શકીએ? ચાલો આપણે પહેલા ફકરામાં ઉલ્લેખેલી સ્ત્રીઓ વિષે બાઇબલમાંથી જોઈએ.—રૂમીઓને પત્ર ૧૫:૪; યાકૂબ ૪:૮.

સ્ત્રીઓએ ફારૂનનો હુકમ ન માન્યો

૩, ૪. (ક) શા માટે શિફ્રાહ અને પૂઆહે ફારૂનનો હુકમ ન માન્યો? (ખ) યહોવાહે કઈ રીતે આ દાઈઓને આશીર્વાદ આપ્યો?

બીજા વિશ્વયુદ્ધ પછી, જર્મનીની ન્યૂરેમબર્ગ કોર્ટમાં એક મોટો કેસ ચલાવવામાં આવ્યો. એ વખતે સૈનિકો પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓએ હજારો લોકોની કતલ કરી છે. સજામાંથી છટકવા, આ સૈનિકોએ કહ્યું કે તેઓ તો ફક્ત અધિકારીઓનો હુકમ જ પાળતા હતા. હવે આ સૈનિકોને શિફ્રાહ અને પૂઆહ નામની બે ઈસ્રાએલી દાઈઓ સાથે સરખાવીએ. ફારૂન રાજાને ડર હતો કે હેબ્રી પુરુષોની સંખ્યા વધી જશે તો, તેઓ મારું રાજ ઉથલાવી નાખશે. તેથી, ફારૂને આ બે દાઈઓને હુકમ આપ્યો, જો કોઈ હેબ્રીને છોકરો અવતરે, તો તમારે તેને મારી નાખવો. શું આ સ્ત્રીઓ આવું ક્રૂર કામ કરવા તૈયાર થઈ ગઈ? ‘મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતાં, તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.’ શા માટે આ સ્ત્રીઓ ફારૂનથી ડરી નહિ? કારણ કે તેઓ ‘દેવનો ભય રાખનારી હતી.’—નિર્ગમન ૧:૧૫, ૧૭; ઉત્પત્તિ ૯:૬.

આ દાઈઓએ યહોવાહ પર ભરોસો રાખ્યો. આથી, યહોવાહ તેઓનો “ઢાલ” બન્યા અને ફારૂનના ક્રોધમાં રાખ થઈ જતા તેઓને બચાવી. (૨ શમૂએલ ૨૨:૩૧; નિર્ગમન ૧:૧૮-૨૦) શું યહોવાહે ફક્ત એટલો જ આશીર્વાદ આપ્યો? બિલકુલ નહિ. તેમણે શિફ્રાહ તથા પૂઆહના સંતાનોને પણ આશીર્વાદ આપ્યો. અરે, તેમણે આ સ્ત્રીઓના નામ અને તેઓએ જે કર્યું એને ભાવિ પેઢીના લોકો માટે બાઇબલમાં લખાવ્યું. જ્યારે કે ફારૂનનું તો નામનિશાન મટી ગયું.—નિર્ગમન ૧:૨૧; ૧ શમૂએલ ૨:૩૦ખ; નીતિવચનો ૧૦:૭.

૫. આજે કઈ રીતે ખ્રિસ્તી બહેનો શિફ્રાહ અને પૂઆહ જેવું વલણ બતાવે છે? અને યહોવાહ કઈ રીતે તેઓને બદલો આપશે?

શું આજે શિફ્રાહ અને પૂઆહ જેવી સ્ત્રીઓ છે? હા, જરૂર છે! દર વર્ષે હજારો સ્ત્રીઓ નીડરતાથી સર્વને બાઇબલ સંદેશો જણાવે છે. અરે, અમુક દેશોમાં ‘રાજાની આજ્ઞા’ તેઓના કામ પર પ્રતિબંધ મૂકતી હોય, અથવા તેઓનું જીવન જોખમમાં હોય તોપણ, તેઓ પ્રચાર કરવાનું ચાલુ રાખે છે. (હેબ્રી ૧૧:૨૩; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯) પરમેશ્વર અને પડોશી પ્રત્યેના પ્રેમથી આ સ્ત્રીઓ બીજાઓને રાજ્ય સંદેશો જણાવવામાં પાછી પડતી નથી. પરિણામે, ઘણી બહેનોને વિરોધ અને સતાવણીનો સામનો કરવો પડે છે. (માર્ક ૧૨:૩૦, ૩૧; ૧૩:૯-૧૩) યહોવાહ, શિફ્રાહ અને પૂઆહના સારાં કાર્યો અને હિંમત ભૂલી ગયા ન હતા. એવી જ રીતે, અંત સુધી વિશ્વાસુ રહેનાર બહેનોના નામને યહોવાહ “જીવનના પુસ્તકમાં” લખશે.—ફિલિપી ૪:૩; માત્થી ૨૪:૧૩.

રાહાબે પરમેશ્વરનો ભય રાખ્યો

૬, ૭. (ક) યહોવાહ અને તેમના ભક્તો વિષે રાહાબ શું જાણતી હતી? અને એનાથી તેના પર કેવી અસર પડી? (ખ) કઈ રીતે પરમેશ્વરે રાહાબને માન આપ્યું?

ઈસવીસન પૂર્વે ૧૪૭૩માં રાહાબ નામની એક વેશ્યા કનાનના યરેખોમાં રહેતી હતી. તેણે બે ઈસ્રાએલી જાસૂસોને પોતાના ઘરમાં સંતાડ્યા. એ સમયે તેણે યાદ કરતા જાસૂસોને કહ્યું કે તમે લોકો મિસરમાં હતા ત્યારે કેવો ચમત્કારિક રીતે તમારો બચાવ થયો હતો. આ ઘટના કંઈ તાજેતરમાં બની ન હતી પરંતુ, એને ૪૦ વર્ષ થઈ ગયા હતા! એટલું જ નહિ, ઈસ્રાએલીઓએ અમોરીઓના બે રાજા સીહોન તથા ઓગને હરાવ્યા હતા એ પણ તે જાણતી હતી. આમ, રાહાબ ઈસ્રાએલીઓ વિષે સારી રીતે જાણતી હતી. આ બધી બાબતો સારી રીતે જાણતી હોવાના લીધે, તેણે જાસૂસોને કહ્યું: ‘યહોવાહે તમને આ દેશ આપ્યો છે એ હું જાણું છું. કેમ કે યહોવાહ તમારો દેવ તેજ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર દેવ છે.’ (યહોશુઆ ૨:૧, ૯-૧૧) યહોવાહે ઈસ્રાએલીઓ માટે જે કાર્યો કર્યા હતા એ રાહાબ જાણતી હતી. એટલે તેણે યહોવાહમાં ભરોસો મૂક્યો.—રૂમીઓને પત્ર ૧૦:૧૦.

રાહાબ ધાર્મિક બની અને એ માટે તેણે “ખુશીથી” જાસૂસોને બચાવ્યા. વળી, ઈસ્રાએલીઓએ યરેખો પર હુમલો કર્યો ત્યારે, તેણે જાસૂસોની સૂચનાઓ સાંભળી અને કતલમાંથી બચી ગઈ. (હેબ્રી ૧૧:૩૧; યહોશુઆ ૨:૧૮-૨૧) ખરેખર, રાહાબના વિશ્વાસથી યહોવાહને ઘણી જ ખુશી થઈ. આથી, તેમણે યાકૂબને રાહાબનું નામ પરમેશ્વરના મિત્ર, ઈબ્રાહીમ પછી લખવાનું કહ્યું. જેથી આપણે સર્વ તેના સારાં ઉદાહરણમાંથી શીખી શકીએ. યાકૂબે લખ્યું: “તેજ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો, અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી નહિ ઠરાવવામાં આવી?”—યાકૂબ ૨:૨૫.

૮. યહોવાહે રાહાબના વિશ્વાસ માટે કેવા આશીર્વાદો આપ્યા?

યહોવાહે રાહાબને બીજી ઘણી રીતોએ આશીર્વાદ આપ્યો. તેમણે તેને તેમ જ તેના ‘બાપના કુટુંબને અને તેના સર્વસ્વને બચાવ્યા.’ ત્યાર પછી, યહોવાહે તેઓને ‘ઈસ્રાએલી’ પ્રજા સાથે રહેવા દીધા. (યહોશુઆ ૨:૧૩; ૬:૨૨-૨૫; લેવીય ૧૯:૩૩, ૩૪) એટલું જ નહિ, યહોવાહે રાહાબને ઈસુ ખ્રિસ્તની વંશજ બનવાનો પણ આશીર્વાદ આપ્યો. એક સમયે રાહાબ કનાનમાં મૂર્તિપૂજક હતી. પરંતુ, યહોવાહે તેના પર કેટલી મોટી કૃપા બતાવી! *ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪.

૯. રાહાબ અને પ્રથમ સદીની અમુક સ્ત્રીઓને યહોવાહે આપેલા આશીર્વાદોમાંથી આજની બહેનો શું શીખી શકે?

રાહાબની જેમ, પ્રથમ સદીથી માંડીને આજ સુધી કેટલીય બહેનોએ યહોવાહને ખુશ કરવા અનૈતિક જીવન છોડી દીધું છે. (૧ કોરીંથી ૬:૯-૧૧) અરે, એમાંની કેટલીક બહેનો તો પ્રાચીન કનાન જેવા શહેરોમાં ઊછરી છે જ્યાં અનૈતિકતા ચારે બાજુ ફેલાયેલી છે. તેમ જ એને એકદમ સામાન્ય ગણવામાં આવે છે. તોપણ, તેઓએ બાઇબલમાં ભરોસો મૂકીને પોતાનું જીવન બદલ્યું. (રૂમીઓને પત્ર ૧૦:૧૭) તેથી, આવી બહેનો વિષે કહી શકાય કે “દેવ તેઓનો દેવ કહેવાતાં શરમાતો નથી.” (હેબ્રી ૧૧:૧૬) ખરેખર, આવી બહેનોને યહોવાહ કેટલું માન આપે છે!

બુદ્ધિમાન અબીગાઈલને મળેલો આશીર્વાદ

૧૦, ૧૧. નાબાલ અને દાઊદ વચ્ચે શું બન્યું? અબીગાઈલે તરત શું કર્યું?

૧૦ પ્રાચીન સમયમાં ઘણી સ્ત્રીઓ ખૂબ બુદ્ધિમાન હતી. યહોવાહની નજરમાં એવી વ્યક્તિઓ મૂલ્યવાન છે. એવી એક સ્ત્રી, અબીગાઈલ હતી. તે ધનવાન નાબાલની પત્ની હતી. તેણે પોતાના ડહાપણથી ઈસ્રાએલના ભાવિ રાજા દાઊદને લોહીની નદી વહેવડાવતા અટકાવ્યા. અબી- ગાઈલ વિષેનો અહેવાલ આપણને ૧ શમૂએલ અધ્યાય ૨૫માં જોવા મળે છે.

૧૧ દાઊદ અને તેમના સાથીઓએ નાબાલનાં ઘેટાંબકરાંનાં ટોળાંઓ નજીક છાવણી નાખી. તેઓએ રાજીખુશીથી અને કોઈ પણ જાતનાં મહેનતાણાં વગર રાત-દિવસ નાબાલના ઘેટાંની સંભાળ રાખી. પરંતુ, દાઊદનો પુરવઠો ખલાસ થઈ ગયો ત્યારે, તે દસ માણસોને નાબાલ પાસેથી ખોરાક લેવા મોકલે છે. નાબાલને ભાવિના રાજાની સેવા-ચાકરી કરવાની સારી તક મળી હતી. પરંતુ, તેણે ગુસ્સામાં દાઊદના માણસોનું અપમાન કરીને ખાલી હાથે પાછા તગેડી મૂક્યા. દાઊદ એ સાંભળે છે ત્યારે, તે ૪૦૦ માણસોને લઈને બદલો લેવા નીકળી પડે છે. અબીગાઈલને પોતાના પતિએ બતાવેલા ખરાબ વલણ વિષે ખબર પડે છે. આથી, તે તરત જ ભરપૂર ખોરાક તૈયાર કરીને દાઊદને મળવા નીકળી પડે છે.—કલમ ૨-૨૦.

૧૨, ૧૩. (ક) કઈ રીતે અબીગાઈલે બુદ્ધિ વાપરીને યહોવાહ અને દાઊદ પ્રત્યે વફાદારી બતાવી? (ખ) ઘરે આવીને અબીગાઈલે શું કર્યું અને પછી શું બન્યું?

૧૨ અબીગાઈલ દાઊદને મળે છે ત્યારે, તે નમ્રપણે દાઊદને વિનંતી કરે છે. એ બતાવે છે કે તે યહોવાહે પસંદ કરેલા રાજાની ઊંડી કદર કરે છે. અબીગાઈલ કહે છે, “યહોવાહ મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે, કેમકે મારો મુરબ્બી યહોવાહની લડાઈઓ લડે છે.” (કલમ ૨૮-૩૦) તે એમ પણ કહે છે કે યહોવાહ દાઊદને ઈસ્રાએલ પર રાજા બનાવશે. એ જ સમયે, અબીગાઈલ હિંમત ભેગી કરીને દાઊદને કહે છે કે જો તે બદલો લેશે તો, અપરાધી બનશે. (કલમ ૨૬, ૩૧) અબીગાઈલ નમ્રતા અને સાફ મનથી દાઊદને સમજાવે છે. પછી દાઊદે કહ્યું: “ઇસ્ત્રાએલનો દેવ યહોવાહ જેણે તને આજ મને મળવા મોકલી તેને ધન્ય હો; વળી તારી ચતુરાઇને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમકે તેં મને આજ ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારૂં વેર વાળવાથી અટકાવ્યો છે.”—કલમ ૩૨, ૩૩.

૧૩ ઘરે આવીને, અબીગાઈલ પોતે દાઊદને આપેલી ભેટ વિષે તેના પતિને જણાવવા ચાહે છે. પરંતુ, તે તો “ઘણો પીધેલ હતો.” તેથી, તે તેનો નશો ઊતરે પછી જણાવવાનું વિચારે છે. બીજે દિવસે અબીગાઈલ નાબાલને જણાવે છે ત્યારે શું થાય છે? એ સાંભળતા નાબાલના હોશકોશ ઊડી ગયા અને તેને લકવો થઈ ગયો. દસ દિવસ પછી તે મરી ગયો. દાઊદને અબીગાઈલ પ્રત્યે ખૂબ માન હોય છે. તેથી નાબાલના મરણ વિષે ખબર પડે છે ત્યારે, દાઊદ અબીગાઈલ સાથે લગ્‍ન કરે છે.—કલમ ૩૪-૪૨.

શું તમે અબીગાઈલ જેવા બની શકો?

૧૪. આપણે અબીગાઈલના કયા ગુણો વિકસાવી શકીએ?

૧૪ તમને અબીગાઈલના કયા સદ્‍ગુણો ગમ્યા કે જે તમે પોતે કેળવવા ઇચ્છો છો? તમે કટોકટીના સમયમાં, બુદ્ધિમાનીથી વર્તી શકો. અથવા સામેની વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તમે શાંત અને નમ્ર રીતે બોલી શકો. એ સદ્‍ગુણો કેળવવા માટે તમે યહોવાહને પ્રાર્થના કરી શકો. તે ‘વિશ્વાસથી માંગનારાને’ ડહાપણ, તાગ શક્તિ અને વિચારવાની શક્તિ આપે છે.—યાકૂબ ૧:૫, ૬; નીતિવચનો ૨:૧-૬, ૧૦, ૧૧.

૧૫. અબીગાઈલે બતાવેલા ગુણો ખાસ કરીને ક્યારે બતાવી શકીએ?

૧૫ જો તમારા જીવન સાથીને બાઇબલમાં જરાય રસ ન હોય ત્યારે, આવા સારા ગુણો કેળવવા ખાસ મહત્ત્વનાં છે. કદાચ તે ખૂબ દારૂ પીતા હોય શકે. આવા પતિઓ સાથે નમ્રતા બતાવવાથી અને ઊંડું માન આપવાથી તે બદલાઈ શકે છે. કેમ કે ઘણાએ પોતાના જીવનો બદલ્યા છે.—૧ પીતર ૩:૧, ૨,.

૧૬. ઘરમાં ભલે ગમે તેવી સ્થિતિ હોય, ખ્રિસ્તી પત્નીએ શું કરવું જોઈએ?

૧૬ ભલે ઘરમાં તમારે ગમે એ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, પરંતુ યાદ રાખો કે યહોવાહ હંમેશાં તમારી સાથે છે. (૧ પીતર ૩:૧૨) તેથી, પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખવા બનતો બધો જ પ્રયત્ન કરો. ડહાપણ અને શાંત રહેવા માટે યહોવાહને પ્રાર્થના કરો. તમે નિયમિત બાઇબલ અભ્યાસ, પ્રાર્થના, મનન અને ભાઈબહેનોની સંગત રાખીને યહોવાહની વધારે નજીક આવી શકો છો. ભલે નાબાલ યહોવાહ કે દાઊદ માટે કોઈ માન રાખતો ન હતો. પરંતુ, તેના વલણનો એક પણ છાંટો અબીગાઈલ પર પડ્યો નહિ. તેણે યહોવાહની નજરે જે ભલું હતું એ જ કર્યું. પતિ યહોવાહનો ભક્ત હોય તોપણ, પત્નીએ યહોવાહ સાથે કાયમ સંબંધ જાળવી રાખવા માટે સખત પ્રયત્ન કરવો જોઈએ. જોકે, તેના પતિની જવાબદારી છે કે તે કુટુંબને પરમેશ્વરના માર્ગો શીખવે અને રોજિંદી વસ્તુઓ પૂરી પાડે. પરંતુ, આખરે તો પત્નીએ ‘ભયથી પોતાનું તારણ સાધી લેવાને પ્રયત્ન કરવો’ જોઈએ.—ફિલિપી ૨:૧૨; ૧ તીમોથી ૫:૮.

તેને “પ્રબોધકનું ફળ” મળ્યું

૧૭, ૧૮. (ક) સારફાથની વિધવાની હાલત કેવી હતી, અને એલીયાહે કેવી માંગણી કરી? (ખ) એલીયાહે રોટલી માંગી ત્યારે, વિધવાએ શું કર્યું અને યહોવાહે તેને કેવું ફળ આપ્યું?

૧૭ યહોવાહે પ્રબોધક એલીયાહના સમયમાં એક ગરીબ વિધવાની કાળજી રાખી હતી. એ બતાવે છે કે યહોવાહ તેમના ભક્તોની ઊંડી કદર કરે છે. એલીયાહના સમયમાં દુકાળ લાંબો સમય ચાલ્યો, એના લીધે ઘણાને ભૂખમરાની અસર થઈ. એની ઝપટમાં સારફાથની વિધવા અને તેનો યુવાન દીકરો પણ આવી ગયા. તેઓ પાસે ફક્ત એક મૂઠીભર જેટલો લોટ અને થોડુંક તેલ હતું. ત્યારે, પ્રબોધક એલીયાહ તેમના ઘરે આવી પહોંચ્યા. એલીયાહ આ વિધવાની હાલત જાણતા હતા છતાં, તેમણે આ વિધવાને તેમના માટે “રોટલી” બનાવવાની વિનંતી કરી. પછી એલીયાહે કહ્યું: “ઇસ્ત્રાએલનો દેવ યહોવાહ એમ કહે છે, જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહિ ને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.”—૧ રાજાઓ ૧૭:૮-૧૪.

૧૮ જો તમે એવી હાલતમાં હોત, તો તમે શું કર્યું હોત? સારફાથની વિધવા જાણતી હતી કે એલીયાહ યહોવાહના પ્રબોધક છે. આથી, “તેણે જઈને એલીયાહના કહેવા મુજબ કર્યું.” વિધવાએ બતાવેલી ભલાઈનો યહોવાહે કેવો બદલો આપ્યો? યહોવાહે દુકાળ દરમિયાન એ વિધવા, તેના દીકરા અને એલીયાહ માટે ખોરાક પૂરો પાડ્યો. (૧ રાજાઓ ૧૭:૧૫, ૧૬) સારફાથની વિધવા ઈસ્રાએલી ન હતી છતાં, યહોવાહે તેને “પ્રબોધકનું ફળ” આપ્યું. (માત્થી ૧૦:૪૧) ઈસુએ પોતાના ગામ, નાઝરેથના અવિશ્વાસી લોકોને આ વિધવાનું ઉદાહરણ આપીને તેની પ્રશંસા કરી.—લુક ૪:૨૪-૨૬.

૧૯. આજે બહેનો કઈ રીતે સારફાથની વિધવા જેવું વલણ બતાવે છે? અને યહોવાહ તેઓ વિષે શું વિચારે છે?

૧૯ આજે મંડળોમાં ઘણી બહેનો સારફાથની વિધવા જેવું વલણ બતાવે છે. દાખલા તરીકે, ઘણી બહેનો પોતે ગરીબ છે અને તેમને પોતાના કુટુંબની કાળજી રાખવાની હોય છે. તેમ છતાં, તેઓ પ્રવાસી નિરીક્ષક અને તેમની પત્નીને પોતાના ઘરે આવકારે છે. બીજી ઘણી બહેનો મંડળના પાયોનિયરોને જમવા બોલાવે છે, અથવા તેઓને જરૂર હોય એ પ્રમાણે મદદ કરે છે. અથવા તેઓ રાજ્ય પ્રચાર કાર્ય તન-મન-ધનથી કરે છે. (લુક ૨૧:૪) શું તેમણે આપેલા બલિદાનની યહોવાહ કદર કરે છે? હા, ખરેખર! “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.”—હેબ્રી ૬:૧૦.

૨૦. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૦ પ્રથમ સદીમાં, પરમેશ્વરનો ભય રાખનારી ઘણી સ્ત્રીઓએ ઈસુ અને તેમના પ્રેષિતોની સેવા કરી. હવે પછીના લેખમાં, આપણે જોઈશું કે કઈ રીતે આ સ્ત્રીઓએ યહોવાહના હૃદયને આનંદ પમાડ્યો. તેમ જ આપણે એ પણ જોઈશું કે આજે કઈ રીતે બહેનો મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, પૂરા હૃદયથી યહોવાહની સેવા કરે છે.

[ફુટનોટ]

^ માત્થીએ નોંધેલી ઈસુની વંશાવળીમાં ચાર સ્ત્રીઓના નામ આપવામાં આવ્યા છે: થામર, રાહાબ, રૂથ અને મરિયમ. આ સર્વને બાઇબલમાં વધારે માન આપવામાં આવ્યું છે.—માત્થી ૧:૩, ૫, ૧૬.

સમીક્ષામાં

• નીચે જણાવેલી સ્ત્રીઓએ કઈ રીતે યહોવાહના હૃદયને આનંદ પમાડ્યો?

• શિફ્રાહ અને પૂઆહ

• રાહાબ

• અબીગાઈલ

• સારફાથની વિધવા

• આ સ્ત્રીઓનાં ઉદાહરણો પર મનન કરવાથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ? સમજાવો.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

ઘણી ખ્રિસ્તી બહેનોએ “રાજાની આજ્ઞા” વિરુદ્ધ જઈને યહોવાહની ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું છે

[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાહની ભક્તિ કરવામાં રાહાબે સુંદર નમૂનો બેસાડ્યો

[પાન ૧૦ પર ચિત્ર]

તમે અબીગાઈલના કયા સદ્‍ગુણો કેળવવા માંગો છો?

[પાન ૧૨ પર ચિત્ર]

આજે ઘણી બહેનો સારફાથની વિધવા જેવું વલણ બતાવે છે