શું તમે વૃદ્ધ ભાઈબહેનોને માન આપો છો?
શું તમે વૃદ્ધ ભાઈબહેનોને માન આપો છો?
પ્રાચીન ઈસ્રાએલીઓને યહોવાહે આજ્ઞા આપી: “તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા દેવનો ડર રાખ; હું યહોવાહ છું.” (લેવીય ૧૯:૩૨) વૃદ્ધ લોકોને માન આપવું, એ ભક્તિનો એક ભાગ હતો. તેમ જ એમ કરવાથી તેઓ યહોવાહને માન આપતા હતા. જોકે, ખ્રિસ્તીઓ આજે મૂસાના નિયમ હેઠળ નથી. તેમ છતાં, એ આપણને બતાવે છે કે મોટી ઉંમરના ભાઈબહેનો યહોવાહની નજરમાં ખૂબ મૂલ્યવાન છે. (નીતિવચનો ૧૬:૩૧; હેબ્રી ૭:૧૮) શું આપણે વૃદ્ધ ભાઈબહેનો વિષે યહોવાહની જેમ વિચારી છીએ? શું આપણે તેઓને માન આપીએ છીએ?
એલીશાએ પોતાના વૃદ્ધ મિત્રને માન આપ્યું
બાઇબલમાં રાજાઓના બીજા પુસ્તકમાં એક સારાં ઉદાહરણનો વિચાર કરો. એમાં વૃદ્ધ એલીયાહ અને તેમનાથી નાના એલીશા વિષે જણવા મળે છે. ઈસ્રાએલમાં એલીયાહનો પ્રબોધક તરીકે સેવા આપવાનો છેલ્લો દિવસ હતો ત્યારે શું બન્યું એના પર ધ્યાન આપો.
એ દિવસે, યહોવાહે વૃદ્ધ એલીયાહને ગિલ્ગાલથી બેથેલ, બેથેલથી યરેખો અને યરેખોથી યરદન નદી જવાનું કહ્યું. (૨ રાજાઓ ૨:૧, ૨, ૪, ૬) આ મુસાફરી કંઈક ૫૦ કિલોમીટરની હતી. પરંતુ એ દરમિયાન એલીયાહે ત્રણ વાર એલીશાને પોતાની સાથે આવવાની ના પાડી. જેમ, સદીઓ પહેલા રૂથે નાઓમીનો સાથ છોડ્યો નહિ, એવી જ રીતે, એલીશાએ આ વૃદ્ધ પ્રબોધકનો સાથ છોડ્યો નહિ. (રૂથ ૧:૧૬, ૧૭) એલીશાએ ત્રણ વાર કહ્યું: “જીવતા યહોવાહના સમ તથા તારા જીવના સમ, કે હું તને છોડીશ નહિ.” (૨ રાજાઓ ૨:૨, ૪, ૬) એ સમયે એલીશા લગભગ છ વર્ષથી એલીયાહને મદદ કરતો હતો. તોપણ, તે બને ત્યાં સુધી એલીયાહ સાથે રહેવા માંગતા હતા. બાઇબલ જણાવે છે કે “તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે જુઓ . . . એલીયાહ વટોળિયામાં થઇને આકાશમાં ચઢી ગયો.” (કલમ ૧૧) એલીયાહ અને એલીશા છેલ્લી પળ સુધી યહોવાહની સેવા વિષે વાતચીત કરતા હતા. આ યુવાન પ્રબોધક એલીશા, અનુભવી એલીયા પાસેથી બને એટલી સલાહ અને ઉત્તેજન મેળવવા આતુર હતા. ખરેખર, એલીશા પોતાના વૃદ્ધ મિત્રને ખૂબ વહાલા ગણતા હતા.
વૃદ્ધને ‘પિતા કે માતા જેમ’ ગણો
એલીશા વૃદ્ધ એલીયાને પોતાના પિતાની જેમ ગણતા હતા. (૨ રાજાઓ ૨:૧૨) એલીયાહનું પ્રચાર કાર્ય ઈસ્રાએલમાં પૂરૂં થયું એના ફક્ત થોડા સમય પહેલાં, તેમણે એલીશાને કહ્યું: “તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માગ કે હું તારે માટે શું કરૂં.” (કલમ ૯) આમ, એલીયાહે પણ પિતાની જેમ એલીશાની કાળજી રાખી. એલીયાહના ઉત્તેજનથી એલીશા યહોવાહની વધુ સેવા કરી શક્યા.
એવી જ રીતે, આજે મંડળના વૃદ્ધ ભાઈબહેનો, માતા-પિતાની જેમ યુવાનોને ખૂબ કાળજી રાખે છે. તેઓ પોતાના અનુભવ અને જ્ઞાન જણાવીને યુવાનોને કેટલું ઉત્તેજન આપે છે! દાખલા તરીકે, બેથેલમાં ઘણા વર્ષોથી સેવા આપતા ભાઈ-બહેનો છે. તેઓ બેથેલમાં નવા આવતા ભાઈ-બહેનોને ખુશી ખુશી મદદ કરે છે. એવી જ રીતે, ઘણા પ્રવાસી નિરીક્ષકો અને તેમના પત્નીઓ વર્ષોથી મંડળોને ઉત્તેજન આપતા રહ્યા છે. તેઓ ખુશીથી નવા નિરીક્ષકો સામે પોતાના અનુભવોનો ભંડાર ખુલ્લો કરી દે છે. વધુમાં, આખા જગતમાં યહોવાહના સાક્ષીઓના મંડળોમાં એવા વૃદ્ધ ભાઈ-બહેનો છે કે જેઓ વર્ષોથી યહોવાહની સેવા કરી રહ્યા છે. તેઓ મંડળના નવા ભાઈ-બહેનોને પ્રેમથી પોતાના અનુભવો જણાવે છે અને તેઓને સાથ આપે છે.—નીતિવચનો ૨:૭; ફિલિપી ૩:૧૭; તીતસ ૨:૩-૫.
આ વૃદ્ધ ભાઈ-બહેનો આપણને ખૂબ પ્રેમ બતાવે છે, અને આપણા દિલમાં તેઓ માટે માન અને કદર છલકાઈ જાય છે. તેથી, ચાલો આપણે પણ એલીશાની જેમ આપણા વૃદ્ધ ભાઈબહેનોને માન આપતા જઈએ. પ્રેષિત પાઊલે આપણને યાદ કરાવ્યું કે ‘વૃદ્ધને પિતાની જેમ અને વૃદ્ધ સ્ત્રીઓને માતાઓની જેમ’ માન આપવું જોઈએ. (૧ તીમોથી ૫:૧, ૨) એમ કરવાથી મંડળમાં એકબીજાનો પ્રેમ ફૂલોની જેમ ખીલશે. વળી, આપણને યહોવાહની ભક્તિ કરવા માટે વધારે ઉત્તેજન મળશે.
[પાન ૩૦ પર ચિત્ર]
એલીશા, એલીયાહની સાથે જ રહેવા માંગતા હતા
[પાન ૩૧ પર ચિત્ર]
વૃદ્ધ ભાઈબહેનો પાસેથી યુવાનો ઘણું ઉત્તેજન મેળવી શકે છે