સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારા સંસ્કાર ક્યાંથી મળી શકે?

સારા સંસ્કાર ક્યાંથી મળી શકે?

સારા સંસ્કાર ક્યાંથી મળી શકે?

‘જો તમે કુટુંબનો ધર્મ પાળવાના હોવ તો, કેમ નહિ કે ૨,૦૦૦ વર્ષ પહેલાંના તમારા બાપદાદાનો ધર્મ પાળો?’ રૂડોલ્ફ કટાક્ષમાં પૂછે છે. એ સાંભળીને આપણને હસવું આવી શકે.

પરંતુ રૂડોલ્ફ કહે છે: “ઈશ્વરની ભક્તિનું મારે મન બહુ મહત્ત્વ છે. વર્ષોથી મારું કુટુંબ જે પાળતું હોય, એ જ ધર્મ મારે પાળવો જોઈએ, એવું હું માનતો નથી.” રૂડોલ્ફે પોતે સાચા ધર્મની શોધ કરી. તેણે એમ સ્વીકારી લીધું નહિ કે ‘મારા બાપદાદા આ જ ધર્મ પાળતા હતા, એટલે એ બરાબર છે.’

જોકે, મોટા ભાગના લોકો જૂનવાણી ધર્મને વળગી રહેવાનું પસંદ કરતા નથી. છતાં, તેઓએ જે કુટુંબમાં જન્મ લીધો હોય, એ જ કુટુંબનો ધર્મ પાળતા હોય છે. પરંતુ, શું એ યોગ્ય છે? પવિત્ર શાસ્ત્ર, બાઇબલ એના વિષે શું કહે છે?

ઈસ્રાએલી લોકોએ ૪૦ વર્ષ અરણ્યમાં રખડ્યા. મુસા પછી આવનાર, યહોશુઆએ કહ્યું: “જો યહોવાહની સેવા કરવી એ તમને માઠું દીસતું હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની; પણ હું ને મારા ઘરનાં તો યહોવાહની જ સેવા કરીશું.”—યહોશુઆ ૨૪:૧૫.

યહોશુઆ જે પિતૃઓ એટલે કે બાપદાદાની વાત કરતા હતા, તેઓમાંના એક ઈબ્રાહીમના પિતા તેરાહ હતા. તે યુફ્રેટિસ નદીની પૂર્વમાં આવેલા ઉર શહેરમાં રહેતા હતા. તેરાહ બીજા દેવ-દેવીઓને ભજતા હતા કે નહિ એ વિષે બાઇબલ જણાવતું નથી. (યહોશુઆ ૨૪:૨) હવે, તેરાહના દીકરા ઇબ્રાહીમને યહોવાહે ઉર છોડવાની આજ્ઞા આપી. ઈબ્રાહીમને પૂરેપૂરી જાણ ન હતી કે શા માટે ઉર છોડવું પડશે. તેમ છતાં, તે રાજીખુશીથી જવા તૈયાર થયા. ઈબ્રાહીમે પોતાના પિતાથી અલગ ધર્મ પસંદ કર્યો. ઈબ્રાહીમે સાચા ધર્મની પસંદગી કરી હોવાથી પરમેશ્વરે તેમને આશીર્વાદ આપ્યો. વળી, તે ‘વિશ્વાસ દ્વારા તારણ પામેલાઓના આત્મિક પિતા’ બન્યા.—રૂમીઓને પત્ર ૪:૧૧, IBSI.

જે વંશવેલામાંથી ઈસુ ખ્રિસ્ત આવ્યા, એમાં એક રૂથ હતી. રૂથ મોઆબની હતી, પણ તેણે એક ઈસ્રાએલી સાથે લગ્‍ન કર્યા હતા. પરંતુ, થોડા સમયમાં તે વિધવા બની. હવે તેણે પસંદગી કરવાની હતી કે તે પોતાને પિયર પાછી જતી રહે, કે પોતાની સાસુ સાથે ઈસ્રાએલના દેશમાં તેના સાસરે આવે. તેણે કઈ પસંદગી કરી? તેણે તેની સાસુને કહ્યું કે “તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે.” (રૂથ ૧:૧૬, ૧૭) તેણે જોયું કે યહોવાહ સાચા પરમેશ્વર છે. પણ, તેના માબાપ બીજા દેવદેવીઓની પૂજા કરતા હતા, જે તેને બરાબર ન લાગ્યું.

આ અહેવાલના મહત્ત્વ વિષે ડિક્ષનરી દે લા બાઇબલ જણાવે છે: ‘રૂથ જે દેશમાં જન્મી હતી તેઓ ઈસ્રાએલી લોકોના દુશ્મન હતા. યહોવાહ અને તેમના લોકો માટેના પ્રેમને લીધે, રૂથ રાજા દાઊદની પૂર્વજ બની.’ રૂથના માબાપ જે ધર્મમાં માનતા હતા, એનાથી અલગ જ ધર્મ તેણે પોતે પસંદ કર્યો. તેની આ પસંદગીને યહોવાહે ભરપૂર આશીર્વાદ આપ્યો.

હવે ચાલો આપણે ખ્રિસ્તી ધર્મની શરૂઆતના અહેવાલોનો વિચાર કરીએ. ઈસુના શિષ્યોએ માબાપના નહિ, પણ સાચા ધર્મની પોતે પસંદગી કરી. વળી, પ્રેષિત પીતરે જોરદાર ભાષણ આપ્યું. એમાં તેમણે લોકોને સમજાવ્યું કે “આ દુષ્ટ પેઢીથી બચવા” તેઓએ પાપોનો પસ્તાવો કરીને, ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૧) હવે શાઊલનો વિચાર કરો, જે યહુદી હતો અને ખ્રિસ્તી ભાઈ-બહેનો પર બહુ જ જુલમ કરતો હતો. એક વાર તે દમસ્ક જઈ રહ્યો હતો ત્યારે, તેણે ખ્રિસ્તનું સંદર્શન જોયું. પછી તે ખ્રિસ્તી બન્યા અને પ્રેષિત પાઊલ તરીકે ઓળખાયા.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧-૯.

મોટા ભાગના શરૂઆતના ખ્રિસ્તીઓને આવો અનુભવ થયો ન હતો. તોપણ, તેઓએ યહુદી ધર્મ કે બીજા કોઈ દેવ-દેવીઓની ભક્તિ કરવાનું છોડી દીધું. ખ્રિસ્તી બનનારા લોકોએ ઘણી વાર ઈસુ મસીહ વિષે ચર્ચા કરી, અને પૂરેપૂરું જ્ઞાન લીધું. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૪૦; ૧૩:૧૬-૪૩; ૧૭:૨૨-૩૪) શરૂઆતના ખ્રિસ્તીઓને સાફ સાફ જણાવાયું કે તેઓના જીવનમાં ફેરફારો કરવાની જરૂર હતી, ભલે એ યહુદી હોય કે ન હોય. વળી, તેઓને આપવામાં આવેલો સંદેશો પણ સરખો જ હતો: પરમેશ્વરને ખુશ કરવા, તેઓએ નવો ધર્મ એટલે કે ખ્રિસ્તી ધર્મ અપનાવવો જરૂરી હતું.

મહત્ત્વની પસંદગી

પ્રથમ સદીના લોકો માટે પોતાનો યહુદી ધર્મ છોડવો, અને રાજાઓની તથા દેવ-દેવીઓની ભક્તિ કરવાનું એકદમ છોડી દેવું, એ કંઈ નાની-સૂની વાત ન હતી. એ માટે હિંમતની જરૂર હતી, કેમ કે યહુદીઓ અને રોમનો ખ્રિસ્તી ધર્મની ઠેકડી ઉડાવતા હતા. તેથી, આવા ફેરફારોને લીધે ખ્રિસ્તીઓની સખત સતાવણી થઈ. મોટા ભાગે લોકોનું વહેણ એક તરફ જતું હોય, એની વિરુદ્ધમાં જવું મુશ્કેલ છે. કર્લેમોન્ટ ફેરન્ડના કૅથલિક બિશપ, હિપોલાઈટ સાયમને પોતાના વર ઉન ફ્રાન્સ પીઆઈન? (શું ફ્રાન્સ એક વિધર્મી દેશ?) પુસ્તકમાં લખે છે: “દુનિયાના રંગે રંગાવાથી બચવું લોઢાના ચણા ચાવવા જેવું છે,” એ હિંમત માંગી લે છે.

યહોવાહના સાક્ષીઓની સંખ્યા દુનિયાની વસ્તીની સરખામણીમાં બહુ ઓછી છે. આજે યહોવાહના સાક્ષી હોવું કંઈ રમત વાત નથી, એ હિંમત માંગી લે છે. દાખલા તરીકે ફ્રાન્સના બાસ્ટિયા, કોરશિકામાં રહેતા પોલનો વિચાર કરો. તે કૅથલિક કુટુંબમાં મોટો થયો હતો. તે ફક્ત કોઈ વાર જ ચર્ચના નાના-મોટા કામ કરતો. જેમ કે ચેરીટી માટે પૈસા ઉઘરાવવા તે કૅક વેચતો હતો. બાઇબલ વિષે વધારે જાણવાની ધગશ હોવાના લીધે, તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલની ચર્ચા કરવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તેણે જોયું કે તે જે શીખી રહ્યો છે, એ તેને જીવનભર લાભ કરશે. તેથી, તેણે બાઇબલનું ખરું જ્ઞાન લીધું અને યહોવાહનો સાક્ષી બન્યો. તેના માબાપે એનો કોઈ વાંધો ઉઠાવ્યો નહિ.

એમલી દક્ષિણ ફ્રાન્સમાં રહે છે. તેનું કુટુંબ ચાર પેઢીઓથી યહોવાહના સાક્ષીઓ છે. તેણે કયો ધર્મ પસંદ કર્યો? તે કહે છે: “મારા દાદા-દાદી અને માબાપ યહોવાહના સાક્ષી છે, એટલે હું આપમેળે યહોવાહની સાક્ષી બની જતી નથી. પરંતુ, જીવનમાં ધીમે ધીમે હું પોતે જ જોઈ શકું છું કે ‘મારે આ જ ધર્મમાં માનવું છે. એ જ મારો ધર્મ છે.’” યહોવાહના સાક્ષીઓના બીજા યુવાનોની જેમ એમલી જોઈ શકે છે કે તેનો ધર્મ તેને જીવનનો હેતુ આપે છે. એનાથી તેને કાયમી સુખની ચાવી મળી છે.

બાઇબલમાં પરમેશ્વર પોતે પોતાના ભક્તોને કહે છે: “મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર.” (નીતિવચનો ૬:૨૦) એનો અર્થ એવો નથી કે યુવાનોએ મૂંગા મોઢે જે કહેવામાં આવે એ જ કરવું. પ્રેષિત પાઊલે કહ્યું કે “સઘળાંની પારખ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) એટલે યુવાનો પોતે જ તપાસી શકે કે તેઓને જે કંઈ શીખવવામાં આવી રહ્યું છે, એ સત્ય છે કે નહિ. વળી, એ બાઇબલ પ્રમાણે છે કે કેમ. આ પ્રમાણે પસંદગી કરવાથી, તેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવી શકે. તેમ જ, તેમણે આપેલા સંસ્કાર પાળી શકે.

પરમેશ્વરના સંસ્કાર સૌથી સારા

તમે યહોવાહના સાક્ષી હોવ કે નહિ, પણ આજે ૬૦ લાખ કરતાં વધારે લોકોએ આ પસંદગી કરી છે. બાઇબલ જે આપણને બધાને પરમેશ્વરના સંસ્કાર જણાવે છે, એને યહોવાહના સાક્ષીઓ વાંચે છે, અને એના પર મનન કરે છે. એ રીતે તેઓએ પરમેશ્વર વિષે અને જીવનના હેતુ વિષે સાચી સમજણ મેળવી છે. એમ કરીને તેઓ સાચા પરમેશ્વરને ભજે છે અને તેમની ઇચ્છા પૂરી કરવા પોતાનાથી બનતું બધું જ કરે છે.

તમે આ મેગેઝિન નિયમિત વાંચતા હશો. તો પછી કેમ નહિ કે બાઇબલ જે આપણને બધાને સારા સંસ્કાર આપે છે, એમાં ડોકિયું કરો. આ રીતે તમે પોતે “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે.” એમ કરીને તમે પરમેશ્વર યહોવાહની કૃપા અને આશીર્વાદ મેળવી શકશો, સાથે સાથે અનંત જીવનની આશા પણ.—ગીતશાસ્ત્ર ૩૪:૮; યોહાન ૧૭:૩.

[પાન ૫ પર ચિત્ર]

ફ્રાન્સમાં યહોવાહના સાક્ષીઓમાં એક કુટુંબની ચાર પેઢી

[પાન ૭ પર ચિત્ર]

બાપદાદાના ખોટા ધર્મને વળગી રહેવાને બદલે, રૂથે યહોવાહની ભક્તિ પસંદ કરી