સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારી નોકરી આજે છે ને કાલે નથી

સારી નોકરી આજે છે ને કાલે નથી

સારી નોકરી આજે છે ને કાલે નથી

યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઇટ્‌સમાં યુનાઇટેડ નેશન્સે કહ્યું હતું કે “બધા લોકોને કામ કરવાનો હક્ક છે.” પરંતુ એમ કહેવાથી એ ખાતરી આપતું નથી કે, તમારી પાસે નોકરી હશે જ. એ ઉપરાંત, કાલે તમે નોકરી કરતા હશો કે નહિ, એની પણ કોને ખબર છે? કદાચ સમાજમાં કે દુનિયામાં શું ચાલે છે એના આદરે કંપની સફળ થાય અથવા પડી ભાંગી શકે. તેમ જ, કંપની કોઈને નોકરી પરથી છૂટા કરવાની હોય ત્યારે, કામદારો એનો વિરોધ કરવા તોફાને ચઢે છે, સરઘસ કાઢે છે કે હડતાલ પર ઊતરી જાય છે. જોકે, આજે મોટાભાગના દેશોમાં એવું જ જોવા મળે છે. એક લેખક કહે છે કે ઘણા તો “કામ જેવા શબ્દ સાંભળતાં જ રાતાપીળા થઈ જાય છે.”

કામ કરવા પાછળ ઘણાં કારણો રહેલાં છે. જેમ કે આપણે પૈસા મળે છે. એટલું જ નહિ, સમાજમાં પણ આપણે ઉપયોગી બનીએ છીએ. કામ કરવાથી આપણને જીવનનો આનંદ મળે છે અને દિલમાં સંતોષ થાય છે. તેથી, જેઓ પાસે આજે આરામથી રહેવા પૂરતા પૈસા છે, તેઓ પણ વહેલા રીટાયર્ડ થવા ઇચ્છતા નથી. સાચે જ કામ કરવું ખૂબ મહત્ત્વનું છે, નહિ તો સમાજમાં ઘણી મુશ્કેલીઓ ઘર કરી જાય.

જોકે, આજે ઘણા પાસે નોકરી છે. પરંતુ તેઓને બહુ જ કામ કરવું પડે છે. તેથી તેઓને કામમાં મજા આવતી નથી. દાખલા તરીકે, વેપાર-ધંધામાં હરીફાઈ હોવાથી ઘણી કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા, થોડા કામદારો પાસેથી વધારે કામ કઢાવે છે.

આજે આસાનીથી અને સારી રીતે કામ થઈ શકે એવી અનેક સગવડો હોવા છતાં, લોકો કામ પર દબાણ અનુભવે છે. દાખલા તરીકે, આજે કૉમ્પ્યુટર, ફેક્સ મશીન કે ઇંટરનેટ જેવાં સાધનો હોવાથી લોકોને દિવસના અંતે ઑફિસનું કામ ઘરે લઈ જવું પડે છે. આમ કરીને ઘણા લોકો ઘરને પણ ઑફિસ બનાવી દેતા હોય છે. અથવા ઘણી કંપનીઓ કામદારોને પેજર કે મોબાઇલ ફોન આપતી હોય છે. કેમ કે, માલિક કામ માટે ગમે ત્યારે ફોન કરી શકે છે. તેથી એક કામદારને એવું લાગે છે કે, તમે ઘરે હોવ કે કામ પર એમાં કોઈ ફરક પડતો નથી.

આજે કામ કરવાની રીત પણ ઝડપથી બદલાઈ રહી છે. તેથી, ઘણા લોકો એવું વિચારે છે કે આજે મોટી ઉંમરના લોકો, યુવાનોની જેમ ઝડપથી કામ કરી શકે એમ નથી. એના વિષે હ્યુમન રાઇટ્‌સના અગાઉના એક કમિશનર ક્રિસ સિડૉટે આમ કહ્યું: “કંપનીના લોકો એક જ રટણ કરતા હોય છે કે, તમે ૪૦ વર્ષની અંદર હોવ તો જ કૉમ્પ્યુટર કે નવા મશીનો વાપરતા શીખી શકો.” જોકે, માલિકોએ મહેનતુ કામદારોના પહેલાં ખૂબ વખાણ કર્યા હશે. પણ આજે તેઓની મોટી ઉંમરને લીધે માલિકો તેઓની સામે જોતા પણ નથી. એ કેટલું દુઃખદ કહેવાય!

એક સમયે કામદારો કંપની માટે જીવ આપવા પણ તૈયાર હતા, પરંતુ આજે એવું જરાય રહ્યું નથી. એ વિષે એક ફ્રેંચ મેગેઝિને આમ કહ્યું: “શેરબજારમાં થોડો પણ ભાવ નીચો જવા માંડે એટલે કંપનીઓ કામદારો ઘટાડવા લાગે છે. તેઓ આજે કામદારોની જરાય ચિંતા કરતા નથી. તેથી કામદારો પણ કંપનીનું નહિ, પણ પોતાનું જ હિત જુએ છે.”

આવી તો ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પરંતુ દરેકને જીવવા માટે કામ કરવાની જરૂર છે. આજે જગત ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે, તમે કઈ રીતે કામમાં આનંદ માણી શકો? તેમ જ કામ પ્રત્યે તમે કેવી રીતે સમતોલ રહી શકો? એ હવે પછીના લેખમાં જોવા મળશે.

[પાન ૩ પર ચિત્ર]

આધુનિક સાધનોએ કામ પર દબાણ વધાર્યું છે