હિંમતવાન બનો
હિંમતવાન બનો
બાઇબલમાં ૧,૮૦૦થી વધારે વાર હાથ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હેબ્રી કહેવતમાં હાથનો અનેક રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. દાખલા તરીકે, જેના હાથ શુદ્ધ છે, તે નિર્દોષ છે. (૨ શમૂએલ ૨૨:૨૧; ગીતશાસ્ત્ર ૨૪:૩, ૪) જેનો હાથ ખુલ્લો છે તે ઉદાર છે. (પુનર્નિયમ ૧૫:૧૧; ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) જે પોતાનો જીવ હાથમાં લે છે, તે પોતાને ખતરામાં મૂકે છે. (૧ શમૂએલ ૧૯:૫) જેના હાથ ઢીલા થઈ ગયા છે તે નિરાશ થઈ ગયો છે. (૨ કાળવૃત્તાંત ૧૫:૭) કોઈ આપણા હાથ મજબૂત કરે તો, આપણે કામ કરવા ઉત્સાહી બનીશું.—૧ શમૂએલ ૨૩:૧૬.
આજે આપણે ‘સંકટના સમયમાં’ જીવી રહ્યા હોવાથી, હિંમતવાન બનવાની ખૂબ જરૂર છે. (૨ તીમોથી ૩:૧) આપણો ઉત્સાહ ભાંગી પડે ત્યારે, ઘણી વાર આપણે હાથ ધોઈ નાખીએ છીએ કે પડતું મૂકીએ છીએ. આજે બધે જ જોવા મળે છે કે બાળકો સ્કૂલ છોડી દે છે, ઘણા પતિઓ પોતાનું કુટુંબ છોડીને જતા રહે છે, અને ઘણી માતાઓ બાળકોને તરછોડી દે છે. આપણે યહોવાહ પરમેશ્વરના સેવકો હોવાથી હિંમતવાન થવું જોઈએ, જેથી કોઈ કસોટી આવે ત્યારે ટકી શકીએ. (માત્થી ૨૪:૧૩) એમ કરીશું તો યહોવાહના હૃદયને આનંદ થશે.—નીતિવચનો ૨૭:૧૧.
યહોવાહે તેઓને હિંમત આપી
એઝરાના સમયમાં યહુદીઓને હિંમતની જરૂર હતી. કેમ કે તેઓએ યરૂશાલેમમાં યહોવાહના મંદિરનું સમારકામ કરવાનું હતું. એમ કરવા તેઓ કઈ રીતે હિંમતવાન થયા? અહેવાલ જણાવે છે: “તેઓએ સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું; કારણ કે યહોવાહે તેઓને આનંદિત કર્યા હતા, અને ઇસ્રાએલના દેવના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા સારૂ, તેણે આશ્શૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો.” (એઝરા ૬:૨૨) અહીં જોવા મળે છે કે યહોવાહે “આશ્શૂરના રાજાના મનમાં” ઈસ્રાએલીઓ માટે દયા જગાડી, જેથી તે તેઓને પાછા જવા દે. આમ, યહોવાહે યહુદીઓના હાથ પ્રબળ કર્યા, જેથી તેઓએ જે કામ ઉપાડ્યું હતું એને પૂરું કરી શકે.
પછી યરૂશાલેમનો કોટ બાંધવાનો હતો ત્યારે નહેમ્યાહે યહુદી ભાઈઓને હિંમત આપી. એ વિષે અહેવાલ કહે છે: “મારા દેવની કૃપાદૃષ્ટિ મારા પર હતી તે વિષે, તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, કે ઊઠો, આપણે બાંધીએ. એમ તેઓએ એ શુભ કાર્ય ઉમંગથી શરૂ કર્યું.” નહેમ્યાહે યહુદીઓને હિંમત આપ્યા પછી, તેઓએ બાવન દિવસમાં યરૂશાલેમનો કોટ બાંધ્યો.—નહેમ્યાહ ૨:૧૮; ૬:૯, ૧૫.
આજે યહોવાહ આપણને તેમના રાજ્યનો પ્રચાર કરવા હિંમત આપે છે. (માત્થી ૨૪:૧૪) યહોવાહ તેમની ઇચ્છા પૂરી કરવા આપણને દરેક રીતે તૈયાર કરે છે. (હેબ્રી ૧૩:૨૧) તેમણે પોતાનું કામ કરવા આપણને સૌથી સારાં સાધનો આપ્યાં છે. આપણી પાસે બાઇબલ અને એની સમજણ આપતા અનેક પુસ્તકો, મેગેઝિનો, પત્રિકાઓ, વિડીયો અને બાઇબલની કૅસેટો પણ છે. એનો ઉપયોગ કરીને આપણે યહોવાહ વિષે લોકોને શીખવી શકીએ. આજે આપણા પ્રકાશનો ૩૮૦થી પણ વધારે ભાષાઓમાં છે. આપણે પ્રચાર કાર્યમાં એનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ એ માટે, યહોવાહ આપણને મંડળની સભાઓ તથા સંમેલનો દ્વારા જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપે છે.
એ ખરું છે કે યહોવાહ આપણને અનેક રીતે હિંમત આપે છે. તેમ છતાં, તે ઇચ્છે છે કે આપણે પોતે પણ મહેનત કરતા રહીએ. યોઆશ રાજા અરામીઓ સામે લડતા હતા ત્યારે, પ્રબોધક એલીશા તેમની મદદે આવ્યા. શું તમને યાદ છે કે તેમણે રાજાને શું કરવા કહ્યું હતું? એલીશાએ રાજાને બાણ લઈને જમીન પર મારવાનું કહ્યું. એ વિષે ૨ રાજાઓ ૧૩:૧૮, ૧૯ જણાવે છે: “તે ત્રણ વાર મારીને અટક્યો. અને ઇશ્વરભક્તે તેના પર ગુસ્સે થઈને કહ્યું, કે તારે પાંચ કે છ ફેરા બાણ મારવાં જોઇતાં હતાં; એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત; પણ હવે તો તું ત્રણ જ વાર અરામને હરાવશે.” યોઆશ રાજાએ ઉત્સાહ બતાવ્યો ન હોવાથી, તેમણે ત્રણ વાર જ અરામીઓ પર જીત મેળવી.
એ સિદ્ધાંત આપણને પણ લાગુ પડે છે. યહોવાહે આપણને જે કામ સોંપ્યું છે એ ઉત્સાહથી કરવું જોઈએ. એ કામ કેટલું અઘરું છે અથવા, એમાં કેટલી મુશ્કેલીઓ પડશે એવી ચિંતા કરવાને બદલે, આપણે પૂરા દિલથી અને ઉત્સાહથી એમાં મંડ્યા રહેવું જોઈએ. આપણે હિંમત રાખીશું તો, યહોવાહ ચોક્કસ આપણને મદદ કરશે.—યશાયાહ ૩૫:૩, ૪.
યહોવાહ આપણને હિંમત આપશે
આપણે યહોવાહનું કામ કરીશું તો, તે આપણને છોડી દેશે નહિ, પણ એ કરવા હિંમત આપશે. એનો એવો અર્થ નથી કે તે ચમત્કાર કરીને આપણા માટે બધું જ કરશે. યહોવાહ ઇચ્છે છે કે આપણે આપણો પાઠ ભજવીએ. જેમ કે દરરોજ બાઇબલ વાંચવું, સભાઓ માટે તૈયારી કરીને નિયમિત સભાઓમાં જવું, થઈ શકે એટલો પ્રચાર કાર્યમાં ભાગ લેવો, અને હંમેશાં પ્રાર્થના કરતા રહેવું. એમ કરવાની આપણી પાસે હમણાં તક રહેલી છે. આપણે પૂરા દિલથી એમાં મંડ્યા રહીશું તો, યહોવાહ આપણને તેમનું કામ કરવા શક્તિ આપશે.—ફિલિપી ૪:૧૩.
એક ખ્રિસ્તી ભાઈનો વિચાર કરો. તેમની માતા અને પત્ની એક જ વર્ષમાં મરણ પામ્યા હતા. હજુ તે ઊંડા દુઃખમાંથી બહાર નીકળે એ પહેલાં તો, તેમના દીકરાની વહુ તેને છોડીને ચાલી ગઈ અને યહોવાહની સેવા કરવાનું પણ છોડી દીધું. એ ભાઈ કહે છે: “મારે શીખવું પડ્યું કે આપણા પર ક્યારે અને કઈ રીતે કસોટી આવે, એ આપણે પસંદ કરી શકતા નથી.” તે દુઃખનો પહાડ કેવી રીતે સહન કરી શક્યા? તે કહે છે: “મારા દુઃખનો કોઈ પાર જ ન હતો. તોપણ, મેં પ્રાર્થના કરવાનું અને બાઇબલનો અભ્યાસ કરવાનું ચાલુ જ રાખ્યું. એનાથી જાણે યહોવાહ પોતે મને દુઃખના દરિયામાંથી બહાર કાઢતા હોય એવી રાહત મળી. મંડળના ભાઈ-બહેનોએ પણ મને ઘણો દિલાસો આપ્યો. હવે હું શીખ્યો કે મુશ્કેલીઓ આવે એ પહેલાં, યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવો ખૂબ જ જરૂરી છે.”
તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય શકે. પરંતુ, યહોવાહ પરમેશ્વરમાં વિશ્વાસ કેળવવાનું છોડશો નહિ. કોઈ પણ મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારો. તેમણે જે જોગવાઈઓ પૂરી પાડી છે એમાંથી અચૂક લાભ લો. એમ કરીને તમે સારી રીતે યહોવાહની સેવા કરી શકશો. તેમ જ તેમના નામને માન અને મહિમા આપી શકશો.—હેબ્રી ૧૩:૧૫.
[પાન ૩૧ પર ચિત્ર]
યોઆશ રાજાએ દુશ્મનો સામે લડવામાં પૂરી હિંમત ન બતાવી હોવાથી, તે ત્રણ વાર જ અરામીઓ પર જીત મેળવી શક્યા