પરદેશીઓ! તમે કઈ ભાષામાં બાળકોને સત્ય શીખવશો?
પરદેશીઓ! તમે કઈ ભાષામાં બાળકોને સત્ય શીખવશો?
આજે લાખો લોકો સુખી થવા પરદેશ જતા હોય છે. યુરોપમાં ૨ કરોડ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં ૨,૬૦,૦૦૦ પરદેશીઓ છે. ઑસ્ટ્રેલિયામાં ૨૧ ટકાથી વધારે પરદેશીઓ છે. મોટે ભાગે, આ પરદેશીઓને નવી ભાષા અને રીત-ભાત શીખવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
કુટુંબમાં બાળકો કદાચ તરત જ નવી ભાષા અને રીત-ભાત શીખી લેશે, પણ માબાપને સમય લાગી શકે. બાળકો મોટા થાય તેમ, તેઓ માતૃભાષા ભૂલતા જાય છે અને માબાપ સાથે વાતચીત કરવી મુશ્કેલ બને છે. આ માબાપ અને બાળકો વચ્ચે દિવાલ ઊભી કરે છે.
ફક્ત ભાષા જ નહિ પણ નવી રીત-ભાત પણ બાળકોને અસર કરે છે. તેથી, માબાપ અને બાળકો એકબીજાને સમજી શકતા નથી. વળી, બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” મોટા કરવા ઘણું જ અઘરું બની જાય છે.—એફેસી ૬:૪.
માબાપ અને બાળકો વચ્ચે દિવાલ
યહોવાહ પરમેશ્વરે માબાપને જવાબદારી આપી છે કે તેઓ પોતાનાં બાળકોને બાઇબલનું જ્ઞાન શીખવે. દરેક માબાપ એ રીતે શીખવવા ચાહે છે, જેથી યહોવાહનું જ્ઞાન બાળકોના હૃદય સુધી પહોંચી શકે. (પુનર્નિયમ ૬:૭; સફાન્યાહ ૩:૯) પરંતુ, બાળકો અને માબાપની વચ્ચે ભાષાની ઊંચી દિવાલ ઊભી છે. તેથી, જો તેઓ સારી રીતે વાતચીત કરી શકતા ન હોય, તો કઈ રીતે સત્ય વિષે શીખવી શકે? બાળકો પોતાની ભાષા થોડી ઘણી સમજતા હોય શકે છે. પરંતુ, સત્ય વિષે શીખવા તેઓએ વધારે સારી રીતે ભાષા જાણવાની જરૂર છે. જો એમ ન હોય, તો માબાપ અને બાળકો એક જ ઘરમાં રહેતા હોવા છતાં, જાણે હૉટલમાં રહેતા હોય એમ બની શકે છે.
પેડ્રો અને સાંદ્રા દક્ષિણ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા રહેવા ગયા. * તેઓના યુવાન દીકરાઓને મોટા કરવામાં જે મુશ્કેલીઓ પડી, એ વિષે જણાવતા પેડ્રો કહે છે: “બાળકોને સત્ય વિષે શીખવવા સારી રીતે વાતચીત કરવાની જરૂર છે. જો એમ ન હોય તો સત્યનાં મૂળ તેઓના દિલમાં ઊંડા ઉતરશે નહિ.” તેમ જ, સાંદ્રા કહે છે: “આપણાં બાળકો માતૃભાષા બરાબર રીતે સમજી શકતા ન હોય તો, એની તેઓના જીવન પર અસર પડશે. તેઓ સત્યની ઊંડી સમજણ મેળવી શકશે નહિ. એ માટે તેઓને સત્ય શીખવાનો કંટાળો આવવા લાગશે. આમ, તેઓ સત્યમાં ધીમે ધીમે ઠંડા પડી જશે અને યહોવાહ સાથેની તેઓની મિત્રતા તૂટી જશે.”
જ્ઞાનાપીરાકસમ અને હેલન શ્રીલંકાથી જર્મની રહેવા ગયા. હવે તેઓને બે બાળકો છે. તેઓએ કહ્યું: “અમારાં બાળકો જર્મન ભાષા શીખે એ જરૂરી છે. પરંતુ, સાથે સાથે અમારી ભાષા શીખે એ પણ એટલું જ જરૂરી છે. આ રીતે અમે એકબીજા સાથે મનની વાતો કરી શકીએ છીએ.”
મીગેલ અને કાર્મેન ઉરુગ્વેથી ઑસ્ટ્રેલિયા રહેવા ગયા. તેઓએ કહ્યું: “સત્ય વિષે બાળકોને શીખવવાનો એક રસ્તો એ છે કે અમે નવી ભાષા સારી રીતે બોલતા શીખીએ. બીજો રસ્તો એ છે કે બાળકોને માતૃભાષા સારી રીતે શીખવીએ. એમાંનું એકેય સહેલું નથી.”
કુટુંબ તરીકે નિર્ણય
કુટુંબમાં યહોવાહની સેવા સૌથી મહત્ત્વની છે. તેથી, કુટુંબના ભલા માટે તેઓએ નક્કી કરવું જોઈએ કે કઈ ભાષામાં તેઓ યહોવાહ વિષે શીખતા રહેશે. (યશાયાહ ૫૪:૧૩) તેઓની ભાષાનું મંડળ નજીક હોય તો, કુટુંબ ત્યાં જવાનું પસંદ કરી શકે છે. અથવા એ દેશની ભાષાના મંડળમાં જવાનું પસંદ કરી શકે. પરંતુ, તેઓ એ નિર્ણય કઈ રીતે લઈ શકે?
દેમેત્રિઓસ અને પેતરુલા, સૈપ્રસથી ઇંગ્લૅંડ રહેવા ગયા. ત્યાં તેઓનાં પાંચ બાળકો મોટા થયાં. તેઓ કહે છે: “પ્રથમ અમે ગ્રીક ભાષાના મંડળમાં જતા હતા. અમને એમાં મઝા આવતી હતી. પરંતુ, અમારાં બાળકો ગ્રીક ભાષા સારી રીતે સમજતા ન હોવાથી, મિટીંગોમાં તેઓને અઘરું લાગતું હતું. તેઓ ધીરે ધીરે સત્યમાં ઠંડા પડવા માંડ્યા. તેથી, અમે અંગ્રેજી ભાષાના મંડળમાં જવાનો નિર્ણય લીધો. તરત જ, અમે અમારાં બાળકોમાં ફેરફાર જોયો. હવે અમારાં બાળકોને પણ મિટીંગોમાં મઝા આવે છે અને યહોવાહ માટેનો તેઓનો પ્રેમ વધતો જાય છે. જો કે આ નિર્ણય લેવો સહેલો ન હતો છતાં, એનાથી અમને ઘણા લાભો થયા.”
તો શું એનાથી બાળકો માતૃભાષા ભૂલી ગયા? તેઓનાં બાળકો કહે છે: “બીજી ભાષાઓ જાણવાથી ઘણો ફાયદો છે. ખરું કે અમે મોટે ભાગે અંગ્રેજી બોલીએ છીએ. તેમ છતાં, ગ્રીક ભાષા પણ બોલવાથી અમે સગાં-વહાલા અને ખાસ કરીને દાદા-દાદી સાથે વાતચીત કરી શકીએ છીએ. વળી, અમે બીજા પરદેશીઓને સારી રીતે સમજી શક્યા અને મદદ આપી શક્યા. તેમ જ, અમને હજુ કંઈક વધારે કરવાની હોંશ જાગી. તેથી જ્યારે અમે મોટા થયા, ત્યારે અમારું કુટુંબ આલ્બેનિયન ભાષાના મંડળમાં ગયું.”
ક્રિસ્ટોફર અને માર્ગેરીટા પણ સૈપ્રસથી ઇંગ્લૅંડ રહેવા ગયા, અને ત્યાં તેઓનાં ત્રણ બાળકો મોટા થયાં. તેઓ ગ્રીક ભાષાના મંડળમાં ગયા. હવે તેઓનો એક દીકરો, નીકોસ એ મંડળમાં વડીલ છે. તે કહે છે: “અમને ગ્રીક ભાષાના મંડળમાં જવાનું ઉત્તેજન મળ્યું. અમે યહોવાહનું માર્ગદર્શન માનીને, એ મંડળમાં ગયા.”
માર્ગેરીટા યાદ કરે છે: “અમારા બે દીકરા સાત અને આઠ વર્ષના હતા ત્યારથી દેવશાહી સેવા શાળામાં ભાગ લે છે. અમે ચિંતા કરતા કે તેઓને ગ્રીક ભાષા સારી રીતે આવડતી નથી તો, તેઓ મિટીંગોમાંથી કેવી રીતે લાભ લેશે? એ માટે તેઓની દરેક ટૉક, અમે કુટુંબ તરીકે તૈયાર કરતા, જેમાં કલાકો નીકળી જતા.”
તેમની દીકરી જોઆના કહે છે: “મને હજી પણ યાદ છે કે પપ્પા ઘરે બ્લેક-બોર્ડ પર બારાખડી લખતા, અને અમને મોઢે કરાવતા. ઘણા લોકોને ભાષા શીખતા વર્ષો લાગે છે, પણ મમ્મી-પપ્પાની મદદથી અમે જલદી જ શીખી ગયા.”
અમુક માબાપ માતૃભાષાના મંડળમાં જાય છે, કારણ કે તેઓને પોતાની ભાષામાં ‘ઈશ્વરના જ્ઞાનની’ સમજણ મેળવવી સહેલી લાગે છે. (કોલોસી ૧:૯, ૧૦, પ્રેમસંદેશ; ૧ તીમોથી ૪:૧૩, ૧૫) વળી, તેઓને લાગે છે કે પોતાના જેવા બીજા પરદેશીઓને પણ તેઓની ભાષામાં યહોવાહ વિષે શીખવી શકે.
પરંતુ, બીજાં માબાપ એ દેશની ભાષાના મંડળમાં જ જવાનું પસંદ કરે છે. (ફિલિપી ૨:૪; ૧ તીમોથી ૩:૫) ગમે એ હોય, પ્રાર્થના દ્વારા યહોવાહની મદદ લઈ, કુટુંબ ચર્ચા કરે અને પિતા નિર્ણય લઈ શકે. (રૂમીઓને પત્ર ૧૪:૪; ૧ કોરીંથી ૧૧:૩; ફિલિપી ૪:૬, ૭) પરંતુ, એ નિર્ણય લેવા તેઓને બીજું શું મદદ કરી શકે?
અમુક સૂચનો
પેડ્રો અને સાંદ્રા કહે છે: “અમે માતૃભાષા ભૂલી ન જઈએ, એ માટે ઘરે સ્પૅનિશ જ બોલવાનો નિયમ રાખ્યો છે. અમે અંગ્રેજી પણ સમજીએ છીએ એ જાણતા હોવાથી, અમારા દીકરાઓ માટે એ સહેલું નથી. પરંતુ, જો અમે એમાં ઢીલ મૂકીશું, તો તેઓ સ્પૅનિશ ભૂલી જશે.”
મીગેલ અને કાર્મેન પણ કહે છે: “જો માતૃભાષામાં કુટુંબનો અભ્યાસ અને દરરોજના વચનની પુસ્તિકાની ચર્ચા થાય, તો ઘણો સુધારો થઈ શકે છે. આમ, બાળકો પણ માતૃભાષામાં બાઇબલ વિષે બીજાને સમજાવી શકશે.”
મીગેલ એમ પણ કહે છે: “પ્રચાર કાર્ય એવી રીતે કરો કે બાળકોને મઝા આવે. અમે મોટા શહેરમાં રહીએ છીએ. અમારા જેવા પરદેશીઓ દૂર દૂર રહેતા હોવાથી, અમારે મુસાફરી કરવી પડે છે. મુસાફરી કરતી વખતે અમે બાઇબલની રમતો રમીએ છીએ. વળી, અમે ખુલ્લા મને વાતો કરી શકીએ છીએ. તેમ જ, હું એ રીતે ગોઠવણ કરું છું, જેથી અમે ફરી મુલાકાતો પણ કરી શકીએ. આ રીતે મારાં બાળકોને કોઈ સાથે યહોવાહ વિષે વાતચીત કરીને ખૂબ આનંદ થાય છે.”
કુટુંબમાં જુદી રીત-ભાત હોય ત્યારે
યહોવાહ યુવાનોને સલાહ આપે છે: “મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા.” (નીતિવચનો ૧:૮) બાપની શિખામણ અને માનું શિક્ષણ પાળવામાં ક્યારે મુશ્કેલીઓ ઊભી થઈ શકે? જ્યારે માબાપ અને બાળકોની રીત-ભાત એકદમ અલગ હશે. તોપણ, આખરે પિતાએ પોતાનાં બાળકોને શિક્ષણ આપવાની રીત નક્કી કરવી જોઈએ. તેમણે બીજું કોઈ કુટુંબ કરે એમ જ કરવાની જરૂર નથી. (ગલાતી ૬:૪, ૫) માબાપ અને બાળકો વચ્ચે સારો સંબંધ હશે તો, માબાપ બાળકને સારી રીતે સમજી શકશે. અરે, તેઓ નવી રીત-ભાત પણ શીખી શકશે.
પરંતુ, માબાપે સાવચેત રહેવું જોઈએ. ઘણી વખત પરદેશોની રીત-ભાત ખ્રિસ્તીઓને બગાડી શકે છે. જેમ કે, અમુક સંગીત અને મનોરંજન, લોકોમાં અનૈતિકતા, લોભ અને બંડની લાગણી ઉશ્કેરે છે. (રૂમીઓને પત્ર ૧:૨૬-૩૨) પરંતુ, માબાપ ભાષા
સમજી શકતા ન હોય તો શું? તોપણ, તેઓએ બાળકોની સંગીત અને મનોરંજનની પસંદગી પ્રત્યે આંખ આડા કાન કરવા જોઈએ નહિ. ભલે એ સહેલું ન હોય છતાં, માબાપે બાળકોને એ વિષે ચોખ્ખું માર્ગદર્શન આપવું જોઈએ.કાર્મેન ચિંતા કરે છે: “બાળકો સાંભળે છે એ સંગીત તો ઘણું સરસ લાગે છે, પણ એના શબ્દો અમે સમજતા નથી. જો શબ્દોનો ખરાબ અર્થ થતો હોય, તો અમને ખબર પડતી નથી.” આવા સંજોગોમાં માબાપ શું કરી શકે? મીગેલ કહે છે: “અમે બાળકોને સારી રીતે શીખવીએ છીએ કે એવું સંગીત કેટલું ખરાબ હોય છે, અને કેમ એ સાંભળવું ન જોઈએ. આ રીતે બાળકો પોતે એવા સંગીતની પસંદગી કરી શકે, જેનાથી યહોવાહ ખુશ હોય.” ખરેખર, માબાપ અને બાળકોની રીત-ભાત સાવ અલગ હોય ત્યારે, તેઓએ બધું ચલાવી લેવું ન જોઈએ, પણ સમજી-વિચારીને ફેરફારો કરવા જોઈએ.—પુનર્નિયમ ૧૧:૧૮, ૧૯.
મહેનતનાં ફળ મીઠાં
ખરેખર, પરદેશમાં બાળકોને મોટા કરવા સહેલું નથી. એ સખત મહેનત માંગે છે, પણ આખરે માબાપ અને બાળકોને મહેનતનાં મીઠાં ફળ મળે છે.
અઝમ અને તેની પત્ની સારા, ટર્કીથી જર્મની રહેવા ગયા, જ્યાં તેઓનાં ત્રણ બાળકો મોટા થયાં. હવે તેઓનો મોટો દીકરો ત્યાં બેથેલમાં છે. અઝમ ખુશીથી કહે છે: “બંને દેશોમાં રહેવાથી, બાળકો બે રીત-ભાત શીખે છે. આમ, તેઓ જીવનમાં બંનેનો લાભ લઈ શકે છે.”
અન્ટોનીયો અને લુટોનાડીયા અંગોલાથી જર્મની રહેવા ગયા. તેઓ નવ બાળકોને મોટા કરી રહ્યા છે. તેઓ બધા લિંગાલા, ફ્રેન્ચ અને જર્મન બોલે છે. અન્ટોનીયો કહે છે: “એ ભાષાઓ બોલવાથી અમે ઘણા લોકોને પ્રચાર કરી શકીએ છીએ, જેનાથી અમને ઘણો જ આનંદ થાય છે.”
એક જાપાની કુટુંબ બે બાળકો સાથે ઇંગ્લૅંડ ગયા. તેઓનાં બાળકો અંગ્રેજી અને જાપાની ભાષા બોલતા હોવાથી ઘણા લાભો થયા. બાળકો કહે છે: “બે ભાષા બોલતા હોવાથી, અમને સહેલાઈથી નોકરી મળી ગઈ. વધુમાં, અંગ્રેજી સંમેલનોથી અમે ઘણો લાભ મેળવ્યો છે. તેમ જ અમે જાપાની મંડળમાં છીએ, જ્યાં અમે ઘણા બીઝી રહીએ છીએ.”
તમે સફળતા મેળવી શકો છો
પરદેશમાં બાળકોને પોતાની જ રીત-ભાત પ્રમાણે મોટા કરવા સહેલું નથી. બાઇબલ એવા જ અનુભવો જણાવે છે. દાખલા તરીકે, મુસા ઇજિપ્તમાં મોટા થયા. તેમ છતાં, તેમના માબાપે મુસાને પોતાની રીત-ભાત શીખવી હતી. (નિર્ગમન ૨:૯, ૧૦) તેમ જ, બાબેલોનની ગુલામીમાં ગયેલા યહુદીઓએ પણ બાળકોને પોતાની રીત-ભાત શીખવી. એટલે જ બાળકોએ મોટા થઈને, યરૂશાલેમમાં યહોવાહનું મંદિર ફરીથી બાંધવા જવાની ઇચ્છા રાખી.—એઝરા ૨:૧, ૨, ૬૪-૭૦.
એ જ રીતે, આજે પણ માબાપની મહેનત સફળ થઈ શકે છે. એક માબાપને બાળકોએ કહ્યું: “તમે અમારા પર ઘણો જ પ્રેમ રાખો છો, એટલે જ અમે છૂટથી તમારી સાથે વાતચીત કરી શકીએ છીએ. આપણી વચ્ચે સારો સંબંધ છે. તેમ જ, અમે ખુશ છીએ કે તમે અમને યહોવાહ વિષે શીખવ્યું, જેથી આપણે તેમના એક મોટા કુટુંબનો ભાગ છીએ.” કયા માબાપને આવું સાંભળવું ગમશે નહિ?
[ફુટનોટ]
^ કેટલાંક નામ બદલાયાં છે.
[પાન ૨૪ પર ચિત્ર]
ઘરમાં ફક્ત માતૃભાષા બોલીને, માબાપ બાળકોને ભાષા શીખવા મદદ કરી શકે
[પાન ૨૪ પર ચિત્ર]
માતૃભાષા બોલવાથી સગાં-વહાલા સાથે મનની વાતો કરી શકાય છે
[પાન ૨૫ પર ચિત્ર]
બાળકો સાથે બાઇબલની ચર્ચા કરવાથી, તેઓ ‘ઈશ્વરના જ્ઞાનમાં’ વધશે