સખત મહેનત આશીર્વાદ લાવે છે
સખત મહેનત આશીર્વાદ લાવે છે
“અરુણોદય [સવાર] થાય છે, માટે મને જવા દે.”
“મને આશીર્વાદ દે, નહિ તો હું તને જવા દેવાનો નથી.”
“તારૂં નામ શું?”
“યાકૂબ.”
“હવેથી તારૂં નામ યાકૂબ નહિ, પણ ઈસ્રાએલ કહેવાશે, કેમકે દેવની તથા માણસોની સાથે તેં યુદ્ધ કર્યું છે, ને જય પામ્યો છે.”—ઉત્પત્તિ ૩૨:૨૬-૨૮.
આ રસદાયક વાતચીત પરથી આપણે જોઈ શકીએ છીએ કે ૯૭ વર્ષના યાકૂબ કેટલા હિંમતવાન હતા. જો કે બાઇબલ તેને શૂરવીર નથી કહેતું. તેમ છતાં, તેણે આખી રાત સ્વર્ગદૂત સાથે સખત કુસ્તી કરી. શા માટે? યહોવાહ પરમેશ્વરે, યાકૂબના પૂર્વજોને જે વચન આપ્યું એ તેની માટે ઘણું જ મહત્વનું હતું, કારણ કે તે વારસદાર હતો.
ઘણાં વર્ષો પહેલાં, એસાવે તેના નાના ભાઈ યાકૂબને, એક વાટકી શાક માટે પોતાનું જ્યેષ્ટપણું વેચી દીધું. હવે યાકૂબને સંદેશો મળ્યો કે, એસાવ ૪૦૦ માણસોને લઈને આવી રહ્યો છે. ખરેખર, તે ઘણો જ ચિંતામાં ડુબી ગયો હતો. તેથી, યહોવાહે તેને જે વચન આપ્યું હતું કે તેનું કુટુંબ યર્દન નદીની પેલી પાર આવેલા દેશમાં આશીર્વાદ પામશે, તેની ખાતરી કરી લેવા તે મથતો હતો. યાકૂબે જેમ પ્રાર્થના કરી હતી તે પ્રમાણે મહત્વનો નિર્ણય લે છે. આવી રહેલાં એસાવને તેણે ઘણી બધી ભેટો મોકલી. તેણે પોતાના બચાવ માટે પણ તૈયારી કરી લીધી હતી. તેણે ટોળાને બે ભાગમાં વહેંચી દીધા, તેની પત્નીઓ અને બાળકોને યાબ્બોક નદીની પાર લઈ ગયો. તે ઉપરાંત, “આશીર્વાદ મેળવવા,” તેણે આખી રાત સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી, સખત મહેનત કરી અને રડ્યો.—હોશીઆ ૧૨:૪, IBSI; ઉત્પત્તિ ૩૨:૧-૩૨.
ચાલો આપણે રાહેલનું ઉદાહરણ જોઈએ, જે યાકૂબની બીજી અને વહાલી પત્ની હતી. યહોવાહે, યાકૂબને જે આશીર્વાદનું વચન આપેલું હતું, તે રાહેલ જાણતી હતી. તેની બહેન લેઆહ જે યાકૂબની પહેલી પત્ની હતી તેને ચાર બાળકો હતાં, જ્યારે રાહેલને એક પણ બાળક ન હતું. (ઉત્પત્તિ ૨૯:૩૧-૩૫) રાહેલ હારી-થાકી જવાને બદલે, યહોવાહને પ્રાર્થનામાં વિનંતી કરતી રહી, અને તેની પ્રાર્થના પ્રમાણે તેણે મહત્વનો નિર્ણય લીધો. તેની પૂર્વજ સારાહે, હાગાર સાથે કર્યું તેમ રાહેલે પણ કર્યું. તેણે તેની દાસી બિલ્હાને, યાકૂબને આપી અને કહ્યું કે: “તેનાથી મને પણ છોકરાં થાય.” * બિલ્હાથી યાકૂબને દાન અને નાફતાલી એમ બે પુત્ર જન્મ આપ્યા. બિલ્હાએ નાફતાલીને જન્મ આપ્યો તે વખતે, રાહેલે જે પ્રયત્નો કર્યા એનાથી લાગણીશીલ થઈને પોકારી ઊઠે છે: “હું મારી બહેન સાથે હરીફાઈમાં છું અને હું જીતી ગઈ છું!” ત્યાર પછી, રાહેલને પણ આશીર્વાદ મળે છે અને તે બે પુત્ર, યુસફ અને બિન્યામીનને જન્મ આપે છે.—ઉત્પત્તિ ૩૦:૧-૮; ૩૫:૨૪.
યહોવાહે, યાકૂબ અને રાહેલના શારીરિક અને લાગણીમય રીતે કરેલાં પ્રયત્નોને શા માટે આશીર્વાદ આપ્યો? તેઓએ, યહોવાહની ઇચ્છા તેમના જીવનમાં પ્રથમ મૂકી અને મળેલાં વારસાની કદર કરી. એટલું જ નહિ પરંતુ આશીર્વાદ મેળવવા તેઓએ ખંતથી પ્રાર્થના કરી, અને એની સુમેળમાં જીવનમાં મહત્વના નિર્ણયો લીધાં.
યાકૂબ અને રાહેલની જેમ આજે પણ ઘણાં લોકો સહમત થશે કે, યહોવાહના આશીર્વાદ મેળવવા કંઈ સહેલું નથી. આજે ઘણા લોકો અનેક પ્રકારના દુઃખ સહીને યહોવાહની સેવા કરી રહ્યા છે. જેમ કે એલીઝાબેથ યાદ કરે છે કે લાંબા સમય પછી, ફરી ખ્રિસ્તી સભાઓ શરૂ કરવા માટે, મારે સખત મહેનત કરવી પડી. પતિ યહોવાહનો સાક્ષી ન હતો. એ ઉપરાંત, પાંચ નાના છોકરાઓને લઈને, સૌથી નજીકના રાજ્યગૃહમાં જવા ૩૦ કિલો મીટરનું અંતર કાપવું પડતું જે ઘણું જ અઘરું હતું. તેણે કહ્યું: “સભામાં નિયમિત જવું એ મક્કમ નિર્ણય માંગી લે છે. હું જાણતી હતી કે એ મારા અને મારા બાળકો માટે ઘણું જ લાભદાયી છે. એનાથી મારા બાળકો એ પારખી શક્યા કે આ જ ખરો માર્ગ છે, જેના પર ચાલવાથી જરૂર આશીર્વાદ મળશે.” તેથી, યહોવાહે ખરેખર તેની મહેનતનું ફળ આપ્યું. તેના ત્રણ દીકરાઓ ખ્રિસ્તી મંડળમાં ઘણી જ પ્રગતિ કરી રહ્યા છે, જેમાં બે પૂરા સમયની સેવા કરી રહ્યા છે. તેમની પ્રગતિ જોતાં તેણે કહ્યું: “યહોવાહની સેવા કરવામાં તેઓ મારાથી પણ આગળ નીકળી ગયાં.” તેના ખંતીલા પ્રયત્નનો કેવો સુંદર આશીર્વાદ!
મહેનત અને યહોવાહનો આશીર્વાદ
ખરેખર, સખત મહેનત કરવાથી ચોક્કસ આશીર્વાદ મળે છે. આપણે જેટલો વધારે પ્રયત્ન કરીશું તેટલું જ મોટું ફળ આપણને મળશે, અને એ જ રીતે યહોવાહે આપણને બનાવ્યા છે. રાજા સુલેમાને લખ્યું: “દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઇશ્વરનું વરદાન છે.” (સભાશિક્ષક ૩:૧૩; ૫:૧૮, ૧૯) તેથી, યહોવાહનો આશીર્વાદ મેળવવા, આપણે ખાતરી કરી લેવી જોઈએ કે આપણા પ્રયત્નો તેમની ઇચ્છા પ્રમાણે છે કે નહિ. દાખલા તરીકે, તેમની સેવાને ઓછું મહત્વ આપતું હોય એવા જીવન-ઢબ પર શું આપણે યહોવાહનો આશીર્વાદ ઇચ્છીશું? અથવા સારી નોકરી કે પ્રમોશન મેળવવા માટે નિયમિત સભા અને ભાઈ-બહેનોની સંગત ચૂકી જઈએ તો શું આપણને યહોવાહનો આશીર્વાદ મળશે?—હેબ્રી ૧૦:૨૩-૨૫.
જો પરમેશ્વરની સેવા બાજુ પર રહેવા દઈને ધન અથવા નોકરી-ધંધા પાછળ સખત મહેનત કરી હોય તો એનાથી કંઈ ‘પ્રાપ્ત’ થશે નહિ. ઈસુએ, વાવનારની ફોકટ મહેનતથી શું પરિણામ આવ્યું, એનું ઉદાહરણ આપ્યું. ‘કાંટાનાં જાળમાં વાવેલા બીનું’ દૃષ્ટાંત આપતાં ઈસુએ કહ્યું: “કાંટા ઝાંખરાવાળી જમીન તે એ વ્યક્તિ સૂચવે છે જે ઈશ્વરનું વચન સાંભળે છે પણ આ જગતની ચિંતાઓ અને દ્રવ્યલોભ વચનને દાબી દે છે અને તે કાંઈ ફળ ઉપજાવતો નથી.” (માત્થી ૧૩:૨૨, IBSI) પાઊલે પણ એ જ ફાંદા વિષે ચેતવતા જણાવ્યું કે જેઓ ભૌતિક ધન પાછળ દોડે છે, “તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.” તો પછી, યહોવાહની નજરમાં, આ વિનાશ થઈ ગયેલા જીવનનો શું ઉપાય છે? પાઊલ કહેવાનું ચાલું રાખે છે: ‘તું તેઓથી નાસી જા; અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખ.’—૧ તીમોથી ૬:૯, ૧૧, ૧૭.
ભલે આપણી ગમે તેટલી ઉંમર હોય અથવા ગમે તેટલો લાંબો સમય યહોવાહની સેવામાં કાઢ્યો હોય, પરંતુ જો આપણે યાકૂબ અને રાહેલની જેમ ખંતીલા પ્રયત્નો કરીશું તો ચોક્કસ આપણને આશીર્વાદ મળશે. તેઓએ, યહોવાહની કૃપા મેળવવા સતત મહેનત ચાલુ જ રાખી. પછી, ભલે એ ઘણાં અઘરા સંજોગો ઊભા થયા, છતાં તેઓએ તેમના વારસા માટેની આશા જતી ન કરી. આજે આપણે જે દબાણો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે એ કદાચ અઘરી હોય શકે અથવા નિરાશ પણ કરી શકે. ઘણી વખતે જીવનમાં મુશ્કેલીઓ આવવાથી આપણે હિંમત હારી જઈને શેતાનના ભોગ બની જઈએ છીએ. તેમ જ, શેતાન આજે પણ આપણને તેનો શિકાર બનાવવા પોતાથી બનતું બધું જ કરે છે. એમ કરવા તે મનોરંજન, મોજશોખ, રમત-ગમત, નોકરી-ધંધો અથવા માલમિલકતનો પણ ઉપયોગ કરે છે. તે આપણને સુખી જીવનનું વચન આપે છે પણ એમ ભાગ્યે જ બને છે. જેઓ એવી લાલચોથી છેતરાય જાય છે તેઓ છેવટે હિંમત હારી જાય છે. એમ ન થાય એ માટે આપણે પ્રાચીન સમયના યાકૂબ અને રાહેલની જેમ મહેનતુ અને ખંતીલા બનીએ, અને શેતાનની ચાલબાજીઓ પર જીત મેળવીએ.
શેતાન હંમેશા એવું ઈચ્છે છે કે આપણે હાર માનીને એવું વિચારવા લાગીએ કે ‘હવે કંઈ જ થઈ શકે એમ નથી. આનો કોઈ જ ઉપાય નથી, અને પ્રયત્ન કરીશું તો પણ નિષ્ફળ જ થઈશું.’ તેથી એ ખુબજ મહત્વનું છે કે આપણે ખોટા વિચારો દૂર કરીએ. જેમ કે ‘કોઈ મને ચાહતું નથી’ અથવા ‘યહોવાહ મને ભૂલી ગયા છે’ એવા વિચારો આપણા મનમાં પણ આવવા દેવા ન જોઈએ. આવા વિચારોને વળગી રહેવાથી આપણે પોતાનું જ નુકશાન કરીશું. શું એનો અર્થ એમ થાય કે આશીર્વાદ ન મળે ત્યાં સુધી આપણે મહેનત કરવાનું છોડી દઈએ? યાદ રાખો કે, આપણા ખંતીલા પ્રયત્નને યહોવાહ જરૂર આશીર્વાદ આપશે.
આશીર્વાદ મેળવવા સખત યત્ન કરો
યહોવાહના સેવક તરીકે તેમની સેવામાં પ્રગતિ કરવી હોય તો, બે મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. (૧) જીવનની સફરમાં આપણે એકલા જ દુઃખ નથી ભોગવતા અને (૨) યહોવાહને મદદ માટે પ્રાર્થના કરનારનું તે જરૂર સાંભળશે અને તેને આશીર્વાદ આપશે.—નિર્ગમન ૩:૭-૧૦; યાકૂબ ૪:૮, ૧૦; ૧ પીતર ૫:૮, ૯.
પછી ભલે ગમે તેટલી અઘરી પરિસ્થિતિ હોય અથવા આપણને એમ લાગે કે આપણે કંઈ કરી શક્તા નથી, તો પણ આપણે કદી પણ વિશ્વાસની ખામી બતાવતા ‘પાપમાં’ ફસાવું ન જોઈએ. (હેબ્રી ૧૨:૧) ચાલો આપણે આશીર્વાદ મળે ત્યાં સુધી સખત પ્રયત્નો કરતા રહીએ અને ધીરજ રાખીએ. યાદ રાખો કે વૃદ્ધ યાકુબે, આશીર્વાદ મેળવવા આખી રાત કુસતી કરી. ખેડુત, બી વાવીને કાપણી માટે ધીરજથી રાહ જોવે છે. એવી રીતે, આપણે પણ આપણા સંજોગોને લીધે યહોવાહની સેવા વધારે કરી શક્તા ન હોઈએ તોપણ, નિરાશ થવાને બદલે ધીરજથી તેમના આશીર્વાદો માટે રાહ જોઈએ. (યાકૂબ ૫:૭, ૮) તેમ જ હંમેશાં, ગીતશાસ્ત્રના શબ્દો યાદ રાખો કે: “જેઓ આંસુ પાડતાં વાવે છે તેઓ આનંદસહિત લણશે.” (ગીતશાસ્ત્ર ૧૨૬:૫, IBSI; ગલાતી ૬:૯) તેથી, વિશ્વાસમાં દૃઢ રહો અને યહોવાહની સેવા કરતા રહો.
[ફુટનોટ]
^ એદન બાગમાં યહોવાહે માણસને બનાવ્યો ત્યારે એક જ પત્નીનો નિયમ સ્થાપ્યો હતો. પરંતુ તેમણે, મુસા દ્વારા નિયમો આપ્યા એ પહેલાં ઈસ્ત્રાએલીઓ એક કરતા વધુ પત્ની રાખતા હતા. એક જ પત્નીના નિયમને, મુસાના સમયે ફરી સ્થાપવાનો યહોવાહને યોગ્ય ન લાગ્યું, જ્યાં સુધી કે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. પરંતુ, આ અનેક પત્નીઓ રાખવાનો હેતુ ફક્ત ઈસ્ત્રાએલની વસ્તી ઝડપથી વધારવા માટે જ હતો અને આ પત્નીઓના રક્ષણ માટે, પરમેશ્વરે કાયદાઓ ઘડ્યા હતા.