સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

તે દેખાવડો યુવક હતો. તે એક બુદ્ધિશાળી અને રૂપાળી યુવતી સાથે એક કંપનીમાં કામ કરતો હતો. યુવતી તેની ખૂબ જ કાળજી લેતી. યુવક પણ તેની પ્રશંસા કરતો હતો. તેઓ એકબીજાને ભેટ આપતા. જલદી જ તેઓ પ્રેમમાં પડ્યા. તેણે યુવતી માટે પોતાની પત્નીનો ત્યાગ કર્યો. છેવટે, યુવતીએ નક્કી કર્યું કે તે પોતાની લફરાબાજી બંધ કરીને પોતાના પતિ સાથે રહેશે. કમને યુવક પોતાની પત્ની પાસે પાછો ગયો, પરંતુ ખરો પશ્ચાત્તાપ નહિ હોવાને કારણે તેને સફળતા મળી નહિ. એવું જીવન જીવવાનું ચાલું રાખનારાઓ નિષ્કલંક રહી શકે નહિ.

જાતીય નૈતિકતાને આ જગતમાં એક સારા આચરણ તરીકે જોવામાં આવતી નથી. અમર્યાદિત આનંદ અને સંતોષ માણવો એ હાલની જીવન ઢબ બની ગઈ છે. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા જણાવે છે: “વ્યભિચાર વિશ્વવ્યાપી જોવા મળે છે અને ઘણા કિસ્સાઓમાં તો, લગ્‍નની જેમ સામાન્ય હોય છે.”

છતાં, યહોવાહ પરમેશ્વર ઇચ્છે છે કે “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય” અને લગ્‍ન “બિછાનું નિર્મળ રહે.” (હેબ્રી ૧૩:૪) બાઇબલ જણાવે છે: “ભૂલ ન ખાઓ; વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ . . . એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧ કોરીંથી ૬:૯, ૧૦) એથી, દૈવી કૃપાનો આનંદ માણવા માટે આપણે આ અનૈતિક જગતમાં નૈતિક રીતે શુદ્ધ રહેવું જ જોઈએ.

આપણે આપણી ફરતેની ભ્રષ્ટ અસરોમાંથી કઈ રીતે બચી શકીએ? બાઇબલ પુસ્તક નીતિવચનના ૫માં અધ્યાયમાં, પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાન જવાબ પૂરા પાડે છે. ચાલો આપણે એને તપાસીએ.

પોતાના રક્ષણ માટે વિચારવું

“મારા દીકરા, મારા જ્ઞાન તરફ લક્ષ આપ, મારી બુદ્ધિ તરફ તારા કાન ધર; કે તું વિવેકબુદ્ધિ સાચવી રાખે અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.”—(આ લેખમાં શાસ્ત્રવચનોના અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) નીતિવચન ૫:૧, ૨

અનૈતિકતાની લાલચોનો સામનો કરવા માટે, આપણે ડહાપણ એટલે કે શાસ્ત્રીય જ્ઞાનને અમલ કરવાની ક્ષમતા અને નિર્ણાયકતા, અથવા ખરાખોટાનો ભેદ પારખીને ખરો માર્ગ પસંદ કરવાની નિર્ણાયક શક્તિની જરૂર છે. આપણી વિચારવાની ક્ષમતાનું રક્ષણ કરવા માટે આપણને ડહાપણ અને નિર્ણાયકતા પર ધ્યાન આપવાની અરજ કરવામાં આવી છે. આપણે એમ કઈ રીતે કરી શકીએ? આપણે પરમેશ્વરના શબ્દ બાઇબલનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે, યહોવાહે જે રીતે બાબતો કરી છે એની નોંધ લેવાની અને તેમની ઇચ્છા તથા હેતુઓ પ્રત્યે આપણા કાન ધરવાની જરૂર છે. એમ કરીને, આપણે આપણા વિચારો ખરી દિશામાં વાળીએ છીએ. આમ આપણે દૈવી ડહાપણ અને જ્ઞાનના સુમેળમાં વિચારવાનું શરૂ કરીશું. એમ કરવાથી, આ ક્ષમતા આપણને અનૈતિક પ્રલોભનોમાં સપડાઈ જવાથી રક્ષણ આપે છે.

મીઠી વાણીથી સાવધ રહો

અશુદ્ધ જગતમાં નૈતિક શુદ્ધતા જાળવી રાખવા માટે, વિચારવાની ક્ષમતા ખૂબ જ જરૂરી છે, કારણ કે અનૈતિક વ્યક્તિની રીતો લોભામણી હોય છે. રાજા સુલેમાને ચેતવણી આપી: “પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે; પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.”—નીતિવચન ૫:૩, ૪.

આ નીતિવચનમાં, જિદ્દી વ્યક્તિને “પરનારી”—એક વેશ્યા—સાથે સરખાવવામાં આવી છે. * મધ જેવાં મીઠાં અને જૈતતેલ કરતાં સુંવાળા શબ્દોથી તે પોતાની જાળમાં ફસાવે છે. શું અનૈતિક જાતીયતાનો આ રીતે ફેલાવો નથી થતો? દાખલા તરીકે, અમી નામની ૨૭ વર્ષની આકર્ષક સેક્રેટરીના અનુભવનો વિચાર કરો. તે જણાવે છે: “એક માણસ ઑફિસમાં મારી સારી કાળજી રાખતો અને દરેક તકે મારા વખાણ કર્યા કરતો. એ મને સારું લાગતું હતું. પરંતુ હું સ્પષ્ટપણે જોઈ શકતી હતી કે તેને ફક્ત મારી સાથે જાતીય સંબંધ બાંધવામાં જ રસ હતો. હું તેની જાળમાં ફસાવાની નથી.” કપટી વ્યક્તિના ખરા સ્વભાવ વિષે આપણને ખબર ન પડે ત્યાં સુધી તેની વાતચીત આપણને આકર્ષક લાગી શકે. એથી આપણે આપણી વિચારવાની ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂર છે.

અનૈતિકતાની અસર, વિષ જેવી કડવી અને બેધારી તરવાર જેવી તીક્ષ્ણ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો એની અસર દુઃખદાયક અને મરણકારક હોય છે. આવી વર્તણૂક ઘણી વાર દુઃખી અંતઃકરણ, વણમાંગી ગર્ભાવસ્થા, અથવા જાતીયતાથી વહન થતા રોગ જેવા કડવાં પરિણામો લાવે છે. અને અવિશ્વાસુ વ્યક્તિના લગ્‍ન સાથીએ અનુભવેલ ભારે લાગણીમય દુઃખનો વિચાર કરો. બિનવફાદારીનું એક કૃત્ય જીવનભર દુઃખી દુઃખી કરી નાખી શકે. હા, અનૈતિકતાથી કેવળ નુકશાન જ થાય છે.

પરનારીની જીવન-ઢબ પર વધુ ટીકા આપતા, શાણા રાજા કહે છે: “તેના પગ મૃત્યુ સુધી નીચે ઊતરી જાય છે; તેનાં પગલાં શેઓલમાં જાય છે. તેથી તેને સપાટ જીવનમાર્ગ જડતો નથી; તેના માર્ગો અસ્થિર છે તે તે જાણતી નથી.” (નીતિવચન ૫:૫, ૬) અનૈતિક સ્ત્રીનો માર્ગ તેને મૃત્યુ તરફ દોરી જાય છે—શેઓલ, માણસજાતની સામાન્ય કબર તરફ. જાતીયતાથી વહન થતા રોગોમાં ખાસ કરીને એઈડ્‌સ ફૂલ્યોફાલ્યો છે, એથી આ શબ્દો કેટલા સાચા છે! તેના અવળા માર્ગોમાં જોડાનારાઓનું પરિણામ પણ એવું જ આવે છે.

હૃદયપૂર્વક ચિંતા કરતા રાજા અરજ કરે છે: “હવે, દીકરાઓ, મારૂં સાંભળો; અને મારા મોઢાના શબ્દોથી દૂર ન જાઓ. તારો માર્ગ તેનાથી દૂર રાખ, અને તેના ઘરના દ્વારની નજીક ન જા.”નીતિવચન ૫:૭, ૮.

આપણે અનૈતિક લોકોની અસરથી શક્ય એટલા દૂર રહેવાની જરૂર છે. શા માટે આપણે ખરાબ સંગીત, ભ્રષ્ટ કરનાર આનંદ-પ્રમોદ, અથવા અશ્લીલ સામગ્રીથી પોતાને દૂર રાખવા જોઈએ? (નીતિવચન ૬:૨૭; ૧ કોરીંથી ૧૫:૩૩; એફેસી ૫:૩-૫) અને નખરાં કરીને કે નિર્લજ્જ પોષાક પહેરીને લોકોનું ધ્યાન દોરવું કેટલું મૂર્ખતાભર્યું છે!—૧ તીમોથી ૪:૮; ૧ પીતર ૩:૩, ૪.

બહુ મોટી કિંમત

બીજા કયા કારણસર આપણે ખરાબ વ્યક્તિના માર્ગથી એકદમ દૂર રહેવું જોઈએ? સુલેમાન જવાબ આપે છે: “રખેને તું તારી આબરૂ બીજાઓને, અને તારાં વર્ષો ઘાતકીઓને સ્વાધીન કરે; રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય; અને તારી મહેનતનાં ફળથી પારકાનું ઘર ભરાય; રખેને તારૂં માંસ અને તારૂં શરીર ક્ષીણ થવાથી તું અંત સમયે વિલાપ કરે.”નીતિવચન ૫:૯-૧૧.

આમ સુલેમાન અનૈતિકતાની મોટી કિંમત પર ભાર મૂકે છે. વ્યભિચાર અને પ્રતિષ્ઠા કે આત્મ-સન્માન ગુમાવવું, એ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. શું પોતાની અથવા બીજાની અનૈતિક વાસના સંતોષવી એ સાચે જ એક હલકું કામ નથી? શું આપણું લગ્‍ન સાથી ન હોય તેવી વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવો એ આત્મ-સન્માનની ખામી દર્શાવતું નથી?

તોપછી, ‘આપણાં વર્ષો, આપણું બળ અને આપણી મહેનતનું ફળ પારકાઓને સ્વાધીન’ કરવામાં શું સમાયેલું છે? એક સંદર્ભ જણાવે છે: “આ કલમોનો મુદ્દો સ્પષ્ટ છે; બિનવફાદારીની કિંમત મોટી હોય શકે; વ્યક્તિએ મહેનતથી મેળવેલું સ્થાન, સત્તા અને પૈસો અનૈતિકતાને કારણે ગુમાવી બેસે છે ત્યારે સમાજનું નૈતિક સ્તર નીચું જાય છે.” સાચે જ, અનૈતિક સંબંધોની મોટી કિંમત ચૂકવવી પડે છે!

પોતાની પ્રતિષ્ઠા નાબૂદ થવાથી અને સંપત્તિ ખલાસ થવાથી એક મૂર્ખ વ્યક્તિ આમ કહીને નિસાસો નાખી શકે: “શા માટે મેં શિખામણનો ધિક્કાર કર્યો, અને મારા અંતઃકરણે ઠપકાને તુચ્છ ગણ્યો! શા માટે મારા શિક્ષકોનું કહેવું મેં માન્યું નહિ, અને મને શિક્ષણ દેનારના શબ્દો પર મેં કાન ધર્યો નહિ! મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત એવો હતો.”—નીતિવચન ૫:૧૨-૧૪.

એક વિદ્વાન અનુસાર પાપીને અહેસાસ થાય છે કે “મેં મારા પિતાનું માન્યું હોત; હું અવળે માર્ગે ન ગયો હોત; બીજાઓની સલાહને સાંભળી હોત તો કેવું સારું.” તેમ છતાં, આવી બાબતો વ્યક્તિને પછીથી યાદ આવે છે, પરંતુ ત્યાં સુધીમાં તો વ્યક્તિનું જીવન પાયમાલ થઈ ગયું હોય છે અને તેની શાખ ધૂળમાં મળી ગઈ હોય છે. તેથી આપણે અનૈતિકતામાં ફસાવાને બદલે એનાં ગંભીર પરિણામો વિષે પહેલેથી જ વિચારવું કેટલું મહત્ત્વનું છે!

“તારા પોતાના ટાંકામાંથી પાણી પી”

શું જાતીય સંબંધો વિષે બાઇબલ ચૂપકીદી સેવે છે? કદાપિ નહિ. સ્ત્રી અને પુરુષ વચ્ચેની રોમાંચક પ્રેમની લાગણી અને ભાવના દેવ તરફથી એક ભેટ છે. તેમ છતાં, આ આનંદ ફક્ત લગ્‍ન સાથી પૂરતો જ માણવામાં આવવો જોઈએ. એથી એક પરિણીત પુરુષને સુલેમાન સલાહ આપે છે: “તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી પી. શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં વહેવડાવી દેવું? તેઓ તારે એકલાને જ વાસ્તે થાઓ, અને તારી સાથે પારકાઓને માટે નહિ.”નીતિવચન ૫:૧૫-૧૭.

“તારા પોતાના ટાંકામાંથી” અને “તારા પોતાના ઝરામાંથી” એ એક વહાલી પત્ની માટે કાવ્યમય વક્તવ્ય છે. તેની સાથે જાતીય આનંદ માણવો એ તાજગી આપનાર પાણી પીવા સાથે સરખાવવામાં આવ્યું છે. પાણી પુરવઠો તો જાહેર જનતા માટે પૂરો પાડવામાં આવે છે પરંતુ ટાંકી અથવા કૂવો ખાનગી સંપત્તિ ગણવામાં આવે છે. અને પુરુષોને સલાહ આપવામાં આવી છે કે તેઓએ અન્ય સ્ત્રીઓથી નહિ પરંતુ પોતાની પત્ની દ્વારા જ બાળકો પેદાં કરવા જોઈએ. સ્પષ્ટપણે, પતિએ પોતાની પત્નીને વિશ્વાસુ રહેવાનું છે.

શાણો માણસ કહેવાનું ચાલુ રાખે છે: “તારો ઝરો આશીર્વાદ પામો, અને તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. પ્રેમાળ હરણી તથા મનોહર છિંકારી જેવી તે તને લાગો, સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના જ પ્રેમમાં તું હમેશાં ગરકાવ રહે.”નીતિવચન ૫:૧૮, ૧૯.

“ઝરો” અથવા ફુવારો, જાતીય સંતોષના ઉદ્‍ભવને ઉલ્લેખે છે. પોતાના લગ્‍ન સાથી સાથે જાતીય આનંદ માણવો દેવે આપેલ “આશીર્વાદ” છે. તેથી, માણસને પોતાની જુવાનીની પત્નીમાં આનંદ માણવા માટે ભલામણ કરવામાં આવી છે. તેને માટે, તે પ્રેમાળ અને સુંદર હરણી જેવી અને મનોહર તથા આકર્ષક છિંકારી જેવી છે.

પછી સુલેમાન અલંકારિક રીતે પ્રશ્ન પૂછે છે: “મારા દીકરા, શા માટે તારે પરનારી પર આશક બનવું જોઇએ, અને પરાઈ સ્ત્રીના ઉરને આલિંગન આપવું જોઇએ?” (નીતિવચન ૫:૨૦) હા, શા માટે એક પરિણીત વ્યક્તિએ કામના સ્થળે, શાળામાં કે અન્યત્ર લગ્‍ન બહારનો જાતીય સંબંધ બાંધવા આકર્ષાવું જોઈએ?

પરિણીત ખ્રિસ્તીઓને સલાહ આપતા પ્રેષિત પાઊલ કહે છે: “પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે; માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય.” (૧ કોરીંથી ૭:૨૯) એમ શા માટે? ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ ‘પહેલાં રાજ્યને શોધે’ છે. (માત્થી ૬:૩૩) એ કારણે, પરિણીત યુગલે એકબીજામાં એટલા બધા તલ્લીન ન બની જવું જોઈએ કે જેથી રાજ્ય હિતો બીજા સ્થાને મૂકવા લાગે.

આત્મ-સંયમની જરૂર

જાતીય ઇચ્છાઓ પર અંકુશ રાખી શકાય છે. યહોવાહની કૃપા પામવા ઇચ્છનારાઓએ એમ કરવું જ જોઈએ. પ્રેષિત પાઊલ સલાહ આપે છે, “દેવની ઇચ્છા એવી છે, કે તમારૂં પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; અને તમારામાંનો દરેક, દેવને ન જાણનારા વિદેશીઓની પેઠે, વિષયવાસનામાં નહિ, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે.”—૧ થેસ્સાલોનીકી ૪:૩-૫.

તેથી જ, યુવાનોએ જાતીય લાગણીની સભાનતાનો પ્રથમ અનુભવ થતાની સાથે જ લગ્‍ન કરવા માટે ઉતાવળા થવું જોઈએ નહિ. લગ્‍ન માટે વચનબદ્ધતાની જરૂર છે અને જવાબદારીથી રહેવા માટે પરિપક્વતા સુધી પહોંચવું જ જોઈએ. (ઉત્પત્તિ ૨:૨૪) વ્યક્તિ “પુખ્ત ઉમરની” થઈ જાય ત્યાં સુધી રાહ જોવી સારું છે—એ સમયે જાતીય લાગણીઓ પુષ્કળ હોય છે જે વ્યક્તિના નિર્ણયને ફેરવી શકે. (૧ કોરીંથી ૭:૩૬) અને લગ્‍ન કરવાની ઇચ્છા રાખનાર એક પુખ્ત વ્યક્તિ સંભવિત લગ્‍ન સાથી પ્રાપ્ય ન હોવાથી અનૈતિક સંબંધો બાંધવામાં સહભાગી થાય એ કેટલું બિનડહાપણભર્યું અને પાપમય કહેવાય!

“દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે”

જાતીય અનૈતિકતા શા માટે ખોટી છે એનું મુખ્ય કારણ એ છે કે જીવનદાતા અને માનવોમાં જાતીય ક્ષમતા મૂકનાર યહોવાહ પરમેશ્વર એને અમાન્ય કરે છે. એથી નૈતિક શુદ્ધતાને મજબૂત રીતે ઉત્તેજન આપતા રાજા સુલેમાન જણાવે છે: “કેમકે મનુષ્યના માર્ગો ઉપર યહોવાહની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.” (નીતિવચન ૫:૨૧) હા, દેવની નજરમાં કંઈ પણ વસ્તુ ગુપ્ત નથી “જેની સાથે આપણને કામ છે.” (હેબ્રી ૪:૧૩) કોઈ પણ જાતની જાતીય અનૈતિકતા, પછી ભલેને એ ગમે તેટલી છાની રાખવામાં આવે, એનાથી યહોવાહ સાથેના આપણા સંબંધને હાનિ પહોંચે છે. થોડીક ક્ષણો માટેના અનુચિત આનંદ માટે દેવ સાથેની શાંતિને પડતી મૂકવી કેટલું મૂર્ખામીભર્યું કહેવાય!

નિર્લજ્જ રીતે અનૈતિક માર્ગોને અપનાવનાર કેટલાકને લાગી શકે કે પોતે એમ સલામત રીતે કરશે—પરંતુ એ લાંબો સમય ચાલી શકે નહિ. સુલેમાન જાહેર કરે છે: “દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઇ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઇ રહેશે. શિક્ષણ વગર તે માર્યો જશે; અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે.”નીતિવચન ૫:૨૨, ૨૩.

શા માટે આપણે ખોટા માર્ગે દોરાવું જોઈએ? છેવટે, નીતિવચનનું પુસ્તક આપણને જગતના લોભામણા માર્ગોની અગાઉથી ચેતવણી આપે છે. અને જાતીય અનૈતિકતાનાં ગંભીર પરિણામો વિષે જણાવે છે. એનાથી આપણે આપણું સ્વાસ્થ્ય, આપણી ભૌતિક સંપત્તિ, આપણું બળ અને આપણી પ્રતિષ્ઠા ગુમાવી શકીએ છીએ. આપણે દીર્ઘદૃષ્ટિ વાપરીશું તો કદી પણ પસ્તાવાનો વારો નહિ આવે. હા, યહોવાહે પોતાના પ્રેરિત શબ્દ બાઇબલમાં આપણને આપેલ સલાહને અનુસરીને, આપણે અનૈતિક જગતમાં નિષ્કલંક રહી શકીએ.

[ફુટનોટ]

^ ‘અજાણ્યા’ શબ્દ એવા લોકોને લાગુ પડે છે જેઓ નિયમને પાળતા નથી અને આમ પોતે યહોવાહથી દૂર જાય છે. એથી એક વેશ્યાનો “પરનારી” તરીકે ઉલ્લેખ કર્યો છે.

[પાન ૩૦ પર ચિત્રો]

અનૈતિકતાનું પરિણામ વિષ જેવું કડવું છે

[પાન ૩૧ પર ચિત્રો]

“તારી જુવાનીની પત્નીમાં આનંદ માન”