સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવી દુનિયા—શું તમે એમાં હશો?

નવી દુનિયા—શું તમે એમાં હશો?

નવી દુનિયા—શું તમે એમાં હશો?

“પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઇશ્વરનું વરદાન છે.”સભાશિક્ષક ૩:૧૨, ૧૩.

૧. શા માટે આપણે સારા ભાવિની આશા રાખી શકીએ?

 ઘણા ધારે છે કે આપણા પરમેશ્વર બહુ કઠોર અને નિર્દયી છે. પરંતુ, ઉપર જણાવેલું શાસ્ત્રવચન આપણને તેમનું ખરું ચિત્ર બતાવે છે. પહેલા તીમોથી ૧:૧૧ના મૂળ લખાણ પ્રમાણે, તે પોતે ખુશીના દેવ છે. વળી, તેમણે આપણાં પ્રથમ માબાપને પૃથ્વી પર સુંદર એદન વાડીમાં મૂક્યા હતા, એના પરથી પણ એ દેખાઈ આવે છે. (ઉત્પત્તિ ૨:૭-૯) તેથી, દેવે પોતાના લોકોને કાયમી આનંદ લાવતા ભાવિનું વચન આપ્યું છે, એની સમજણ મેળવીને, આપણને નવાઈ લાગવી ન જોઈએ.

૨. ભાવિમાં તમે શાની આશા રાખી શકો?

“નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેની કુલ ચાર ભવિષ્યવાણી બાઇબલમાં મળી આવે છે. આગળના લેખમાં, આપણે એમાંની ત્રણ પર મનન કર્યું. (યશાયાહ ૬૫:૧૭) પ્રકટીકરણ ૨૧:૧માં એક ભવિષ્યવાણી મળી આવે છે. એની પછીની કલમો જણાવે છે કે, સર્વોપરી પરમેશ્વર પૃથ્વી પર મોટા ફેરફારો લાવીને એના રંગરૂપ બદલી નાખશે. તે દુઃખના આંસુ કાયમ માટે લૂછી નાખશે. લોકો ઘડપણ, બીમારી કે અકસ્માતથી મરણ પામશે નહિ. શોક, પીડા અને વિલાપ જતા રહેશે. જરા વિચારો કે એ ભાવિ કેટલું ઉજ્જવળ હશે! પરંતુ, આપણે કેવી રીતે ભરોસો રાખી શકીએ કે એમ જરૂર બનશે, અને હમણાં એની આપણા જીવન પર કેવી અસર પડી શકે?

શા માટે ભરોસો રાખી શકાય?

૩. ભાવિ વિષે યહોવાહનાં વચનોમાં શા માટે ભરોસો રાખી શકાય?

કૃપા કરી પ્રકટીકરણ ૨૧:૫ વાંચો. એ બતાવે છે કે, પરમેશ્વર સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠા છે, અને કહે છે: “જુઓ, હું સઘળું નવું બનાવું છું.” દેવે આપેલાં વચન જાણે પૂરાં થયાં બરાબર છે. એ કોઈ મનુષ્ય કે તેઓની સરકારો જેવા નથી, જેઓ જૂઠાં વચનો આપતા હોય. પરંતુ, આ તો દેવનું પૂરેપૂરું ભરોસાપાત્ર વચન છે, જેમના વિષે બાઇબલ કહે છે કે તે ‘કદી જૂઠું બોલી શકતા નથી.’ (તીતસ ૧:૨) તેથી, હવે તમને થશે કે, ‘બસ, મને દેવે આપેલા વચનની નવી દુનિયામાં પૂરો ભરોસો થઈ ગયો છે. હું તો બસ એ સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જવા ચાહું છું.’ પરંતુ, એમ ન કરતા. હજુ તો આપણા ભાવિ વિષે ઘણું શીખવાનું બાકી છે.

૪, ૫. આપણે કઈ ભવિષ્યવાણીઓની ચર્ચા કરી ચૂક્યા છીએ, જે ભાવિ વિષે આપણો વિશ્વાસ દૃઢ કરે છે?

આગળના લેખમાં નવા આકાશ અને નવી પૃથ્વી વિષે જે શીખી ગયા, એ યાદ કરો. યશાયાહે એવી જ નવી વ્યવસ્થા વિષે ભાખ્યું હતું. આપણે જોયું તેમ, યહુદીઓ બાબેલોનથી પોતાના વતન પાછા આવ્યા, અને પરમેશ્વરની સાચી ઉપાસના ફરીથી શરૂ કરી ત્યારે, એ ભવિષ્યવાણી પૂરી થઈ. (એઝરા ૧:૧-૩; ૨:૧, ૨; ૩:૧૨, ૧૩) પરંતુ શું યશાયાહની ભવિષ્યવાણી એ જ સમય વિષે હતી? ના! તેમની ભવિષ્યવાણી ફરીથી ભાવિમાં મોટા પાયે પૂરી થશે. આપણે શા માટે એમ કહીએ છીએ? એનું કારણ ૨ પીતર ૩:૧૩ અને પ્રકટીકરણ ૨૧:૧-૫ છે. એમાં એવા “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે વચન મળી આવે છે, જે સાચા ખ્રિસ્તીઓ માટે આશીર્વાદ લાવશે.

આપણે જોયું તેમ, બાઇબલમાં “નવાં આકાશ તથા નવી પૃથ્વી” ચાર વખત જોવા મળે છે. જેમાંના ત્રણની આપણે ચર્ચા કરી, જે ઉત્તેજનભર્યા નિર્ણયો લેવા મદદ કરે છે. બાઇબલ ભાખે છે એ આપણે શીખ્યા કે, દેવ દુષ્ટતા અને દુઃખ તકલીફો કાઢી નાખશે. પછી, યહોવાહ નવી દુનિયામાં મનુષ્યોને આશીર્વાદ આપી, પોતાનું વચન પૂરું કરશે.

૬. “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેની ચોથી ભવિષ્યવાણી શું ભાખે છે?

ચાલો હવે “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષેની છેલ્લી ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ. યશાયાહ ૬૬:૨૨-૨૪ કહે છે: “નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્‍ન કરવાનો છું, તેઓ જેમ મારી સંમુખ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, એવું યહોવાહ કહે છે. વળી યહોવાહ કહે છે, કે દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા સારૂ આવશે. તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે; કેમકે તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્‍નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માણસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”

૭. યશાયાહ ૬૬:૨૨-૨૪ની ભવિષ્યવાણી ભાવિમાં પૂરી થશે, એમ શા માટે કહી શકાય?

યહુદીઓ પોતાના વતનમાં પાછા આવ્યા અને સ્થાયી થયા ત્યારે, આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. પરંતુ, એની મોટી પરિપૂર્ણતા હજુ બાકી છે. એ પીતરનો બીજો પત્ર અને પ્રકટીકરણનું પુસ્તક લખાયું, એના ઘણાં વર્ષો પછી હોવી જોઈએ, કેમ કે તેઓ તો ભાવિ “નવાં આકાશ તથા પૃથ્વી” વિષે કહેતા હતા. નવી દુનિયામાં આપણે એ મહાન અને ભવ્ય પરિપૂર્ણતાની આતુરતાથી રાહ જોઈ શકીએ. એ દુનિયામાં જીવનના અમુક આશીર્વાદો વિષે વિચારીએ.

૮, ૯. (ક) યહોવાહના લોકો કેવી રીતે “કાયમ રહેશે?” (ખ) “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે” યહોવાહની ઉપાસના કરવાનો શું અર્થ થાય છે?

પ્રકટીકરણ ૨૧:૪ જણાવે છે કે કદી મરણ થશે નહિ. યશાયાહ ૬૬ની કલમો પણ એની સાથે સહમત થાય છે. બાવીસમી કલમ કહે છે કે, નવાં આકાશ અને નવી પૃથ્વી કંઈ થોડા સમય માટે જ નહિ હોય. તેમ જ, યહોવાહના લોકો ટકી રહેશે, એટલે કે “કાયમ રહેશે.” યહોવાહ દેવે પોતાના લોકો માટે હમણાં સુધી જે કર્યું છે, એ આપણને પૂરેપૂરો ભરોસો આપે છે. સાચા ખ્રિસ્તીઓ પર ભયંકર જુલમ ગુજારવામાં આવ્યો છે, અરે તેઓનું નામ-નિશાન મીટાવી દેવાના પ્રયત્નો થયા છે. (યોહાન ૧૬:૨; પ્રેરિતોનાં કૃત્યો ૮:૧) તોપણ, રૂમી સમ્રાટ નીરો અને એડૉલ્ફ હિટલર જેવા, કટ્ટર દુશ્મનો પણ યહોવાહના વિશ્વાસુ લોકોને મીટાવી શક્યા નથી. યહોવાહ દેવે પોતાના સેવકોને ટકાવી રાખ્યા છે. તેથી, આપણે પૂરા ભરોસાથી કહી શકીએ કે તે તેઓને હંમેશા ટકાવી રાખશે.

નવી પૃથ્વીમાં રહેનાર દરેક યહોવાહના સેવક હશે. તેઓથી નવી દુનિયામાં સાચા ભક્તોનો સમાજ બનશે. તેઓ વ્યક્તિગત રીતે “કાયમ રહેશે,” કારણ કે તેઓ સૃષ્ટિના રચનાર, યહોવાહની શુદ્ધ ભક્તિ કરશે. જોકે, એ ભક્તિ ફક્ત વાર-તહેવારે કે મન ફાવે ત્યારે નહિ કરે. મુસા દ્વારા ઈસ્રાએલીઓને આપવામાં આવેલા દેવના નિયમમાં પણ એ જોવા મળે છે. એમાં દર મહિનો નવા ચંદ્રથી, અને દર સપ્તાહ સાબ્બાથથી ચિહ્‍નિત થતા, જ્યારે અમુક પ્રકારની ઉપાસના કરવાનો સમાવેશ થતો હતો. (લેવીય ૨૪:૫-૯; ગણના ૧૦:૧૦; ૨૮:૯, ૧૦; ૨ કાળવૃત્તાંત ૨:૪) તેથી, યશાયાહ ૬૬:૨૩ એક પછી બીજું સપ્તાહ, એક પછી બીજો મહિનો, એમ સાચા દેવની સતત ઉપાસના ચાલુ રહેશે એવું બતાવે છે. એ સમયે પરમેશ્વરને ન માનનારા, કે જૂઠા ધર્મો પણ નહિ હોય, કેમ કે “સર્વ માણસજાત [યહોવાહની] હજૂરમાં પ્રણામ કરવા સારૂ આવશે.”

૧૦. તમે શા માટે ભરોસો રાખી શકો કે, નવી દુનિયામાં દુષ્ટ લોકો નહિ હોય?

૧૦ યશાયાહ ૬૬:૨૪ આપણને ખાતરી આપે છે કે નવી પૃથ્વીમાં હંમેશા શાંતિ અને ન્યાયીપણું રહેશે, કેમ કે સર્વ દુષ્ટોનો નાશ થઈ ગયો હશે. યાદ કરો કે ૨ પીતર ૩:૭ કહે છે કે, જલદી જ ‘ન્યાયકાળ તથા અધર્મી માણસોનો નાશનો દિવસ’ આવશે. એમાં ફક્ત અધર્મી માણસોનો જ નાશ થશે, નિર્દોષ લોકોનો વાળ પણ વાંકો નહિ થાય. આજકાલનાં યુદ્ધોમાં તો એવું થતું નથી, કેમ કે સૈનિકો કરતાં વધારે નિર્દોષ લોકો માર્યા જાય છે. પરંતુ, મહાન યહોવાહ ન્યાયી દેવ છે, અને તે ગેરંટી આપે છે કે તે ફક્ત અધર્મી માણસોનો જ નાશ કરશે.

૧૧. યહોવાહનો વિરોધ કરનારાઓના અંત વિષે યશાયાહ કેવું વર્ણન કરે છે?

૧૧ બચી ગયેલા ન્યાયી લોકો પોતે એ વચન પૂરા થતા જોશે. યશાયાહ ૬૬:૨૪ ભાખે છે કે, જેઓએ યહોવાહનો અપરાધ કર્યો હતો, ‘તેઓનાં મુડદાં જોવા’ મળશે. એ યહોવાહના ન્યાયની સાબિતી હશે. યશાયાહે જે રીતે વર્ણન કર્યું, એ આઘાતજનક લાગી શકે. પરંતુ, અગાઉના સમયમાં એમ જ બનતું હતું. અગાઉના સમયમાં, યરૂશાલેમની દીવાલ બહાર કચરો નાખવામાં આવતો હતો. અમુક સમયે એમાં મૃત્યુદંડ પામેલા એવા ગુનેગારોની લાશ ફેંકી દેવામાં આવતી, જેઓની લાશ દાટવાને યોગ્ય ન હોય. * એ લાશ અને કચરાને ત્યાં બાળીને ભસ્મ કરતો અગ્‍નિ રાખ કરી દેતો, અથવા કીડા એ શરીરને કોરી ખાતા. આમ, યશાયાહનું વર્ણન આપણને કલ્પના કરવા મદદ કરે છે કે, યહોવાહનો વિરોધ કરનારાઓનું અંતે શું થશે.

યહોવાહનાં વચન

૧૨. યશાયાહ નવી દુનિયાના જીવન વિષે બીજું શું કહે છે?

૧૨ પ્રકટીકરણ ૨૧:૪ જણાવે છે કે, નવી દુનિયામાં શું નહિ હોય. જોકે, એ દુનિયાનું જીવન કેવું હશે, એ વિષે કોઈ ભરોસાપાત્ર માહિતી છે? હા. યશાયાહ ૬૫મો અધ્યાય યહોવાહ જે નવાં આકાશ અને નવી પૃથ્વી લાવશે એનું વર્ણન કરે છે. તેમ જ, જણાવે છે કે, આપણે યહોવાહની કૃપા પામીએ તો, આપણે પણ એનો આનંદ માણી શકીએ. જેઓને નવી પૃથ્વીમાં હંમેશા રહેવાનો આશીર્વાદ મળશે, તેઓ હંમેશ માટે યુવાન રહેશે. તેઓ કદી પણ ઘરડાં થઈને મરણ નહિ પામે. યશાયાહ ૬૫:૨૦ આપણને ખાતરી આપે છે: “ત્યાંથી ફરી થોડા દિવસોનું ધાવણું બાળક, અથવા જેના દિવસ પૂરા થયા નથી એવો ઘરડો માણસ મળી આવશે નહિ; કેમકે જુવાન સો વરસની ઉંમરે મરશે, તથા પાપી સો વરસની વયનો છતાં શાપિત થશે.”

૧૩. યશાયાહ ૬૫:૨૦ કેવી રીતે ખાતરી આપે છે કે દેવના લોકો સલામતીમાં રહેશે?

૧૩ યશાયાહના સમયના યહુદીઓમાં આ ભવિષ્યવાણી પૂરી થઈ ત્યારે, એનાથી તેઓનાં બાળકો માટે સલામતી આવી. બાબેલોનીઓ એક વખત આવીને બાળકો ઉઠાવી ગયા હતા, અને ભરયુવાનીમાં માણસોને મારી નાખ્યા હતા, એવા કોઈ દુશ્મનોનો હવે તેઓને ભય ન હતો. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭, ૨૦) એવી જ રીતે, આવનાર નવી દુનિયામાં સર્વ લોકો સલામતીમાં અને ખુશીથી જીવશે. કોઈ જાણીજોઈને દેવની વિરુદ્ધ થાય તો, દેવ તેને જીવતો રહેવા દેશે નહિ. જો તે સો વર્ષનો હશે તો પણ એનો નાશ થશે. આમ, અનંતજીવનની સરખામણીમાં તે જાણે કે “જુવાન” ઉંમરે મરી જશે.—૧ તીમોથી ૧:૧૯, ૨૦; ૨ તીમોથી ૨:૧૬-૧૯.

૧૪, ૧૫. યશાયાહ ૬૫:૨૧, ૨૨ અનુસાર, નવી દુનિયામાં તમને શું કરવાનું ગમશે?

૧૪ જાણીજોઈને પાપ કરનારાનો નાશ દેવ કેવી રીતે કરશે, એનું વર્ણન કરવાને બદલે, યશાયાહ નવી દુનિયામાં કેવું જીવન હશે એનું વર્ણન કરે છે. તમે એ મનની આંખોથી જોવાનો પ્રયત્ન કરો. તમારા મનમાં સૌથી પહેલા તમારું ઘર આવી શકે. એ વિષે યશાયાહ ૬૫:૨૧, ૨૨મી કલમ કહે છે: “વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમકે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.”

૧૫ આ સાંભળીને તમને કેવી લાગણી થાય છે? તમને થશે કે, ‘મને તો ઘર બાંધતા કે ખેતીવાડી કરતા આવડતું નથી.’ પરંતુ, ગભરાશો નહિ! આ ભવિષ્યવાણીનો અર્થ થાય કે, તમારા માટે એનું શિક્ષણ લેવાના ક્લાસીસ રાહ જુએ છે. ખરેખર, શું તમને કુશળ, અનુભવી શિક્ષક, કદાચ પડોશી પાસેથી શીખવાનું નહિ ગમે? યશાયાહ આપણને બધી જ વિગતો આપતા નથી. તે જણાવતા નથી કે, તમારા ઘરમાં મોટી મોટી બારીઓ હશે, જેનાથી તમે ઠંડી, ગુલાબી હવાનો આનંદ માણી શકો કે પછી કાચની બંધ બારીઓ હશે, જેમાંથી તમે બદલાતી મોસમનો આનંદ માણી શકો? તમે તમારું ઘર ઢાળવાળાં છાપરાનું બનાવશો કે પછી બેઠાં ઘરો બનાવશો? બેઠાં ધાબાવાળું ઘર હોય તો, તમે કુટુંબ સાથે ધાબા પર બેસી ભોજન લેતા જઈને અલકમલકની વાતો કરી શકો.—પુનર્નિયમ ૨૨:૮; નહેમ્યાહ ૮:૧૬.

૧૬. શા માટે એમ કહી શકાય કે, નવી દુનિયા હંમેશા સંતોષ આપનારી હશે?

૧૬ તેથી, હમણાં એ જાણવું કેટલો આનંદ આપે છે કે, એ સમયે આપણું પોતાનું સુંદર ઘર હશે. આજની જેમ નહિ કે, આપણે કદાચ ઘરો બાંધતા હોય, પણ એનો આનંદ બીજા કોઈ માણતા હોય. યશાયાહ ૬૫:૨૧ એ પણ જણાવે છે કે, તમે રોપશો અને એનાં ફળ ખાશો. એનો અર્થ કે કોઈ બીજું નહિ, પણ તમે તમારી મહેનતનાં ફળ ખાશો, અને સંતોષ પામશો. શું આ ટૂંક સમય માટે જ બનશે? ના, “ઝાડના આયુષ્ય” જેટલા લાંબા સમય સુધી તમે એમ કરશો. ખરેખર, આ “સઘળું નવું” હશે!—ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૪.

૧૭. માબાપને ખાસ કરીને કયું વચન ઉત્તેજન આપશે?

૧૭ તમે માબાપ હો તો, આ શબ્દોથી તમને બહુ જ સારું લાગશે: “તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા સારૂ પ્રજા ઉત્પન્‍ન કરશે નહિ; કેમકે તેઓની પ્રજા સુદ્ધાં તેઓ યહોવાહના આશીર્વાદિતોનાં સંતાન છે. તેઓ હાંક મારે ત્યાર પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.” (યશાયાહ ૬૫:૨૩, ૨૪) ‘ત્રાસ પમાડનારી પ્રજાના’ માબાપ હોવાનું કેટલું દુઃખ થાય છે, એનો તમે અનુભવ કર્યો પણ હોય. આજે બાળકોની કઈ કઈ સમસ્યાઓ માબાપ અને બીજાઓને દુઃખી કરે છે, એનું લીસ્ટ બનાવવાની આપણે જરૂર નથી. વળી, આપણે બધાએ એવા માબાપ પણ જોયા હશે, જેઓ પોતાની નોકરી-ધંધો, સામાજિક વહેવાર, અને મોજશોખમાં એટલા ડૂબેલા હશે કે, પોતાનાં બાળકો માટે તેઓ પાસે કોઈ સમય જ નહિ હોય. એને બદલે, યહોવાહ અહીં આપણી જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી આપે છે, અરે આપણે હજુ બોલતા હોઈશું, અને તે સાંભળશે.

૧૮. નવી દુનિયામાં આપણે પ્રાણીઓની સાથે કેવો આનંદ માણી શકીશું?

૧૮ તમે નવી દુનિયાના જીવનનો આનંદ માણવાની કલ્પના કરી રહ્યા છો, તેમ યશાયાહ ૬૫:૨૫ની ભવિષ્યવાણી વાંચો: “વરુ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે, ને સિંહ બળદની પેઠે કડબ ખાશે; અને ધૂળ સાપનું ભોજન થશે, મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ, એવું યહોવાહ કહે છે.” આજે ઘણા ચિત્રકારોએ એની કલ્પના કરી, એ દૃશ્યનું ચિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ, એક દિવસ એ હકીકત બનશે. આખી દુનિયામાં લોકો એકબીજા સાથે હળીમળીને રહેશે, અરે હરેક પ્રકારના પ્રાણીઓ પણ મનુષ્યો સાથે શાંતિથી રહેશે. આજે, ઘણા જીવવિજ્ઞાનીઓ અને પ્રાણીચાહકો અમુક પ્રાણીઓ કે ફક્ત એક પ્રકારના પ્રાણી વિષે શીખવામાં આખું જીવન વીતાવી દે છે. પરંતુ, નવી દુનિયામાં, મનુષ્યોના ડર વિના રહેતા પ્રાણી વિષે તમે જે શીખી શકશો એનો વિચાર કરો. એ સમયે, તમે પક્ષીઓ અને જંગલ કે વનમાં રહેતા નાનકડાં પ્રાણીની પાસે પણ જઈ શકશો. હા, એની પાસે જઈ, જોઈ, અને એનો આનંદ માણી શકશો. (અયૂબ ૧૨:૭-૯) પ્રાણી કે માણસ કોઈનો પણ ભય તમને લાગશે નહિ. યહોવાહ કહે છે: “મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.” આજના કરતાં, કેવી અલગ જ પરિસ્થિતિ હશે!

૧૯, ૨૦. આજે, દેવના લોકો અને જગતના લોકો વચ્ચે શું તફાવત છે?

૧૯ અગાઉ જોયું તેમ, મિલેનિયમ વિષે ઘણા લોકો ચિંતાતુર હોવા છતાં, ભાવિમાં શું બનશે એ મનુષ્ય બતાવી શકતો નથી. તેથી, ઘણા ગૂંચવણમાં છે, અને નિરાશા અનુભવે છે. કૅનેડાની એક યુનિવર્સિટીના સંચાલક, પીટર એમ્બરલીએ લખ્યું: ઉંમરલાયક “ઘણા લોકો હવે જીવનના મહત્ત્વના પ્રશ્નોના જવાબ શોધે છે. હું કોણ છું? આખરે મારા જીવનનો હેતુ શું છે? હું આવનાર પેઢીને શું આપીશ? તેઓ હવે મઝધારે આવી પોતાના જીવનનો હેતુ અને શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે.”

૨૦ તમે સમજી શકો કે કેમ ઘણા લોકોને એવી લાગણી થાય છે. તેથી, તેઓ અલગ અલગ શોખ કે મનોરંજનનો આનંદ માણી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. છતાં, તેઓ ભાવિ જાણતા ન હોવાથી, તેઓને જીવન હેતુ વિનાનું લાગે છે. હવે, આપણે જે શીખી ગયા, એ ધ્યાનમાં રાખીને, તમારા જીવન સાથે સરખામણી કરો. તમે જાણો છો કે, યહોવાહ દેવના વચન પ્રમાણેના નવાં આકાશ તથા નવી પૃથ્વીમાં આપણે નજરે જોઈને પૂરા દિલથી કહીશું કે, ‘ખરેખર, દેવે સઘળું નવું બનાવ્યું છે.’ આપણે એ સમયે કેટલા ખુશ હોઈશું!

૨૧. યશાયાહ ૬૫:૨૫, અને યશાયાહ ૧૧:૯ નવી દુનિયા વિષે શું જણાવે છે?

૨૧ યહોવાહ દેવની નવી દુનિયામાં રહેવાની કલ્પના કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ, યહોવાહ ચાહે છે કે તમે હમણાં ખરા દિલથી તેમની ઉપાસના કરો અને આશીર્વાદ મેળવો. એ રીતે તમે નવી દુનિયામાં જીવન મેળવો, જ્યારે યહોવાહના “આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.” (યશાયાહ ૬૫:૨૫) યશાયાહના અગાઉના વર્ણનમાં આપણને જણાવવામાં આવ્યું છે કે, એ નવી દુનિયાનો આનંદ માણવા ખરેખર શાની જરૂર છે. યશાયાહ ૧૧:૯ કહે છે: “મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમકે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”

૨૨. બાઇબલની ચાર ભવિષ્યવાણીઓ વિષેનું જ્ઞાન મેળવીને, આપણે કયો નિર્ણય કરવો જોઈએ?

૨૨ હા, યહોવાહ દેવ સઘળું નવું બનાવશે ત્યારે, સર્વ લોકોને તેમનું અને તેમના હેતુ વિષેનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવશે. આ ‘યહોવાહના જ્ઞાનમાં’ ફક્ત તેમણે રચેલી સૃષ્ટિ વિષે શીખવા કરતાં વધારે સમાયેલું છે. એમાં યહોવાહ દેવના પ્રેરિત શાસ્ત્ર, બાઇબલના જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે, આપણે બાઇબલમાંથી “નવાં આકાશ અને નવી પૃથ્વી” વિષેની ચાર ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરી, એમાંથી આપણે કેટલું બધુ શીખી શક્યા છીએ. (યશાયાહ ૬૫:૧૭; ૬૬:૨૨; ૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૧) ખરેખર, તમે દરરોજ બાઇબલનું વાંચન કરશો તો, ઘણું જ શીખી શકશો. શું તમે એમ જ કરો છો? તમે એમ ન કરતા હો તો, તમે કયા ફેરફારો કરી શકો, જેથી તમે પરમેશ્વર જે કહેવા ચાહે છે, એ દરરોજ વાંચી શકો? તમે જલદી જ જોઈ શકશો કે, નવી દુનિયામાં આશીર્વાદોનો આનંદ માણવાની તમારી આશા દૃઢ થશે. પરંતુ, ગીતકર્તાની જેમ, હમણાં પણ જીવનમાં તમારો આનંદ વધતો જ જશે.—ગીતશાસ્ત્ર ૧:૧, ૨.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, ઇન્સાઇટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૯૦૬ જુઓ.

તમારો જવાબ શું છે?

યશાયાહ ૬૬:૨૨-૨૪ હજુ ભાવિમાં પૂરું થશે. શા માટે?

યશાયાહ ૬૬:૨૨-૨૪ અને યશાયાહ ૬૫:૨૦-૨૫માંથી તમે શાની આતુરતાથી રાહ જુઓ છો?

• તમે શા માટે સુંદર ભાવિની આશા રાખો છો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્રો]

યશાયાહ, પીતર અને યોહાને “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે ભાખ્યું