દુષ્ટો માટે હજુ કેટલો સમય?
દુષ્ટો માટે હજુ કેટલો સમય?
“દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તું [યહોવાહ] કેમ છાનો રહે છે?”—હબાક્કૂક ૧:૧૩.
૧. પૃથ્વી ક્યારે યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે?
શું યહોવાહ કદી પણ દુષ્ટ લોકોનો નાશ કરશે? જો કરવાના હોય તો, આપણે ક્યાં સુધી રાહ જોવી પડશે? આખી પૃથ્વી પર લોકો આવા જ પ્રશ્નો પૂછી રહ્યા છે. આપણને એના જવાબ ક્યાંથી મળી શકે? દેવનો નિયુક્ત સમય જાણવા આપણે દેવના શબ્દ, બાઇબલમાં તપાસ કરી શકીએ. એ આપણને ખાતરી આપે છે કે યહોવાહ જલદી જ સર્વ દુષ્ટ લોકોનો અંત લાવશે. એ પછી જ પૃથ્વી હબાક્કૂક ૨:૧૪માંના પ્રબોધકીય વચન જેવી થશે: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાહના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.”
૨. દેવના કયા ત્રણ ન્યાયદંડ વિષે હબાક્કૂક જણાવે છે?
૨ હબાક્કૂકનું પુસ્તક લગભગ ૬૨૮ બી.સી.ઈ.માં લખવામાં આવ્યું. એમાં યહોવાહ જે ત્રણ ન્યાયદંડ લાવવાના હતા, એના વિષે જોવા મળે છે. એમાંના બે તો આવી ચૂક્યા છે. યહોવાહે પહેલા ન્યાયદંડનો અમલ પ્રાચીન યહુદાહના ધર્મભ્રષ્ટ રાષ્ટ્ર વિરુદ્ધ કર્યો. બીજા વિષે શું? દેવનો એ ન્યાયદંડ જુલમી બાબેલોન વિરુદ્ધ હતો. તેથી, આપણે પૂરેપૂરો ભરોસો રાખી શકીએ કે દેવનો ત્રીજો ન્યાયદંડ પણ જરૂર આવશે. ખરું જોતા, એ જલદી જ આવવાની આપણે આશા રાખી શકીએ. આ છેલ્લા દિવસોમાં, ન્યાયીઓ માટે, દેવ સર્વ દુષ્ટોનો નાશ કરશે. એ ઝડપથી આવી રહેલા ‘સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈના’ સમયે થશે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.
૩. જલદી જ દુષ્ટોનું શું થશે?
૩ દેવના મહાન દિવસની લડાઈ દરરોજ નજદીક આવતી જાય છે. યહુદાહ અને બાબેલોન વિરુદ્ધ પૂરા થયેલા ન્યાયદંડની જેમ જ, આપણા સમયમાં પણ દુષ્ટોનો ન્યાય કરવામાં આવશે, એની આપણે પૂરેપૂરી ખાતરી રાખી શકીએ. હવે કલ્પના કરો કે તમે હબાક્કૂકના સમયમાં જીવી રહ્યા છો, અને જુઓ કે યહુદાહમાં શું બની રહ્યું છે.
યહુદાહની ખરાબ હાલત
૪. હબાક્કૂકને આઘાત પમાડતા કયા સમાચાર મળે છે?
૪ કલ્પના કરો કે યહોવાહના પ્રબોધક હબાક્કૂક ધાબા પર બેઠા છે, તે સાંજની ઠંડી હવાનો આનંદ માણી રહ્યા છે. તેમની પાસે વીણા છે. (હબાક્કૂક ૧:૧; ૩:૧૯, નિમ્ન-લખાણ) પરંતુ, હબાક્કૂકને આઘાત પમાડતા સમાચાર મળે છે. યહુદાહના રાજા યહોયાકીમે ઉરીયાહને મારી નાખ્યો છે અને એ પ્રબોધકના શબને સામાન્ય લોકોની કબરમાં નાખી દીધું. (યિર્મેયાહ ૨૬:૨૩) ખરું કે ઉરીયાહે યહોવાહમાં ભરોસો રાખ્યો નહિ, અને બીકનો માર્યો મિસર નાસી છૂટ્યો હતો. છતાં, હબાક્કૂકને એ પણ ખબર હતી કે યહોયાકીમ ઉરીયાહને મારી નાખીને કંઈ યહોવાહને માન આપતો ન હતો. એ દેખીતું હતું, કેમ કે યહોયાકીમને યહોવાહના નિયમોની કંઈ પડી ન હતી. વળી, તેને પ્રબોધક યિર્મેયાહ અને યહોવાહના સેવકો જરાય ગમતા ન હતા.
૫. યહુદાહની હાલત કેવી હતી, અને હબાક્કૂક પર એની કેવી અસર થાય છે?
૫ હબાક્કૂક આસપાસનાં ઘરોના ધાબા પરથી ઊંચે ચડતા ધૂપના ધુમાડા જુએ છે. લોકો આ ધૂપ કંઈ યહોવાહને ચડાવતા ન હતા. તેઓ યહુદાહના દુષ્ટ રાજા યહોયાકીમને પગલે ચાલીને જૂઠા દેવોની ઉપાસના કરતા હતા. કેવું શરમજનક! આ બધુ જોઈને હબાક્કૂકની આંખોમાં આંસુ આવી ગયા, અને તે યહોવાહને કાલાવાલા કરે છે: “હે યહોવાહ, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તું સાંભળશે નહિ? હું જોરજુલમ વિષે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે, ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમકે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે; કજિયા થાય છે, ને ટંટા ઊઠે છે. તે માટે કાયદા અમલમાં આવતા નથી, અને વળી કદી અદલ ઈન્સાફ મળતો નથી; કેમકે સદાચારીઓને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી ઈન્સાફ ઊંધો વળે છે.”—હબાક્કૂક ૧:૨-૪.
૬. યહુદાહમાં કાયદા અને ઈન્સાફનું શું થયું છે?
૬ હા, ચારે બાજુ લૂંટફાટ અને હિંસા છે. હબાક્કૂક જ્યાં જુએ છે ત્યાં તેને જોરજુલમ, ભ્રષ્ટાચાર અને કજિયા જોવા મળે છે. “કાયદા અમલમાં આવતા નથી.” વળી, ન્યાય વિષે શું? “કદી અદલ ઈન્સાફ મળતો નથી”! કદી એની જીત થતી નથી. એને બદલે, નિર્દોષ લોકોના રક્ષણ માટે બનાવેલા નિયમોમાં કાળા-ધોળા કરી, “સદાચારીઓને દુષ્ટોએ ઘેરી લીધા છે.” ખરેખર, “ઈન્સાફ ઊંધો વળે છે.” એ ભ્રષ્ટ થયો છે. કેવી દુઃખદ હાલત!
૭. હબાક્કૂક શું કરવાનો નિર્ણય કરે છે?
૭ હબાક્કૂક આ હાલત પર વિચાર કરે છે. શું તે હિંમત હારી જશે? ના! દેવના અગાઉના વિશ્વાસુ સેવકોની થયેલી સતાવણીનો તે વિચાર કરે છે. પછી, દેવના આ પ્રબોધક વફાદાર અને મક્કમ રહેવાનો નિર્ણય કરે છે. ભલે મોત આવે તો પણ, હબાક્કૂકે દેવનો સંદેશો જાહેર કરતા રહેવાનો નિર્ણય કર્યો.
યહોવાહનું “કાર્ય”
૮, ૯. યહોવાહ કયું “કાર્ય” કરવાના છે?
૮ હબાક્કૂક સંદર્શનમાં દેવનું અપમાન કરનારા જૂઠા ધાર્મિક લોકો જુએ છે. યહોવાહ તેઓને જે કહે છે, એ સાંભળો: “તમે વિદેશીઓમાં જુઓ, ને લક્ષ આપો, ને અતિશય વિસ્મય પામો.” દેવે એ દુષ્ટો સાથે આ રીતે વાત કરી, એનાથી હબાક્કૂકને નવાઈ લાગી હોય શકે. પછી હબાક્કૂકે સાંભળ્યું કે, યહોવાહ તેઓને શું કહે છે: “હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું, કે જે તમને કહેવામાં આવશે તો પણ તમે તે માનશો નહિ.” (હબાક્કૂક ૧:૫) ખરું જોતા, યહોવાહ પોતે એવું કાર્ય કરવાના છે, જે તેઓ માની શકશે નહિ. પરંતુ એ કાર્ય શું છે?
૯ દેવના શબ્દોને હબાક્કૂક બહુ ધ્યાનથી સાંભળે છે, જે હબાક્કૂક ૧:૬-૧૧માં નોંધેલા છે. આ યહોવાહના શબ્દો છે, અને કોઈ જૂઠો દેવ કે મૂર્તિ એને પૂરા થતા રોકી શકે નહિ: “જુઓ, ખાલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે, તેમને હું ઊભા કરૂં છું; તેઓ બીજાઓનાં રહેઠાણોના માલિક થવા સારૂ પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી સવારી કરે છે. તેઓ ભયંકર તથા બીહામણા છે; તેઓનો ન્યાય તથા તેઓની પ્રતિષ્ઠા તેઓમાંથી જ નીકળે છે. તેમના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતાં વધારે જલદ છે, ને સાંજે ફરતાં વરૂઓ કરતાં અધિક વિકરાળ છે; અને તેમના ઘોડેસ્વારો સર્વત્ર દોડાદોડ કરે છે; હા, તેમના સવારો દૂરથી આવે છે; ઝડપથી ઊડતા ગરૂડની પેઠે ભક્ષ કરવાને તેઓ દોડે છે. તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે; તેમના ચહેરા પૂર્વ તરફ જવાને તલપી રહ્યા છે; અને તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે. હા, તે રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે; દરેક કિલ્લાની તે હાંસી કરે છે; કેમકે ધૂળના ઢગલા કરીને તે તેને લઈ લે છે. પછીથી પવનની પેઠે તે ધસી જશે.” “તેઓનો અપરાધ ઘણો ગંભીર છે, કારણ કે તેઓ દાવો કરે છે કે તેઓના દેવો તરફથી તેઓને બળ મળે છે.”—ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયા દ્વારા પ્રકાશિત બાઇબલ.
૧૦. યહોવાહ કોને ઊભા કરે છે?
૧૦ સર્વોપરી દેવ પાસેથી આ કેવી પ્રબોધકીય ચેતવણી! યહોવાહ બાબેલોનના ક્રૂર, ખાલદીઓને ઊભા કરે છે. “પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા” સુધીની એની સવારીમાં, તે ઘણા રહેઠાણો પર જીત મેળવશે. ખરેખર, ખાલદીઓનું ધાડું ‘ભયંકર તથા બીહામણું’ છે. તેઓ પોતાના કડક કાયદા બનાવે છે. ‘તેઓનો ન્યાય તેઓમાંથી જ નીકળે છે.’
૧૧. યહુદાહ વિરુદ્ધ આવનાર બાબેલોનની સેનાનું વર્ણન કરો.
૧૧ બાબેલોનના ઘોડાઓ ચિત્તા કરતાં પણ વેગીલા છે. એના ઘોડેસવારો ભૂખ્યા વરૂ કરતાં, વધારે ક્રૂર અને હિંસક છે. અધીરા બનીને, “તેમના ઘોડેસ્વારો સર્વત્ર દોડાદોડ કરે છે.” દૂર બાબેલોનથી તેઓ યહુદાહ તરફ ઝડપથી આવે છે. ખોરાક તરફ ઝડપથી ઊડતા ગરૂડની પેઠે, ખાલદીઓ જલદી જ પોતાના શિકાર પર તરાપ મારશે. પરંતુ, શું કંઈ બે-ચાર સૈનિકો જ ધાડ પાડવા આવે છે? ના! “તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે,” એટલે કે મોટા સૈન્ય સાથે પૂરેપૂરો વિનાશ કરવા આવે છે. તેઓના ચહેરાઓ અધીરા થઈ ગયા છે. તેઓ પૂર્વમાંથી ઝડપથી આવતા પવનની જેમ, યહુદાહ અને યરૂશાલેમ તરફ આવી રહ્યા છે. બાબેલોનની સેના “રેતીના કણ જેટલા કેદીઓ” પકડી જાય છે.
૧૨. બાબેલોનીઓ કઈ રીતે વર્તે છે, અને શા માટે તેઓ “ગુનેગાર ઠરશે”?
૧૨ ખાલદીઓનું સૈન્ય રાજાઓની મશ્કરી કરે છે અને તેના સરદારો પર હસે છે, જેઓ સર્વ તેઓની ચડાઈ અટકાવી શકે એમ નથી. “દરેક કિલ્લાની તે હાંસી કરે છે” કેમ કે બાબેલોનીઓ જ્યારે “ધૂળના ઢગલા કરીને” ચડાઈ કરે, ત્યારે તેઓ દરેક કિલ્લાઓ જીતી લે છે. યહોવાહના સમયે, આ ક્રૂર દુશ્મનો ‘પવનની પેઠે ધસી જશે.’ તેઓ “ગુનેગાર ઠરશે” કેમ કે તેઓ દેવના લોકોનો નાશ કરવા યહુદાહ અને યરૂશાલેમ પર હુમલો કરે છે. વંટોળિયાની ઝડપે જીત મેળવીને, ખાલદીઓનો સરદાર બડાઈ હાંકશે કે, ‘અમારો દેવ અમને બળ આપે છે.’ પરંતુ તેને ખરેખર કંઈ જ ખબર નથી!
આશા માટે દૃઢ પાયો
૧૩. શા માટે હબાક્કૂકની આશા દૃઢ થાય છે?
૧૩ યહોવાહનો હેતુ સમજવાથી, હબાક્કૂકના હૃદયમાં આશા વધે છે. પૂરેપૂરા ભરોસાથી, તે યહોવાહને પ્રાર્થના કરતા કહે છે: “હે મારા દેવ યહોવાહ, મારા પવિત્ર દેવ, શું તું અનાદિકાળથી નથી?” (હબાક્કૂક ૧:૧૨) ખરેખર, યહોવાહ “અનાદિકાળથી તે અનંતકાળ સુધી,” હંમેશના માટે પરમેશ્વર છે.—ગીતશાસ્ત્ર ૯૦:૧, ૨.
૧૪. યહુદાહના ધર્મભ્રષ્ટોએ કેવું વર્તન બતાવ્યું?
૧૪ દેવે આપેલા સંદર્શન માટે હબાક્કૂક ઘણા આભારી છે. એની સમજણથી આનંદિત થઈને, તે કહે છે: “હે યહોવાહ, તેં શિક્ષાને સારૂ તેને નિર્માણ કર્યો છે; અને હે મારા ખડક, તેં શિખામણને સારૂ તેને સ્થાપ્યો છે.” યહોવાહે ધર્મભ્રષ્ટ યહુદાહને સજા કરવાનું નક્કી કર્યું છે, અને તેઓ ઠપકો, હા, સખત શિક્ષા ભોગવશે. તેઓએ તો યહોવાહની નજીક રહીને, સાચા ખડક, આશ્રય અને તારણ માટે યહોવાહમાં ભરોસો રાખવાનો હતો. (ગીતશાસ્ત્ર ૬૨:૭; ૯૪:૨૨; ૯૫:૧) પરંતુ, તેઓ દેવથી દૂર જતા રહ્યા, અને એટલું પૂરતું ન હોય તેમ, યહોવાહના નિર્દોષ ઉપાસકો પર જુલમ કરતા રહ્યા.
૧૫. કયા અર્થમાં યહોવાહની ‘આંખો એવી પવિત્ર છે કે, તે દુષ્ટતાને જોઈ શકતા નથી’?
૧૫ યહોવાહના પ્રબોધકને એ જોઈને ઘણું દુઃખ થાય છે. તેથી, તે કહે છે: “તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતો નથી.” (હબાક્કૂક ૧:૧૩) હા, યહોવાહની ‘આંખો એવી પવિત્ર છે કે તે દુષ્ટતાને જોઈ શકતા નથી,’ એટલે કે તે ખોટું સહન કરી શકતા નથી.
૧૬. હબાક્કૂક ૧:૧૩-૧૭નું ટૂંકમાં વર્ણન કરો.
૧૬ તેથી, હબાક્કૂકના મનમાં આવા પ્રશ્નો ઊભા થાય છે: “તું એવો છતાં કપટીઓને કેમ દેખી ખમે છે, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તું કેમ છાનો રહે છે? સમુદ્રનાં માછલાંના જેવા, તથા જેમને માથે કોઈ અધિકારી નથી એવાં પેટે ચાલનારાં પ્રાણીઓ જેવા તું માણસોના હાલ કેમ કરે છે? તેઓ સર્વને તે ગલથી ઊંચકી લે છે, તે તેઓને પોતાની જાળમાં પકડીને મોટી જાળમાં ભેગાં કરે છે; તેથી તે હરખાય છે ને આનંદ કરે છે. તે માટે તે પોતાની જાળમાં બલિદાન આપે છે, ને પોતાની મોટી જાળની આગળ ધૂપ બાળે છે; કેમકે તેમના વડે તેનો હિસ્સો મોટો હોય છે, તથા તેને પુષ્કળ ખોરાક મળે છે. એથી તે પોતાની જાળ ખાલી કરશે શું, ને પ્રજાઓનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?”—હબાક્કૂક ૧:૧૩-૧૭.
૧૭. (ક) યહુદાહ અને યરૂશાલેમ પર હુમલો કરીને ખાલદીઓ કઈ રીતે દેવનો હેતુ પૂરો કરી રહ્યા છે? (ખ) યહોવાહ દેવ હબાક્કૂકને શું બતાવશે?
૧૭ યહુદાહ અને એના પાટનગર, યરૂશાલેમ પર હુમલો કરીને ખાલદીઓ પોતાની ઇચ્છા અનુસાર વર્તશે. પરંતુ, તેઓ જાણશે નહિ કે દેવ અવિશ્વાસુ લોકો પર પોતાનો ન્યાયદંડ લાવવા તેઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી, હબાક્કૂક મૂંઝવણમાં છે એ સમજી શકાય. તેમને થાય છે કે, યહોવાહ દેવ દંડ લાવવા શા માટે ક્રૂર અને નિર્દયી બાબેલોનનો ઉપયોગ કરશે? એ ક્રૂર ખાલદીઓ કંઈ યહોવાહના ભક્તો નથી. તેઓ તો મનુષ્યોને ‘માછલાં અને પેટે ચાલનારાં પ્રાણીઓ’ જેવા ગણે છે, જેઓને પકડીને મન ફાવે તેમ નચાવી શકાય. પરંતુ, હબાક્કૂકને જલદી જ જવાબ મળે છે. યહોવાહ પોતાના પ્રબોધકને બતાવશે કે તે બાબેલોનને તેની લૂંટફાટ અને ભયંકર વિનાશને લીધે શિક્ષા કર્યા વગર રહેશે નહિ.—હબાક્કૂક ૨:૮.
હબાક્કૂક વધુ જાણવા આતુર
૧૮. હબાક્કૂક ૨:૧ પ્રમાણે, આપણે હબાક્કૂક પાસેથી શું શીખી શકીએ?
૧૮ જોકે, હબાક્કૂક યહોવાહ દેવ પાસેથી વધુ જાણવાની આતુરતાથી રાહ જુએ છે. તે હિંમતથી જણાવે છે: “હું મારી ચોકી પર ઊભો રહીશ, ને બુરજ પર ખડો રહીને જોયાં કરીશ કે તે મારી સાથે શું બોલે છે, ને મારી દાદનો મને શો ઉત્તર આપે છે.” (હબાક્કૂક ૨:૧) પ્રબોધક તરીકે, હબાક્કૂક એ જાણવા ખૂબ જ આતુર છે કે, યહોવાહ તેમના દ્વારા હજુ શું જણાવશે. હબાક્કૂકને વિશ્વાસ છે કે, યહોવાહ જરાય દુષ્ટતા ચલાવી નહિ લે. તેથી, તેમને નવાઈ લાગે છે કે, જ્યાં જુઓ ત્યાં દુષ્ટતા કેમ જોવા મળે છે, પણ તે પોતાના વિચારોમાં ફેરબદલ કરવા તૈયાર છે. આપણા વિષે શું? આપણને પણ અમુક દુષ્ટ બાબતો જોઈને આશ્ચર્ય થાય કે, શા માટે દેવ એ ચાલવા દે છે. પરંતુ, યહોવાહના ન્યાયમાં આપણને ભરોસો હોવો જોઈએ. એ ભરોસો આપણને ધીરજ રાખીને, તેમની રાહ જોવા મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૪૨:૫, ૧૧.
૧૯. યહોવાહે હબાક્કૂકને કહ્યું હતું તેમ, ધર્મભ્રષ્ટ યહુદીઓનું શું થયું?
૧૯ યહોવાહે હબાક્કૂકને જણાવેલા શબ્દો ૬૦૭ બી.સી.ઈ.માં પૂરા થયા. બાબેલોને યહુદાહ પર ચઢાઈ કરી, અને એ ધર્મભ્રષ્ટ રાષ્ટ્ર પર યહોવાહનો ન્યાયદંડ આવ્યો. બાબેલોનના લશ્કરે યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કર્યો, નાના-મોટા જે હાથમાં આવ્યા તેઓને મારી નાખ્યા. તેમ જ, ઘણાને બંદીવાસમાં લઈ ગયા. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૦) બાબેલોનમાં લાંબો સમય બંદીવાન તરીકે રહ્યા પછી, વિશ્વાસુ યહુદીઓમાંના બાકી રહેલા વતનમાં પાછા આવ્યા, અને તેઓએ ફરીથી મંદિર બાંધ્યું. જોકે, યહુદીઓએ ફરીથી યહોવાહ સાથે બેવફાઈ કરી. ખાસ કરીને, તેઓએ ઈસુને મસીહ તરીકે નકારી કાઢ્યા.
૨૦. ઈસુનો નકાર થયો એ વિષે, પાઊલે હબાક્કૂક ૧:પ કઈ રીતે ટાંક્યું?
૨૦ પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૮-૪૧ પ્રમાણે, પ્રેરિત પાઊલે અંત્યોખના યહુદીઓને બતાવ્યું કે, ઈસુનો તિરસ્કાર કરવાનો અને તેમના ખંડણી બલિદાનનો નકાર કરવાનો શું અર્થ થાય છે. ગ્રીક સેપ્ટ્યુઆજીંટ ભાષાંતરમાંથી હબાક્કૂક ૧:૫ ટાંકતા, પાઊલે ચેતવણી આપી: “સાવધ રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે, કે ‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને અચરત થાઓ, અને નાશ પામો; કેમકે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’” પાઊલે હબાક્કૂક ૧:૫માંથી ટાંક્યા પ્રમાણે, એની બીજી પરિપૂર્ણતા ૭૦ સી.ઈ.માં થઈ. એ સમયે, રૂમી સૈન્યે યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કર્યો.
૨૧. યરૂશાલેમનો વિનાશ કરવા દેવ બાબેલોનનો ઉપયોગ કરશે, એવું યહુદીઓ શા માટે માની શકતા ન હતા?
૨૧ હબાક્કૂકના સમયના યહુદીઓ વિચારી પણ શકતા ન હતા કે, દેવ યરૂશાલેમનો વિનાશ કરવાના ‘કાર્યમાં’ બાબેલોનનો ઉપયોગ કરશે. તેઓને લાગ્યું હશે કે, એ તો યહોવાહની ઉપાસનાનું મુખ્ય સ્થળ છે, ત્યાં તેમના નિયુક્ત રાજા ગાદીએ બેસશે. (ગીતશાસ્ત્ર ૧૩૨:૧૧-૧૮) આ રીતે યરૂશાલેમનો અગાઉ કદી પણ નાશ થયો ન હતો. એના મંદિરને કદી બાળવામાં આવ્યું ન હતું. દાઊદના રાજને કદી પણ ઉથલાવી પાડવામાં આવ્યું ન હતું. યહોવાહ આમ થવા દે, એ માની જ કેમ શકાય? પરંતુ, હબાક્કૂક દ્વારા દેવે સ્પષ્ટ ચેતવણી આપી કે, એ બનાવો જરૂર બનશે. ઇતિહાસ પુરવાર કરે છે કે ભાખ્યા પ્રમાણે જ બન્યું.
આજે યહોવાહનાં “કાર્ય”
૨૨. આજે માની ન શકાય એવું કયું “કાર્ય” યહોવાહ કરવાના છે?
૨૨ શું યહોવાહ આજે પણ એવાં “કાર્ય” કરવાના છે? ભલે લોકો માને કે ન માને, પણ તે જરૂર કરશે. આપણા સમયમાં, માની ન શકાય એવું યહોવાહનું કાર્ય, ખ્રિસ્તીરાષ્ટ્રનો વિનાશ હશે. પ્રાચીન યહુદાહની જેમ, તે દેવની ઉપાસના કરવાનો દાવો તો કરે છે, પણ એ એકદમ ભ્રષ્ટ બની ગયું છે. યહોવાહ જલદી જ ખ્રિસ્તીરાષ્ટ્રનો એવી રીતે નાશ કરશે કે, એનું નામનિશાન નહિ રહે. તેમ જ, સર્વ જૂઠા ધર્મોનું “મહાન બાબેલોન” પણ એવી જ રીતે નાશ પામશે.—પ્રકટીકરણ ૧૮:૧-૨૪.
૨૩. હવે દેવનો પવિત્ર આત્મા હબાક્કૂકને શું કરવા પ્રેરે છે?
૨૩ યરૂશાલેમનો ૬૦૭ બી.સી.ઈ.માં નાશ કરે એ પહેલાં, યહોવાહ હબાક્કૂકને ઘણું કામ સોંપવાના હતા. દેવ પોતાના પ્રબોધકને હજુ શું કહેવાના હતા? હા, એ એવું કંઈક હતું જે સાંભળીને હબાક્કૂક પોતાની વીણા લઈને પ્રાર્થનામાં ગીત ગાવા પ્રેરાય છે. પરંતુ, એ પહેલાં દેવનો પવિત્ર આત્મા હબાક્કૂકને અમુક ન્યાયચુકાદાઓ જાહેર કરવા પ્રેરે છે. ખરેખર, દેવના નક્કી કરેલા સમય માટેના આવા પ્રબોધકીય સંદેશાનો અર્થ અને એની સમજણ મેળવવાથી આપણને જ લાભ થશે. તેથી, ચાલો હવે આપણે હબાક્કૂકની ભવિષ્યવાણી આગળ તપાસીએ.
તમને યાદ છે?
• હબાક્કૂકના સમયમાં યહુદાહની હાલત કેવી હતી?
• યહોવાહે હબાક્કૂકના સમયમાં કયું “કાર્ય” કર્યું?
• હબાક્કૂકની આશા શાના પર આધારિત હતી?
• આપણા દિવસમાં યહોવાહ કયું “કાર્ય” કરશે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૯ પર ચિત્ર]
હબાક્કૂકની જેમ, શું તમને પણ એવું લાગે છે કે, શા માટે દેવ દુષ્ટતા ચાલવા દે છે?
[પાન ૧૦ પર ચિત્ર]
બાબેલોન દ્વારા યહુદાહ પર આવનારા વિનાશ વિષે હબાક્કૂકે ભાખ્યું
[પાન ૧૦ પર ચિત્ર]
યરૂશાલેમનો ૬૦૭ બી.સી.ઈ.માં વિનાશ થયો, એનું ખંડેર