મુખ્ય વિષય | કુટુંબને ખુશીઓથી ભરી દઈએ
કુટુંબમાં ઝઘડા—શા માટે થાય છે?
ઘાનામાં રહેતાં સારાહ * અને જેકબના લગ્નને ૧૭ વર્ષ થયા છે. સારાહ જણાવે છે: “અમારા વચ્ચે મોટા ભાગે પૈસાને લીધે ઝઘડા થાય છે. કુટુંબની કાળજી રાખવા હું ખૂબ મહેનત કરું છું. પણ, મારા પતિ પૈસા વિશે મારી જોડે ક્યારેય વાત નથી કરતા. એટલે, મને ગુસ્સો આવી જાય છે અને અઠવાડિયાઓ સુધી અમે એકબીજા સાથે બોલતા નથી.”
જેકબ કહે છે: “હા, અમુક વાર અમે એકબીજા સાથે ગુસ્સામાં વાત કરીએ છીએ. મોટા ભાગે ગેરસમજ અને દિલ ખોલીને વાતચીત ન કરતા હોવાથી એવું બને છે. અમુક વાર સંજોગોને લઈને વધુ પડતા લાગણીશીલ બની જવાથી પણ ઝઘડો થાય છે.”
ભારતમાં રહેતા નાથાનના હમણાં જ લગ્ન થયા છે. એકવાર, તેમનાં સાસુ-સસરા વચ્ચે ઝઘડો થયો. તે કહે છે: ‘મારાં સાસુને એટલું ખોટું લાગ્યું કે તે ઘર છોડીને જતાં રહ્યાં. મેં સસરાને ગુસ્સે થવાનું કારણ પૂછ્યું ત્યારે, તેમને લાગ્યું કે હું તેમનું અપમાન કરી રહ્યો છું. એ પછી, તે અમારા બધા પર ગુસ્સે ભરાયા.’
તમે કદાચ જોયું હશે કે ખોટા સમયે ખોટા શબ્દો બોલવાથી કુટુંબમાં ઝઘડા થાય છે. શાંતિથી શરૂ કરેલી વાત પણ મિનિટોમાં ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે. દર વખતે પ્રસંગને અનુસાર યોગ્ય શબ્દો બોલવા એ કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી. તેથી, બની શકે કે બીજાઓના શબ્દો કે ઇરાદાનો આપણે ખોટો અર્થ કરી બેસીએ. તેમ છતાં, સંબંધોમાં શાંતિ અને મીઠાશ લાવવી શક્ય છે.
બોલાચાલી થાય ત્યારે તમે શું કરી શકો? કુટુંબનો માહોલ ફરી શાંત બનાવવા તમે કેવાં પગલાં ભરી શકો? બધા કઈ રીતે કુટુંબમાં શાંતિ જાળવી શકીએ? ચાલો, એ વિશે હવે પછીના લેખમાં જોઈએ. (g૧૫-E ૧૨)
^ ફકરો. 3 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.